ડંકેશ ઓઝા ✍🏼
જુઝર સાલેભાઈ બંદૂકવાલા 77 વર્ષની ઉંમરે 29/01/2022ની વહેલી સવારે જન્નતનશીન થયાં અને તેમની દફનવિધિ વડોદરા ખાતે કલ્યાણનગર કબ્રસ્તાનમાં કરવામાં આવી. ભૌતિક શાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આખી જિંદગી તેમણે નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવ્યા અને તેમના નામની આગળ પ્રોફેસર પૂર્વગ કાયમ માટે જોડાઈ રહ્યો. એમના અનેક વિદ્યાર્થીઓ હશે જેમાંના એક બહેન સુજાતા શાહ પણ છે, જેઓ ધરમપુરનાં પિંડવળ અને ખડકી ખાતે સર્વોદય કાર્યકર તરીકે આદિવાસીઓમાં વર્ષોથી પાયાનું કામ કરી રહ્યાં છે.
બંદૂકવાલા અમેરિકામાં અણુ ભૌતિક વિજ્ઞાનમાં પીએચડીનો અભ્યાસ કરતા હતાં. ત્યાં સ્થાયી થવાની પર્યાપ્ત જોગવાઈ તેમની પાસે હતી. એ દરમ્યાન તેમને એક ખ્રિસ્તી નર્સ સાથે વાતચીતનો પ્રસંગ ઉભો થયો. નર્સે કહ્યું કે તમારે તમારા વતનના દેશને તમારા જ્ઞાનનો લાભ આપવો જોઈએ. આ વાત એમના મનમાં બરાબર બેસી ગઈ અને પત્ની શમીમની આનાકાની છતાં તેમણે વડોદરાને પોતાનું કાયમી મથક બનાવી દીધું. કાળક્રમે શમીમ બાનું કેન્સરગ્રસ્ત થઈને અવસાન પામ્યા. પુત્ર અને પુત્રી રોજગાર માટે અમેરિકામાં સ્થાયી થયા. બંદૂકવાલા વડોદરામાં તદન એકાંકી જીવન ગાળતા રહ્યાં.
મૂળ કપડવંજના, ક્યારેક મને કહેતા કે પેઢીઓ પૂર્વે અમે બ્રાહ્મણ. અમારા વડવાઓએ પછીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો. એમના કાકા મુંબઈમાં એક સમયે મેયર હતા. થોડા સમય પૂર્વે એમના ભાભી પૂણે ખાતે અવસાન પામ્યા. જેમની સાથે તેઓ લાગણીથી જોડાયેલા હતાં, તેથી તેમના મૃત્યુના સમાચારથી ભાંગી પડેલા. પેન્શનનો વિકલ્પ નહિ આપેલો, એટલે આર્થિક રીતે બાળકો ઉપર નિર્ભર હતાં. પણ બાળકો સાથે અમેરિકા રહેવા જવા કે અહીં બોલાવી તેમની સેવા લેવાં તૈયાર નહોતા !
મારો પરિચય એમની સાથે એક ચર્ચાપત્રીના નાતે બંધાયેલો. ત્યારે તેઓ અંગ્રેજી દૈનિકોમાં પત્રો મોકલીને સાંપ્રત બાબતો અંગે પોતાના ચોક્કસ વિચારો પ્રગટ કરતાં હતાં. ગુજરાતી લખવાનો તેમને ખાસ મહાવરો ન હતો. જે વડોદરા સાથે એમને આટલો બધો લગાવ હતો, એ વડોદરાના કોમી રમખાણોએ બે બે વાર તેમના ઘર સળગાવેલા. તેમણે તોફાનીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દર્જ નહિ કરાવેલી ! મુસ્લિમ વિસ્તારમાં ફરજિયાતપણે રહેવું પડે એ વાત તેમને કબૂલ મંજૂર નહોતી. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ પ્રતાપગંજમાં સપ્તર્ષિ ફ્લેટમાં રહેતા હતાં.
આમ તો વડોદરા સંસ્કારી નગરી ગણાય છે. પરંતુ એક કાળે તેમનાં કેટલાક વિસ્તારો પોલીસ ચોપડે “અતિસંવેદનશીલ”ની કેટેગરીમાં આવતાં. કોમી છમકલા અવાર નવાર થતાં. કલ્યાણનગરની ઝૂંપડપટ્ટીમાં વસતા મુસ્લિમો માટે વૈકલ્પિક આવાસો ઊભા થયા તો “અમારે ત્યાં આ વસ્તી નહિ” જેવી સ્થિતિ ઊભી થઈ. જેની સામે તેમણે આંદોલન ચલાવેલું. મોટી ઉંમરે ભર ઉનાળે ઉપવાસ પર પણ બેઠેલાં.
