Tuesday, February 10, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeપયગામમાનવ નિર્માણની પ્રક્રિયા: શરીર, રૂહ અને નફસ

માનવ નિર્માણની પ્રક્રિયા: શરીર, રૂહ અને નફસ

શું રમઝાન માત્ર ભૂખ્યા રહેવાનો મહિનો છે? માનવ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ અને આત્મનિરીક્ષણ વિશેનો આ સુંદર લેખ જરૂર વાંચજો.

કોઈ પણ મહેલ કે ઇમારતના નિર્માણમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુનો મૂળ સ્ત્રોત પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માટી જ હોય છે. માટીના વિવિધ સ્વરૂપોને યોગ્ય રીતે ભેગા કરી જેમ સુંદર અને મજબૂત ઇમારત ઊભી કરી શકાય છે, તેવી જ રીતે વ્યક્તિત્વનું નિર્માણ પણ શક્ય છે.

માણસ માટીમાંથી ઉત્પન્ન થયેલ એક અસ્તિત્વ છે, જેને અલ્લાહે રૂહ ફૂંકીને જ્ઞાન અને કર્મની ક્ષમતા અર્પી છે અને સૃષ્ટિમાં તેને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. શરીરનું નિર્માણ માટીથી થાય છે અને રૂહનું અવતરણ ઉપરથી (આકાશી) થાય છે. આ રૂહ અને શરીરથી બનેલા અસ્તિત્વને ‘નફસ’ (જાન/વૃત્તિ) આપવામાં આવી છે, જેના ત્રણ પ્રકાર છે: ૧. નફસે અમ્મારા ૨. નફસે લવ્વામા ૩. નફસે મુતમઈન્ના

નફસે અમ્મારા માણસને ભૌતિકતા અને પશુવૃત્તિઓ તરફ ખેંચે છે. નફસે લવ્વામા માણસને ચેતવે છે કે શું સાચું છે અને શું ખોટું. જ્યારે નફસે મુતમઈન્ના ખૈર અને ભલાઈ તરફ આગળ વધવા પ્રેરિત કરે છે. હવે આ બધું વ્યક્તિના પસંદગીના અધિકાર પર નિર્ભર છે કે તે પોતાના આંતરમનમાંથી ઉદ્ભવતા કયા અવાજને સાંભળે છે અને તેના મુજબ વર્તે છે. માણસ જે નફસને પોષે છે, અંતે તે જ નફસ વધુ મજબૂત બને છે.

વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. સર્વાંગી વિકાસ માટે દરેક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જેમ એક વિદ્યાર્થીને ત્યારે જ સફળ કહેવાય જ્યારે તે દરેક વિષયમાં પાસ થયો હોય. શક્ય છે કે કોઈ એક વિષયમાં વધારે ગુણ મળ્યા હોય, પરંતુ દરેક વિષયમાં પાસ થવું અનિવાર્ય છે.

આ જ રીતે વ્યક્તિના વ્યક્તિત્વમાં બૌદ્ધિક અને વૈચારિક, આધ્યાત્મિક અને નૈતિક, ભૌતિક અને ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક – આ તમામ પાસાઓ સામેલ છે. આ તમામ પાસાઓ વચ્ચેનું સંતુલન જ વ્યક્તિને પૂર્ણતા તરફ લઈ જાય છે. સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ વ્યક્તિ બૌદ્ધિક રીતે ખૂબ સમૃદ્ધ હોય છે, પરંતુ નૈતિક અને આધ્યાત્મિક રીતે નબળી હોય છે; તો બીજી તરફ કેટલીક વ્યક્તિઓમાં આ સ્થિતિ ઉલટી પણ હોય છે. એ જ રીતે કોઈ ભૌતિક રીતે સબળ હોય છે, પરંતુ ધાર્મિક કે સામાજિક રીતે કમજોર હોય છે.

આપણી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાઓ જે પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે, તેમાં મૂળભૂત ફેરફાર કરવાની તીવ્ર જરૂર છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કેવી રીતે શક્ય બનશે?

તેના જવાબરૂપે આપણા પાલનહારે એક સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે, જેને અનુસરીને માણસ પોતાનું ઇચ્છિત સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ વ્યવસ્થા આપણને કુઆર્ન અને હદીસ (સુન્નત) ના સ્વરૂપમાં મળે છે.

કુઆર્ન એક દિવ્ય ગ્રંથ છે, જે કિયામત સુધીના તમામ માનવો માટે પ્રમાણિક માર્ગદર્શન છે. તે માનવીય હસ્તક્ષેપથી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પવિત્ર છે. દુનિયામાં ધાર્મિક કે વૈજ્ઞાનિક વિષયોના અનેક ગ્રંથો છે, પરંતુ કોઈ પણ ગ્રંથ માટે સંપૂર્ણ, અંતિમ અને ક્ષતિરહિત હોવાનો દાવો કરી શકાતો નથી. જ્યારે કુઆર્ન એ એકમાત્ર કિતાબ છે જે માત્ર દાવો જ નથી કરતી, પરંતુ પોતાની વાસ્તવિકતા પુરવાર પણ કરે છે. આજે સમગ્ર વિશ્વમાં કુઆર્નના લાખો પ્રકાશનો ઉપલબ્ધ છે, છતાં કોઈ એક આવૃત્તિમાં પણ કોઈ જ ફરક દર્શાવી શકાયો નથી.

કુઆર્નનો મહિમા અને ઊંચાઈનો અંદાજ એથી પણ લગાવી શકાય કે તેના અવતરણ પહેલાં દુનિયાની સ્થિતિ શું હતી અને અવતરણ પછી વિવિધ ક્ષેત્રોમાં કેવું ઐતિહાસિક પરિવર્તન આવ્યું. નિષ્પક્ષ દૃષ્ટિથી જોવામાં આવે તો હકીકત આપમેળે સ્પષ્ટ થઈ જાય છે. માનવ ઇતિહાસમાં વિજ્ઞાનની પ્રગતિમાં મુસ્લિમ વૈજ્ઞાનિકોના યોગદાનને અવગણી શકાય તેમ નથી.

આ પ્રગતિનું મુખ્ય કારણ એ છે કે કુઆર્ને બુદ્ધિના ઉપયોગ પર ભાર મૂક્યો છે. કુઆર્ન માણસને સૃષ્ટિમાં વિચાર કરવા, તપાસવા, પરખવા અને સમીક્ષા કરવા પ્રેરિત કરે છે. જ્યારે અન્ય ધર્મોમાં ઘણીવાર અંધશ્રદ્ધાને પણ સ્થાન આપવામાં આવ્યું છે અથવા ધર્મને બુદ્ધિથી પર વસ્તુ માનવામાં આવી છે.

અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે:

“આમને પૂછો, શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા બંને ક્યારેય સમાન હોઈ શકે છે? બોધ તો સમજદાર લોકો જ ગ્રહણ કરે છે.” (સૂરહ ઝુમર: ૯)

“ધરતી અને આકાશોની રચનામાં અને રાત તથા દિવસના વારાફરતી આવવામાં બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે.” (સૂરહ આલે-ઇમરાન: ૧૯૦)

“આ એક ઘણો બરકતવાળો ગ્રંથ છે, જે (હે પયગંબર!) અમે તમારા તરફ અવતરિત કર્યો છે જેથી આ લોકો તેની આયતો પર વિચારે અને બુદ્ધિ તથા સમજ રાખવાવાળા લોકો તેનાથી બોધ ગ્રહણ કરે.” (સૂરહ સાદ: ૨૯)

કુઆર્ન માણસને એવી વાસ્તવિકતા તરફ દોરી જાય છે, જેના વગર વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય નથી. આજે ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે જે ખાઈ ઊભી થઈ છે, તેનું મૂળ કારણ પણ આ જ છે. કુઆર્ન આ ટકરાવને સ્પર્ધા તરીકે નહીં, પરંતુ એકબીજાના પૂરક રૂપે રજૂ કરે છે.

રમઝાન એ એવો અવસર છે, જ્યાં માણસ પોતાના નફસનો મુહાસિબો (આત્મનિરીક્ષણ) કરીને સંતુલિત અને સર્વાંગી વ્યક્તિત્વના નિર્માણ તરફ આગળ વધી શકે છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments