Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, દેશના રાજકીય પ્રવાહની દિશા નક્કી કરશે

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, દેશના રાજકીય પ્રવાહની દિશા નક્કી કરશે

આસામમાં નફરતની રાજનીતિ અને મુસ્લિમ મતદારોની કસોટી
કેરળ 2026: પરંપરા, રાજ્ય અને વૈશ્વિક રાજનીતિનો સંગમ

  • અબુ મુહમ્મદ અમ્માર

એપ્રિલ મહિનામાં વિવિધ તારીખે પાંચ રાજ્યો; કેરળ, તમિલનાડુ, પોંડિચેરી, પશ્ચિમ બંગાળ અને આસામ; માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. પોંડિચેરી સિવાયના આ તમામ રાજ્યો ખૂબ જ મહત્વના છે. કેરળ અને તમિલનાડુમાં ભાજપ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે, જ્યારે બંગાળમાં પ્રથમ વખત સત્તા મેળવવાના સ્વપ્ન સાથે મેદાનમાં છે અને આસામમાં સત્તા જાળવી રાખવા માટેનો સંઘર્ષ ચાલુ છે.

એક રીતે જોઈએ તો આ પાંચેય રાજ્યોની રાજનીતિ અલગ-અલગ છે. કેરળ, તમિલનાડુ અને પોંડિચેરી દક્ષિણ ભારતના રાજ્યો છે જ્યાંના પ્રશ્નો અને મુદ્દાઓ ભિન્ન છે. કેરળમાં સો ટકા સાક્ષરતા દર હોવા છતાં બેરોજગારી એક મુખ્ય મુદ્દો છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધની સૌથી વધુ અસર અહીં જોવા મળી છે. કેરળમાં ભાજપ હજુ પણ ‘ઝીરો સીટ’ વાળી પાર્ટીના દરજ્જામાં છે. તમિલનાડુ હાલમાં રાજકીય પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય દાયકાઓથી ત્યાં ડીએમકે અને એઆઈએડીએમકેની રાજનીતિનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ અભિનેતા વિજય તેને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપની નફરતની રાજનીતિ વધુ સક્રિય દેખાઈ રહી છે.

દક્ષિણ ભારતની ત્રણ રાજ્યોની સરખામણીમાં આસામ અને બંગાળમાં ભાજપ માટે શક્યતાઓ ઘણી વધારે છે. ગત ચૂંટણીમાં ભાજપે બંગાળમાં આક્રમક મુસ્લિમ વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને હિન્દુ મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપની વ્યૂહરચનામાં પરિવર્તન આવ્યું છે. પાયાના સ્તરે ધ્રુવીકરણના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હાઈ-વોલ્ટેજ ધ્રુવીકરણવાળા નિવેદનો ટાળવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ (જ્યાં 23 એપ્રિલે મતદાન થવાનું છે) અંગેનું વિશ્લેષણ અમે આગામી અંકમાં કરીશું. કેરળ અને આસામમાં 9 એપ્રિલે મતદાન થશે, તેથી આ લેખમાં અમે આ બંને રાજ્યોના રાજકીય પરિદ્રશ્યને પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ રાજ્યોમાં મુખ્ય મુદ્દાઓ કયા છે અને શું આ બંને રાજ્યોમાં સત્તા પરિવર્તન થશે? આ પ્રશ્ન એટલે મહત્વનો છે કારણ કે કેરળમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થવાની પરંપરા રહી છે, પરંતુ ગત ચૂંટણીમાં એવું બન્યું નહીં અને સતત બીજી વાર ડાબેરી ગઠબંધન સત્તા પર આવ્યું. આ વખતે પણ ડાબેરી ગઠબંધન પૂરી તાકાત લગાવી રહ્યું છે, કારણ કે કેરળમાં સત્તા ગુમાવ્યા પછી ડાબેરીઓ દેશના કોઈ પણ રાજ્યમાં સત્તાધારી પક્ષ તરીકે નહીં રહે. આમ જોતા, કેરળમાં સત્તા બચાવવી એ ડાબેરીઓ માટે અસ્તિત્વનો સવાલ બની ગયો છે. બીજી તરફ કોંગ્રેસ છે જે મજબૂત સ્થિતિમાં છે, જો આ વખતે તે સત્તાથી વંચિત રહેશે તો ભાજપને પોતાની જમીન તૈયાર કરતા કોઈ રોકી શકશે નહીં. આસામ ભાજપ અને હિન્દુત્વનું નવું ‘મોડેલ સ્ટેટ’ છે, જ્યાં વિકાસના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર રાજકીય કથાને મુસ્લિમ વિરોધી દ્વિભાજનની આસપાસ વણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિમંતા બિસ્વા સરમા દરરોજ આરએસએસને એ સાબિત કરવામાં લાગેલા છે કે તેઓ કટ્ટર હિન્દુ અને મુસ્લિમ વિરોધી છે. એવામાં મૂળભૂત પ્રશ્ન એ છે કે આસામમાં શું થશે?

આસામમાં નફરતની રાજનીતિ

આઝાદી પછી આસામ સ્થાનિક અને બિન-સ્થાનિકના વિવાદની રાજનીતિમાંથી બહાર આવી શક્યું નથી. એનઆરસી (NRC), જે આસામીઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો, તેના પાંચ વર્ષ પૂરા થયા હોવા છતાં તેનો અમલ પૂર્ણ થયો નથી. આ કારણે આજે પણ આસામની રાજનીતિ આસામી અને બંગાળીઓની આસપાસ જ ફરે છે. છેલ્લા દાયકાઓમાં ભાજપ અને આરએસએસે તેને કોમવાદનો રંગ આપીને રાજકીય ગણિત જ બદલી નાખ્યું છે. 2023ના સીમાંકન (Delimitation) પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. નવા સીમાંકને રાજ્યના રાજકીય નકશાને ભૌગોલિક અને સામાજિક રીતે બદલી નાખ્યો છે. જ્યાં એક તરફ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પોતાની “બુલડોઝર રાજનીતિ” અને “ઘૂસણખોરી” ના નેરેટિવ સાથે સત્તા પર પકડ જાળવી રાખવા સક્રિય છે, તો બીજી તરફ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ નવી વ્યૂહરચના સાથે મેદાનમાં છે.

2023માં કરવામાં આવેલા સીમાંકને આસામનું ચૂંટણી ગણિત સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. મુસ્લિમ બહુમતીવાળી બેઠકોની સંખ્યા 29 થી ઘટાડીને 22 કરી દેવામાં આવી છે, જેની સીધી અસર પૂર્વી બંગાળી મૂળના મુસ્લિમોના રાજકીય પ્રભાવ પર પડશે. નિષ્ણાતોના મતે, ધુબરી અને ગૌરીપુર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં મતદારોની મોટી સંખ્યાને ઓછી બેઠકોમાં સમેટી લેવામાં આવી છે, જ્યારે લખીમપુર જેવા ‘સ્થાનિક બહુમતી’ ધરાવતા વિસ્તારોમાં ઓછી વસ્તી હોવા છતાં વધુ બેઠકો જાળવી રાખવામાં આવી છે. આ ભૌગોલિક એન્જિનિયરિંગ ભાજપ માટે એક “રાજકીય ઢાલ” સાબિત થઈ શકે છે.