સમાજ એકજૂટ રહેવો જોઈએ. હિન્દુ મુસ્લિમ વસ્તી કાયમની માફક સાથોસાથ રહેવી જોઈએ, એ એમનો કાયમનો ખ્યાલ હતો. મુસ્લિમ સમાજ મુખ્ય પ્રવાહમાં ભળે, ભળતો રહે અને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધે એ એમની કાયમની ચિંતા હતી. વર્ષ 2002નાં રમખાણો પછી આ ભાવનાએ તેમનાંમાં બળવત્તર રૂપ લીધું અને તેમણે વર્ષ 2006માં ઝિદની ઇલ્મા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. તે દ્વારા અત્યાર સુધીમાં પાંચેક હજાર બાળકોને શિષ્યવૃત્તિનો લાભ પ્રાપ્ત થયો હશે. મુસ્લિમ તેમજ વ્યાપક સમાજમાંથી તેમને ઘણી આર્થિક સહાય મળી રહેતી. સર્વોચ્ચ અદાલતના એક બાહોશ અને જાણીતા વકીલ ₹10 લાખ જેવી મોટી રકમનો ચેક આ પ્રવૃત્તિ માટે તેમને ઘરે આવીને આપી જતાં. વર્ષે એક વાર જે જે કાર્યક્રમો થતાં તેમાં નગીનદાસ સંઘવી, પત્રકાર રાજદીપ સરદેસાઈ જેવા મહાનુભાવોને તેઓ પ્રમુખપદે બોલાવતાં.
મુસ્લિમ શિક્ષિત સમાજમાંથી એક બૌદ્ધિક તરીકે તેઓ વડોદરા અને ગુજરાત કરતાં દેશભરમાં વધુ જાણીતાં હતાં. અંગ્રેજી દૈનિકો અને નેશનલ મીડિયા તેમના વિચારોને પ્રગટ કરવા હરહંમેશ તૈયાર હતાં. તેઓ નમાઝી મુસ્લિમ ન હતાં, પરંતુ ઈદની નમાઝ માટે અચૂક જતાં. દાઉદી વ્હોરા કોમના હતા. પરંતુ અમેરિકાથી ભણીને આવેલા તેથી સુધારાવાદી વિચારો અને વલણો તેમનાંમાં પ્રબળ હતા. તેમની કોમના ધર્મગુરુઓએ તેમનો બોયકોટ કરેલો. તેમની વિરૂદ્ધ ફતવા બહાર પાડેલા. બંદૂકવાલાએ નમતું જોખ્યું નહિ. અંતિમ સમયે પણ તેમને કોમનું કબ્રસ્તાન નસીબ થવાનું ન હતું, જેની એમને પહેલેથી ખબર હતી.
માનવ અધિકારો અને સામાજિક ન્યાયની લડતના તેઓ અગ્રણી રહ્યા. બંને ધર્મોના ધર્મ ઝનૂની સામે તેમને સદાય ઝીંક ઝીલવાની આવી. મુસ્લિમ ઘેટોઆઇઝેશન તેમને કદી કબૂલ નહોતું. અમેરિકાની અશ્વેત સામેની વરવી પરંપરા અને દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિ તેમને આ સંદર્ભે યાદ આવ્યાં કરતી. તેમની નૈતિક હિંમત તેમને બીજાઓથી અલગ તારવી આપતી. તેઓ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝનાં સક્રિય સભ્ય અને હોદ્દેદાર પણ રહ્યાં. સાંપ્રદાયિક સદભાવનાના પુરસ્કર્તા તરીકે વર્ષ 2006માં તેમને ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા.
એમના અવસાનની ગુજરાતી અખબારો એ જેટલી નોંધ લીધી નથી તેનાં કરતાં અનેક ગણી નોંધ દેશભરના સમૂહ માધ્યમોએ લીધી છે. નગીનદાસ સંઘવી જેવા વરિષ્ઠ પત્રકાર તેમને વારંવાર મળતા રહેતા. વડોદરામાં તેમના પરમ મિત્ર દસ્તાવેજી ફિલ્મ મેકર અને કથક નૃત્ય કાર ધીરુ મિસ્ત્રી હતાં. જે નિયમિતપણે દર અઠવાડિયે તેમને અચૂક મળતાં રહેતાં. દાયકાઓથી તેમની સંભાળ એક બહેન સમા શશી બેન આવીને રાખતા. તેઓ કાયમ કહેતાં કે ધીરુ મિસ્ત્રી સાહેબને હસાવી શકે છે, બાકી સાહેબ તો કાયમ સૂનમૂન હોય છે. અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ બંદૂકવાલાની દીકરીએ હિન્દુ સમાજનાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે. આજનો સમય કોમી ધ્રુવીકરણનો થઈ ગયો છે. પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર અને ચિંતાજનક બનતી જાય છે. ત્યારે સમાજ બધાને સાથે લઈને ચાલે અને એક રસ બની રહીએ તો તે બંદૂકવાલા ને સાચી અંજલિ હશે.