Tuesday, February 10, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeપયગામરમઝાન : બરકતો અને વ્યક્તિત્વ ઘડતરનો મહિનો

રમઝાન : બરકતો અને વ્યક્તિત્વ ઘડતરનો મહિનો

રમઝાનુલ મુબારક જ્યારે સમીપ હોય છે ત્યારે મોટાભાગે આ દુઆ કરવામાં આવે છે કે અલ્લાહતઆલા આપણને એક અન્ય રમઝાન એનાયત ફરમાવે કે જેથી આપણે આ મુબારક મહિનાની બરકતોથી ફાયદો ઉઠાવી શકીએ. પરંતુ રમઝાનુલ મુબારકથી કેવી રીતે લાભાન્વિત થવામાં આવે એ વિષય અંગે ઓછો જ વિચાર કરવામાં આવે છે. જો કે અહીં એક મહત્ત્વનો મોકો છે જેના દ્વારા માણસ પોતાના જીવનને બહેતર બનાવી શકે છે. આ મહિનો આપણા ગુનાહોની માફી માગવા, અલ્લાહ તઆલાથી દુઆ કરવા પોતાના આ’માલ અર્થાત્ કર્મોને બહેતર બનાવવાનો અને વ્યક્તિત્વની કાયાપલટ (Personality Transformation) કરવાનો એક શ્રેષ્ઠ મોકો ઉપલબ્ધ કરાવે છે.

મો’મિનની આ પણ દુઆ હોય છે કે જ્યારે એ દુનિયાની સફર પૂરી કરીને અલ્લાહની તરફ પાછો ફરે તો એ પાક-સાફ થઈને અલ્લાહની હજૂરમાં રજૂ થાય. રમઝાન આ તૈયારીનું એક મહત્ત્વનું માધ્યમ બની શકે છે. આથી જરૂરી છે કે આ મહિનાની દરેક ક્ષણને સમાનપણે વિતાવીએ અને તેને પોતાના વ્યક્તિત્વ અને આ’માલને બહેતર બનાવવા માટે વાપરીએ.

રમઝાન : ગુનાહોથી પવિત્રતા અને રૂહાની નવીનીકરણનો મહિનો

ઇમામ ગઝાલી રહ.એ પોતાના જાણીતા પુસ્તક “મુકાશિફતુલ કુલૂબ”માં રમઝાનના નામકરણ ઉપર પ્રકાશ પાડ્યો છે. તેમણે વર્ણવ્યું કે “રમઝાન” શબ્દ “રમ્ઝા”થી બનેલ છે, જે તીવ્રતા અને ગરમીના અર્થમાં વપરાય છે. જ્યારે આરબમાં મહિનાઓના નામ રાખવામાં આવી રહ્યા હતા ત્યારે રોઝો એ દિવસોમાં આવ્યો કે જે સૌથી વધુ તીવ્ર ગરમીનો હતો, આથી એ મહિનાને “રમઝાન” કહેવામાં આવ્યો. જો કે સમય પસાર થવાની સાથે સાથે રમઝાન વિવિધ ઋતુઓમાં આવતો રહ્યો, પરંતુ તેનું અસલ નામ એ સમયે તીવ્ર ગરમીના મહિનાના હિસાબે રાખવામાં આવ્યું.

ઇમામ ગઝાલી રહ. વધુમાં વર્ણવે છે કે આરબમાં “રમઝાન” એ ગરમ ટેકરીને પણ કહેવામાં આવતી હતી કે જેના પર લૂગડાં ધોયા બાદ સૂકવવામાં આવતા હતા કે જેથી એ ટેકરીની ગરમીથી એ લૂગડાં જંતુઓથી મુક્ત થઈ જાય. આ ટેકરી પોતાની ગરમી દ્વારા જંતુઓને ખતમ કરી દેતી હતી. રમઝાનના નામની પસંદગીનું એક કારણ તેની રૂહાની અસરોનું પ્રતિબિંબ પણ છે. જેવી રીતે ટેકરી જંતુઓને બાળીને લૂગડાંને પાક-મુક્ત કરે છે, એવી જ રીતે રમઝાન બંદાના ગુનાહોને બાળીને તેને રૂહાની રીતે પાક-સાફ કરે છે.