આ દેશની રાષ્ટ્રીય રાજનીતિની કરુણતા છે અથવા મતદારોની અજ્ઞાનતાનું પરિણામ છે કે જે પક્ષ રાજ્યમાં 10 વર્ષથી સત્તા પર છે અને કેન્દ્રમાં છેલ્લા 12 વર્ષથી શાસન કરી રહ્યો છે, તે આ વખતે પણ ‘ઘૂસણખોરી’ ના નામે ચૂંટણી લડી રહ્યો છે. વિપક્ષ અને દેશની જનતાએ એ પ્રશ્ન પૂછવો જોઈએ કે જો આસામમાં ઘૂસણખોરો છે તો શા માટે છે? અને કેન્દ્ર સરકાર ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ કેમ રહી? વાસ્તવમાં ભાજપ અને આરએસએસ ક્યારેય ઈચ્છતા નથી કે આસામનો આ પ્રશ્ન ઉકેલાય, ઉલટાનું તેઓ તેને જીવંત રાખીને રાજનીતિ કરવા માંગે છે. નાગરિકતા સંશોધન કાયદા (CAA) દ્વારા એનઆરસીના હેતુઓને ખતમ કરી દેવામાં આવ્યા છે. સવાલ એ છે કે એનઆરસીમાં સ્થાન ન મેળવનાર 19 લાખ લોકોના કેસની સુનાવણી વહેલી તકે કેમ કરવામાં આવતી નથી? ઘૂસણખોરોને હાંકી કાઢવાના દાવા તો ખૂબ કરવામાં આવે છે, પરંતુ ન તો કેન્દ્ર સરકાર કે ન તો આસામ સરકાર કોઈ આંકડા રજૂ કરવા તૈયાર છે કે અત્યાર સુધીમાં કેટલા ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

માહિતી અધિકાર (RTI) કાર્યકર કન્હૈયા કુમારે 23 ફેબ્રુઆરી 2026 ના રોજ આસામ સરકારના મુખ્યમંત્રી સચિવાલયમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે ત્રણ મુખ્ય પ્રશ્નોના જવાબો માંગ્યા હતા:

  • છેલ્લા 10 વર્ષમાં આસામમાં કેટલા ‘ઘૂસણખોરો’ની ઓળખ થઈ કે પકડાયા?
  • આ સમયગાળામાં કેટલાને દેશનિકાલ (Deport) કરવામાં આવ્યા?
  • આ ‘ઘૂસણખોરો’ની રાષ્ટ્રીયતા (Nationality) મુજબની વિગતો શું છે?

આસામનું મુખ્યમંત્રી સચિવાલય આ પ્રશ્નોનો કોઈ સીધો જવાબ આપી શક્યું નથી અને અરજીને ‘પોલિટિકલ ડિપાર્ટમેન્ટ’ માં ટ્રાન્સફર કરી દીધી. આ વિભાગે જણાવ્યું કે માંગેલી માહિતી તેમની પાસે ઉપલબ્ધ નથી પરંતુ તે ‘આસામ પોલીસ બોર્ડર ઓર્ગેનાઈઝેશન’ પાસે છે. સાથે જ વિભાગે સ્પષ્ટ કર્યું કે આ સંસ્થાને RTI એક્ટ 2005 ની કલમ 24(4) હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ મળેલી છે.

RTI એક્ટની કલમ 24 કેટલીક સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને આ કાયદાના દાયરામાંથી બહાર રાખે છે. જોકે, કાયદામાં એવી શરત છે કે ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ભંગને લગતી માહિતી આ આધારે છુપાવી શકાતી નથી. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2026 માં ‘ધ વાયર’ ના એક અહેવાલમાં જણાવાયું હતું કે અમિત શાહના નેતૃત્વ હેઠળના ગૃહ મંત્રાલયે પણ ઘૂસણખોરોના આંકડા હોવાનો ઈનકાર કર્યો છે. જાન્યુઆરી 2026 માં એક આરટીઆઈના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે તેમની પાસે દેશભરમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ અંગેનો કોઈ કેન્દ્રીય ડેટા (Central Data) ઉપલબ્ધ નથી. હવે જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે ડેટા રાજ્યો પાસે છે અને રાજ્ય સરકાર માહિતી આપવાનો ઇનકાર કરે છે, ત્યારે ગંભીર સવાલ એ ઊભો થાય છે કે ચૂંટણી સભાઓમાં ‘ઘૂસણખોરો’ અંગેના મોટા દાવા કયા આધારે કરવામાં આવે છે? આ વિરોધાભાસ માત્ર સરકારી દાવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન નથી ઉઠાવતો, પરંતુ એ પણ દર્શાવે છે કે ઘૂસણખોરી જેવો સંવેદનશીલ મુદ્દો કેવી રીતે માત્ર ચૂંટણીલક્ષી રાજનીતિનું ઈંધણ બની ગયો છે.

રાજકીય વિશ્લેષક અબુ નસર સઈદ અહમદના મતે, ભાજપ દ્વારા મુસ્લિમોના વિવિધ વર્ગોને નિશાન બનાવવામાં આવતા આ સમુદાય હવે કોંગ્રેસ તરફ મજબૂત ઝુકાવ ધરાવે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદનું નામ મેડિકલ કોલેજમાંથી હટાવવા અને સ્થાનિક હીરો ‘બાગ હજારિકા’ ના ઐતિહાસિક અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાને કારણે સ્થાનિક આસામી મુસ્લિમો પણ નારાજ છે. 79 ટકા મુસ્લિમોનો ગૌરવ ગોગોઈ પરનો વિશ્વાસ દર્શાવે છે કે AIUDF ના પતન પછી કોંગ્રેસ હવે મુસ્લિમોનો એકમાત્ર મોટો આધાર બનીને ઉભરી છે.

ભાજપે પોતાની ‘ઓરુનોડોઈ’ (Orunodoi) જેવી રોકડ સહાયની યોજનાઓ દ્વારા મહિલા મતદારોનો એક મોટો વર્ગ તૈયાર કર્યો છે. એ જ રીતે, ચાના બગીચાના મજૂરોને જમીનના પટ્ટા આપીને અને વેતનમાં વધારો કરીને તેમના પરંપરાગત કોંગ્રેસી ઝુકાવને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિપક્ષનું કહેવું છે કે આ યોજનાઓ જાહેર નાણાં દ્વારા રાજકીય પ્રભાવ ઊભો કરવાનું માધ્યમ છે અને રાજ્ય પર દેવાનો બોજ વધારી રહી છે. આ વખતે ચૂંટણીમાં સાંસ્કૃતિક પ્રતિક ઝુબીન ગર્ગનું અવસાન અને “ન્યાય” ની માંગ એક મોટો ભાવનાત્મક મુદ્દો બની ગયો છે. બેરોજગારી અને કોમવાદી રાજનીતિથી પરેશાન યુવા મતદારો આ બાબતે સરકારના મૌનને શંકાની નજરે જોઈ રહ્યા છે. આ ઉપરાંત 6 સમુદાયોને શિડ્યુલ્ડ ટ્રાઈબ (ST) નો દરજ્જો આપવાનો અધૂરો વાયદો પણ અપર આસામમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આસામની 2026 ની ચૂંટણી માત્ર સત્તાનો જંગ નથી પરંતુ રાજ્યની ભાવિ ઓળખનો નિર્ણય કરશે.

કેરળમાં ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો તેજ

કેરળની રાજનીતિ હંમેશા તેની વિશિષ્ટતા અને જાગૃતિને કારણે દેશભરમાં પ્રખ્યાત રહી છે, પરંતુ એપ્રિલ 2026 ની ચૂંટણીઓએ આ ‘લાલ કિલ્લા’ માં એવી હલચલ મચાવી દીધી છે જેનું ઉદાહરણ ભૂતકાળમાં મળતું નથી. 9 એપ્રિલે થનારું મતદાન માત્ર એ નક્કી નહીં કરે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે, પરંતુ તે કેરળના પરંપરાગત રાજકીય માળખાના ભવિષ્યનો પણ નિર્ણય કરશે.

