મેવાતથી મુંબ્રા સુધીની, સમગ્ર ભારતની મુસ્લીમ સંસ્થાઓ પંજાબના પૂરગ્રસ્તોને મદદરૂપ બની રહી છે.
લેખક: નિષ્ઠા સૂદ અને હરિન્દર હેપ્પી – સૌજન્ય: The Quint
પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે, જેમાં લગભગ 50 લોકોના પ્રાણ ગયા છે અને 1.75 લાખ હેક્ટરથી વધુ પાક બરબાદ થયો છે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરત રાહત સામગ્રી પહોંચાડવામાં ધીમી રહી અને મુખ્યધારાની મીડિયા પણ ઘણા દિવસો સુધી મોટા ભાગે ઉદાસીન રહ્યું, ત્યારે પંજાબને બીજી ઘણી જગ્યાએથી સહાનુભૂતિ મળી. અનેક શીખ ગેરસરકારી સંસ્થાઓ, યુવાનો, પડોશી રાજ્યોના ખેડુતો, પંજાબી કલાકારો અને ભારતભરની કેટલીએ સંસ્થાઓ ઝડપથી આગળ આવી.
આ સંકટની ઘડીમાં, પંજાબ અને અન્ય રાજ્યોની મુસ્લીમ સંસ્થાઓ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે આગળ આવી.
મેવાતે રાહ ચીંધી..
પંજાબમાં પૂર આવ્યાની ખબર મળતા જ, દક્ષિણ હરિયાણાના મેવાત વિસ્તારના સ્થાનિક મુસ્લિમોએ પંજાબના પૂરગ્રસ્ત જિલ્લાઓ માટે રાહતસામગ્રી એકત્ર કરવા ઘર-ઘર અભિયાન શરૂ કર્યું. મેવાતમાંથી ટ્રકો ભરીને અનાજ, કપડાં, મચ્છરદાની, દવાઓ, શુદ્ધ પીવાનું પાણી અને પશુઓ માટેનો ચારો પણ પંજાબ મોકલવામાં આવ્યો.
આ રાહતકાર્યના સવ્યંસેવકોમાં 31 વર્ષીય શાહરૂખ ખાન પણ છે, જે મેવાતની ફ્રેટર્નિટી મૂવમેન્ટની શિકરાવા યુનિટના સભ્ય છે. તેમણે ફિરોઝપુર, લુધિયાણા અને ગુરદાસપુર જેવા પૂરગ્રસ્ત જિલ્લાઓમાં સામગ્રી પહોંચાડવાનું સંકલન કર્યું. તે કહે છે: “મેવાત પંજાબમાં ઘણી સહાય મોકલી રહ્યું છે. સમગ્ર વિસ્તાર મદદ માટે સક્રિય થઈ રહ્યો છે.”
સૌથી સ્પર્શક યોગદાનોમાંનું એક તિલકપુરી ગામની 80 વર્ષીય મહિલા રહીમીબેન તરફથી આવ્યું. તેમણે પોતાના છેલ્લાં દિવસો માટે સાચવી રાખેલી ચાંદીની બંગડી અને પોતાની થોડી ઘણી બચત દાનમાં આપી દીધી.
શાહરૂખના જણાવ્યા અનુસાર, “મેવાતની ઘણી વૃદ્ધ મહિલાઓ બંગડીઓ અને દાગીનાં આપી નાણાં એકત્ર કરી રહી છે, ઉપરાંત હાથથી વણેલી ગોદડીઓ, જેને ‘ગુદરી’ કહે છે, દાનમાં આપી રહી છે જેથી પૂરગ્રસ્ત લોકોને ઠંડકથી રાહત મળી રહે.”

જ્યારે મેવાતના મુસ્લિમોની આ સહાયની લાગણી પાછળની પ્રેરણા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે શાહરૂખે 2019-20માં નાગરિકતા સુધારા કાયદા (CAA) સામેના આંદોલનો દરમિયાન પંજાબના શીખ સમુદાય દ્વારા દેખાડવામાં આવેલી એકતા યાદ કરી.