રમઝાનનું એક પાસું આ પણ છે કે આ મો’મિન (ઈમાનવાળા)ના હૃદયમાં ઈમાનની ઉષ્ણતા પેદા કરે છે અને રૂહાની રીતે તેને મજબૂત કરે છે. અલ્લાહતઆલાના ફાયદા તથા બરકતો જે આ મહિનામાં નાઝિલ થાય છે, એ મો’મિનના હૃદય સુધી પહોંચે છે અને કેટલાય દિવસો સુધી તેની રૂહાની અસરો બાકી રહે છે. રમઝાન મો’મિન (ઈમાનવાળા)ના ગુનાહોને એવી રીતે બાળી મૂકે છે કે જેવી રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા શરીરના દાગ-ધબ્બા સાફ કરી દેવામાં આવે છે. આ મહિનો બંદાને પાક-સાફ કરીને તેના ગુનાહોને ધોઈ નાખે છે અને તેના રૂહાની જીવનને નિખારી દે છે.

આ જ કારણ છે કે રમઝાનને ઈમાનને વધારવા અને ગુનાહોથી માફી માગવાનો મહિનો કહેવામાં આવ્યો છે. આ મહિનો અલ્લાહતઆલા તરફથી એક મહાન નેઅમ્મત છે, જેના દ્વારા મનુષ્ય પોતાની ઈમાની ગરમાહટ (બળ)ને વધારી શકે છે અને પોતાના જીવનને ગુનાહોથી પાક-મુક્ત કરવા માટે યુક્તિઓ અપનાવી શકે છે.

રમઝાન : મહાનતા અને સબ્રનો મહિનો

રમઝાનુલ મુબારકના કેટલાય નામ છે જે આ મહિનાની વિશિષ્ટતાઓને ઉજાગર કરે છે. આને “રમઝાન” કહેવામાં આવ્યો, “શહરુલ અઝીમ” કહેવામાં આવ્યો, જેમકે રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે આ અલ્લાહનો મહાનતાવાળો મહિનો છે. આને “શહરે મવાસાત” પણ કહેવામાં આવ્યો, અર્થાત્ હમદર્દી અને ગમખ્વારીનો મહિનો. આ મહિનો આપણને બીજાઓના દુઃખ-દર્દને મહેસૂસ કરવા અને તેમની સાથે નરમીથી વર્તવાનો બોધ આપે છે. આ ઉપરાંત રમઝાનને “શહરુસ્ સબ્ર” પણ કહેવામાં આવ્યો, કેમકે આ સબ્રનો મહિનો છે. પોતાના વલણ પર અડગ રહેવા, મુશ્કેલીઓને સહન કરવા અને પોતાની ખ્વાહિશો-મનેચ્છાઓ પર કાબૂ રાખવાની તર્બિયતનો જમાનો હોય છે.

હદીસમાં છે કે “આ સબ્રનો મહિનો છે, અને સબ્રનો બદલો જન્નત છે, આ મવાસાત (હમદર્દી)નો મહિનો છે અને આ એ મહિનો છે કે જેમાં મો’મિનની રોજી વધારી દેવામાં આવે છે.” (તિર્મિઝી)

રમઝાન : બરકતો અને વ્યક્તિત્વ ઘડતરનો મહિનો :

રમઝાનનું એક અન્ય મહત્ત્વનું નામ “શહરુલ મુબારક” છે, અર્થાત્ બરકતોથી ભરેલ મહિનો. બરકતનો અર્થ ફક્ત વૃદ્ધિ અને ઉમેરો કે વધારા સુધી સીમિત નથી, બલ્કે આ ખુશાલી, વિશાળતા, ખુશી અને પ્રસન્નતાને પણ સામેલ કરે છે. રમઝાનમાં બરકતના અમલી દૃષ્ટાંતો આપણને કેટલીય જગ્યાએ જોવા મળે છે. જેમકે નબીએ કરીમ ﷺ એ સહેરીના ખાવાને બરકતવાળો અમલ ઠેરવ્યો છે.

