મસ્જિદોમાં ઇબાદત અને રિયાઝતની સાથે શિક્ષણ અને પોષણના કૌશલ્યોથી સજ્જ કરીને સમાજને સશક્ત બનાવવા અને ત્યાગ અને સહાનુભૂતિની ભાવનાથી ભરપૂર બનાવવાનું શિક્ષણ આપવામાં આવે છે.
મસ્જિદો માત્ર આધ્યાત્મિક શાંતિ મેળવવાની જગ્યા નથી, બલ્કે અહીં વિવિધ સામાજિક સેવાઓ પણ કરવામાં આવે છે. અહીંના લોકોને સેવા અને માનવતાના કાર્યો માટે પ્રેરિત કરવામાં આવે છે. કટોકટીના સમયમાં સમાજની જરૂરિયાત મુજબ મસ્જિદોની ઇમારતોને ફૂડ સિક્યુરિટી સેન્ટર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે શિક્ષણ અને ખોરાકની જાેગવાઈ મૂળભૂત છે. મસ્જિદોની એક લાંબી પરંપરા રહી છે કે તેણે હંમેશાં સમાજને સશક્ત બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આથી દેશની મોટાભાગની મસ્જિદોમાં મદ્રસા ચાલે છે જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આ બાળકો મોટા થઈને દેશની મહાન સંપત્તિ બને છે. જ્યારે કુદરતી આફતો આવે છે ત્યારે ખોરાક અને રહેવાની વ્યવસ્થા, માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત બની જાય છે. આવા સમયમાં મસ્જિદોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. અહીં બેસહારા લોકોને આશરો અને ભૂખ્યા લોકોને ખાવાનું આપવાની વ્યવસ્થા પૂરા પ્રયત્નોથી કરવામાં આવે છે. મસ્જિદોની આ ભૂમિકાએ તેને ‘શૈક્ષણિક અને કલ્યાણકારી સંસ્થા’ તરીકેની ઓળખ અપાવી છે.
મસ્જિદો અને મદ્રસાઓઃ એક સંપૂર્ણ દૃષ્ટિકોણ
મદીના મુનવ્વરાની મસ્જિદે નબવી રસૂલુલ્લાહ સ.અ.વ. ના જમાનાથી જ એક શૈક્ષણિક કેન્દ્ર તરીકે કામ કરતી રહી છે. આ મસ્જિદમાં સાહાબાએ કિરામને ધાર્મિક કાર્યો અને ઇબાદત વિશે શીખવવામાં આવતું હતું, સાથે સાથે શિક્ષણની એક વ્યવસ્થિત પ્રણાલી પણ હતી, જ્યાં મુસ્લિમો અને નવા મુસ્લિમોને ઇસ્લામ અને અન્ય જરૂરી બાબતો વિશે જણાવવામાં આવતું હતું. ત્યારથી લઈને આજ સુધી, ૧૪૦૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ દુનિયાની લગભગ તમામ મસ્જિદોમાં આ પરંપરાને હજુ પણ જારી રાખવામાં આવી છે અને મોટાભાગની મસ્જિદો સાથે એક મદ્રસાને જાેડીને ધાર્મિક અને લૌકિક શિક્ષણ આપવામાં આવે છે.
જાે આપણે રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો આ મસ્જિદો અને મદ્રસાઓ સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે શિક્ષણ અને આધ્યાત્મિક શાંતિનું એક મહત્ત્વનું સાધન છે. આ મદ્રસાઓ પછાત વિસ્તારોમાં મૂળભૂત અને ધાર્મિક શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ દ્વારા સમાજને સશક્ત બનાવવામાં શાનદાર ઇતિહાસ રચી રહ્યા છે. આ મદ્રસાઓમાં વિજ્ઞાન, ગણિત અને ભાષાશાસ્ત્ર જેવા આધુનિક શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે અહીં ધાર્મિક અને આધુનિક બંને પ્રકારના શિક્ષણનું સુંદર સંયોજન છે, તેથી તેનો દાયરો માત્ર મુસ્લિમ બાળકો સુધી મર્યાદિત નથી, બિન-મુસ્લિમ બાળકો પણ મોટી સંખ્યામાં અહીં અભ્યાસ કરે છે. અહીં શિક્ષણ મફત આપવામાં આવે છે અથવા ખૂબ જ નજીવી ફી લેવામાં આવે છે. આ જ કારણ છે કે જે ગરીબ માતા-પિતા પોતાના બાળકોને આધુનિક શાળાઓમાં મોકલવા અસમર્થ છે, તેમના બાળકો અહીં આવીને શિક્ષણ અને તાલીમનો લાભ લે છે. અહીં ન તો ધર્મ અને જાતિનું બંધન હોય છે અને ન તો પંથ અને અકીદાની પાબંદી. અહીં કોઈ પણ આવીને પોતાની જ્ઞાનની તરસ છિપાવી શકે છે.