“શાહીન બાગ આંદોલન દરમિયાન શીખો અમારી સાથે ખભેથી ખભા મિલાવી ઊભા રહ્યા હતા. ઉપરાંત મેવાતના મુસ્લિમો ખેતી પર આધારિત પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી, પાક, જમીન અને પશુધન પૂરના કારણે ગુમાવવાનું દુઃખ સારી રીતે સમજે છે.” — શાહરૂખ, ફ્રેટર્નિટી મૂવમેન્ટ
ખેડૂત આંદોલનથી પૂર સુધી
49 વર્ષીય ફારૂક મુસ્લિમ જાટ ફાઉન્ડેશન (MJF)ના ટીમ લીડર છે – જે દિલ્હીની સંસ્થા છે અને સામાન્ય રીતે શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના બનાતમાં રહેતા ફારૂક પોતાની ટીમના પંજાબ પૂર રાહત કાર્યોનું નેતૃત્વ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે 25 ઑગસ્ટે પૂર વિશે જાણતાં જ તેમની સંસ્થાએ મદદ કરવાનો નિર્ણય લીધો. ફારૂકભાઈ વ્યક્તિગત રીતે અમૃતસર અને ગુરદાસપુર ગયા, જ્યાં તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને રાહત સામગ્રી વિતરીત કરી.
તેમનું કહેવું છે: “ત્યાંની પરિસ્થિતિ દયનીય હતી. અમૃતસરના સરહદી વિસ્તારો ભારે અસરગ્રસ્ત થયા હતા, અને અમે ગગ્ગો મહલ, સુલતાન મહલ, કલ્લો મહલ અને ડેરા બાબા નાનક જેવા વિસ્તારોમાં ખોરાક અને અન્ય આવશ્યક સામગ્રી વિતરીત કરી.”
ફારૂક કહે છે કે તેમણે 2020-21ના ખેડૂત આંદોલન દરમિયાન પણ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. તેમણે ઉમેર્યું: “અમે ખેડૂતો માટે ખોરાક મોકલ્યો હતો અને શામલી બોર્ડર મારફતે દિલ્હી તરફ જતા ખેડૂતો માટે સ્ટોલ પણ લગાવ્યા હતા. ખેડૂત આંદોલન દરમિયાન રાકેશ ટિકૈતે મોટી ખાપ પંચાયતનું આયોજન કર્યું હતું, અને અમે તેમના માટે ખોરાકની વ્યવસ્થા કરી હતી.”
આગળની યોજના વિશે ફારૂક કહે છે: “અમે 15 સપ્ટેમ્બરે ત્યાં બીજી ટીમ લઈ જઈ રહ્યા છીએ. અમને સમજાયું કે હવે અહીં ખોરાકની કોઈ અછત નથી, પરંતુ દવાઓ, કપડાં અને પશુઓના ચારા જેવી મૂળભૂત જરૂરિયાતો હજી પણ ખૂટે છે. તેથી હવે અમે ચાર ટ્રોલી પશુઓના ચારા મોકલવાનો નિર્ણય કર્યો છે.” — ફારૂક, મુસ્લિમ જાટ ફાઉન્ડેશન
તેમણે સ્થાનિક સમુદાયની એકતાની પ્રશંસા કરી. તેઓ કહે છે: “બનાતના લોકો ખૂબ ઉત્સાહી છે. હિંદુ જાટ અને મુસ્લિમ બંને મળીને પંજાબની મદદ માટે આગળ આવ્યા છે. ફક્ત ગઈ કાલે જ 300 ક્વિન્ટલ સામગ્રી મોકલવામાં આવી. લોકો નાના સમૂહોમાં બેઠક યોજી રાહત સામગ્રી એકત્રિત કરવાની કામગીરી કરી રહ્યા છે.”

ફારૂક અને તેમની ટીમ – સાદિક ચૌધરી, આસિફ ચૌધરી, સાદિક ચૌધરી હરસોલી, નદીમ શામલી, ડૉ. અમજદ બનાત, શાનુ ચૌધરી રઠોડા, મોઇન ચૌધરી કલ્યાણપુર, ખ્વાજા સાહેબ અને ડૉ. અર્શદ – જેવા વ્યક્તિઓના પ્રયત્નો મુસ્લિમ જાટ ફાઉન્ડેશન (MJF ટ્રસ્ટ)ના વિશાળ માનવતાવાદી ધ્યેયને દર્શાવે છે, જેણે સ્વયંસેવકો અને સમુદાયોને એકત્રિત કરી સમગ્ર પંજાબમાં રાહત પહોંચાડવાની કામગીરી કરી છે.
ફાઉન્ડેશનની કામગીરી અમૃતસર, ગુરદાસપુર અને આસપાસના ગામો જેમ કે ગગ્ગો મહલ, ગાલિબ, સુલતાન મહલ અને દયાલ ભાટી જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે, જ્યાં ખોરાક, કપડા, દવાઓ અને ઘરેલૂ આવશ્યક વસ્તુઓ સમાવિષ્ટ રાહત કીટો વિતરીત કરવામાં આવી છે. જો કે તાત્કાલિક ખોરાકની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે, ફાઉન્ડેશન કહે છે કે પરિવારોને હજુ પણ તેમની જિંદગીઓ ફરીથી સ્થાપિત કરવા માટે દવાઓ, કપડા, બીજ, ખાતર અને અન્ય આવશ્યક વસ્તુઓની તાત્કાલિક જરૂર છે. વધુમાં MJF મેડીકલ કેમ્પો આયોજિત કરવાની અને કૃષિ આધાર પ્રદાન કરવાની તૈયારી કરી રહ્યું છે.
‘પંજાબીઓ હંમેશાં મુસ્લિમોની સાથે ઉભા રહ્યા છે’
જમિયત ઉલમા-એ-હિંદ, જેના હાલમાં અધ્યક્ષ મૌલાના સૈયદ અર્શદ મદની છે, તે 1919માં સ્થાપિત થયેલી સંસ્થા છે, જેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો. જમિયત ઉલમા-એ-હિંદ, દિલ્હી પ્રદેશના જનરલ સેક્રેટરી મુફ્તી અબ્દુલ રાઝિક એ જણાવ્યું કે સંસ્થાએ ખોરાક, રાહત સામગ્રી, પશુ ચારો, તંબુ, તાડપત્રી, વાસણો અને બકેટ માટે ફંડ એકત્રિત કર્યું. મસ્જિદોમાં જાહેરાત દ્વારા તેમણે લોકોને દાન આપવા પ્રોત્સાહિત કર્યા.
તેમણે કહ્યું, “અમે આ માનવતાના માટે કરી રહ્યા છીએ, અને તેઓ કયો ધર્મ અનુસરે છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.”
મુફ્તી અબ્દુલ રાઝિક એ કહ્યું, “અમારા અધ્યક્ષે અપીલ કરી, અને અમારી તમામ શાખાઓ કાર્યમાં લાગી ગઈ. હાલમાં, તાત્કાલિક જરૂરિયાતો માટે પૂરતી સામગ્રી અમે એકત્ર કરી લીધી છે. જ્યારે પૂરનું પાણી ઘટી જશે અને અમે નુકસાનની સંપૂર્ણ અસરનું મૂલ્યાંકન કરીશું, ત્યારે અમને વધુ સ્પષ્ટ થશે કે હજુ કેટલા રાહત અને વિકાસ કાર્યની જરૂર છે.”

પંજાબને માત્ર ઉત્તર ભારતમાંથી જ સહાય મળી નથી, પરંતુ મહારાષ્ટ્રના મુંબ્રાથી પણ મળી રહી છે, જેને ઘણીવાર “ભારતનો સૌથી મોટો મુસ્લિમ ગેટો” કહેવામાં આવે છે. મુંબ્રામાં કાર્યરત યુવા-આધારિત યકીન ફાઉન્ડેશનના 25 વર્ષીય સામાજિક કાર્યકર્તા મોહમ્મદ ખાને કહ્યું, “પંજાબીઓ હંમેશાં મુસ્લિમો અને ભારતની સાથે ઉભા રહ્યા છે. હવે આપણો વારો છે કે આપણે ઉદારતા દર્શાવીએ. અમને લાગ્યું કે અમારે આગળ આવીને તેમની જરૂરિયાતના સમયે સહાય કરવી જોઈએ.”
તેમણે ઉમેર્યું કે તેમના અભિયાન દ્વારા માત્ર ચાર દિવસમાં અંદાજે 10 લાખ રૂપિયા એકત્રિત થયા. “અમે શાહી ઇમામ (લુધિયાણા) સાથે મળીને કાર્ય કરી રહ્યા છીએ, અને ટૂંક સમયમાં પંજાબની મુલાકાત પણ લઈશું. તેમની મદદથી, અમે ખાતરી કરાવીશું કે દરેક રૂપિયા અને દરેક રાહત સામગ્રી તે લોકોને પહોંચે જેઓને સૌથી વધુ જરૂર છે,” તેમણે ઉમેર્યું.
પંજાબને રાજસ્થાનના નાના શહેરોના મુસ્લિમોની હૃદયપૂર્વકની સહાય પણ મળી રહી છે. ગંગાનગરથી બીકાનેર તરફના માર્ગ પર સતાસર આવેલું છે, જે નાના શહેરમાં મુખ્યત્વે મુસ્લિમો વસે છે, જેમની મોટાભાગની જિંદગી મજૂરી અને વરસાદ આધારિત ખેતી (બાજરી, રાઈ અને મગફળી) પર આધારિત છે. સિમિત સંસાધનો હોવા છતાં, સતાસરના યુવાનો પંજાબના પૂરગ્રસ્તો માટે અનાજ અને સામગ્રી એકત્ર કરવા માટે જોડાયા છે. પરિવારોએ લોટ, અનાજ, તેલ અને અન્ય આવશ્યક વસ્તુઓ આપી, જે જે કંઈ એકત્ર કરી શક્યા તે બધું ભેગું કર્યું.
સામાજિક અને આર્થિક રીતે મર્યાદિત પરિવારો પંજાબમાં દુઃખભોગી લોકો સાથે એકતા દર્શાવવા માટે કોઈ પણ જાતના દેખાડા વિના શાંતિથી મદદ આપવામાં ગૌરવ અનુભવે છે.
મેવાતથી બનાત, મુંબ્રાથી સતાસર સુધી, આ સહયોગી પ્રયાસો દર્શાવે છે કે સંકટના સમયમાં માનવતા ધર્મ, પ્રદેશ અને સામાજિક સ્તરની સીમા પાર કરી શકે છે. સામાન્ય લોકો નાના-મોટા દયાભાવના કાર્યો દ્વારા સ્પષ્ટ બદલાવ લાવી કરી રહ્યા છે, પૂરગ્રસ્ત પંજાબમાં આશા અને રાહત લાવી રહ્યા છે. જ્યારે ભાજપનું હિંદૂત્વ રાજકારણ સમુદાયો વચ્ચે ઘૃણાનું બીજ વાવી રહી છે, ત્યારે ભારતના બે મુખ્ય લઘુમતી સમુદાયો—શીખો અને મુસ્લિમો—એકસાથે આવીને દર્શાવે છે કે એકતા અને કરુણા વિભાજન અને ભયને પરાજય આપી શકે છે. તેમની એકતા એક મજબૂત સંદેશ આપે છે કે સંયુક્ત દુઃખની ઘડીમાં, સહાનુભૂતિ અને સહયોગી પ્રયાસ કોઈ પણ રાજકીય એજન્ડા કરતા વધુ પ્રકાશિત હોય છે.