“સહેરી કર્યા કરો, કેમકે સહેરીમાં બરકત છે.” (બુખારી)

રમઝાનની બરકતને મહેસૂસ કરવા માટે આ સમજવું જરૂરી છે કે આ ફક્ત ખાવા-પીવા તથા ધન-દૌલતમાં વૃદ્ધિનું નામ નથી, બલ્કે આ એ રૂહાની નેઅમ્મત છે જે મનુષ્યના જીવનને બહેતર બનાવે છે. આ નેઅમ્મત ખુશહાલી, મનની શાંતિ અને અલ્લાહનું સામીપ્યના રૂપમાં જાહેર થાય છે. રમઝાનનું દરેક પાસું આપણને આ શીખવાડે છે કે આ મહિનો આપણા જીવનમાં ફક્ત બરકત અને રહેમત લાવે છે એટલું જ નહીં બલ્કે આપણી ઈમાની કેફિયતને બુલંદ કરવાનું માધ્યમ પણ બને છે.

રમઝાનુલ મુબારકનો મહિનો બરકતોથી ભરપૂર છે. આ આપણા જીવનમાં રૂહાની, શારીરિક અને માનસિક ફેરફાર લાવવાનું માધ્યમ બને છે. રમઝાનની બરકતનું વર્તુળ જીવનના દરેક પાસાને આવરી લે છે, જે આપણી ઇબાદતો, આ’માલ (કર્મો), રિઝ્ક અને સંબંધોને બહેતર બનાવે છે.

રમઝાનની બરકતને વિવિધ પાસાંઓથી સમજી શકાય છે:

૧. ખોરાકમાં બરકત : સામાન્ય દિવસોમાં આપણે ખોરાક વિના થોડાક જ કલાકોમાં બે-સબર (અધીરા) બની જઈએ છીએ, પરંતુ રમઝાનની સહેરી અને ઇફતારીની બરકત આ છે કે એ આપણને આખા દિવસની શક્તિ પૂરી પાડે છે. નબીએ કરીમ ﷺ એ ફરમાવ્યું : “સહેરી કર્યા કરો, કેમકે સહેરીમાં બરકત છે.” (બુખારી). આ એવી બરકત છે કે દરેક રોઝાદાર આને મહેસૂસ કરે છે. આ બરકત શારીરિક શક્તિ આપે છે અને તેની સાથે સાથે માનસિક શાંતિ પણ પૂરી પાડે છે. આના પરિણામે આપણે આખા દિવસની ઇબાદત અને જવાબદારીઓની અદાયગી માટે બળ મેળવીએ છીએ.

૨. રિઝ્કમાં બરકત : રમઝાનમાં અલ્લાહતઆલા મો’મિન (ઈમાનવાળા)ના ‘રિઝ્ક’ (રોજી)માં વૃદ્ધિ કરી દે છે. રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું : “આ એ મહિનો છે કે જેમાં મો’મિન (ઈમાનવાળા)નો ‘રિઝ્ક’ (રોજી) વધારી દે છે.” (તિર્મિઝી) રમઝાનમાં દરેક ઘરમાં દસ્તરખ્વાન (ભાણું) વિશાળ થઈ જાય છે અને અલ્લાહ તઆલા ગરીબો માટે પણ ‘રિઝ્ક’ (રોજી)ની વ્યવસ્થા ફરમાવે છે.

૩. કુર્આનની બરકત : આ મહિનાની સૌથી મહાન બરકત તો કુર્આનનું નાઝિલ થવું છે. અલ્લાહતઆલાનું ફરમાન છે કે કુર્આન સ્વયં બરકતવાળો ગ્રંથ છે. “અને આવી જ રીતે આ ગ્રંથ અમે નાઝિલ કર્યો (ઉતાર્યો) છે, એક બરકતવાળો ગ્રંથ ! પછી તમે આનું અનુસરણ કરો અને તકવાનો માર્ગ અપનાવો. આશા છે કે તમારા પર દયા કરવામાં આવે.” (સૂરઃ અન્આમ, આયત-૧૫૫).

