રમઝાનનું નામ સાંભળતાની સાથે જ ખૈર-બરકત અને રહેમતની કલ્પના તરત જ મનમાં ઉભરી આવે છે, અને હકીકત પણ આ જ છે કે આ મુબારક મહિનામાં અલ્લાહ તઆલા દરેક ઇન્સાન પર પોતાની રહેમતો અને બરકતોનો વરસાદ વરસાવે છે. શરત એ છે કે આપણે આપણા દિલ અને દિમાગને તેની નેમતો અને બરકતોથી લાભ લેવા માટે તૈયાર કરીએ અને પૂરી એકાગ્રતા સાથે તે તરફ ધ્યાન આપીએ.
રમઝાન સાથે લોકોનો સંબંધ વિવિધ પ્રકારનો હોય છે, જેમ કે મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો;આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ અંદાજ અને અલગ-અલગ રીતે રમઝાનથી ફાયદો ઉઠાવે છે. અહીં આપણે ટૂંકમાં એ વાત પર વિચાર કરીશું કે એક યુવાન રમઝાનના મહિનામાં પોતાના વ્યક્તિત્વનું નિર્માણ અને પ્રગતિ કઈ રીતે કરી શકે છે અને તેના માટે કેવા પ્રકારનું આયોજન જરૂરી છે.
રમઝાન મુબારકથી સૌથી વધુ ફાયદો જો કોઈ ઉઠાવી શકે છે તો તે યુવાનો જ છે. કારણ કે રોઝાના કારણે કેટલીકવાર મહિલાઓ, બાળકો અને વૃદ્ધો નબળાઈ અનુભવે છે, જ્યારે યુવાનોમાં જોશ, ઉત્સાહ, હિંમત અને શક્તિ સામાન્ય રીતે ઊંચા સ્તરે હોય છે. તેથી યુવાનો રમઝાનથી ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે, સિવાય કે જેઓ આળસ અને ગફલતનો શિકાર બની ગયા હોય.
રમઝાનથી વાસ્તવિક ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલી અને પાયાની જરૂરિયાત આયોજન (Planning) છે, તે પણ સંપૂર્ણ સભાનતા અને ગંભીરતા સાથે. એટલે કે રમઝાનની મહત્વતા અને તેના સ્થાનને સમજીને પૂરી તૈયારી કરવામાં આવે. તેનું ઉદાહરણ એવું જ છે જેમ એક નોટબુક બનાવતો વેપારી શૈક્ષણિક વર્ષ શરૂ થતા પહેલા પૂરા ધ્યાન અને મહેનત સાથે આયોજન કરે છે, જેથી સમય આવ્યે વેપાર થકી વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકે અને કોઈ પણ પ્રકારની ખોટ ન રહી જાય.
યુવાનોનો એક મોટો વર્ગ એવો પણ છે જે નકામી બાબતો (ફઝુલિયાત) અને બુરાઈઓમાં ડૂબેલો છે અને રમઝાન તેમના પરથી એ રીતે પસાર થઈ જાય છે, જેમકે વરસાદનું ફાયદાકારક પાણી સખત પથ્થર પર વરસીને વહી જાય. કારણ કે તે જમીન નરમ અને સપાટ નથી હોતી, અથવા તે આ લાયક નથી હોતી કે પાણીથી ફાયદો ઉઠાવી શકે. તેથી યુવાનોએ સૌથી પહેલા પોતાના દિલનો હિસાબ (એહતેસાબ-જાયઝો) લેવો જોઈએ કે શું તેમનું દિલ રમઝાનની નેમતો અને બરકતોથી ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે કે નહીં. જો નહીં, તો સૌથી પહેલા પોતાના દિલને તે લાયક બનાવવાની જરૂર છે.
હવે સવાલ એ છે કે દિલની આ અવસ્થા કેવી રીતે પેદા થાય? તેના માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આપણે આપણા દિલને સાફ કરીએ. ગંદા વિચારોથી, ભૌતિકવાદથી, ડિજિટલ મનોરંજનથી અને સૌથી મહત્વનું લજ્જત-પરસ્તી (વિષયાસક્તિ) થી. કારણ કે આ જ વસ્તુઓ આપણને આધ્યાત્મિકતા તરફ આવવાથી રોકે છે. દિલની સફાઈનું ઉદાહરણ એવું જ છે જેમ એક ખેડૂત વરસાદ પહેલા ખેતરને સમતળ કરે છે, કાંકરા,ઝાંખરા અને બિનજરૂરી વસ્તુઓ હટાવે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે, જેથી વરસાદથી ભરપૂર ફાયદો ઉઠાવી શકાય. એ જ રીતે આપણે પણ રમઝાનના સ્વાગત માટે આપણા દિલ અને દિમાગને તૈયાર કરવા જોઈએ જેથી આપણે અલ્લાહની રહેમતો અને બરકતોથી સંપૂર્ણ ફાયદો મેળવી શકીએ.
આજના યુવાન માટે સૌથી મોટો ફિત્નો અને સૌથી મોટી કસોટી “ડિજિટલ ડિસ્ટ્રક્શન” છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા, શોર્ટ વીડિયો, ગેમ્સ અને બિનજરૂરી સ્ક્રોલિંગે મગજને વેરવિખેર અને દિલને ગાફેલ બનાવી દીધું છે. રમઝાનના મહિનામાં આ લત આપણા રોઝા અને આધ્યાત્મિકતા માટે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
આ સંદર્ભમાં ત્રણ વાતો ખાસ કરીને મનમાં વસી જવી જોઈએ:
પહેલી વસ્તુ એ કે મોબાઈલનો હદથી વધારે ઉપયોગ રોઝાના આત્માને નબળો પાડે છે. જોકે ઇન્સાન ખાવા-પીવાથી રોકાયેલો હોય, પરંતુ દ્રષ્ટિ અને દિમાગ નકામી બાબતો કે ગુનાઓમાં વ્યસ્ત હોય તો રોઝાની અસર નબળી પડી જાય છે. બીજી વસ્તુ એ કે ડિજિટલ લત, ધ્યાન અને એકાગ્રતાને નષ્ટ કરી દે છે. કુરાનની તિલાવત, નમાઝમાં ખુશૂ (એકાગ્રતા) અને દુઆમાં હાજરી ત્યારે જ શક્ય છે જ્યારે દિમાગ સતત નોટિફિકેશન અને સ્ક્રોલિંગનું આદી ન હોય. ત્રીજી વાત એ કે આધ્યાત્મિકતાની જગ્યા ક્ષણિક લજ્જત લઈ લે છે. સતત ડિજિટલ મનોરંજન દિલને કઠોર બનાવી દે છે અને ઈબાદતમાં લુત્ફ (આનંદ) અનુભવવા દેતું નથી.
તેથી જે રીતે આપણે રમઝાનમાં શારીરિક રોઝો રાખીએ છીએ, તે જ રીતે આપણે “ડિજિટલ ફાસ્ટિંગ” (ડિજિટલ રોઝા) નો પણ મજબૂત અમલ કરવો જોઈએ. ચોક્કસ સમય સિવાય મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો, બિનજરૂરી એપ્સ ડિલીટ કરો, સોશિયલ મીડિયાનો સમય ઘટાડો, અને કુરાન, ઝિક્ર અને ઉપયોગી વાચનને પ્રાથમિકતા આપો. આ જ વાસ્તવિક અર્થમાં રમઝાનથી ફાયદો ઉઠાવવાનો રસ્તો છે.
ચાલો, હવે જોઈએ કે રમઝાનમાં આપણું આયોજન કેવું હોવું જોઈએ, જેથી આપણે આપણા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ.
રમઝાનના અમલોને બે ભાગમાં વહેંચી શકાય છે:
હુકૂકુલ્લાહ (અલ્લાહના હકો)
હુકૂકુલ ઇબાદ (બંદાઓના હકો)
રમઝાન આપણને આ બંનેમાં સંતુલન અને તાલમેલ જાળવવાનું શીખવે છે, અને એ જ તકવાનું અસલ લક્ષ્ય છે કે ઇન્સાન અલ્લાહના હકો પણ અદા કરે અને બંદાઓના હકો પણ.
હુકૂકુલ્લાહ
રમઝાનના સંદર્ભમાં હુકૂકુલ્લાહના ચાર મૂળભૂત અંગો છે:
રોઝો
નમાઝ
કુરાન
ઝિક્ર અને દુઆ
(૧) રોઝો
રમઝાન મુબારકની સૌથી મહાન નેમત રોઝો છે. હદીસે કુદસીમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: “રોઝો મારા માટે છે અને હું જ તેનો બદલો આપીશ.”
આ હદીસથી રોઝાની મહાનતા સ્પષ્ટ થાય છે. રોઝો એવી ઈબાદત છે જેનો સંબંધ સીધો બંદા અને અલ્લાહ વચ્ચે હોય છે. અન્ય ઈબાદતો પર લોકોની નજર હોય છે, પરંતુ રોઝાની હાલત, ભૂખ, તરસ અને નબળાઈને સાચા અર્થમાં માત્ર અલ્લાહ જ જાણે છે. તેથી આપણે જોઈએ કે આ ઈબાદતને વધુ સારી બનાવવાની કોશિશ કરીએ અને જૂઠ, ગીબત (નિંદા), બૂરી નજર, ઝઘડા, ગુસ્સો અને ડિજિટલ લત જેવી બુરાઈઓથી બચીએ.
ઇમામ ગઝાલી (રહ.) ના જણાવ્યા મુજબ રોઝાના ત્રણ પ્રકાર છે:
સામાન્ય લોકોનો રોઝો
ખાસ લોકોનો રોઝો
મુકર્રબીન (અલ્લાહની નજીકના લોકો) નો રોઝો
સામાન્ય લોકોનો રોઝો માત્ર ખાવા-પીવાથી રોકાઈ રહેવા સુધી મર્યાદિત હોય છે. ખાસ લોકોનો રોઝો એ છે જેમાં આંખ, જીભ અને તમામ અંગો ગુનાઓથી સુરક્ષિત રહે છે. જ્યારે મુકર્રબીનનો રોઝો એ છે જેમાં વિચારો અને લાગણીઓનો પણ રોઝો રાખવામાં આવે છે. આવા લોકો કુરાનથી ઊંડી અસર સ્વીકારે છે અને પોતાના જીવનને તેની રોશનીમાં ઢાળવાની કોશિશ કરે છે.
આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે ત્રીજા દરજ્જાના રોઝાદારોમાં સામેલ થઈએ.
(૨) નમાઝ
રમઝાનમાં મસ્જિદો આબાદ થઈ જાય છે, પરંતુ થોડા દિવસો પછી ઘટાડો આવવો શરૂ થઈ જાય છે. આ રમઝાનમાં આપણે વચન- પ્રણ (અહદ) લેવું જોઈએ કે આપણે તમામ નમાઝો જમાત સાથે અદા કરીશું અને કોઈ નમાઝ કઝા થવા દઈશું નહીં. સુન્નત અને નફલ નમાઝોનું પણ આયોજન કરીએ, ખાસ કરીને તરાવીહ, તહજ્જુદ અને કયામુલ લૈલ.
(૩) કુર્આન
રમઝાન અને કુરાનનો ઊંડો સંબંધ છે. આ એ મહિનો છે જેમાં કુરાન ઉતારવામાં આવ્યું. તેથી તિલાવત, શ્રવણ અને ફહમે કુરાન (કુરાનની સમજ) નું ખાસ આયોજન હોવું જોઈએ. જેઓ નથી વાંચી શકતા તેઓ શીખે, જેઓ વાંચી શકે છે તેઓ તરજુમા અને તદબ્બુર (ચિંતન) સાથે વાંચે. કારણ કે રોઝાનો અસલ હેતુ તકવા છે, અને હિદાયતનો રસ્તો પણ કુરાનથી જ ખુલે છે.
(૪) ઝિક્ર અને અઝકાર
રમઝાન નેકીઓની વસંત ઋતુ છે. દરેક નમાઝ પછી, ઇફ્તારના સમયે અને ખાસ કરીને શબે કદરમાં દુઆઓનું આયોજન કરો. ઇફ્તારના સમયની દુઆનું ખાસ મહત્વ છે. શક્ય હોય તો એતેકાફ પણ કરો, કારણ કે આ અલ્લાહની નિકટતા મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
હુકૂકુલ ઇબાદ
રમઝાન હમદર્દી, ત્યાગ (ઈસાર) અને માફીનો મહિનો છે. અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો. ખર્ચ કરવામાં માત્ર પૈસા આપવા જ નહીં પરંતુ અનાથો અને ગરીબોને ખાવાનું પહોંચાડવું, પાડોશીઓને ઇફ્તાર મોકલવી અને ઈદ પહેલા કોઈ જરૂરિયાતમંદ માટે કપડાંની વ્યવસ્થા કરવી પણ સામેલ છે. યુવાનો જ્યારે પોતાના મનોરંજનના ખર્ચ ઓછા કરીને ‘ઇન્ફાક ફી સબીલીલ્લાહ’ (અલ્લાહના માર્ગમાં ખર્ચ) કરે છે તો આ કાર્ય અલ્લાહને વધુ પ્રિય હોય છે.
રમઝાનમાં શૈતાનોને કેદ કરી દેવામાં આવે છે, પરંતુ ઇન્સાનની અંદર છુપાયેલું ‘નફ્સે અમ્મારા’ ખાસ કરીને યુવાનોને, બૂરી નજર, બૂરી ઝબાન અને બૂરી નિયત તરફ લલચાવતું રહે છે, જેના પરિણામે આપણી ઇબાદતો નષ્ટ થઈ શકે છે. તેથી આ મુબારક મહિનામાં દરેક પ્રકારની નકામી અને ગંદી વસ્તુઓથી પોતાની જાતને બચાવવી અત્યંત જરૂરી છે.
આ રમઝાનને એ રીતે પસાર કરો જાણે કે આ આપણો છેલ્લો રમઝાન હોય. ચોક્કસ આપણી દુઆ છે કે અલ્લાહ તઆલા આપણને આપણા જીવનમાં ઘણા રમઝાન આપે, પરંતુ આ અનિશ્ચિત દુનિયામાં કોઈ ગેરંટી નથી કે આગામી રમઝાન નસીબ થશે કે નહીં. તેથી જ્યારે પણ રમઝાન મળે, તેને પૂરા આત્મા, નિખાલસતા, ગંભીરતા અને જોશ સાથે પસાર કરો. આ જ અહેસાસ આપણી અંદર ઇખ્લાસ, નમ્રતા અને કાર્યની ઝડપ પેદા કરશે, અને એ જ યુવાનોની અસલ સફળતા છે.
