સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) એ યુજીસીના “ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા” સંબંધિત UGC (Promotion of Equity in Higher Education Institutions) Regulations, 2026 પર લાદવામાં આવેલી રોક અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને તેને એવા સમયે એક ગંભીર અને પ્રતિગામી પગલું ગણાવ્યું છે, જ્યારે યુનિવર્સિટી કેમ્પસમાં ભેદભાવ હજુ પણ હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના વિદ્યાર્થીઓ માટે એક કડવી વાસ્તવિકતા છે.
એસઆઈઓ મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રો. અજય ગુડાવર્તીએ કહ્યું કે, માત્ર “જાતિવિહીન સમાજ”ની વાતો કરવાથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવર્તતા જાતીય અપમાન, નસ્લી પૂર્વગ્રહ અને ધાર્મિક ઓળખના આધારે થતી પ્રોફાઇલિંગ જેવી રોજિંદી સચ્ચાઈઓ ખતમ થઈ જતી નથી. તેમણે રોહિત વેમુલા અને ડૉ. પાયલ તડવીની સંસ્થાગત હત્યા, એન્જલ ચકમાની નસ્લવાદી હત્યા તથા નજીબ અહમદની બળજબરીપૂર્વકની ગુમશુદગીના કિસ્સાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યાં સુધી સંસ્થાગત અન્યાય ચાલુ છે, ત્યાં સુધી યુનિવર્સિટીઓ પોતાને તટસ્થ કહી શકે નહીં. તેમણે યુજીસીના જ આંકડાઓ ટાંકીને જણાવ્યું કે ૨૦૧૯ થી ૨૦૨૪ વચ્ચે જાતિગત ભેદભાવ સાથે જોડાયેલી ફરિયાદોમાં ૧૧૮%નો વધારો થયો છે. આવા સંજોગોમાં ઇક્વિટી નિયમો પર રોક લગાવવી એ ખતરનાક સંદેશ આપે છે કે જવાબદારીને ટાળી શકાય છે, જ્યારે કે સામાજિક અસમાનતાઓ યથાવત છે. તેમણે ઉમેર્યું કે ફરિયાદ નિવારણ તંત્રને નબળું પાડવાને બદલે તેને વધુ મજબૂત અને વ્યાપક બનાવવું જોઈએ જેથી જાતિ, ધર્મ, નસ્લ – કુળ, ક્ષેત્ર અને ભાષાના આધારે થતા તમામ પ્રકારના ભેદભાવ સામે અસરકારક રીતે લડી શકાય.
સભાને સંબોધતા ફ્રેટરનિટી મુવમેન્ટના અધ્યક્ષ રમીસ ઈ.કે. એ રોહિત વેમુલા એક્ટની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રોહિત વેમુલાની ‘સંસ્થાગત હત્યા’એ યુનિવર્સિટીઓમાં પ્રવર્તતા જાતિગત ભેદભાવની ક્રૂર વાસ્તવિકતાને ઉજાગર કરી હતી, પરંતુ લગભગ એક દાયકા વીતી ગયા પછી પણ દેશમાં એવું કોઈ વ્યાપક કાનૂની માળખું નથી જે યુનિવર્સિટીઓને આ બાબતે જવાબદાર ઠેરવી શકે. તેમણે માંગ કરી કે પ્રસ્તાવિત કાયદામાં સંસ્થાગત ભેદભાવને દંડનીય અપરાધ માનવો જોઈએ અને જાતિગત ઉત્પીડન તથા વિદ્યાર્થી આત્મહત્યાના કિસ્સાઓની સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ. આવી કાનૂની જોગવાઈઓ વિના યુનિવર્સિટીઓ વારંવાર ભેદભાવના કિસ્સાઓને આંતરિક મુદ્દો ગણાવીને ટાળી દે છે, જે હકીકતમાં એક સંરચનાત્મક અન્યાય છે. તેમણે વધુમાં કહ્યું કે રોહિત વેમુલા એક્ટ વિદ્યાર્થીઓને જાતિ, નસ્લ અને ધર્મના આધારે થતા ભેદભાવથી સુરક્ષા પૂરી પાડવા અને યુનિવર્સિટીઓને જવાબદાર બનાવવા માટે અત્યંત આવશ્યક છે.
યુનિવર્સિટીઓમાં પ્રવર્તતા લોકશાહી સંકટ પર બોલતા જેએનયુ છાત્રસંઘ (JNUSU) ના અધ્યક્ષ અદિતિ મિશ્રાએ કહ્યું કે, સરકાર સંગઠિત અને લોકશાહી રીતે ચૂંટાયેલા વિદ્યાર્થી નેતાઓથી ડરે છે, તેથી જ છાત્રસંઘોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જેએનયુ છાત્રસંઘના નેતાઓનું નિલંબન (સસ્પેન્શન) આ જ વલણનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આ સ્થિતિ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે એએમયુ (AMU), જામિયા (JMI) અને માનૂ (MANUU) માં વધુ સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં ઘણા વર્ષોથી છાત્રસંઘની ચૂંટણીઓ જાણી જોઈને કરાવવામાં આવતી નથી. તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સહિત ઘણી રાજ્ય સરકારો, લખનૌ યુનિવર્સિટી, અલ્હાબાદ યુનિવર્સિટી અને અન્ય રાજ્ય યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી નેતૃત્વને દબાવવાની નીતિ અપનાવી રહી છે. તેમણે માંગ કરી કે તમામ યુનિવર્સિટીઓમાં તાત્કાલિક છાત્રસંઘની ચૂંટણીઓ કરાવવામાં આવે અને જેએનયુ છાત્રસંઘના નેતાઓનું નિલંબન તાત્કાલિક પાછું ખેંચવામાં આવે.
એસઆઈઓના મહાસચિવ એડવોકેટ અનીસ રહેમાને લઘુમતીઓ માટેની શૈક્ષણિક સહાયમાં કરવામાં આવતા સતત કાપની કડક નિંદા કરતા કહ્યું કે, સરકારના તાજેતરના નિર્ણયો તેના બહુચર્ચિત નારા “સબકા સાથ, સબકા વિકાસ”ની વાસ્તવિકતા ઉજાગર કરે છે. તેમણે કહ્યું કે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ અને મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ (MANF) ને બંધ કરવી તથા લઘુમતી શિક્ષણ બજેટમાં સતત ઘટાડો કરવો એ લઘુમતી સમુદાયોની શૈક્ષણિક આકાંક્ષાઓ પ્રત્યે સરકારના ઉદાસીન વલણને દર્શાવે છે. તેમના મતે, આ પગલાં માત્ર શિક્ષણ સુધીની પહોંચને મર્યાદિત નથી કરતા, પરંતુ હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોની ગરિમા અને ભવિષ્યની સંભાવનાઓને પણ નબળી પાડે છે.
એસઆઈઓનું માનવું છે કે યુનિવર્સિટીઓ ન્યાય, ગરિમા અને લોકશાહી ભાગીદારીના કેન્દ્રો હોવા જોઈએ. ઇક્વિટી સંબંધિત નિયમોને નબળા પાડવા, વિદ્યાર્થી પ્રતિનિધિત્વને દબાવવું અને લઘુમતીઓ માટેની શૈક્ષણિક સહાય બંધ કરવી – આ બધું મળીને બંધારણમાં આપેલા સમાનતાના વચનને નબળું પાડે છે. સંગઠને માંગ કરી છે કે ઇક્વિટી નિયમોને તાત્કાલિક પુનઃસ્થાપિત અને મજબૂત કરવામાં આવે, રોહિત વેમુલા એક્ટ લાગુ કરવામાં આવે, તમામ યુનિવર્સિટીઓમાં છાત્રસંઘની ચૂંટણીઓ યોજાય અને શૈક્ષણિક સહાય યોજનાઓ ફરી શરૂ કરવામાં આવે, જેથી ઉચ્ચ શિક્ષણ તમામ માટે સુલભ, સમાવેશી અને ન્યાયપૂર્ણ બની રહે.
