અલ્લાહનો આભાર કે ફરી એક વાર રમઝાનુલ મુબારકનો આ માનવંતો મહેમાન આપણાં આંગણે આવી પહોંચ્યો છે. આશા છે કે સૌએ આ રમઝાનની બરકતો અને રહમતોથી પોતાનું પાલવ ભરી લેવાની તૈયારીઓ કરી લીધી હશે.
રમઝાનુલ મુબારકનો મહીનો કુર્આનના અવતરણનો મહીનો છે. અને એટ્લે જ આ મહીનાની આટલી મહિમા છે અને આ મહીનામાં રોઝા રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. કુર્આનમાં રોઝાના ઉદ્દેશ્ય વિષે કહેવામાં આવ્યું છે કેઃ “ હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! તમારા ઉપર રોઝા ફરજિયાત કરી દેવામાં આવ્યા જેવી રીતે તમારા પહેલા પયગંબરોના અનુયાયીઓ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા હતા તેનાથી આશા છે કે તમારામાં તકવા ( સંયમ) પેદા થાય” (૨ઃ૧૮૩).
આનો અર્થ એવો થયો કે અલ્લાહ રોઝા દ્વારા માનવીની અંદર તકવાનો ગુણ પેદા કરવા માંગે છે અને એટ્લે જ અલ્લાહે રોઝા અનિવાર્ય ઠેરવ્યા છે. અને પછી કુર્આનમાં એમ પણ કહેવામા આવ્યું કે આ ગ્રંથથી તેઓ જ લાભાન્વિત થઈ શકે છે અને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે જેઓ તકવાનો ગુણ ધરાવતા હોય. હવે વાત સ્પષ્ટ થઇ ગઈ કે રમઝાનમાં કુર્આન અવતરિત થયું, કુર્આન તકવાનો ગુણ ધરાવનાર માટે માર્ગદર્શન છે અને તકવાનો ગુણ રોઝાથી પ્રાપ્ત થાય છે એટ્લે રમઝાનમાં રોઝા ફરજિયાત કરવામાં આવ્યા.
આ સિવાય કુર્આનમાં રોઝાના બીજા બે ઉદ્દેશયો પણ વર્ણવામાં આવ્યા છે. કુર્આન કહે છેઃ “જે માર્ગદર્શનથી અલ્લાહે તમને નવાજયા છે તેના માટે અલ્લાહની મહિમાની અભિવ્યક્તિ અને એકરાર કરો અને આભારી બનો.” (૨ઃ૧૮૫)
આ પ્રમાણે રોઝાના ત્રણ ઉદ્દેશયો થઈ ગયા.
૧) તકવાનો ગુણ પેદા કરવો
૨) અલ્લાહની મહિમા પોકારવી
૩) અલ્લાહનો આભાર માનવો
આજનાં આ લેખમાં આપણે તકવા વિષે અને વ્યક્તિ અને સમાજ પર તકવા થકી પડતા પ્રભાવ વિષે કેટલીક ચર્ચા કરીશું.
તકવા જેને આપણે સંયમ અથવા ઈશભય કહી શકીએ પણ તેનો અર્થ આના કરતાં ઘણો વિશાળ છે. તકવાનો આ ગુળ માનવતાનો મૂળભૂત ગુણ કહી શકાય એટ્લે જ કુર્આનમાં વારંવાર તકવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુર્આનમાં ત્યાં સુધી કહેવામા આવ્યું છે કે માણસની શ્રેષ્ઠતાનો આધાર તેનો વંશ, વર્ણ, સત્તા કે સંપતિ નહીં પરંતુ તકવા છે.કુર્આનમાં કહેવામા આવ્યું છે કેઃ “હકીકતમાં અલાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ તકવા (સંયમી, અલ્લાહથી ડરનાર) ધરાવતો હોય.” (૪૯ઃ૧૩)
તકવાના જુદા જુદા આયામ અને દરજ્જાઓ છે. સૌથી સામાન્ય અને પ્રાથમિક તકવા એ છે કે વ્યક્તિ કોઈ પણ સત્યને માની લેવા અને તેનું અનુસરણ કરવા તૈયાર હોય, બૂરાઈથી બચવાનો નિર્ધાર ધરાવતો હોય અને એ વાત સ્વીકારે કે મારી ઇન્દ્રિયો થકી પ્રાપ્ત જ્ઞાન સિવાય પણ આ સૃષ્ટિની કેટલીક વાસ્તવિકતાઓ હોઇ શકે છે. અને તકવાનો છેલ્લો દરજ્જાે એ છે કે અલ્લાહની નારાઝ્ગીથી બચવા કેટલાક એવા કાર્યોથી પણ રોકાઈ જાય જેના ખોટા હોવાની કોઈ સાબિતી ન હોય, માત્ર સંશય અથવા શંકા જ હોય. અને આ બંને દરજ્જાઓ વચ્ચે તકવાના વિવિધ રંગોની આખી ચિત્રમાળા છે.
સામાન્ય શબ્દોમાં કહીએ તો તકવા માનવ જીવનના તે એહસાસ અને તે માનસિકતાનું નામ છે જેમાં તેને આ અનુભૂતિ દરેક સમયે રહેતી હોય કે અલ્લાહ મને જાેઈ રહ્યો છે અને મારે કોઈ કામ એવું ન કરવું જાેઈએ જેનાથી મને અલ્લાહ સામે શરમ અનુભવાય, અને અલ્લાહ મારાથી અપ્રસન્ન થઇ જાય. જેવી રીતે તમે કોઈ જગ્યાએ ગયા હોવ અને ત્યાં લખેલ હોય કે તમે સી સી ટી વી કેમેરાની નજર હેઠળ છો ત્યારે તમારી ભાવ ભંગિમા બદલાઈ જાય છે, તમારૂ આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આવી જ રીતે તમારામાં તે અહેસાસ ઊભો થાય કે અલ્લાહના કેમેરાઓ દરેક જગ્યાએ મારી ઉપર નજર રાખી રહ્યા છે, પછી હું કોઈ સભા કે સમ્મેલન માં હોઊં, મારા શયન કક્ષમાં હોઊં, મારી કોલેજ અથવા યુનિવર્સિટીમાં હોઊં, મારી દુકાને હોઊં કે સમાજની બીજી કોઈ પ્રવૃતિમાં હોઊં , અલ્લાહ મને જાેઈ રહ્યો છે. કુર્આન કહે છેઃ “કોઈ જીવ એવો નથી જેના ઉપર કોઈ દેખરેખ રાખનાર ન હોય” ( ૮૬ઃ૪). રોઝાથી આ જ ગુણ અપેક્ષિત છે. અને આ ગુણ ખરેખર જન્મે પણ છે. રોઝામાં દરેક રોઝાદાર આ ‘અલ્લાહ જાેઈ રહ્યો છે’ની અનુભૂતિથી ભરેલ હોય છે. અને એટલે જ રોઝામાં એક નાનો બાળક પણ ખૂણામાં જઇ કોઈ ન જાેતું હોય તે રીતે પાણીનો એક ઘૂંટડો પી શકે છે અને કોઈને જાણ પણ ન થાય. પણ તે આવું નથી કરતો કારણ તેનામાં ‘અલ્લાહ જાેઈ રહ્યો છે’ ની ભાવના પ્રબળ થઇ ગયેલ હોય છે. હવે કલ્પના કરો કે આ ગુણ મોટા ભાગે લોકોમાં પેદા થઈ જાય તો તેવા લોકોથી બનેલ સમાજ કેવો હશે?
મુસ્લિમ સમાજઃ કોઈ પણ સમાજ તેની અંદર રહેલ વ્યક્તિઓના વિચારો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો પ્રતિબિંબ હોય છે. તે સભ્યતા જે એક વિશેષ વિચારધારા દ્વારા વિકસિત થઈ હોય તેનો તાદૃશ્ય નમૂનો તે સમાજ હોય છે, જે એ સભ્યતાને વરેલ હોય.
રોઝા વ્યક્તિગત રીતે તકવાનો જે ગુણ દરેકે દરેક મોમિનમાં પેદા કરવા માંગે છે તે સામૂહિક રીતે તેના સમાજમાં પણ પ્રતિબિંબિત થવો જાેઈએ. તેનો સમાજ પણ સંયમી, અલ્લાહથી ડરનાર, બધાની સેવા કરનાર, પીડિતો પર રહેમ કરનાર, અત્યાચારીઓ પર અંકુશ લગાડનાર અને નેકીઓને પ્રસાર કરનાર અને બૂરાઈઓથી બચાવનાર હોવો જાેઈએ. મૌલાના મૌદૂદી (રહ.) એ એક જગ્યાએ લખ્યું છે કે જેવી રીતે મરણ શૈયા પર સૂઈ રહેલ વ્યક્તિની જાંચ કરવા માટે તેની નાક સામે અરીસો ધરવામાં આવે છે કે તેનો શ્વાસ ચાલી રહ્યો છે કે નહીં તે જાેઈ શકાય. એવી રીતે કોઈ મૃત પ્રાય સમાજના જીવનની ખાતરી કરવી હોય તો તેને રમઝાનના મહીનામાં જાેવામાં આવે કે તેમાં તકવાના કોઈ ગુણ દેખાય છે કે નહીં જાે તેમા થોડું ઘણું પરીવર્તન પણ દેખાય તો સમજી શકાય કે હજુ તેની સાંસો ચાલી રહી છે. અને અલ્લાહનો આભાર કે આ રીતે આપણે જાેઈએ છીએ કે હજુ આપણું સમાજ જીવિત છે અને તેને સંજીવન કરવાના પ્રયાસો આદરવામાં આવે તો સમાજ પુનર્જીવિત થઈ શકે છે.
