એક કોલ કરી હોસ્પિટલ, દવા, ઓકસિજન તેમજ ડોકટરની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવી શકાય છે.
શાહીન કોવિડ ટાસ્ક ફોર્સ હેલ્પલાઇન નંબર – 9409636156
આપ જાણો છો તેમ હાલ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણો દેશ કોરોના મહામારીના ભરડામાં સપડાયેલ છે. છેલ્લા મહિનામાં ગુજરાતમાં અને અરવલ્લી જિલ્લામાં પણ કોરોના કેસોમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જેના અંતર્ગત સામાન્ય જનતાને કોરોનાની સારવાર અર્થે જરૂરી દવાઓ-ઇંજેક્શનો, ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલમાં ઓક્સિજન બેડ અને આઇસીયુ બેડ જેવી સુવિધાઓ મેળવવામાં મુશકેલીઓ ઊભી થઇ છે. લોકોની આ મુશ્કેલીઓને પહોંચી વળવા અને શક્ય તેટલી તેમની સમસ્યાઓના નિરાકરણ માટે જમાતે ઇસ્લામી હિંદ-મોડાસા અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા-મોડાસા દ્વારા ‘શાહીન કોવિડ ટાસ્ક ફોર્સ’ નામથી એક હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ ઇકરા લાઇબ્રેરી થી કાર્યરત છે. તેમણે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અરવલ્લી જિલ્લાનાં કોઇ પણ તાલુકા/ગામમાં કેરોનાથી પીડીત દર્દી કે તેના સગા આ નંબર પર ફોન કરી દર્દીની વિગત અને તેમની જરૂરત જણાવે છે. સેન્ટર પર હાજર કાર્યકરો તેમની ટેકનોલોજીથી સજ્જ સિસ્ટમ દ્વારા મોડાસામાં ઉપલબ્ધ સ્રોતોનો સંપર્ક સાધી સચોટ માહિતી જરૂરતમંદ દર્દીને પહોંચાડે છે. આ રીતે કેરોનાથી પીડીત પરિવાર સમયસર તેમની જરૂરિયાત પ્રાપ્ત કરી શકે છે.
આ ઉપરાંત આ સેન્ટરથી ગુજરાતભરના મોટા શહેરોમાં ઉપ્લબ્ધ સ્રોતો અને સુવિધાઓની માહિતી આપવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરેલ આ ટાસ્ક ફોર્સ એ અત્યાર સુધીમાં ૨૫-૩૦ દર્દીઓને કોઇ પણ ધર્મ-જાતિ-નાતજાતના ભેદભાવ વિના સચોટ માહિતી પૂરી પાડેલ છે.
જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના પ્રમુખ ડો.ઇફતેખાર મલેક એ જણાવ્યું કે અમારી સંસ્થા કોઇ પણ કુદરતી કે કૃત્રિમ આફતોમાં લોકસેવા માટે હરહંમેશ તત્પર રહે છે. ઇસ્લામમાં જનસેવા ઉત્તમ પ્રકારની ઇબાદત ગણવામાં આવે છે. અમે કોરોના મહામારીમાં પણ લોકોની સેવા માટે કટિબદ્ધ છીએ. છેલ્લા એક મહિનાથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પ્રાદેશિક સ્તરે અમારી સંસ્થા દ્વારા આવા હેલપલાઇન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જે અનુક્રમે દિલ્લી અને અહમદાબાદ થી કાર્યરત છે. અને હવે અમે જિલ્લા કક્ષાએ આ હેલ્પલાઇન સેન્ટર શરૂ કરેલ છે. અમે ઇચ્છીએ છીએ કે આપના માધ્યમથી આ ટાસ્ક ફોર્સનો હેલ્પલાઇન નંબર બહોળા વર્ગ સુધી પહોંચે અને અરવલ્લી જિલ્લાના વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઇ શકે.