કુર્આનમજીદ એક બરકતવંતો ગ્રંથ છે જે માણસના જીવનના દરેક પાસાને બરકતોથી નવાજે છે. આ ગ્રંથ માત્ર હૃદયોની શાંતિનું માધ્યમ છે એટલું જ નહીં, બલ્કે બરકત અને હિદાયતનું માધ્યમ પણ છે. કુર્આનનું અધ્યયન, તેના પર ચિંતન-મનન અને તેના શિક્ષણ પર અમલ માણસના વ્યક્તિગત અને સામૂહિક જીવનને રૂહાની, નૈતિક અને ભૌતિક બરકતોથી માલામાલ બનાવી દે છે. અલ્લાહતઆલાએ કુર્આનને “મુબારક” ઠેરવ્યું છે, કેમકે તેના દ્વારા માણસને “સિરાતે મુસ્તકીમ” (સીધા માર્ગ)નું માર્ગદર્શન મળે છે. બરકતના ભાવાર્થમાં આ તમામ વાતો સામેલ છે. કુર્આનની બરકત આ પણ છે કે આ દુન્યવી અને આખિરત સંબંધિત સફળતાનું માધ્યમ છે. આનું અનુસરણ કરનારા “તકવા” (સંયમ)ના માર્ગ પર ચાલીને અલ્લાહની રહેમતના હક્કદાર બની જાય છે. આ ગ્રંથ આપણને શીખવાડે છે કે જીવનને કેવી રીતે બહેતર અને સહેતુક બનાવવામાં આવે.

(૪) રમઝાન અને શબેકદ્રની બરકત : રમઝાન એ મહિનો છે જેમાં કુર્આન નાઝિલ કરવામાં આવ્યું. અલ્લાહતઆલાએ ફરમાવ્યું : “હા-મીમ ! સોગંદ છે આ સ્પષ્ટ ગ્રંથના કે અમે આને એક બરકતવાળી રાતમાં નાઝિલ કર્યો છે, કેમકે અમે લોકોને સચેત કરવાનો ઇરાદો રાખતા હતા.” (સૂરઃ અદ્-દુખાન, આયતો-૧ થી ૩) ફક્ત કુર્આન અને શબે કદ્ર બંનેને બરકતવાળા ઠેરવવામાં આવ્યા છે એટલું જ નહીં, બલ્કે એ મહિનો પણ બરકતવંતો ઠેરવાયો જેમાં કુર્આન નાઝિલ થયું. કુર્આનથી સંબંધ મનુષ્યના જીવનને ખુશહાલી અને સુકૂનથી ભરી દે છે અને જીવનમાં આ બરકત તમામ ભૌતિક બરકતોથી વધુ ઉચ્ચ છે.

(૫) આમાલ (કર્મો)માં બરકત : રમઝાનમાં ઇબાદતોનું ‘અજ્ર’ (વળતર) અનેકગણું વધારી દેવામાં આવે છે. નબીએ કરીમ ﷺ એ ફરમાવ્યું : “જે રમઝાનમાં એક નફ્લ ઇબાદત કરે, તેને ફર્ઝનું સવાબ મળે છે, અને જે ફર્ઝ ઇબાદત કરે, તેને સિત્તેરગણું ‘અજ્ર’ (વળતર) મળે છે.” (ઇબ્ને માજહ) આ હદીસથી જણાય છે કે આ મહિનાની ઇબાદતોમાં પણ બરકત રાખવામાં આવી છે. સામાન્ય દિવસોમાં જે નફ્લ ઇબાદત કરવામાં આવે છે, રમઝાનમાં એ ફર્ઝ સમાન થઈ જાય છે, અને ફર્ઝનું ‘અજ્ર’ (વળતર) અનેકગણું વધારી દેવામાં આવે છે. આ મો’મિન (ઈમાનવાળા)ને વધુમાં વધુ નેક કામો કે સદ્કાર્યો માટે ઉભારે છે, અને આમાલમાં એખલાસ પેદા કરે છે.

