દુનિયામાં કોઈ સજીવ એવો નથી જેની જાેડ ન હોય! એ અલ્લાહની એક નિશાની પણ છે અને જીવનને ટકાવી રાખવાની વ્યવસ્થા પણ.આ વાસ્તવિકતા ઉપર પ્રકાશ પાડતાં કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે :
“મહિમાવાન છે તે હસ્તી જેણે સર્વ પ્રકારના જાેડકાં પેદા કર્યા, ચાહે તેઓ ધરતીની વનસ્પતિમાંથી હોય કે સ્વયં તેમની પોતાની જાતિ (અર્થાત્ માનવજાત)માંથી અથવા તે વસ્તુઓમાંથી જેને આ લોકો જાણતા પણ નથી.” (સૂર: યાસીન – ૩૬)
આ જોડકાઓ વચ્ચે અલ્લાહે જાતીય આકર્ષણ મૂકી દીધું છે, જેના કારણે તેમનો એક-બીજાથી જાતીય મેળાપ થાય છે અને તેનાથી તેમનો વંશ ચાલુ રહે છે. મનુષ્ય ઉપરાંત અન્ય તમામ સજીવોમાં જાતીય મેળાપ તેમના સ્થાયી સંબંધો વગર થાય છે. તેનું કારણ એ છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સામાજિક પ્રાણી હોવાનો અર્થ એ છે કે મનુષ્ય ઘર, પરિવાર અને સમાજ બનાવીને રહે છે, જ્યારે કે અન્ય સજીવો આ બંધનોથી આઝાદ છે. તેથી તેમનો જાતીય મામલો પણ આઝાદ અને નિરંકુશ છે. મનુષ્ય ઘણા પ્રકારના સામાજિક મૂલ્યો અને શિષ્ટાચાર, રીત-રિવાજાે તથા કાનૂન અને નિયમોના બંધનોમાં કેદ છે અને તેમનો જાતીય મામલો સામાજિક અને આર્થિક નીતિ-નિયમોના આધીન જ નિર્ધારિત થાય છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે જે જાતીય આકર્ષણ જાેવા મળે છે તેમાં ખૂબ જ ઉત્તેજના હોય છે. જાે તેની તૃપ્તિ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે તો માણસ ખોટા માર્ગે ચઢી શકે છે. ભૂખ, તરસ અને ઊંઘની જેમ કામેચ્છા પણ માણસની પ્રાકૃતિક જરૂરત છે. તેથી તેની પૂરતી માટે નિયંત્રિત વ્યવસ્થા હોવી જરૂરી છે જે વિવાહ દ્વારા પૂરી પડાય છે. આ જ કારણોસર તમામ માનવ સમાજાેમાં શાદી-વિવાહની જુદી-જુદી પદ્ધતિઓ ચલણમાં રહી છે. ઇસ્લામ મનુષ્યના તમામ મામલાઓમાં માર્ગદર્શન ઉપલબ્ધ કરે છે. આ સંદર્ભે પણ તેની સ્પષ્ટ શિક્ષાઓ મોજૂદ છે. અલ્લાહે જેટલા નબી અને પયગંબરો મોકલ્યા છે લગ્ન (વિવાહ) જ બધાની સંયુક્ત રીત રહી છે. અમુક લોકોએ ઘડી કાઢ્યું કે લગ્ન-બંધનના કારણે વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ રૂંધાઈ જાય છે, અને તેથી તેઓએ પારિવારિક વ્યવસ્થાનો ત્યાગ કર્યો. આ માનસિકતા અપ્રાકૃતિક અને માનવીય વંશની સુરક્ષા તથા સામાજિક પવિત્રતા