સંવાદો દ્વારા અનેક ગંભીર મુદ્દાઓ જેવા કે મુસ્લિમ પરિવારની છોકરીના બીજા લગ્ન, હિંદુ ધર્મના છોકરા કે છોકરી સાથે પ્રેમ અને લગ્ન સહિતની ઘણી વાતો આ ફિલ્મ કરે છે, પરંતુ માત્ર સપાટી પર રહીને. તે તમામ પાત્રોના જીવનમાં ડોકિયું કરે છે અને નીકળી જાય છે. સંદેશ સારો છે કે આ બધું હોવા છતાં બધા સાથે છે અને એકબીજાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- અબ્દુલ મુકીત
શહેરોની તેજ રફ્તાર જિંદગીમાં કેટલાક ઘર એવા પણ હોય છે, જ્યાં સમય જાણે થંભી જાય છે. ‘જિયો હોટસ્ટાર’ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ શમ્સુદ્દીન ફેમિલી’ આવા જ એક ઘરના દરવાજા ખોલે છે, જ્યાં એક જ દિવસમાં જિંદગીના અનેક અધ્યાયો સામે આવી જાય છે.
આ આખી ફિલ્મ એક જ દિવસમાં, એક એપાર્ટમેન્ટની અંદર સેટ કરવામાં આવી છે. આ એક ફેમિલી ચેમ્બર-સ્ટાઈલ ડ્રામા-કોમેડી છે, જેની વાર્તાના કેન્દ્રમાં બાની (કૃતિકા કામરા) છે. તેનો પરિવાર હંગામેદાર છે પણ અંદરોઅંદર જોડાયેલો છે. આમાં મજબૂત ઈરાદાવાળી સ્ત્રીઓ છે, જે બાનીના ઘરે અનેક સમસ્યાઓ સાથે આવે છે. બાની પરિવારની ભરોસાપાત્ર મોટી દીકરી છે, જે આખા ઘરને સંભાળીને રાખે છે. પરંતુ તે પણ તે સમસ્યાઓના પુરની સામે તરવા માટે તૈયાર નથી. અમેરિકાની નોકરી માટે તૈયાર કરવામાં આવી રહેલું પ્રેઝન્ટેશન તેના ભવિષ્યની ટિકિટ છે, પરંતુ તે જ દિવસે ભૂતકાળ, સંબંધો અને પરિવાર તેના રૂમમાં દસ્તક દેવા લાગે છે. જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધે છે, બાનીનું ઘર ફક્ત ઈંટ-પથ્થરની જગ્યા નથી રહેતું, તે સમાજનો એક નાનકડો અરીસો બની જાય છે.
તલાકશુદા બહેન ઇરમ, જે મહેરના પૈસા બેંકમાં જમા કરવાની ચિંતામાં છે; કઝિન ભાઈ ઝોહેબ, જે પોતાના પ્રેમને નામ આપવાની હિંમત ભેગી કરી રહ્યો છે; હિંદુ-મુસ્લિમ સંબંધોની અસહજતા અને ઘરની વૃદ્ધ મહિલાઓ, જે ઉમરહ જવાની તૈયારીમાં છે – એટલે કે દરેક પાત્ર પોતાની વાર્તા સાથે હાજર છે.
ફિલ્મ મુસ્લિમ પરિવારની અંદર રહેલા તે મુદ્દાઓને સ્પર્શે છે, જેના પર અવારનવાર કાં તો મૌન સેવી લેવામાં આવે છે અથવા તેને એકતરફી ચર્ચામાં ફેરવી દેવામાં આવે છે. સંવાદો દ્વારા અનેક ગંભીર મુદ્દાઓ જેવા કે મુસ્લિમ પરિવારની છોકરીના બીજા લગ્ન, હિંદુ ધર્મના છોકરા કે છોકરી સાથે પ્રેમ અને લગ્ન સહિતની ઘણી વાતો ફિલ્મ કરે છે પરંતુ માત્ર સપાટી પર રહીને. તે તમામ પાત્રોના જીવનમાં ડોકિયું કરે છે અને નીકળી જાય છે. સંદેશ સારો છે કે આ બધું હોવા છતાં બધા સાથે છે અને એકબીજાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફિલ્મ ઘણું બધું કહેવા માંગે છે, પણ કહી શકતી નથી. એક સવાલ વારંવાર સામે આવે છે, જ્યારે બાની કહે છે કે, “અહીં કેવી રીતે રહીશું, હાલત જોઈ રહી છો…” અહીં તે કઈ હાલતની વાત કરી રહી છે? લેખિકા અનૂષા રિઝવી શું એ કહેવા માંગે છે કે એક વિશેષ સમુદાય માટે દેશમાં રહેવું કપરું છે? જ્યારે પ્રોફેસર પૂરબ કહે છે કે રજિસ્ટ્રાર લગ્ન કરાવવા માટે બે લાખ રૂપિયા લેશે કારણ કે છોકરો મુસ્લિમ છે, અને તેના પર ફરીદાજીનું કહેવું કે “લાંચ તો સેક્યુલર હોવી જોઈએ”, આ બધું કેટલાક પ્રશ્નો ઊભા કરીને આગળ વધે છે પણ તેના કોઈ જવાબ આપતું નથી.
