માનવ સમૂહમાં રહે છે. અને સામૂહિક રીતે શાંતિ અને સમૃદ્ધિ ત્યારે જ શક્ય બની શકે જ્યારે લોકો એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જાેડાયેલા હોય. એકબીજાના સુખ-દુ:ખમાં સાથે ઊભા હોય. એકબીજાને આગળ વધવા પ્રોત્સાહિત કરતાં હોય.અને જરૂરિયાત તેમજ મુશ્કેલીમાં એકબીજાને સહાયરૂપ બનતા હોય. સમાજને મજબૂત કરવામાં પરિવાર અને શિક્ષકની ભૂમિકા મુખ્ય છે, અને તે પછીનું એક મુખ્ય પાત્ર પાડોશી છે. તે વ્યક્તિને સૌભાગ્યશાળી કહી શકાય જેને સારો પાડોશ મળ્યો હોય. અન્યથા દરરોજ નાની અને તુચ્છ વાતો પર માથાકૂટ અને વાદ-વિવાદ થતા રહે છે. પારિવારિક લોકો પછી સદ્ચરિત્રના સૌથી લાયક લોકો આપણા પાડોશીઓ હોય તેવી આકાંક્ષા સૌને હોય છે.
માણસ જે લોકો વચ્ચે રહે છે, તેમની સાથે નાના-મોટા વ્યવહાર થતા રહે છે. વ્યક્તિની નૈતિક પરિસ્થિતિને સમજવા માટે સૌથી મુખ્ય વસ્તુ તેનો પાડોશ છે. ભૌતિક સંસાધનો કોઈ પણ સોસાયટીને સુંદરતા પ્રદાન કરી શકે, પરંતુ શ્રેષ્ઠતા અને આનંદ તો પારસ્પરિક સંબંધોમાં પ્રેમ અને નિખાલસતા વગર શક્ય નથી. તેમાંય પાડોશીઓ સાથેના સંબંધની વાત જ જુદી છે. ઇસ્લામે આ સંબંધને સાચવવા, નિભાવવા અને ગાઢ બનાવવા સારૂ દરેક વ્યક્તિને તેની ફરજ અદા કરવા પર ભાર મૂક્યો છે. પાડોશીના મહત્ત્વનો અંદાજ માત્ર આ હદીસ પરથી લગાવી શકાય છે જેમાં અલ્લાહના રસૂલ સ.અ.વ. કહે છે, જેનો ભાવાર્થ છે કે “જિબ્રીલ અલૈ. મને વારંવાર પાડોશીના હક વિશે વસિયત કરતા રહ્યા, અહીં સુધી કે મને લાગ્યું કે કદાચ પાડોશીને વારસદાર બનાવી દેશે.” (બુખારી, મુસ્લિમ) કુર્આન પાડોશીના હક અંગે બહુ સ્પષ્ટ અને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે. અલ્લાહ ફરમાવે છે,
“અને તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો, માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો, સગા-સંબંધીઓ, અનાથો અને જરૂરતમંદ લોકો સાથે સદ્વર્તન દાખવો, અને સગા પાડોશી સાથે, અજાણ્યા પાડોશી સાથે, સાથે બેસનારા સંગાથીઓ અને મુસાફરો સાથે, અને તમારી કાબૂમાં રહેલા લોકો સાથે ભલાઈનું વર્તન દાખવો, વિશ્વાસ રાખો કે અલ્લાહ કોઈ એવા માણસને પસંદ નથી કરતો જે પોતાના અહંકારમાં ગળાડૂબ હોય અને પોતાની મોટાઈનું ઘમંડ કરે.” (સૂર: નિસા – ૩૬)
આ આયતમાં જે લોકો સાથે સદ્વર્તન કરવાની હિદાયત આપવામાં આવી છે, તેમાં જાણીતા અને અજાણ્યા પાડોશી બંને સામેલ છે. અરબી ભાષામાં ‘જાર’ શબ્દનો અર્થ ‘પાડોશ‘ થાય છે. તેમાં નિકટતા, મિત્રતા, અને પીઠબળ જેવા ભાવાર્થ પણ છુપાયેલા છે. પાડોશીઓ સાથે સદ્વર્તનનું જે શિક્ષણ આપવામાં આવ્યું છે, તેમાં કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વંશ, ભાષા, રંગ કે બીજી કોઈ સામુદાયિક ઓળખની કોઈ બાધા નથી. વ્યક્તિ કોઈ પણ સમુદાયથી સંબંધ ધરાવતી હોય, પરંતુ તે પાડોશી તરીકે શ્રેષ્ઠ વર્તનની અધિકારી છે. અને પાડોશી તરીકે નબી સ.અ.વ.એ ચારેય દિશામાં ૪૦ ઘરોની હદ નક્કી કરી. વિચારો તો ખરા, જાે વ્યક્તિ આટલા બધા લોકો સાથે સારો વ્યવહાર કરે, તો સમાજ કેવો મહેકી ઊઠશે. પાડોશી તરીકે આવા લોકો સાથે કેવા પ્રકારનું સદ્વર્તન થવું જાેઈએ, તેને વિસ્તારપૂર્વક સમજીએ.
૧. એક માનવી તરીકે પાડોશીને માન-સન્માન આપવું
એક માનવી તરીકે પાડોશીને માન-સન્માન આપવાથી તેના પદ અને પ્રતિષ્ઠા તથા ઇજ્જતમાં વધારો કરે છે. અલ્લાહની અસીમ સૃષ્ટિમાં અગણિત સજીવો છે. અલ્લાહે સર્જેલા જીવોમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત સર્જન છે, જે તેને સંસારમાં સૌથી વધુ માન-સન્માન મળવા પાત્ર બનાવે છે. એક માનવી તરીકે તેને માત્ર જીવવાનો હક નથી, બલકે આદર પણ જાેઈએ. કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે કે,
“અને નિશ્ચય જ અમે આદમની સંતાનોને સન્માન આપ્યું.” (સૂર: બની ઇસરાઈલ : ૭૦)
આજે આપણા સમાજની સળગતી સમસ્યા આ છે કે લોકો એકબીજાને સન્માન નથી આપતા. આદર-સન્માન આપવામાં પણ લોકો ખૂબ જ સિલેક્ટિવ થઈ ગયા છે. સન્માન આપવા માટે આપણા સમાજમાં ધન-દોલત, દરજ્જો કે જાતિ-ધર્મને માપદંડ બનાવી લેવામાં આવ્યો છે. જ્યારે કે સન્માન વ્યક્તિનો મૂળભૂત અને જન્મજાત અધિકાર છે. કોઈ પણ રૂપમાં તેનું અપમાન સહન કરી શકાય નહીં, ભલે વ્યક્તિ ગમે તે ધર્મ, જાતિ, રંગ અને ભાષા કે સામુદાયિક ઓળખથી સંબંધ ધરાવતી હોય. વ્યક્તિ તરીકે પાડોશીને આદર આપવો આપણી મૂળભૂત ફરજ છે, જેમાં બેદરકારી કરવી આપણને માનવીની કક્ષાથી નીચે ઉતારી દે છે. અને આ સન્માન આપવામાં જાતિ, રંગ, નસલ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન કરવો જાેઈએ.
૨. એકબીજાને સહાયરૂપ બનો
પાડોશી એક દીવાલ સાથે જોડાયેલો હોતો નથી, પરંતુ દિલ સાથે જોડાયેલો હોય છે. માણસ ભલે ગમે તેટલો પૈસાદાર હોય, પરંતુ કોઈને કોઈ કારણસર તેને બીજાની નાની-મોટી વસ્તુઓની જરૂર પડે જ છે. આવી પરિસ્થિતિમાં સગાં-સંબંધીઓથી પહેલાં પણ જે વ્યક્તિ કામ આવી શકે, તે તેનો પાડોશી છે. તેથી પાડોશી સાથે ખૂબ જ પ્રેમાળ સંબંધો હોવા જોઈએ. કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય અથવા કોઈ જરૂરત જણાય તો વ્યક્તિ તેના પાડોશીને ખચકાટ વગર સીધું કહી શકે. પાડોશીની જરૂરિયાતને પૂરી કરવી બીજા પાડોશીની સીધી જવાબદારી હોય છે. અલ્લાહ તઆલાએ જે વ્યક્તિને વિનાશની ખબર આપી છે, તેમાં એવી વ્યક્તિ પણ છે જે નાની-નાની જરૂરિયાતની વસ્તુઓ એકબીજાને નથી આપતી. અલ્લાહ ફરમાવે છે,
“પછી વિનાશ છે તે નમાઝ પઢનારાઓ માટે, જેઓ પોતાની નમાઝથી બેદરકારી દાખવે છે, જેઓ દેખાડો કરે છે અને સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ (લોકોને) આપવાથી બચે છે.” (સૂર: માઊન : ૪-૭)
મૌલાના મૌદૂદી રહ. તફહીમુલ કુર્આનમાં લખે છે, “મોટાભાગના તફસીરવેત્તાઓનું માનવું એ છે કે ‘માઊન‘ એ તમામ નાની-નાની વસ્તુઓ પર લાગુ થાય છે, જે સામાન્યત: પાડોશીઓ એકબીજા પાસે માગતા રહે છે. તેમનું માગવું કોઈ અપમાનની વાત નથી હોતી, કેમ કે ગરીબ અને અમીર બધાને ક્યારેકને ક્યારેક તો તેની જરૂરિયાત પડતી રહે છે. અલબત્ત, એવી વસ્તુઓ આપવામાં કંજૂસાઈ કરવી નૈતિક રીતે એક નીચ અને હલકા પ્રકારનું કૃત્ય સમજવામાં આવે છે. સામાન્ય રીતે આવી વસ્તુઓ સ્વયં સુરક્ષિત રહે છે અને પાડોશી તેનો ઉપયોગ કરીને યથાવત્ પાછી આપી દેતા હોય છે. આ જ *‘માઊન‘*ના અર્થમાં એ પણ આવે છે કે કોઈના ત્યાં મહેમાન આવી જાય અને તે પાડોશી પાસેથી ખાટલો કે બિસ્તર માગી લે, અથવા કોઈ પોતાના પાડોશીના ચૂલામાં પોતાની રોટલી કરવાની માગણી કરે, અથવા કોઈ થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો હોય અને સલામતી માટે પોતાનો કોઈ કીમતી સામાન બીજાને ત્યાં મૂકવા માગે. આમ, આયતનો હેતુ એ બતાવવાનો છે કે આખિરતનો ઇનકાર માણસને એટલો સંકુચિત મનનો બનાવી દે છે કે તે બીજા માટે કોઈ મામૂલી ત્યાગ કરવા માટે પણ તૈયાર નથી હોતો.”
૩. ભેટ-સોગાદ આપવી
જીવનને આનંદમય બનાવવા માટે પાડોશી સાથેના સંબંધોમાં સુમેળ ખૂબ જ જરૂરી છે. ભેટ આપવા માટે મોટી કે મોંઘી વસ્તુઓ કે પ્રસંગોની જરૂર નથી. નાની સરખી ભેટ પણ આપી શકાય છે. કશું નહીં તો જે ભોજન રાંધ્યું છે તે મોકલી શકાય અથવા ઘરે જમવા બોલાવી શકાય. અલ્લાહના રસૂલ સ.અ.વ. ફરમાવે છે કે “એકબીજાને ભેટ આપો, કારણ કે તેનાથી પ્રેમ વધે છે.” (મુસ્નદ અહમદ)
હઝરત આઇશા રદિ.એ પૂછ્યું: ‘યા રસૂલલ્લાહ સ.અ.વ.! મારા બે પાડોશી છે, તો હું કોને હદિયા (તોહફો) મોકલું?’ તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું: ‘જેનો દરવાજાે તારા દરવાજાથી વધારે નજીક છે.” (સહીહ બુખારી : ૨૨૫૯)
૪. સુખ-દુ:ખમાં સાથ આપવો:
પાડોશી બીમાર હોય તો તેની ખબર-અંતર પૂછવા જાેઈએ. દવાખાને લઈ જવા અથવા દવા-ઇલાજની જરૂર જણાય તો તેની મદદ કરવી જાેઈએ. કોઈ મુશ્કેલીમાં હોય તો તેને માર્ગદર્શન આપવું, તેનું કાઉન્સેલિંગ અને સહાય કરવી જાેઈએ. તેને ત્યાં ખુશીનો કોઈ અવસર હોય તો શુભેચ્છા પાઠવવી જાેઈએ અને પ્રસંગમાં સામેલ પણ થવું જાેઈએ. સુખ-દુ:ખમાં સાથ આપવાથી વ્યક્તિ ભાવનાત્મક રીતે એકબીજાથી બંધાઈ જાય છે અને ગમે તેવા કપરા સંજાેગોમાં તેની આશા ટકી રહે છે. આજે લોકો પરિવારકેન્દ્રિત થઈ ગયા છે, જેથી પાડોશીને ત્યાં શું ચાલે છે તેમાં કોઈ રસ લેતા નથી અને ન જ કોઈ મદદ કરે છે. બલકે પાડોશી જરૂરતમંદ હોય તો કેટલાક લોકો તેની સાથે વાત કરવામાં પણ સંકોચ અનુભવે છે. જો પાડોશી ગરીબ કે જરૂરતમંદ હોય તો તેની વિશેષ કાળજી લેવી જાેઈએ,તે પાડોશી તરીકે આ આપણી પહેલી ફરજ છે. કેમ કે સૌથી નજીકની વ્યક્તિ આપણા સદ્વર્તનની સૌથી વધુ હકદાર છે. અલ્લાહ કુર્આનમાં ફરમાવે છે, “તે (સદાચારીઓ) અલ્લાહના પ્રેમમાં ગરીબો, અનાથ અને કેદીઓને ભોજન કરાવે છે. (અને તેઓ કહે છે:) અમે તમને ફક્ત અલ્લાહની ખુશી માટે ભોજન આપીએ છીએ, અમે તમારી પાસેથી કોઈ બદલો માંગતા નથી, અને અમે તમારા તરફથી કોઈ આભાર પણ ઇચ્છતા નથી.”
૫. રહસ્ય અને ખાનગીપણું જાળવવું
આ હકીકત છે કે એક પાડોશી બીજા પાડોશીની નાની-મોટી ખામી – ખૂબીથી વાકેફ હોય છે. લોકોની ખૂબીઓનું વર્ણન કરવાથી સંબંધોમાં મીઠાશ પેદા થાય છે, પરંતુ તેની ખામીઓ જાહેર કરવાથી સંબંધોમાં કડવાશ ઊભી થાય છે. આપણે તેમના વિશે કોઈ ખાનગી કે રહસ્યની વાત જાણતા હોઈએ તો તેને જાળવવી આપણી જવાબદારી છે. કુર્આનની પ્રથમ શિખામણ તો આ છે કે કોઈની જાસૂસી (રહસ્યો શોધવા) ન કરે, “અને તમે એકબીજાની જાસૂસી ન કરો.” (સૂર: હુજુરાત ૧૨)
અને કોઈ વાતની ખબર પડી જાય તો તેને સાચવવી આપણી જવાબદારી છે. અલ્લાહ ફરમાવે છે,“અને જાણતા હોવા છતાં તમારી અમાનતોમાં ખયાનત (દગો) ન કરો.” (સૂર: અન્ફાલ, આયત- ૨૭)
૬. ઘર, મિલકત અને પરિવારની દેખરેખ રાખવી
એવા સંજાેગો બને છે કે ક્યારેક પાડોશીને ઘરે તાળું મારી અથવા બાળકોને ઘરમાં જ મૂકી બહાર જવાનું થાય છે. આવી પરિસ્થિતિમાં તેમના ઘરની દેખરેખ ધ્યાનથી રાખવી જાેઈએ. ક્યારેક એવું પણ બને કે લાંબા સમય માટે તેમણે શહેર છોડીને જવાનું થાય. આવા સંજાેગોમાં એક સારા પાડોશી તરીકે તેના ઘર અને માલ-મિલકતની રક્ષા કરવી આપણી જવાબદારીમાં આવે છે. પાડોશી સાથે એવા ગાઢ અને નિખાલસ સંબંધો હોવા જાેઈએ કે તેઓ આપણા ઉપર વિશ્વાસ કરી શકે.
૭. પોતાની વાણી-વર્તનથી તકલીફ ન આપો
કુર્આનમાં એક એવી સ્ત્રીનો ઉલ્લેખ છે જે નબી સ.અ.વ.ને તકલીફ આપવા તેમના માર્ગમાં કાંટા, લાકડાં અને ગંદકી ફેંકતી હતી. પોતાના શબ્દો અને કાવતરાથી તે સતત હઝરત મુહમ્મદ સ.અ.વ.નો ઉપહાસ કરતી અને લોકોને ભડકાવતી હતી. તે સંબંધમાં આપ (સ.અ.વ.)ની કાકી હતી અને આપના પાડોશમાં રહેતી હતી. પાડોશીને તકલીફ પહોંચાડવી એવો ગુનો છે કે સૂર: લહબમાં અબૂ લહબની સાથે તેની પત્ની ઉમ્મે જમીલને પણ નરકની ખુશખબર આપવામાં આવી.
“ચોક્કસ તેને ભડકે બળતી આગમાં નાખવામાં આવશે, અને (તેની સાથે) તેની પત્ની પણ, લાકડાં લાદનાર, તેના ગળામાં મુંજનું દોરડું હશે.” (સૂર: લહબ, આયત – ૩-૫)
તેથી મોમિનને એ શોભતું નથી કે તે પોતાના વાણી-વર્તનથી તેના પાડોશીને તકલીફ પહોંચાડે. પોતાના ઘરમાં ઊંચા અવાજથી વાતો કરવી કે ગીતો વગાડવા જેથી પાડોશી ઘોંઘાટ અનુભવે, ઘરનો કચરો બાજુના ઓટલા પર મૂકી દેવો, પોતાના ઘરનું પાણી એવી રીતે વહેવડાવવું કે પાડોશીના ઘર આગળ જાય, તેને ટોણાં મારવા, તેની ઈર્ષ્યા કરવી અથવા ખોટી શંકા કરવી વગેરે એવા કામો છે જેનાથી પાડોશીને તકલીફ થાય છે. પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે “ખોટી શંકાથી બચતા રહો, કેમ કે શંકાની ઘણી વાતો ખોટી હોય છે. લોકોની ખામીઓ શોધવા પાછળ ન પડો, એકબીજા પર ઈર્ષા ન કરો, પીઠ પાછળ કોઈની નિંદા ન કરો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો; પરંતુ તમે બધા અલ્લાહના બંદા, ભાઈ-ભાઈ બનીને રહો.” (બુખારી : ૬૦૬૪)
૮. વિવાદ વચ્ચે ન્યાય
માનવીય સમાજ ઘણા બધા સ્વભાવ, આદતો અને વિચારોનું સંયોજન છે. તેમના વચ્ચે ક્યારેક મતભેદ થવો બિલકુલ સામાન્ય છે. જ્યારે લોકો સાથે રહેતા હોય અને બે ઘરોની દીવાલો પણ એક હોય તો નાની સરખી વાત પર પણ વિવાદ થવાની શક્યતા રહે છે. કોઈ પણ વિવાદમાં એક વ્યક્તિની વાણી કે આચરણ ખોટું જ હશે એમાં કોઈ બેમત નથી, પરંતુ જ્યારે વાત કરવામાં પક્ષપાત કરવામાં આવે ત્યારે નાનો સરખો મુદ્દો એક મોટી સમસ્યા બની જાય છે. તેથી અલ્લાહ કોઈ પણ પરિસ્થિતિમાં ન્યાયની તુલામાં વિક્ષેપ ન કરવાનો આદેશ આપે છે.
“અને જ્યારે તમે બોલો ત્યારે ન્યાયની વાત કરો, ભલે તે તમારા સગા માટે જ કેમ ન હોય.” (સૂર: અન્આમ : ૬, ૧૫૨)
પાડોશીના હકો બાબતે હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ઘણું બધું કહ્યું છે, જેને આપણે નજર સમક્ષ રાખવું જોઈએ. પાડોશી સાથેના સદ્વર્તનથી અલ્લાહ ખુશ થઈ આપણને જન્નતમાં સ્થાન આપશે. અલ્લાહના નબી ફરમાવે છે કે, “જે કોઈ હલાલ કમાણી કરે છે જેથી તે ભીખ માંગવાનું ટાળે, પોતાના પરિવાર માટે કંઈક કમાય અને પોતાના પાડોશીઓ સાથે દયાળુ વર્તન કરે, તે કયામતના દિવસે ચમકતા ચંદ્રની જેમ ચમકતો ચહેરો લઈને આવશે.” (મિશકાત ૫૨૦૭)
ચાલો, સીરતનું પઠન કરીએ, અને પાડોશીનું જતન કરીએ.