વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ માનવતા કોઈ ગંભીર સંકટનો સામનો કરે છે, ત્યારે અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરો અને રસૂલો દ્વારા તેના માટે પ્રકાશ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે. આ સાચા માર્ગદર્શકોની શ્રેણીનો અંત હુઝૂર રહમતે આલમ ﷺની જાત-એ-અકદસ પર થયો. આપ ﷺ માત્ર છેલ્લા રસૂલ જ નથી, બલ્કે આપની શિખામણો કિયામત સુધી દરેક યુગ અને દરેક સમાજ માટે માર્ગદર્શનનો સ્ત્રોત છે.
હુઝૂર ﷺનો જન્મ એવા સમયમાં થયો જ્યારે અરબનો સમાજ દરેક પાસામાં પતન અને અધોગતિનો શિકાર હતો. જો સમાજનું વિશ્લેષણ ગહન દૃષ્ટિથી કરવામાં આવે તો ત્રણ મોટી બૂરાઈઓ સ્પષ્ટપણે જાેવા મળે છે: અકીદાની ખરાબી, નૈતિક બૂરાઈ અને રાજકીય અધોગતિ. અકીદો મનુષ્યનો સિદ્ધાંત નક્કી કરે છે, સિદ્ધાંત તેના નૈતિક વર્તનની દિશા નક્કી કરે છે અને નૈતિકતા જ રાજકારણ અને સામાજિક વ્યવસ્થાનો પાયો બને છે. હુઝૂરે અકરમ ﷺએ આ ત્રણેય સ્તંભોમાં સુધારો કર્યો. આપ ﷺએ તૌહીદના અકીદાના પ્રકાશમાં દિલમાંથી ર્શિક અને બાતિલને જડમૂળથી ઉખેડી નાખ્યા, નૈતિક પતનને સદાચાર, ન્યાય અને દયાની શિક્ષાથી ઉન્નત કર્યું, અને રાજકીય તથા સામાજિક સ્તર પર મદીનાનું રાજ્ય સ્થાપીને ન્યાય, સમાનતા અને ભાઈચારાનું વ્યવહારૂ ચિત્ર દુનિયા સમક્ષ રજૂ કર્યું.
થોડા જ વર્ષોમાં આખા અરબનો નકશો બદલાઈ ગયો. આ તે પવિત્ર કુર્આન અને સીરત-એ-તૈયબા (પવિત્ર જીવની ﷺ)નો ચમત્કાર હતો, જે આપ ﷺએ રજૂ કર્યો અને પોતાના વ્યવહારૂ જીવનથી સાબિત કરી બતાવ્યો. કુઆર્ન કહે છે કે, “પયગમ્બર મુહમ્મદ નું જીવન દરેક એ વ્યક્તિ માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે જે અલ્લાહ અને આખિરત પર ઈમાન ધરાવે છે અને અલ્લાહને ખૂબ યાદ કરે છે.”
આજના ભારતીય સમાજ પર એક નજર નાખીએ તો નૈતિક પતન, સામાજિક અન્યાય અને રાજકીય સ્વાર્થીપણું ચરમસીમા પર જાેવા મળે છે. સમાજ ભૌતિકવાદ, અશ્લીલતા, અપરાધ અને વિલાસિતામાં ડૂબેલો છે, નબળા પર અત્યાચાર, સ્ત્રીઓ પર જબરદસ્તી, જાતિવાદ અને વર્ગવિભાજને સામાજિક માળખાને પોલું કરી દીધું છે. સત્તાની લાલસા અને ભ્રષ્ટાચારે ન્યાયને નબળો બનાવી દીધો છે, અને સૌથી મોટી વાત એ છે કે સાંપ્રદાયિકતા અને નફરત ઝડપથી વધી રહી છે. કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે, નવી પેઢી દિશાહીન બની ગઈ છે અને દુ:ખની વાત એ છે કે ખુદ મુસલમાનો પણ પયગમ્બર ﷺની શિખામણોથી દૂર થઈને એ જ બીમારીઓમાં સપડાઈ ગયા છે જેને આપ ﷺએ જડમૂળથી ઉખેડી નાખી હતી.
મુહમ્મદ ﷺનું પવિત્ર જીવનચરિત્ર આપણને શીખવે છે કે અકીદાની સુધારણા જ બૌદ્ધિક સ્વતંત્રતાની ગેરંટી છે. ભારતીય સમાજમાં આજે જે અંધશ્રદ્ધા અને પૂર્વગ્રહો પ્રવર્તી રહ્યા છે, ત્યાં મુહમ્મદ ﷺના જીવનના પ્રકાશમાં એક એવો સિદ્ધાંત વિકસાવવાની જરૂર છે જે મનુષ્યને તેના સર્જનહાર સાથે જાેડી દે અને નફરતને મિટાવી દે. પયગમ્બર ﷺના ચરિત્રને કુર્આન “અલા ખુલુકિન અઝીમ” (મહાન ચરિત્ર પર) ગણાવ્યું, તેથી જૂઠ, ભ્રષ્ટાચાર, લાંચ, અશ્લીલતા અને અત્યાચાર સામે સત્ય, ઈમાનદારી, શરમ અને ન્યાય જ સાચો ઉપચાર છે. આજના ભારતમાં શિક્ષણ અને તાલીમના દરેક ક્ષેત્રમાં નૈતિકતાને કેન્દ્રસ્થાને રાખવી અનિવાર્ય છે.
મદીના રાજ્યનો પ્રથમ સ્તંભ ન્યાય(અદ્લ) હતો. મુસલમાન હોય કે બિન-મુસ્લિમ, બધા સાથે સમાન વ્યવહાર થતો હતો. આ જ સિદ્ધાંત ભારતમાં સામાજિક શાંતિની ચાવી છે. જાે ન્યાય સ્થાપિત ન થાય તો કોઈ પણ વ્યવસ્થા કાયમ રહી શકતી નથી. તેવી જ રીતે, કૌટુંબિક વ્યવસ્થાનું રક્ષણ પણ સીરતનો એક ભાગ છે. પયગમ્બર ﷺએ નિકાહ સાદગીથી કરવાનો માત્ર આદેશ જ ન આપ્યો, બલ્કે તેને સમાજમાં પ્રચલિત પણ કર્યો. સ્ત્રીઓને સન્માન આપ્યું, બાળકો અને માતા-પિતાના અધિકારો સ્પષ્ટ કર્યા, તેથી આજના સમાજમાં તૂટી રહેલા પરિવારોને બચાવવા માટે આપણે આ જ મોડલ અપનાવવું પડશે.
મદીનાના સામાજિક કરારથી આપણને આંતર-ધર્મીય સહનશીલતાનો બોધ મળે છે. યહૂદી, ઈસાઈ અને મુશ્રિક – બધાને સાથે લઈને હુઝૂર ﷺએ મદીનાનો કરાર બનાવ્યો. આ જ એ મોડલ છે જે ભારત જેવા બહુધર્મીય દેશ માટે સૌથી યોગ્ય માર્ગદર્શક સિદ્ધાંત છે. તેવી જ રીતે, આર્થિક ન્યાય અને કલ્યાણકારી રાજ્યનો ખ્યાલ પણ નબવી શિખામણોમાં મૌજૂદ છે. ઝકાત, સદ્કા અને વકફની પ્રણાલીએ ગરીબીને સમાપ્ત કરી અને સંપત્તિના કેન્દ્રીકરણને રોક્યું. આજના ભારતમાં જ્યાં ગરીબી અને બેરોજગારી મોટી બીમારીઓ છે, ત્યાં આ જ મોડલ શ્રેષ્ઠ ઉપાય રજૂ કરે છે.
મુસલમાનો તે પયગમ્બરના ઉમ્મતી છે જેમને “રહમતુલ લિલ આલમીન” (સમગ્ર વિશ્વ માટે દયા) બનાવીને મોકલવામાં આવ્યા હતા. મુસલમાનો પાસે કુઆર્ન અને જીવનચરિત્રના રૂપમાં તે ખજાનો છે જે માનવતાની દરેક સમસ્યાનો ઉકેલ રજૂ કરે છે. તેથી, મુસલમાનો પર બેવડી જવાબદારી આવે છે કે તેઓ પોતાના જીવનમાં એ પવિત્ર જીવનચરિત્રને અપનાવે, પોતાના શિક્ષણ અને તાલીમમાં નૈતિકતા અને ચરિત્રને મૂળભૂત સ્થાન આપે અને આ સંદેશને ખરા હૃદય અને વિવેક સાથે સમગ્ર ભારતીય સમાજ સુધી પહોંચાડે.
ભારતીય સમાજ આજે જે સંકટોમાં સપડાયેલો છે, તેનો કાયમી ઉકેલ ન તો રાજકારણના દર્શનોમાં છે કે ન તો અર્થતંત્રના નવા મોડલોમાં, પરંતુ તે માત્ર અને માત્ર તે સીરત-એ-તૈયબા – પવિત્ર જીવની ﷺમાં છે જે કુર્આનના વ્યવહારૂ અનુવાદના રૂપમાં આપણી સામે હાજર છે. જાે આપણે પૂર્વગ્રહ, બેદરકારી અને ગેરસમજથી ઉપર ઊઠીને પયગંબરે અકરમ ﷺની શિખામણોને અપનાવી લઈએ, તો ચોક્કસ ભારત એક એવો સમાજ બની શકે છે જ્યાં ન્યાય હોય, શાંતિ હોય, ભાઈચારો હોય અને દરેક મનુષ્યને સન્માન અને સુખ પ્રાપ્ત થાય.