નવી દિલ્હીઃ એવા સમયે જ્યારે ગાઝ઼ા ઇતિહાસની સૌથી મોટી માનવીય તબાહીનો સામનો કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇઝરાયલ પ્રવાસ અને ઇઝરાયલી નેતૃત્વ સાથેની જાહેર મુલાકાત નિરાશાજનક અને ચિંતાજનક છે. આ વાત જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મીડિયાને જારી કરેલા એક નિવેદનમાં જણાવી છે.
તેમણે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાનના ભાષણ અને જાહેરમાં તેમના વલણે લાખો ભારતીયોને ખૂબ નિરાશ કર્યા છે, જેઓ ન્યાયના અવાજ અને દબાયેલા-કચડાયેલા લોકોના રક્ષક તરીકે ભારતની ઐતિહાસિક ભૂમિકા પર ગર્વ અનુભવે છે. જ્યારે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો, સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ અને માનવીય એજન્સીઓએ ગાઝ઼ામાં ઇઝરાયલની કાર્યવાહીને યુદ્ધ અપરાધ, માનવતા વિરુદ્ધના અપરાધ અને નરસંહાર સમાન ગણાવી છે, ત્યારે તેની સ્પષ્ટ અને નિર્ભય નિંદાનો અભાવ અભૂતપૂર્વ અને પીડાદાયક બંને હતો.
સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું હતું કે ભારતે ઐતિહાસિક રીતે વિશ્વના તમામ ભાગોમાં રંગભેદ, સંસ્થાનવાદી કબજો અને વંશીય ભેદભાવનો વિરોધ કર્યો છે. વિશ્વભરની બાબતોમાં ભારતની નૈતિક પ્રતિષ્ઠા માત્ર વ્યૂહાત્મક હિતો પર જ નહીં, પરંતુ ન્યાય, દયા અને શોષિતો સાથેની એકતા પર આધારિત સભ્યતાના મૂલ્યો પર બનેલી છે. ભારતના લોકોને આશા હતી કે તેમના વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન આ વારસાને જાળવી રાખશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે પેલેસ્ટિનિયન જમીન પર ઇઝરાયલનો લાંબા સમયથી કબજો, તેની ભેદભાવની કાર્યપદ્ધતિ જેને જાણીતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો ‘રંગભેદ’ (apartheid) કહે છે, અને ગાઝ઼ામાં મોટા પાયે થઈ રહેલી તબાહી અને હત્યાઓ માત્ર એક રાજકીય લડાઈ નથી, પરંતુ માનવતા માટે ગંભીર નૈતિક સંકટ છે. એક તરફ ઇઝરાયલી નેતૃત્વ સાથે પ્રેમ અને સામાન્ય વાતાવરણના પ્રતીકાત્મક સંકેતો અને બીજી તરફ પેલેસ્ટિનિયનોની તકલીફ માટે એટલી જ સ્પષ્ટ અને હિંમતભરી ચિંતા વ્યક્ત ન કરવી, તેનાથી લાખો ભારતીયોમાં ઊંડો શોક વ્યાપ્યો છે, જેઓ હંમેશા ન્યાયની સાથે જોડાયેલા રહે છે.
જમાઅતના અધ્યક્ષે એ વાત પર ભાર મૂક્યો હતો કે ભારતની આઝાદીની લડત પોતે જ સંસ્થાનવાદી વર્ચસ્વ અને અન્યાય સામેની એક નૈતિક લડાઈ હતી. ભારતની રાષ્ટ્રીય ઓળખ અને વિશ્વભરમાં તેનું સન્માન સત્ય, ન્યાય અને તમામ મનુષ્યોના ગૌરવ માટેના તેના અડગ નિર્ધારથી બનેલું છે. મોટા પાયે માનવીય પીડા અને પ્રણાલીગત અત્યાચાર સામે કોઈપણ પ્રકારનું મૌન અથવા નૈતિક મૂંઝવણ તે ગૌરવશાળી વારસાને નબળો પાડી શકે છે અને ‘ગ્લોબલ સાઉથ’ના એક મહત્વપૂર્ણ અવાજ તરીકે ભારતની વિશ્વસનીયતાને ઓછી કરી શકે છે.
સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે ભારતના લોકો પેલેસ્ટિનિયન પ્રશ્નને માત્ર ભૌગોલિક-રાજકીય મુદ્દો નહીં, પરંતુ એક નૈતિક અને માનવીય મુદ્દો માને છે. ભારતનો આત્મા હંમેશા દબાયેલા લોકોની સાથે રહ્યો છે, પછી ભલે તેમનો ધર્મ, ભૂગોળ કે રાજકીય લાભ ગમે તે હોય. ભારતની સભ્યતાની વિચારધારા; જે તેના સ્વતંત્રતા આંદોલન અને બંધારણીય મૂલ્યોમાં પ્રતિબિંબિત થાય છે, તે તેના નેતૃત્વ પાસે અન્યાય સામે સત્ય અને હિંમતથી બોલવાની અપીલ કરે છે.
જમાઅતે ઇસ્લામી હિંદના સાતત્ય પૂર્ણ અને સૈદ્ધાંતિક વલણને દોહરાવતા સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે જમાઅતે હંમેશા સંસ્થાનવાદી કબજા, રંગભેદ અને અન્યાયનો વિરોધ કર્યો છે અને પેલેસ્ટિનિયન લોકોના વાજબી અધિકારો માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. આ બાબત રાજકીય અનુકૂળતામાંથી નહીં, પરંતુ વિશ્વભરના નૈતિક સિદ્ધાંતો અને આઝાદી, સન્માન અને ન્યાયના તે જ મૂલ્યોમાંથી આવે છે જેમાંથી ભારતને તેની આઝાદીની લડત માટે પ્રેરણા મળી હતી.
તેમણે એમ કહીને પોતાની વાત પૂરી કરી કે ભારતની સાચી શક્તિ માત્ર તેની આર્થિક કે વ્યૂહાત્મક તાકાતમાં નથી, પરંતુ તેના નૈતિક અવાજમાં છે. આ નૈતિક અવાજ; ભારતનો અંતરાત્મા અને સભ્યતાનો આત્મા જ છે જેણે ઐતિહાસિક અન્યાયના સમયે તેના નેતૃત્વને માર્ગ બતાવવો જોઈએ.