માનસનું પ્રોગ્રામિંગ :

ઉપરની વાતચીતમાં એક માનસિક પાસાને પણ દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવે. તે આ કે રમઝાન, શબે કદ્ર, કુર્આન, રોઝા અને તેના ‘અજ્ર’ (વળતર) સંબંધિત જે હદીસો આવી છે કે કેવી રીતે આપણે પોતાના માનસને હકારાત્મક પૈગામો (સંદેશાઓ) આપીને પોતાના જીવનને વ્યવસ્થિત કરી શકીએ છીએ અને એક હકારાત્મક વ્યક્તિત્વના ઘડતર પ્રત્યે આગેકૂચ કરી શકીએ છીએ. સહેરી અને ઇફતારીના નિશ્ચિત સમયો દ્વારા આપણે પોતાના માનસને એક વ્યવસ્થાને પાબંદ બનાવીએ છીએ. આ પ્રોગ્રામિંગ આપણને અધીરાઈ અને બેચેનીથી બચાવે છે. રોઝા દરમિયાન શારીરિક નબળાઈ છતાં માનસને ખાતરી અપાવવામાં આવે છે કે ઇફતાર વખતે શક્તિ બહાલ થઈ જશે, અને આ જ યકીન આપણને આખો દિવસ શક્તિ પૂરી પાડે છે.

આમાલ (કર્મો)નું વધેલું ‘અજ્ર’ (વળતર) મો’મિન (ઈમાનવાળા)ને પોતાના ‘આમાલ’માં વધુ એખલાસ અને મહેનત માટે તૈયાર કરે છે. નબીએ કરીમ ﷺ રમઝાનુલ મુબારકમાં ઇબાદત માટે કમર કસી લેતા હતા. આ જ કારણ છે કે રમઝાનમાં સામાન્ય મો’મિન (ઈમાનવાળો) પણ ઇબાદતો માટે જોશ-જુસ્સો દેખાડે છે, અલ્લાહ તરફ વધારે રજૂ થાય છે (ઝૂકે છે), કુર્આનથી માર્ગદર્શન હાસલ કરે છે અને પોતાના જીવનને એવું બનાવે છે કે જેમાં સુકૂન-શાંતિ અને ગરિમાની ઝલક વિશેષરૂપે હોય. આ વાસ્તવમાં માનસિક સુકૂન અને રૂહાની તાકાતની અભિવ્યક્તિ પણ છે.

રમઝાનથી વ્યક્તિત્વ ઘડતરના ચાર પાસા :

દુનિયામાં મનુષ્યોનો એક પ્રકાર એ છે કે જેમનું વ્યક્તિત્વ પોકળ હોય છે. તેમની જાતમાં ઊંડાણની કમી હોય છે. તેઓ સવાર-સાંજ એક રૂટિનનું જીવન વિતાવે છે, જ્યાં પેટ અને ખાનદાન તેમના જીવનની ધરી હોય છે. ખાલી કે નવરાશના સમયને તેઓ ગપશપ કે ટેવોની લત દ્વારા વિતાવી દે છે. બીજા પ્રકારના લોકો એ હોય છે કે જેઓ પોતાની જાતને પૂર્ણ કરવા ઉપર મહેનત કરે છે.

માનવ-જાતની પૂર્ણતા માટે કેટલીક વસ્તુઓ બુન્યાદી હેસિયત ધરાવે છે. જો આ જરૂરિયાતો પૂરી ન થાય તો માણસ પોતાને ખાલી અને અધૂરો અનુભવે છે, અને જાતની અંદર શૂન્યાવકાશ બાકી રહી જાય છે. પ્રથમ પ્રકારના લોકો આ શૂન્યાવકાશનો અનુભવ પણ નથી કરતા, જ્યારે કે બીજા પ્રકારના લોકો આ શૂન્યાવકાશને તીવ્રતાથી અનુભવે છે અને તેને પૂરવાના પ્રયાસોમાં લાગેલા રહે છે. પ્રથમ પ્રકારના લોકો પોતાના સીમિત વ્યક્તિત્વથી સંતુષ્ટ રહે છે અને હંગામી રીતે આંશિક પૂર્ણતાથી ખુશ પણ થઈ જાય છે.