માટે ખતરારૂપ હોઈ શકે છે. એટલે જ ઇસ્લામે સંન્યાસને પસંદ નથી કર્યો અને યુવાનોને લગ્ન કરવા પ્રોત્સાહિત કર્યા છે. ઇસ્લામના મતે જાતીય સંબંધો કોઈ ધિક્કારપાત્ર કે ઘૃણાસ્પદ વસ્તુ નથી, બલ્કે અપેક્ષિત અને પ્રશંસનીય છે. એટલેજ પયગંબર હઝરત મુહમ્મદ ﷺએ ફરમાવ્યું કે, વિવાહ કરવો અડધો ઈમાન છે. લગ્ન કે જેને અમુક લોકો આત્મીય પ્રગતિ માટે અડચણરૂપ સમજતા હતા આપે તે વિચારને જ જડમૂળથી નાબૂદ કરી દીધું કે લગ્ન કરવાથી માણસનો હૃદય પવિત્ર બને છે અને તેથી તેનું ઈમાન પૂર્ણતા પામે છે. નબીએ રહમત હઝરત મુહમ્મદ ﷺએ ફરમાવ્યું :
“હે યુવાનોનો સમૂહ! તમારામાંથી જે વ્યક્તિ લગ્ન કરવાની તાકાત (સમર્થતા) ધરાવે છે, તે લગ્ન કરે, કારણ કે તે નજરને વધારે નીચે રાખનાર બનાવે છે અને શરમગાહને વધારે સુરક્ષિત રાખનાર છે. અને જે વ્યક્તિ લગ્નની તાકાત ન ધરાવતી હોય, તો તેણે રોઝા રાખવા જાેઈએ, કારણ કે રોઝા તેની માટે ઢાલ સમાન છે,(કામેચ્છાને નિયંત્રિત કરે છે).”(સહીહ બુખારી, હદીસ : ૫૦૬૬)
ઇસ્લામમાં લગ્નનું મહત્વ હઝરત મુહમ્મદ ﷺના આ કથન ઉપરથી પણ લગાવી શકાય. “ત્રણ વ્યક્તિઓ નબી ﷺની પત્નીઓના ઘરો પાસે આવ્યા અને તેઓએ નબી ﷺની ઇબાદત વિશે પૂછ્યું. જ્યારે તેમને માહિતી આપવામાં આવી, ત્યારે તેઓએ તેને (પોતાના માટે) ઓછી ગણાવી. અને એમણે કહ્યું: “અમે ક્યાં અને નબી ﷺ ક્યાં? તેમના તો અગાઉના અને પાછળના બધા ગુનાઓ માફ કરી દેવામાં આવ્યા છે.” તેમાંથી એક જણ બોલ્યો: “હું હંમેશાં આખી રાત નમાઝ પઢીશ.”
બીજાે બોલ્યો: “હું સતત રોઝા રાખીશ અને ક્યારેય ઇફ્તાર નહીં કરૂં.”
ત્રીજાે બોલ્યો: “હું સ્ત્રીઓથી દૂર રહીશ અને ક્યારેય લગ્ન નહીં કરૂં.”
ત્યારે નબી ﷺ તેમની પાસે આવ્યા અને ફરમાવ્યું:
“શું તમે એ લોકો છો જેમણે આવી આવી વાતો કરી? યાદ રાખો! અલ્લાહની કસમ! હું તમારામાં સૌથી વધારે અલ્લાહથી ડરનાર અને સૌથી વધારે પરહેઝગાર છું. છતાં હું રોઝા પણ રાખું છું અને ઇફ્તાર પણ કરૂં છું, નમાઝ પણ પઢું છું અને ઊંઘું પણ છું, અને સ્ત્રીઓ સાથે લગ્ન પણ કરૂં છું. તો જે કોઈ મારી સુન્નત(તરીકો) થી વિમુખ થાય છે તે અમારામાંથી નથી.” (સહીહ બુખારી, હદીસ ૫૦૬૩)
ઇસ્લામે ભારપૂર્વક નિકાહને પ્રોત્સાહન આપ્યું છે તથા નવયુવાન પુરુષો અને સ્ત્રીઓને દાંપત્ય સંબંધોમાં જાેડાઈ જવાની પ્રેરણા આપી છે.
લગ્ન એ અડધું ઈમાન છે
સાચી વાત એ છે કે ઇસ્લામે માનવીના અંદર રહેલ કોઈ વાસ્તવિક પ્રાકૃતિક પ્રેરણા અને ઇચ્છાને નકારી નથી અને તેને કામમાં લાવવાની પૂરેપૂરી અનુમતિ આપી છે. અને આ અનુમતિને લગ્નના માધ્યમથી પૂર્ણ કરવાની પરવાનગી આપી છે. જાે આ બંધનમાં બંધાયા વગર વ્યક્તિ પોતાની શારીરિક જરૂરિયાતને પૂર્ણ કરશે તો તે સામાજિક રીતે ગુનો અને આધ્યાત્મિક રીતે ખાઈમાં પડવા જેવું છે. ઇસ્લામે પતિ-પત્નીના સંબંધને પ્રેમથી પરિભાષિત કર્યું છે. અલ્લાહ કુર્આનમાં ફરમાવે છે :
“અને તેની નિશાનીઓમાંથી એ છે કે તેણે તમારા માટે તમારી જ સહજાતિથી પત્નીઓ બનાવી, જેથી તમે તેમની પાસે મનની શાંતિ મેળવી શકો અને તમારા વચ્ચે પ્રેમ અને દયા પેદા કરી દીધાં. નિ:શંક આમાં ઘણી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ વિચાર કરે છે.” (સૂર:રૂમ – આયત : ૨૧)
જેમ ઈંટોના મળવાથી ઇમારત બને છે તેમ સ્ત્રી-પુરુષના લગ્ન સંબંધમાં બંધાવાથી પરિવાર બને છે. જેમ ઈંટોને જાેડવા માટે સિમેન્ટ જરૂરી છે તેમ બંને પાત્રોને એકમેક સાથે જાેડાયેલા રાખવા માટે પ્રેમ જરૂરી છે. તમામ માનવી સ્ત્રી પુરુષના ભેદ વગર પ્રેમ કરવા પાત્ર છે. પરંતુ જાતીય પ્રવૃત્તિ માટે સભ્ય સમાજે અને ધર્મોએ કેટલાક નિયમો બનાવ્યા છે. તેનું પાલન કરવું જ રહ્યું. પ્રેમ એ શુધ્ધ ભાવના છે, જેમાં સમર્પણ,સ્નેહ, ત્યાગ, કૃપા, કાળજી જેવા ગુણો સમાવેલા છે. આજે પ્રેમ શબ્દને માત્ર જાતીય સુખ સુધી સીમિત સમજવામાં આવ્યું છે. જાે કે તેનો સંબંધ આત્મા સાથે છે, શરીર સાથે નથી. શરીર સાથે કામેચ્છા જાેડાયેલી છે. પ્રેમનો અભાવ હોય તો કામેચ્છા વાસના બની જાય છે અને તેને છૂટો દોર મળે તો માણસ કામાતુર બને છે. જાતીય રીતે દિશાહીન બનતા તેના માનસમાં વિકૃતિ ઉપજે છે અને તેઓ સમલૈંગિક સંબંધ, વ્યભિચાર, બળાત્કાર કે અબોલ પશુઓ સાથે સંબંધ બાંધવામાં પણ ખચકાતો નથી. કામેચ્છાનો અભાવ હોય તો માણસ સાંસારિક ચિત્રપોથીમાં રંગ ભરવાના ઉદ્દેશ્યને ખોઈ બેસે છે.
પ્રેમ અપાર, અસીમ અને વ્યાપક હોય છે. પ્રેમ આત્માની ખોરાક છે, તેથી સૌથી વધુ પ્રેમ પોતાના સર્જનહારથી કરવામાં આવવું જાેઈએ. સ્પર્શ અને કામેચ્છા શરીરની જરૂરત છે. ભૂખ શરીરની જરૂરિયાત છે, તેને મટાડવાથી માત્ર શરીરને શક્તિ મળે છે જેના થકી તેઓ અર્થોપાર્જન, ભક્તિ અને સેવાના કાર્યો પણ કરી શકે. ર્નિબળ, રોગી અને કમજાેર માણસ કોઈ કામ કરવા લાયક રહેતો નથી. તેમ કાયદાકીય રીતે કામેચ્છાની પૂરતી પણ માણસમાં પ્રેમની જ્યોત પ્રગટાવવા પાત્ર બનાવે છે. અલ્લાહ અભૌતિક અસ્તિત્વ છે. તેના પ્રેમમાં તેની કૃપાઓ, વ્યવસ્થાપન અને પ્રભુતાના દર્શન થાય છે. માણસ ભૌતિક અને અભૌતિક વસ્તુના સંયોજનથી નિર્માણ પામેલું અસ્તિત્વ છે. તેથી તેમાં શારીરિક જરૂરિયાતની પૂરતી સાથે આત્મીય જરૂરતને પૂર્ણ કરવી પણ જરૂરી છે. અને તે પ્રેમના માધ્યમથી કરી શકાય. પ્રેમ સ્વાર્થ રહિત હોય છે. તેનો હેતુ માત્ર તેના પ્રિય પાત્રને પ્રસન્ન રાખવા અને રીઝવવાનું હોય છે. પતિ-પત્નીના સંબંધોને ફોલાદી મજબૂતાઈ આપવા માટે આ ગુણો જરૂરી છે. જે તેમના મળવાથી પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થાય છે પરંતુ તેની માવજત કરવાની અને કેળવણી તથા જાળવણી કરવાની જરૂર છે. તેમાં બેદરકારી થાય તો આ સંબંધો માણસનો સુખ-ચેન છીનવી લે છે. જેમ વૃક્ષ પોતાની જડો સાથે જેટલો પ્રેમ કરશે અર્થાત્ મજબૂતી સાથે જાેડાયેલો રહેશે તે તેટલો ઊંચો અને છાયાદાર બને છે. જે રોપાના મૂળ કમજાેર હોય તે પડકારનો સામનો ન કરી શકે અને ન જ બહુ ઊંચે જઈ શકે. લગ્ન થકી નિર્માણ પામતી પારિવારિક વ્યવસ્થા એવી સામાજિક પાયો છે તે જેટલા ઊંડા હશે માણસને આત્મીય રીતે ઊંચે ઊઠવા મજબૂત આધાર મળશે. પ્રેમને બંધનની જરૂર નથી પરંતુ કામેચ્છાને કાયદા અને બંધનની જરૂર છે. બંનેને એક જ સમજવામાં આવે તો એ જ પરિણામ આવશે જે પાણીના સ્થાને દારૂ પીવાથી મળે છે. પ્રેમની પરિભાષા બદલાય તો માણસનો વિચાર પણ બદલાય છે. જેમ કે ઓશો કહે છે :
“Marriage is the grave of love.” (લગ્ન પ્રેમની કબર છે.)
જાે કે તેઓ લગ્ન વ્યવસ્થાને સંપૂર્ણ પણે નકારતા નથી પરંતુ તેનું કહેવાનું તાત્પર્ય આ છે કે લગ્ન (Marriage) એક સામાજિક સંસ્થા (institution) છે, જે પ્રેમને બંધનમાં મૂકી દે છે.અને પ્રેમને બંધિત કરવામાં આવે તો તે ધીમે ધીમે મરી જાય છે.
પતિ-પત્નીના સંબંધ સુમેળભર્યા, મધુર અને મીઠાસભર્યા હશે તો પરિવાર સ્વર્ગનો એક અંશ જેવો લાગશે.
ઇસ્લામે પતિ-પત્નીને પ્રેમ અને સમજદારીપૂર્વક રહેવાનું શિક્ષણ આપ્યું છે. અને એક બીજાની કમજાેરીઓને અવગણવા, દરગુજર કરવા અને ક્ષમા કરવાની તાલીમ આપી છે. ઇસ્લામની રૂએ લગ્ન(નિકાહ) એક સામાજિક કરાર છે, અને કોઈ પણ કરાર નિભાવવા માટે કરવામાં આવે છે. કોઈ વાસ્તવિક મજબૂરી ઊભી થાય તો જ માણસ કરારભંગ કરે છે, એ પછી રાજી-ખુશીથી થાય કે, સંમતિ વગર. વિવાહનો કરાર પણ જીવન પર્યંત હોય છે પરંતુ કોઈક વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે કે તેઓ સાથે કે ભેગા રહી શકતા નથી. જ્યારે મનમેળ ન થતો હોય અને પારસ્પરિક અણગમો ખૂબ જ તીવ્ર કક્ષાએ પહોંચી ગયો હોય તો પરિવાર નર્ક જેવું બની જાય છે. શરીરનો સુખ અને મનની શાંતિ રૂંધાઈ જાય છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિનો આત્મીય અને માનસિક વિકાસ રોકાઈ જાય છે. આ પરિસ્થિતિ જીવનના ઉદ્દેશ્યને સાર્થક કરવાને બદલે વધુ મુશ્કેલ બનાવી દે છે. તેથી ઇસ્લામે સ્ત્રી-પુરુષ બંનેને તલાક કે ખુલાનો વિકલ્પ આપ્યો છે. તલાક સમાજમાં સામાન્ય ન બની જાય તેથી અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ ﷺએ ફરમાવ્યું, “અલ્લાહની નજરમાં હલાલ વસ્તુઓમાંથી સૌથી વધારે નાપસંદ વસ્તુ તલાક છે.” (સુનન અબી દાઉદ, ૨૧૭૮)
કરારભંગની આ પ્રણાલી પણ માનવી પ્રકૃતિ મુજબ અને ન્યાયોચિત છે. વ્યક્તિ હંમેશાં વિસમ પરિસ્થિતિમાં રહેવા માગતી નથી. પરંતુ માણસે નાની નાની બાબતોમાં આ પવિત્ર બંધન તોડવું જાેઈએ નહીં , આ બાબત ઇસ્લામી શિક્ષણની મૂળ આત્માની વિરૂદ્ધ છે.
વર્તમાન પરિસ્થિતિ
અફસોસ કે વિભિન્ન મનોવૈજ્ઞાનિક, આર્થિક અને સામાજિક કારણોસર વર્તમાન યુગમાં તમામ માનવ-સમાજાેમાં દાંપત્ય સંબંધોમાં અણગમો તથા અણબનાવ, કડવાશ અને મતભેદ અને વિવાદ જાેવા મળે છે. બલ્કે આ અણગમો સ્ત્રીઓની હત્યા અને હિંસાનું કારણ પણ બની રહ્યો છે, અને બીજું કંઈ નહિં તો ક્ષણિક આવેશમાં આવી અથવા વિષમ પરિસ્થિતિને થાળે પાડવા તરત તલાક આપવાના બનાવો બની રહ્યા છે અને પરિવારો તૂટીને વેર-વિખેર થઈ રહ્યા છે, જેના કારણે માનવ-સમાજ અજંપાનો ભોગ બની ગયો છે.
તલાક એ પત્નીને નિયંત્રિત કરવા માટેનો કોઈ હથિયાર નથી બલ્કે ખૂબ જ સમજી વિચારીને લીધેલ અપ્રિય વિકલ્પ છે. એટલે જ ઇસ્લામે તલાક આપવાની પધ્ધતિને ખૂબ જ હિકમતભરી રાખેલ છે. અને તલાક આપ્યા પછી પણ તેમને પુન:મળવાના વિકલ્પો આપ્યા છે જેની વિગતવાર ચર્ચા મેં અગાઉના લેખમાં કરી હતી. પરંતુ દીનની સમજ કે જ્ઞાન ન હોવાથી તેઓ બિન ઇસ્લામી રીત અપનાવે છે અને પછી પછતાવું પડે છે. તલાકની આ વ્યવસ્થા હિંદુ ધર્મ કે બીજા ધર્મોમાં ન્હોતી મળતી પરંતુ આધુનિક યુગે તેની આવશ્યકતાને સમજી પોતાના બનાવેલા કાયદાઓમાં તેની જાેગવાઈ રાખી છે. પરંતુ એ પણ એટલી અટપટો છે કે માણસ હેરાન-પરેશાન થઈ જાય છે.
તલાકની ઘટનાઓને ઓછી કરવાના ઉપાયો
સૌથી પહેલું ચરણ આ છે કે વ્યક્તિ ઇસ્લામનું જ્ઞાન પ્રાપ્ત કરે અને તેને પોતાના જીવનમાં લાગુ કરે. અલ્લાહનો ડર હશે તો વ્યક્તિ ખોટું કરતાં કે અત્યાચાર કરતાં રોકાઈ જશે. બીજું પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ કે અણબનાવ બને તો તેને ધૈર્યથી કામ લેવું જાેઈએ. ગુસ્સાને કાબૂમાં રાખવો જાેઈએ અને પરસ્પર સ્વસ્થ સંવાદ અને ચર્ચા કરવી કોઈએ. જેની ભૂલ હોય તેને ખુલ્લા મને માફી પણ માંગવી જાેઈએ. અને જાે સંવાદથી વાત ન બને તો કોઈ મધ્યસ્થીને વચ્ચે રાખી સમાધાન કરવું જાેઈએ. પોતાના અને બાળકોના જીવનને સામે રાખી જેટલું શક્ય હોય વિશાળ હૃદયતા રાખવી જાેઈએ. સ્વસ્થ સંવાદ કે ચર્ચા કરવી કોઈએ.