આના ઘણા બધા ઉદાહરણો છે. અહીં આપણે એક ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રના જામિયા ઇસ્લામિયા ઇશાતુલ ઉલૂમ ટ્રસ્ટને ધ્યાને લઈએ. આ ટ્રસ્ટ હેઠળ મેડિકલ અને ફાર્મસી કોલેજ ચાલે છે. આસપાસના સમાજ માટે હેલ્થ કેર સુવિધા પણ છે. આ ઉદાહરણથી મસ્જિદોની વિવિધ ક્ષમતાઓ સ્પષ્ટ થાય છે, કે કેવી રીતે મસ્જિદે, મદ્રસાના ધાર્મિક શિક્ષણ અને આધુનિક વ્યવસાયિક શિક્ષણ વચ્ચેની ખાલી જગ્યા પૂરીને એક એવો પુલ બાંધ્યો છે જે બંનેને જાેડે છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે મસ્જિદો વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની કારકિર્દી માટે તૈયાર કરવામાં મદદરૂપ થાય છે.
જાેકે મસ્જિદો અને મદ્રસાઓ વિશે કટ્ટરપંથી હોવાનો પ્રચાર કરવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે અહીં કટ્ટરપંથથી દૂર રહેવા અને શિસ્ત, સામાજિક સેવા અને જન્મથી મૃત્યુ સુધી શિક્ષણ મેળવવાનો ઉત્સાહ પેદા કરવામાં આવે છે. આ સંસ્થાઓના અથાક પ્રયાસો અને મહેનતને કારણે દેશમાં સાક્ષરતા દર સુધર્યો છે અને પછાત વર્ગો માટે શિક્ષણ સુધી પહોંચ સરળ બની છે. આનો લાભ ઉઠાવનારાઓમાં મુસ્લિમ અને બિનમુસ્લિમ બંને સામેલ છે.
મસ્જિદોઃ ખોરાક સુરક્ષાનું માધ્યમ
ખોરાક સુરક્ષા હંમેશાં સામાજિક જીવનનું એક મહત્ત્વપૂર્ણ પાસુ રહ્યું છે. આ ક્ષેત્રને સક્રિય અને મજબૂત બનાવવામાં મસ્જિદોએ મોટું યોગદાન આપ્યું છે. કારણ કે ઇસ્લામ ધર્મ ભૂખ્યા લોકોને જમાડવાની પ્રેરણા ખૂબ જ ભાર દઈને આપે છે. ઇસ્લામના આ જ શિક્ષણનું પરિણામ છે કે મસ્જિદોમાં લંગરખાના અને કમ્યુનિટી કિચન ચલાવવાનો રિવાજ સામાન્ય બન્યો. મસ્જિદોમાં સ્થાપિત લંગરખાનાના નિયમો અને વ્યવસ્થાથી પ્રેરણા લઈને શીખ ધર્મના લોકોએ પણ ગુરુદ્વારામાં સંત લંગરની વ્યવસ્થા શરૂ કરી. સદ્કા અને ખેરાત અને ગરીબોને ખવડાવવું ઇસ્લામના મૂળભૂત શિક્ષણનો ભાગ છે. કુઆર્ન અને હદીસમાં મુસ્લિમોને જરૂરિયાતમંદો, મુસાફરો અને બેસહારા લોકોને ખોરાક પૂરો પાડવાની વારંવાર તાકીદ કરવામાં આવી છે.
મસ્જિદોની ભૂમિકાનું મૂલ્યાંકન કરવાથી સ્પષ્ટ થાય છે કે તે માત્ર ઉપાસનાનું સ્થળ જ નથી બલ્કે તે એક એવી સંસ્થા છે જ્યાં સમાજનું શિક્ષણ, ખોરાકની સુરક્ષા અને જરૂરિયાતના સમયમાં આશ્રયસ્થાન બનીને માનવ સેવાઓ કરવામાં આવે છે. મસ્જિદોમાં મદ્રસાઓની વ્યવસ્થા એક એવો અસરકારક માર્ગ છે જેણે ધાર્મિક અને ધર્મનિરપેક્ષ શિક્ષણને પછાત વર્ગ સુધી પહોંચાડવા અને તેમને આગળ વધારવાનું શાનદાર ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
મસ્જિદોની વિશિષ્ટતા આ પણ છે કે જ્યારે ક્યારેક આફતો અથવા સંકટના સમય આવે છે ત્યારે જરૂરિયાતમંદોને ખોરાક પૂરો પાડવો એ તેની પ્રથમ પ્રાથમિકતા બની જાય છે. આ જ કારણ છે કે ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આ મસ્જિદો ધાર્મિક અને કલ્યાણકારી સંસ્થાઓ સાથે મળીને સંકટનો સામનો કરવા અને પીડિતોને જરૂરી સહાય પહોંચાડવામાં ગૌરવપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આવી પરિસ્થિતિમાં જ્યારે દેશમાં ધ્રુવીકરણ અને વિભાજન અને ભેદભાવની રાજનીતિને હવા આપવામાં આવી રહી હોય, ત્યારે શિક્ષણ અને ખોરાક, કલ્યાણ અને સામાજિક સંવાદિતાના ક્ષેત્રમાં તેની ભૂમિકા સુવર્ણ અક્ષરોમાં લખવા લાયક છે. મસ્જિદોમાં જાતિવાદ અને જાતિય ભેદભાવની કોઈ કલ્પના નથી. માત્ર અને માત્ર માનવીય સહાનુભૂતિ, ઉદારતા અને માનવતાના પવિત્ર મૂલ્યોને અમલમાં મૂકવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.