અનૂષા રિઝવીની લખેલી આ વાર્તા એક જ દિવસમાં સમેટાયેલી છે. એવામાં એક ઘરની અંદર, આટલા બધા પાત્રોની અલગ-અલગ મુશ્કેલીઓ સાથે એક વાર્તાને ગૂંથવા માટે અનૂષાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. એક જ બેકગ્રાઉન્ડમાં શૂટિંગ કરવું ફિલ્મને કંટાળાજનક બનાવી શકે છે, પરંતુ આ ફિલ્મમાં એવું થતું નથી, જેનો શ્રેય દેબાશીષ રેમી દલાઈની સિનેમેટોગ્રાફીને જાય છે.
અભિનય આ વાર્તાની સૌથી મોટી તાકાત છે. કૃતિકા કામરાએ બાનીના પાત્રમાં સંયમ અને બેચેનીને સંતુલિત રીતે ભજવી છે. ફરીદા જલાલ, શીબા ચઢ્ઢા અને ડોલી આહલુવાલિયા જેવી અનુભવી કલાકારો પોતાના સંવાદોથી પેઢીઓની વિચારસરણી અને સમયનો તફાવત સુંદર રીતે ઉપસાવે છે. પૂરબ કોહલીનું પ્રોફેસર પાત્ર વાર્તામાં થોડી રાહત અને વ્યંગ લાવે છે.
‘ધ ગ્રેટ શમ્સુદ્દીન ફેમિલી’ કોઈ શોરબકોર મચાવનારી ફિલ્મ નથી. તે ધીરે ધીરે ખુલે છે, વાતચીત કરે છે અને કોઈ ચુકાદો આપ્યા વિના વિદાય લે છે. આ ફિલ્મ યાદ અપાવે છે કે પરિવાર માત્ર સંબંધોનું નામ નથી, પરંતુ મતભેદો, સમાધાનો અને સાથે રહેવાની જદ્દોજહદ પણ છે. આ એવા દર્શકો માટે બની છે, જેઓ પડદા પર સવાલો સાથે જીવતા જાણે છે, જેમને જવાબોની ઉતાવળ નથી હોતી.
કુલ મળીને, એક નાના કેનવાસ પર બનેલી ‘ધ ગ્રેટ શમ્સુદ્દીન ફેમિલી’ કદાચ સ્કેલની બાબતમાં ‘ગ્રેટ’ ન હોય, પરંતુ તેમાં ઈમાનદારી, જોડાણ અને આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તેની સાચી ઝલક છે. તે કેટલાક ભાગોમાં થોડી ગૂંચવાયેલી છે, પરંતુ અસલિયત, લાગણીઓની હૂંફ અને જિંદગીની સચ્ચાઈથી ભરેલી છે.
આ ફિલ્મ વિશે પ્રખ્યાત પત્રકાર રવીશ કુમાર લખે છે: “ધ ગ્રેટ શમ્સુદ્દીન ફેમિલીમાં મુસ્લિમ બહેનો નાયકની જેમ આવે છે અને ભીડના ડરનો સામનો કરતા મંગળ ગીતો ગાવા લાગે છે. તે ગીતના બોલને હિંદુ અને મુસ્લિમમાં વહેંચવા અશક્ય છે. દિલ્હીના એક બંધ રૂમમાં તેઓ તે ભારતને બચાવી રાખવાનો અને બચાવી રાખવાની જાહેરાત કરે છે, જે ભારતને મિટાવી દેવાનું વિજય સરઘસ રોજ નીકળતું રહે છે.”
તેઓ લખે છે કે ‘ધ ગ્રેટ શમ્સુદ્દીન ફેમિલી’માં કોઈ મુસ્લિમ પુરુષ હીરો નથી, કોઈ ઓવૈસી જેવું ધારદાર ભાષણ નથી આપી રહ્યો, ઈમરાન પ્રતાપગઢીની જેમ શેર-ઓ-શાયરી નથી સંભળાવી રહ્યો અને ન તો સમર્પિત હોવા છતાં શાહનવાઝ હુસૈનની જેમ કાર્યકર અને નેતા વચ્ચે ઝૂલતો જોવા મળી રહ્યો છે. એવો કોઈ પુરુષ નથી. મુસ્લિમ રાજનીતિના સ્પેસમાં પુરુષોની હાજરી છે, પરંતુ ‘ધ ગ્રેટ શમ્સુદ્દીન ફેમિલી’ની વાર્તામાં મુસ્લિમ મહિલાઓ રાજનીતિનો જવાબ આપે છે.
અનૂષાની આ ફિલ્મ શમ્સુદ્દીન પરિવારની મહિલાઓ તરફથી ‘અનઓફિશિયલ હિંદુ રાષ્ટ્ર યુક્ત ભારત’ને એક જવાબ છે.
આજે કેટલા દિગ્દર્શકો આવી વાર્તાને હાથ લગાડશે? ઘણીવાર લાગે છે કે ડરતા-ડરતા તેમની પાસે સેન્સરની કાતરથી બચાવતા આવી વાર્તા કહેવાની કળા પણ બચી નથી. શક્ય છે કે ‘ધ ગ્રેટ શમ્સુદ્દીન’ કરતા પણ સારી વાર્તા તેમની નજરમાંથી પસાર થઈ હોય, જેમાં કોઈ મુસ્લિમ નામવાળું પાત્ર હીરો હોય, ગૌરક્ષાના નામે ખોટા કેસમાં ફસાયેલા મુસ્લિમ યુવકની વાર્તા હોય, પરંતુ આજે કોઈ પણ આ વાર્તા પર ફિલ્મ બનાવશે નહીં.
રવીશ કુમાર આગળ લખે છે કે, “આ ફિલ્મનું રાષ્ટ્ર એક રૂમ છે. આ રૂમમાં હિંદુ રાષ્ટ્ર નથી આવ્યું પણ તેના આવવાની દહેશત આવતી-જતી રહે છે; દરવાજા પર છે, બારીઓ પર છે. જ્યારે પણ દરવાજાની ઘંટડી વાગે છે, લાગે છે કે તે ભીડ આવી ગઈ જેનો ડર પાત્રો વ્યક્ત કરતા રહ્યા છે. જે ભીડ આવવાના ડરથી ઘણો સમય પહેલા જ બાનીએ આદિત્યથી અંતર બનાવી લીધું છે. જેણે લખવા-બોલતા પહેલા હિસાબ કરવાનું શરૂ કરી દીધું છે કે જીવની સલામતી માટે કેટલું બોલવું જોઈએ.”
દરવાજા પર ભીડની પ્રતીક્ષા છે પણ ઘંટડી વાગતા જ ક્યારેક નબીલા, ક્યારેક અમિતાભ, ક્યારેક હુમયરા તો ક્યારેક પલ્લવીને લઈને ઝોહેબ આવી જાય છે. વચ્ચે-વચ્ચે મોબાઈલ પર ગુરુગ્રામની હિંસાના સમાચાર પણ એલાર્મની જેમ વાગતા રહે છે. બળી ગયેલી કારને પોતાની માની લેવી પણ હુમયરા માટે કેટલી સ્વાભાવિક લાગે છે અને એ પણ માની લેવું કે તેણે પોતાના પતિને હંમેશ માટે ગુમાવી દીધો છે.
એક મુસ્લિમ પરિવારમાં હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાનું કહેવું કે તેઓ લગ્ન કરશે – હવે આ માત્ર લગ્નનો મામલો નથી. ઝોહેબ પલ્લવી સાથે આવે છે, જેમ જેમ મહિલાઓની નજર તેના પર પડે છે, લવ જેહાદના નામે લખાયેલી ખોટી હેડલાઇન્સ, વાર્તાઓ અને ખોટા કેસો આંખો સામે નાચવા લાગે છે. ભલું થજો લાંચ લેનારા જજનું, જે લવ જેહાદના ડરને બાજુ પર મૂકીને લાંચનો દર વધારી દે છે પણ લગ્નની રજિસ્ટ્રી કરાવી દે છે. આ ફિલ્મમાં કોઈ તેને ‘લવ જેહાદ’ નથી કહેતું, કોઈ ધર્માંતરણ કાયદાનું નામ નથી લેતું, કોઈ આજીવન કેદની વાત નથી કરતું. બધા ‘ભીડ’નું નામ લે છે અને ભીડનું નામ લેવાથી જ આ બધું સંભળાવા લાગે છે.
વાર્તાની વચ્ચે-વચ્ચે પલ્લવીનો ફોન જ્યારે પણ જોરજોરથી વાગે છે – પપ્પા કોલિંગ, મમ્મી કોલિંગ, દાદી કોલિંગ – ત્યારે લાગે છે કે જાણે ભીડનો ફોન આવ્યો છે.
આ ફિલ્મ ભરોસો અપાવે છે કે નારાઓથી ડરવું અલગ વાત છે, પણ જ્યાં સુધી આ દેશમાં જજ લાંચ લેતા રહેશે, નોટબંધી પછી પણ રોકડનું ચલણ રહેશે, બેંકો ફેલ થતી રહેશે, લાંચ લઈને દીપક ભાઈ બેંકમાં કેશ જમા કરાવતા રહેશે, ત્યાં સુધી જીવવાના તમામ રસ્તાઓ બંધ નહીં થાય. બસ લાંચનો દર વધારે આપવો પડશે. લાંચ લેનારા અધિકારીઓ તેની પાસેથી જ લાંચ લે છે જે મજબૂર હોય છે. એવું નથી કે તેઓ મજબૂર હિંદુ પાસેથી લાંચ નથી લેતા, બસ એટલો જ તફાવત આવ્યો છે કે મજબૂર મુસ્લિમ પાસેથી થોડી વધારે લાંચ લેવા લાગ્યા છે.
