ફિરકાવાદી તણાવ દરમિયાન મસ્જિદો એક મજબૂત માનવીય આશ્રયસ્થાન તરીકે કામ કરવાની સાથે સાથે, પરસ્પર વાર્તાલાપનું વાતાવરણ બનાવવા અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે એકતા અને સદ્ભાવ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભારત જેવા વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ ધરાવતા દેશમાં, સાંપ્રદાયિક હિંસાએ સમાજના ભાઈચારાના તંતુને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જાે કે આ સાંપ્રદાયિકતાએ ધાર્મિક સ્થળોને વધુ નુકસાન પહોંચાડ્યું છે અને તેનાથી સમાજમાં વિભાજન અને અલગાવવાદી તત્વોને બળ મળ્યું છે, છતાં મસ્જિદો ક્યારેય પોતાની પરંપરાથી વિચલિત થઈ નથી અને પીડિતો વચ્ચે શાંતિ અને સુલેહ-શાંતિનું કેન્દ્ર બની રહેવાનું પોતાનું કામ કરતી રહી છે. અહીં માત્ર મુસ્લિમોને જ શરણ મળતું નથી, બલ્કે તે તમામ લોકોને શરણ આપવામાં આવે છે જે હિંસાથી પ્રભાવિત થયા છે, ભલે તે કોઈ પણ જાતિ કે ધર્મના હોય.
મસ્જિદોને હંમેશાં એક સુરક્ષિત ઝોન માનવામાં આવે છે. આ ઓળખાણે તેની ભૂમિકાને વધુ નિખારી છે. ૧૯૪૭માં ભારતના વિભાજન દરમિયાન જ્યારે લાખો લોકો અફરાતફરીનો શિકાર થયા હતા અને બેઘરની સ્થિતિમાં હતા ત્યારે આ મુશ્કેલ ઘડીમાં મસ્જિદો એક સહારા અને આશ્રયસ્થાન તરીકે ઊભરી આવી હતી. આ મહાન ભૂમિકાને કારણે મસ્જિદોને હિંસાથી બચાવવાની એક મહત્ત્વની સંસ્થા કહેવા લાગ્યા. આનું એક સ્પષ્ટ ઉદાહરણ ૨૦૦૨ના ગુજરાત રમખાણમાં જાેવા મળ્યું હતું, જ્યારે ઉગ્રવાદી તત્વોની શરારતોએ સમગ્ર રાજ્યને આગમાં હોમી દીધું અને લોહીમાં રંગી દીધું હતું, ત્યારે આ મસ્જિદોએ બિનશરતી ધર્મ અને જાતિના તમામ લોકો માટે એક છત્રનું કામ કર્યું હતું, જ્યાં આવીને લોકો શાંતિનો શ્વાસ લેતા હતા અને પરિસ્થિતિ વિશે ઘડીક ગંભીરતાથી વિચાર કરતા હતા.
ગુજરાતના કોમી રમખાણો દરમિયાન એક ASI વાઘેલા નામના પોલીસ અધિકારીની એક રસપ્રદ ઘટના છે. તેઓ અહમદાબાદના નરોડા પાટિયા વિસ્તારમાં મસ્જિદોનું સંરક્ષણ કરતા હતા. આ વિસ્તાર દંગા દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયો હતો. તેઓ એક હિંદુ હોવા છતાં, માનવતાના નાતે તેમણે રમખાણો દરમિયાન મૃત્યુ પામેલા લોકોને ખિરાજે અકીદત- શ્રધ્ધાંજલી આપવા માટે એક મસ્જિદની મુલાકાત લીધી. તેમણે મસ્જિદોની ભૂમિકાની પ્રશંસા કરતાં તેને માત્ર એક ઉપાસના સ્થળ જ નહીં, પરંતુ સારવાર અને સમાધાનનું કેન્દ્ર ગણાવ્યું. તેમના આ સ્વીકારે દર્શાવ્યું કે મસ્જિદ તમામ સમુદાયોને એક કરવા, માનવતાની સેવા કરવા અને દુઃખના સમયમાં તેમની સાથે ઉભા રહેવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
જાે આપણે ૨૦૨૦ના દિલ્હી દંગાની વાત કરીએ, તો તે સમયે પણ ઘણી મસ્જિદોએ પરેશાન લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અહેવાલો જણાવે છે કે વિવિધ સમુદાયના લોકો અફરાતફરીના આ વાતાવરણમાં મસ્જિદોની ચારદીવારીની અંદર સુરક્ષા માટે આવતા હતા અને અહીં આવીને તેમને શાંતિ મળતી હતી. અહીં આવીને તેમને ખબર પડી કે આ મસ્જિદો જીવન બચાવવા અને એકતાને પ્રોત્સાહન આપવામાં અનન્ય ભૂમિકા ભજવે છે. મસ્જિદોની આ પ્રશંસનીય ભૂમિકાએ સ્થાનિક લોકોના દિલમાં એક આદર્શ છબી બનાવી જેના પરિણામ સ્વરૂપ ઘણી વખત જ્યારે ઉગ્રવાદી તત્ત્વોએ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થાનિક લોકો માનવ ઢાલ બનીને તેની રક્ષા કરતા હતા.