કેરળની રાજનીતિનો એક મોટો હિસ્સો રાજ્યની સરહદોથી હજારો માઇલ દૂર મધ્ય પૂર્વ (ગલ્ફ દેશો) માં નક્કી થઈ રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવે કેરળના 30 લાખથી વધુ પ્રવાસીઓ (ગલ્ફ મલયાલી) અને તેમના પરિવારોમાં ચિંતા પેદા કરી છે. પેટ્રોલના વધતા ભાવ અને ગલ્ફમાં નોકરીઓની અસુરક્ષાએ જીઓ-પોલિટિક્સને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતના કોઈ રાજ્યની ચૂંટણીમાં વૈશ્વિક યુદ્ધના વાદળો જાહેર ચર્ચાનું કેન્દ્ર બન્યા હોય.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કેરળમાં ડાબેરી મોરચા (LDF) ને એક નવી દિશા આપી છે. તેઓ ડાબેરીઓની પરંપરાગત ‘સામૂહિક નેતૃત્વ’ ના વિચારથી અલગ થઈને એક ‘સ્ટ્રોંગ મેન’ તરીકે ઉભરી આવ્યા છે. 2021 માં સતત બીજી વાર જીતીને તેમણે ઈતિહાસ રચ્યો હતો, અને હવે તેઓ ‘LDF 3.0’ ના નારા સાથે ત્રીજી ટર્મ માટે મેદાનમાં છે. જોકે, તેમના માર્ગમાં ‘એન્ટી-ઈન્કમ્બન્સી’ (સરકાર વિરોધી લહેર), પરિવારવાદના આરોપો અને ભ્રષ્ટાચારના પડછાયા અવરોધ બની શકે છે. સીપીએમ માટે આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે કેરળમાં હારનો અર્થ દેશભરમાંથી ડાબેરી શાસનનો સંપૂર્ણ અંત ગણાશે.

કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડ અને અન્ય વિસ્તારોમાં પૂરી તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધીનું નેરેટિવ- કથાનક સ્પષ્ટ છે કે ભાજપ અને સીપીએમ એક જ સિક્કાની બે બાજુ છે. તેમનો આરોપ છે કે કેન્દ્રીય એજન્સીઓ મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે નથી કરી રહી કારણ કે બંને વચ્ચે છૂપી સમજૂતી છે. જો યુડીએફ આ વખતે પણ સત્તા ગુમાવશે તો રાજ્યમાં કોંગ્રેસનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.

ભાજપ (NDA) કેરળમાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે આતુર છે. ‘કેરળ સ્ટોરી 2’ જેવી ફિલ્મો દ્વારા ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપની નજર ખાસ કરીને મધ્ય કેરળના ખ્રિસ્તી મતો પર છે, પરંતુ મણિપુરની ઘટનાઓએ આ સમુદાયને રક્ષણાત્મક સ્થિતિમાં લાવી દીધો છે. સુરેશ ગોપી જેવા ફિલ્મી સિતારાઓની લોકપ્રિયતા હોવા છતાં, ભાજપ માટે ‘હિન્દુત્વ’ ના એજન્ડાને સો ટકા સાક્ષર રાજ્યમાં સ્વીકાર્ય બનાવવો હજુ પણ એક મોટો પડકાર છે.

9 એપ્રિલે જ્યારે કેરળની જનતા વોટ આપશે, ત્યારે તેમના મનમાં વિકાસના કાર્યો અને કલ્યાણકારી યોજનાઓની સાથે રોજગાર, સુરક્ષા અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખનું રક્ષણ પણ હશે. શું પિનારાઈ વિજયન તેમના ‘કરિશ્માઈ નેતૃત્વ’ થી ત્રીજી વખત કિલ્લો જીતી શકશે કે પછી કોંગ્રેસ પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવી શકશે? તેનો નિર્ણય 4 મેના રોજ થશે જે દેશની દક્ષિણની રાજનીતિ માટે એક નવો વળાંક નક્કી કરશે.

(લેખ સાભારઃ “દઅવત’ ઉર્દુ સાપ્તાહિક, નવી દિલ્હી)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments