અલ્લાહે દરેક યુગ અને દરેક સમુદાયમાં પોતાના નબી અને પોતાના ગ્રંથ મોકલ્યા છે, કાળાંતરે જ્યારે તેમના શિક્ષણમાં ભેળસેળ અને ફેરફાર કરી દેવામાં આવ્યું તો અલ્લાહ દ્વારા તેને પરિષ્કૃત કરી નવા નબી અને નવા ગ્રંથનું અવતરણ કરવામાં આવ્યું. છેલ્લે જ્યારે જ્ઞાનને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી તો અંતિમ રસૂલ તરીકે હઝરત મુહમ્મદ સ.અ.વ. અને અંતિમ ગ્રંથ તરીકે કુર્આનને મોકલવામાં આવ્યા. ઇસ્લામે પોતાના માનવાવાળાઓ પર દરેક નબી અને રસૂલ ઉપર ઈમાન (આસ્થા) રાખવાની અને દરેક ગ્રંથને સ્વીકારવાના આદેશ આપ્યા છે. આ બધા નબીઓ ઉપર અને ગ્રંથો ઉપર ઈમાન રાખ્યા વિના કોઈ મુસ્લિમનું ઈમાન સ્વીકાર્ય નથી.
ઇસ્લામમાં પૈગમ્બરોના બે પ્રકાર વર્ણવવમાં આવ્યા છે. એક રસૂલ અને બીજાે નબી. નબી એટલે તે પૈગંબર જે કોઈ નવો આકાશીય ગ્રંથ લઈને ન આવ્યો હોય, અને રસૂલ તે પૈગંબર જે કોઈ નવો ગ્રંથ લઈને મોકલવામાં આવ્યો હોય. એટલે દરેક નબી રસૂલ નથી હોતો પણ દરેક રસૂલ નબી પણ હોય છે. હઝરત ઈસા અ.સ.નું મહત્ત્વ એટલું ઘણું વધી જાય છે કે તેઓ નબી પણ હતા અને રસૂલ પણ. અને એટલે જ આ ક્રિસ્મસના અવસરે દેશ બાંધવોને અને ખાસ કરીને ખ્રિસ્તી ભાઈઓને એ જાણવાની તાતી જરૂર છે કે ઇસલામે હઝરત ઈસા અ.સ.ને કેટલો ઊંચો દરજ્જાે આપ્યો છે અને મુસ્લિમો હઝરત ઈસા અ.સ.નું કેટલું સંમાન કરે છે અને તેમનાથી કેટલો પ્રેમ કરે છે. આથી બધા એક બીજાની નજીક આવી શકે અને પ્રેમ અને સૌહાર્દના વાતાવરણનું નિર્માણ થઈ શકે.
અંતિમ ઈશ્વરીય ગ્રંથ કુર્આનમાં હઝરત ઈસા અ.સ.નું નામ ૨૫ વાર આવ્યું છે, હઝરત ઈસા અ.સ.ને કુઆર્ાનમાં જુદા જુદા વિશેષણો દ્વારા યાદ કરવામાં આવ્યા છે જેમકે, કલિમતુલ્લાહ ( અલ્લાહનો શબ્દ), મસીહ ( મડદાઓને જીવિત કરનાર), આયતુલ્લાહ ( અલ્લાહની નિશાની), રૂહુલ્લાહ (અલ્લાહનો આત્મા), અબ્દુલ્લાહ ( અલ્લાહનો દાસ), ઇબ્ને મરિયમ ( મરિયમનો પુત્ર), રસૂલુલ્લાહ (અલ્લાહનો રસૂલ) અને ઇસરાઈલના વંશ તરફ અલ્લાહનો અંતિમ પૈગંબર .
ઇસ્લામી દૃષ્ટિકોણથી હઝરત ઈસા અ.સ.નો જન્મ અલ્લાહનો એક ચમત્કાર હતો, કેમકે તેમને બાપ વિના પેદા કરવામાં આવ્યા હતા, એટલે જ અલ્લાહે તેમને અલ્લાહની નિશાની તરીકે સંબોધ્યા છે. કુર્આનમાં અલ્લાહ ફરમાવે છેઃ
“અને હે નબી ! આ ગ્રંથમાં મરિયમની હાલત વર્ણવો, જ્યારે તે પોતાના લોકોથી અલગ થઈને પૂર્વની તરફ ખૂણો પકડીને બેસી હતી અને પડદો નાખીને તેમનાથી છૂપાઈ બેસી હતી. આ હાલતમાં અમે તેના પાસે પોતાની રૂહને (અર્થાત્ ફરિશ્તાને) મોકલ્યો અને તે તેના સામે એક સંપૂર્ણ મનુષ્યના રૂપમાં પ્રગટ થઈ ગયો. મરિયમ એકાએક બોલી ઉઠી કે, ‘‘જાે તું અલ્લાહનો ડર રાખનાર કોઈ માણસ હોય તો હું તારાથી દયાળુ અલ્લાહનું શરણ માગું છું’’ તેણે કહ્યું, ‘‘હું તો તારા રબ (પ્રભુ)નો મોકલેલો છું અને એટલા માટે મોકલવામાં આવ્યો છું કે તને એક પવિત્ર છોકરો આપું.’’ મરયમે કહ્યું, ‘‘મારે ત્યાં છોકરો કેવી રીતે થશે, જ્યારે કે મને કોઈ મનુષ્યએ સ્પર્શ સુધ્ધાં કર્યો નથી અને હું કોઈ કુકર્મી સ્ત્રી નથી.’’ ફરિશ્તાએ કહ્યું, ‘‘આમ જ થશે, તારો રબ ફરમાવે છે કે મારા માટે આવું કરવું ખૂબ સરળ છે, અને અમે આ એટલા માટે કરીશું કે તે છોકરાને લોકો માટે એક નિશાની બનાવીએ અને પોતાના તરફથી એક કૃપા, અને આ કામ થઈને રહેવાનું છે.’’ મરિયમને તે બાળકનો ગર્ભ રહી ગયો અને તે એ ગર્ભને લઈને એક દૂરના સ્થળે ચાલી ગઈ.” (સૂરઃમરયમ, ૧૬-૨૨)
હઝરત ઈસા અ.સ.નો સંદેશ
ઇસ્લામી આસ્થા મુજબ અલ્લાહેે હઝરત ઈસા અ.સ.ને પણ એ જ સંદેશ સાથે મોકલ્યા હતા જે સંદેશ સાથે તેમના પુરોગામી પૈગંબરો અને છેલ્લે હઝરત મુહમ્મદ સ.અ.વ.ને મોકલવામાં આવ્યા હતાં અને તે સંદેશ હતો કે આ સંસારનો એકમાત્ર સ્વામી અલ્લાહ જ છે અને તે જ ઉપાસના અને બંદગીને પાત્ર છે. અને અમે બધા તેના રસૂલ છીએ અને અમારૂંં અનુકરણ જ મુક્તિનો માર્ગ છે.
કુર્આનમાં કહેવામાં આવ્યું છે કેઃ “અને જ્યારે ઈસા ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યો હતો તો તેણે કહ્યું હતું, ‘‘હું તમારી પાસે ‘હિકમત’ (તત્ત્વદર્શિતા, વાસ્તવિક જ્ઞાન) લઈને આવ્યો છું, અને એટલા માટે આવ્યો છું કે તમારી સમક્ષ તે કેટલીક વાતોની સત્યતા સ્પષ્ટ કરી દઉં જેમાં તમે મતભેદ ધરાવો છો, આથી તમે અલ્લાહથી ડરો અને મારું અનુસરણ કરો.હકીકત એ છે કે અલ્લાહ જ મારો રબ (પ્રભુ) પણ છે અને તમારો રબ (પ્રભુ) પણ. તેની જ તમે ઉપાસના કરો, આ જ સન્માર્ગ છે.’’ (સૂરઃ ઝુખરુફ, ૬૩-૬૪)
ઉપરોક્ત આયતથી હઝરત ઈસા અ.સ.ના સંદેશ અને તેમના મિશનના કેટલાક પાસાઓ સ્પષ્ટ થાય છેઃ
૧) ઇસરાઈલ-પુત્રો ( યહૂદીઓ) જે વાતોમાં મતભેદમાં મુકાઈ ગયા હતા તેની સત્યતા સ્પષ્ટ કરવી. જેમકે ઈસા અ.સ. પોતે બાઈબલમાં કહે છે કે “હું તો ઇસરાઈલ-પુત્રોના ખોવાયેલ ઘેટાઓ માટે આવ્યો છું.” (માથ્થી ૧૦ઃ૫-૬)
૨) તેમના પુરોગામી નબીઓ અ.સ.ની અને તેમના દ્વારા લાવેલ ગ્રંથોને સત્યાપિત કરવાનું કાર્ય કરવું જેમકે કુર્આનમાં કહેવામાં આવ્યું છેઃ “અને યાદ કરો મરિયમ પુત્ર ઈસાની તે વાત જે તેણે કહી હતી કે “‘‘હે બની ઇસરાઈલ (ઇસરાઈલના સંતાનો) ! હું તમારા તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ (ઈશદૂત) છું, સમર્થન કરનાર છું તે તૌરાતનું જે મારા પહેલાં આવેલ મોજૂદ છે.” (સૂરઃ સફ્ફ, ૬)
૩) આવનાર અંતિમ નબી હઝરત મુહમ્મદ સ.અ.વ.ના આગમન માટેની ખબર આપવી અને તે પૈગંબર દ્વારા અલ્લાહના રાજ્યની સ્થાપનાની ભવિષ્ય વાણી કરવી. જેમકે બાઇબલમાં કહેવામા આવ્યું છેઃ “ હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ, તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે, જ્યારે તે આવશે ત્યારે તે મારા વિષે કહેશે.” (યોહાન-૧૫ઃ૨૬). “એટલે જ હું તમને કહું છું કે આકાશીય રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવોની ઇચ્છા પ્રમાણે ફળ આપશે.” (માથ્થી- ૨૧ઃ૪૩)
૪) હઝરત ઈસા અ.સ.એ વધારાના બંધનોમાંથી મુક્ત કરવા માટે આવ્યા હતા જે બંધનોમાં યહૂદીઓએ પોતે જ પોતાને જકડી લીધા હતા, જેમકે કુર્આનમાં કહે છેઃ
“અને હું તે શિક્ષણ અને માર્ગદર્શનનું સમર્થન કરનારો બનીને આવ્યો છું, જે તૌરાતમાંથી અત્યારે મારા જમાનામાં મોજૂદ છે, અને એટલા માટે આવ્યો છું કે તમારા માટે કેટલીક તે વસ્તુઓને હલાલ (વૈધ) કરી દઉં જે તમારા માટે હરામ (અવૈધ) કરી દેવામાં આવેલ છે.” (સૂરઃ આલે ઇમરાન,૫૦)
૫) ઇસરાઈલ-પુત્રોને ફરી તે નૈતિક શિક્ષણનો પાઠ ભણાવવો જે તે લોકો ભુલાવી બેસ્યા હતા. જેમકે બાઇબલ કહે છેઃ
હત્યા ન કરોઃ “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણાં લોકોને એ કહેવામાં આવ્યું હતું કે ‘કોઈ પણ મનુષ્યની હત્યા ન કરો.‘ જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી થવાના જોખમમાં પડશે. પણ હું તમને કહું છું કે બીજા ઉપર ક્રોધિત ન થાવ, દરેક તમારો ભાઈ છે.” ( માથ્થી-૫ઃ૨૨-૨૩)
પ્રતિકાર ન કરોઃ “તમે સાંભળ્યું હશે કે ઘણાં વર્ષો પહેલા આપણાં લોકોને એમ કહેવામાં આવ્યું હતું કે આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત પરંતુ હું તમને કહું છું કે દૃષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તમારે બીજો ગાલ ધરવો.” (માથ્થી ૫ઃ૩૮-૩૯)
દુશ્મનોને પણ પ્રેમ કરોઃ “તમે સાંભળ્યુ હશે કે ઘણા વર્ષો પહેલા આપણાં લોકોને એ કહેવામાં આવ્યું હતું કે ‘તારા પાડોશીને પ્રેમ કર અને તારા શત્રુને ધિક્કાર’ પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલમ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. ( માથ્થી-૫ઃ૪૩)
દંભ ન કરોઃ “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભી લોકોની જેમ ન કરો , દંભી લોકો શેરીના ખૂણા પાસે ઊભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. ( માથ્થી-૬ઃ૫)
વ્યાભિચાર ન કરોઃ “તમે સાંભળ્યું હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એ કહેવામા આવ્યું હતું કે ‘વ્યાભિચારનો પાપ કરવો નહીં ‘ પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઇચ્છાથી તેના તરફ નજર કરશો તો તમે તમારા મનથી તેની સાથે વ્યાભિચાર કર્યો છે.” ( માથ્થી-૫ઃ૨૭)
હઝરત ઈસા અ.સ.ના વાસ્તવિક અનુયાયીઓઃ કુર્આન માત્ર હઝરત ઈસા અ.સ.નું જ વર્ણન નથી કરતું પણ તેમના અનુયાયીઓની, તેમના સફળ થવાની અને તેમના વિજયી થવાની પણ વાત કરે છેઃ
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહના મદદગાર બનો, જેવી રીતે મરિયમના પુત્ર ઈસાએ હવ્વારીઓ (પોતાના સાથીઓ)ને સંબોધીને કહ્યું હતું, ‘‘કોણ છે અલ્લાહ તરફ (બોલાવવામાં) મારો મદદગાર?’’ અને હવ્વારીઓએ જવાબ આપ્યો હતો ઃ ‘‘અમે છીએ અલ્લાહના મદદગાર.’’ તે વખતે બની ઇસરાઈલનું એક જૂથ ઈમાન લાવ્યું અને બીજા જૂથે ઇન્કાર કર્યો. પછી અમે ઈમાન લાવનારાઓની તેમના દુશ્મનોના મુકાબલામાં સહાયતા કરી અને તેઓ જ પ્રભાવી થઈને રહ્યા.” (સૂરઃ સફ્ફ, ૬૧)
હવે આપણે જ નક્કી કરવાનું રહ્યું કે હઝરત ઈસા અ.સ.ના સાચા અનુયાયીઓ કોણ છે? –•–