મુઝફ્ફરનગર શહેરનું એક ઉદાહરણ છે, જ્યાં ૨૦૧૩માં થયેલા દંગાઓ દરમિયાન જીવ બચાવીને ભાગેલા પરિવારોને મસ્જિદોએ આશરો આપ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક સમાજના નેતાઓએ પરસ્પર સંપર્ક કરીને એ વાતની ખાતરી કરી હતી કે દરેક પરેશાન વ્યક્તિને મસ્જિદની અંદર સુરક્ષા મળે અને મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે મસ્જિદોની ભૂમિકા એક નિષ્પક્ષ આશ્રયસ્થાન તરીકે પ્રચલિત થાય.
થોડા દિવસો પહેલાં મધ્યપ્રદેશમાં થયેલા કોમી રમખાણો દરમિયાન ઇન્દોરમાં એક મસ્જિદને પીડિતો માટે સુરક્ષાનો ગઢ બનાવી દેવામાં આવ્યો હતો, જેમને જીવ અને મિલકતનું નુકસાન થવાનો ડર હતો. ઉલેમાઓ અને સ્થાનિક નેતાઓએ પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને એ વાતની ખાતરી કરી હતી કે મસ્જિદો અને તેમાં આશરો લેનારા લોકોને સંપૂર્ણ સુરક્ષા મળે. મસ્જિદો એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. જાે આવા ઉદાહરણો અન્ય સંસ્થાઓ પણ આપવા લાગે તો તણાવપૂર્ણ વાતાવરણને ઘટાડીને સમાજમાં સદ્ભાવનાનું શાનદાર ઉદાહરણ સ્થાપિત કરી શકાય.
આ બધી હકારાત્મક બાબત હોવા છતાં, ફિરકાવાદી તણાવ દરમિયાન મસ્જિદોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેમને હિંસાનું સીધું નિશાન બનાવવામાં આવે છે અને તોડફોડની ઘટનાઓ બને છે. જ્યારે બે સમાજ વચ્ચે તણાવ વધે છે અને આ તણાવ ફિરકાવાદી દંગાનું સ્વરૂપ લે છે ત્યારે મસ્જિદો પર હુમલા વધી જાય છે અને તે સમયે ખબર પડે છે કે જે જગ્યા પીડિતોને આશરો આપવા અને શાંતિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી રહી છે, તેને જ જુલમ અને દ્વેષનું નિશાન બનાવીને અસુરક્ષિત બનાવી દેવામાં આવી છે.
મસ્જિદ માત્ર પીડિતો માટે આશ્રયસ્થાન જ નથી, બલ્કે તેની વિવિધ પાસાઓની સેવાઓ છે, જે સમાજમાં સદ્ભાવના લાવવા અને સુમેળને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે કોઈપણ ધર્મના હો, એકવાર મસ્જિદની મુલાકાત જરૂર લો. આનાથી તમને સાચા ઇસ્લામિક રીત-રિવાજાે જાણવા, ગેરસમજ દૂર કરવા, અરસપરસ વાતચીત કરવા, સમજૂતી અને આંતરધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
યાદ રાખો, મસ્જિદ એક પવિત્ર સ્થળ છે. ઇસ્લામિક શિક્ષણો અનુસાર કોઈ પણ મસ્જિદ અને ઉપાસના સ્થળની સુરક્ષા દરેક વ્યક્તિની જવાબદારી છે. કુઆર્નમાં વિવિધ ધર્મોના લોકો વચ્ચે શાંતિ જાળવવાની તાકીદ કરવામાં આવી છે જેની સાચા અર્થમાં રજૂઆત એક મસ્જિદ જ કરી શકે છે. આ એક પવિત્ર સ્થળ છે જ્યાં જાેડાણ કર્યા પછી દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અને આધ્યાત્મિક આનંદ અનુભવે છે. આ એક મજબૂત આશ્રયસ્થાન છે અને ખાસ કરીને ફિરકાવાદી દંગાઓ દરમિયાન હૃદય અને મનની શાંતિનું પ્રતીક છે. તેની વિવિધ ભૂમિકાઓને સમજવા અને તેની પવિત્રતાને અનુભવવા માટે ઓછામાં ઓછી એકવાર મસ્જિદની મુલાકાત જરૂર લો.