પરંતુ ભલે આપણે આ જરૂરિયાતોને સભાનપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ આપણા ઊંડાણમાં આપણને લાગે છે કે આ મૌજૂદ છે અને ખૂબ જ મહત્ત્વનું છે. આપણે તેમને પોતાના વ્યક્તિગત અનુભવો, અન્યોના અનુભવો, અને દુનિયાભરના સામૂહિક અનુભવોથી સ્વીકારી શકીએ છીએ જે સમયના ઇતિહાસમાં ફેલાયેલ છે. આ જરૂરતોને હંમેશથી હિકમત (બુદ્ધિમત્તા, ડહાપણ)ના લેખનોમાં માનવ-પૂર્ણતા માટે જરૂરી તત્ત્વોના સ્વરૂપે સ્વીકારવામાં આવ્યા છે.

જાતની પૂર્ણતાની આ એ જ બુન્યાદી જરૂરતો છે જેમને નીચે લખવામાં આવી રહી છે: (૧) રૂહાની વિકાસ (૨) જ્ઞાનની દૃષ્ટિએ વિકાસ (૩) સામાજિક વિકાસ (૪) ભાવનાત્મક સંતુલન.

રમઝાન દ્વારા પોતાના વ્યક્તિત્વને બહેતર બનાવવા માટે અને જાતની પૂર્ણતાની આ જરૂરતો પર ધ્યાન આપવા સંબંધે નીચે કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવી રહ્યા છે.

રમઝાન: રૂહાની વિકાસ-પ્રગતિની મોસમ :

રૂહાની વિકાસ અને રૂહાનિયત કે આધ્યાત્મિકતાના નામે હાલમાં દુનિયા જે આઇડિયા Best Selling છે તેનું કેન્દ્ર અને ધરી માનવી પોતે છે. આપણે તેના ઝગમગાટથી ધોકો ખાઈ જઈએ છીએ અને એ ધોકાને કબૂલ પણ કરી લઈએ છીએ કે જે સમાજ આપણને વેચે છે. એને આપણે સેક્યુલર રૂહાનિયત કે આધ્યાત્મિકતા કહીએ છીએ કે જેનું સમગ્ર શિક્ષણ પોતાના પર કેન્દ્રિત થવામાં છે. આત્મ-વિશ્વાસ, આત્મ-વિકાસ, સ્વ-ભલાઈ આ “હું શું ચાહું છું”, “મને મારું કામ કરવા દો.”, “મેં આ પોતાની રીતે કર્યું” જેવી વાતોમાં છે. પરંતુ ફક્ત ઇસ્લામ જ નહીં બલ્કે હજારો વર્ષોના ઇતિહાસની હિકમત પર આધારિત લેખનો-લખાણો વારંવાર આ વાસ્તવિકતાને સ્વીકારે છે કે પોતાની જાતને બહેતર બનાવવામાં સૌથી મોટી પૂર્ણતા એ સમયે હાસલ થાય છે કે જ્યારે આપણે પોતાના સર્જનહારને ઓળખીએ, તેનાથી માર્ગદર્શન માગીએ, સમગ્ર માનવોને અલ્લાહનો પરિવાર સમજીએ, બીજાઓને મદદ કરવાની ભાવનાને વિકસાવીએ. રૂહાનિયતના અર્થમાં આ વાત પણ સામેલ છે કે આપણે બીજાઓ માટે પોતાની ભૂમિકા ભજવીએ અને પોતાનાથી ઉચ્ચ કોઈ ધ્યેય માટે જીવીએ. આધુનિક જગતે રૂહાનિયત પેદા કરવાની ઘણી રીતો શોધી કાઢી છે. તેમનામાં તાત્કાલિક અને હંગામી (Temporary) શાંતિ તો મળે છે, પરંતુ તે એક તાત્કાલિક ધોકો છે. ત્યાં બુન્યાદી અને ટકાઉ જરૂરતો પર ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ દુનિયાની એક મોટી સંખ્યા એવી જ છે કે જે કામચલાઉ (Temporary) શાંતિ અને ઉપરછલ્લી ખુશી પાછળ દોડે છે.