આધુનિક સમાજ એક એવા વળાંક પર ઉભો છે જ્યાં એક તરફ ભૌતિક પ્રગતિ ચરમસીમાએ પહોંચી રહી છે, અંતર ઘટી રહ્યા છે, અને સંદેશાવ્યવહારના માધ્યમોએ ખરેખર વિશ્વને એક વૈશ્વિક ગામ બનાવી દીધું છે, જ્યારે બીજી તરફ, સામાજિક દુર્ગુણોના વધતા પૂર સામે માનવ સભ્યતા મૃત્યુ પામતી હોય તેવું લાગે છે. સાવર્ત્રિક રીતે ન્યાયી સહઅસ્તિત્વ પ્રણાલીના અભાવે આ વૈશ્વિક ગામમાં અરાજકતા ફેલાઈ છે.
ઇસ્લામી સમાજ પોતાના તકવાના ઉપરોક્ત ગુણના આધારે સમગ્ર વિશ્વને આ સમસ્યાથી છૂટકારો અપાવી શકે તેમ છે. ન્યાય એ ઇસ્લામી સામાજિક મૂલ્યોની મૂળ ભાવના છે અને તે તકવામાં સમાયેલ છે. કુર્આનમાં કહેવામા આવ્યું છેઃ “ન્યાય કરો, તે તકવાની નજીક છે”.
આ ન્યાયનો અભિગમ સમાજનો સૂત્ર હોવો જાેઈએ. જાે સમાજ પોતાની કોઈ પણ બાબતમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) દ્વારા આપવામાં આવેલા આદેશો, ફરમાન અને મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરે, તો ન્યાયની જરૂરિયાતો ખરા અર્થમાં પૂર્ણ થઈ શકે છે. ભલે મામલો સંબંધીઓ વચ્ચેનો હોય, ન્યાય થવો જાેઈએ. સામાજિક રીતે, કુર્આન તકવા ધરાવનાર લોકોના આ મુખ્ય લક્ષણોનું વર્ણન કર્યું છેઃ લોકોથી ડરવું નહીં, પરંતુ અલ્લાહથી ડરવું, કારણ કે અલ્લાહનો જ અધિકાર છે કે તેનાથી ડરવું જાેઈએ. લોકોના અધિકારોનું જતન, સગપણ અને સંબંધોની જાળવણી, અનાથ અને સમાજના કચડાયેલ લોકોનું રક્ષણ ઇસ્લામી સમાજનું પ્રાથમિક કર્તવ્ય છે. બીજી જગ્યાએ કુર્આનમાં કહેવામાં આવ્યું છે કે “અને તકવા ધારણ કરો (બચો) તે ફિત્ના (ઉપદ્રવ)થી જેની આફત માત્ર તે જ લોકો સુધી સીમિત નહીં રહે જેમણે તમારા પૈકી ગુનો કર્યો હોય, અને જાણી લો કે અલ્લાહ સખત સજા આપનાર છે..” (અલ-અન્ફાલઃ ૨૫)
આ આયત સીધી રીતે તકવાને દુષ્ટતાથી રોકવા સાથે જાેડે છે, જેનો અર્થ એ છે કે આ આફત એવા લોકોને પણ ઘેરી લેશે જેઓ પોતે સુખી થવાના પ્રયત્નો કરે છે, અને ફક્ત વ્યક્તિગત ભલાઈથી સંતુષ્ટ રહે છે અને સામૂહિક દુષ્ટતાને રોકવાનો કોઈ પ્રયાસ નથી કરતા.
આઓ! આ રમઝાનમાં પ્રણ કરીએ કે તકવાના વ્યક્તિગત અને સામુહિક ગુણો વિકસાવવાના પ્રયત્નો કરીશું અને રમઝાનમાં કુર્આનનાં આદેશ પ્રમાણે રોઝા અને ઈબાદત થકી મુસ્લિમ સમાજને એક આદર્શ ઇસ્લામી સમાજમાં રૂપાંતરિત કરવાનો પ્રયત્ન કરીશું.