તો પછી આપણે જીવનના એ વાસ્તવિક સિદ્ધાંતોને કેવી રીતે શોધીએ કે જે આપણને સાચી રૂહાનિયત (આધ્યાત્મિકતા)થી પરિચિત કરાવે ? અને આપણે પોતાના જીવનને તેમના મુજબ કેવી રીતે સાનુકૂળ કરીએ જે જીવનના ઉચ્ચ માપદંડને સ્થાપિત કરવામાં મદદરૂપ થતા હોય ? અમારી નજીક કુર્આન જ એ એકમાત્ર અને પ્રમાણભૂત માધ્યમ છે કે જેનાથી આપણે વાસ્તવિક રૂહાનિયત (આધ્યાત્મિકતા)ને પામી શકીએ છીએ. અને રમઝાન તેના માટે એક સાનુકૂળ મોસમ અને માહોલ પૂરું પાડે છે.

રૂહાની વિકાસ કે પ્રગતિ માટે રમઝાનુલ મુબારક જેવો કોઈ યોગ્ય મહિનો નથી. રમઝાન કુર્આન તથા રૂહાનિયત અંગે મૌલાના અમીન અહસન ઇસ્લાહી રહ.એ કહ્યું છે : “એટલે કે આ કુર્આની હિકમતનો ક્રમ આ રીતે થયો કે કુર્આને હકીમનો વાસ્તવિક લાભ ફક્ત એ લોકો માટે ખાસ છે જેમનામાં તકવાની રૂહ હોય અને એ તકવાની તર્બિયતનું ખાસ માધ્યમ રોઝાની ઇબાદત છે. આ કારણથી રબ્બે કરીમ-વ-હકીમે આ મહિનાને રોઝાઓ માટે ખાસ કરી દીધો જેમાં કુર્આન નાઝિલ થઈ. બીજા શબ્દોમાં આ વાતને આમ પણ કહી શકીએ છીએ કે કુર્આન આ દુનિયા માટે બહાર અર્થાત્ વસંત ઋતુ છે અને રમઝાનનો મહિનો વસંત ઋતુનો મહિનો છે, અને આ ઋતુ જે પાકને ભરપૂર પકવે છે એ તકવાનો પાક છે.” (તદબ્બુરે કુર્આન)

આનાથી જણાયું કે દરેક વસ્તુ માટે એક ખાસ ઋતુ હોય છે. જેવી રીતે પાક વાવવા અને લણવાનો એક સમય નક્કી છે એવી જ રીતે રમઝાનની ઉપેક્ષા કરનાર પોતાના રૂહાની જીવનમાં વિકાસ-પ્રગતિ સાધી શકતો નથી.

રમઝાનુલ મુબારકના મહિનો મો’મિન (ઈમાનવાળા) માટે રૂહાની વિકાસ-પ્રગતિ અને ગુનાહોની માફીનો શ્રેષ્ઠ મોકો ઉપલબ્ધ કરાવે છે. આ મહિનો માત્ર ગુનાહોને ધોવાનું માધ્યમ છે એટલું જ નહીં બલ્કે અલ્લાહના સામીપ્યનો માર્ગ પણ ખોલે છે. અલ્લાહતઆલાએ આ મહિનાને નેકીઓની મોસમના રૂપે એનાયત કર્યો છે, જ્યાં નફ્લ ઇબાદતોનું વળતર ફર્ઝ સમાન અને ફર્ઝનું વળતર અનેકગણું વધારી દેવામાં આવે છે. જે લોકો રમઝાનને એક સામાન્ય કે સાધારણ મહિનાની જેમ વિતાવી દે છે અને ત્યાર પછી પણ પોતાના જીવનમાં કોઈ ફેરફાર કે પરિવર્તન નથી લાવતા તેઓ આ મોસમની બરકતોથી વંચિત રહી જાય છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments