Thursday, November 21, 2024
Homeપયગામઇસ્લામોફોબીયાની માયાજાળ ભારતીય પરિપ્રેક્ષ્યમાં

ઇસ્લામોફોબીયાની માયાજાળ ભારતીય પરિપ્રેક્ષ્યમાં

આજે  ભારત સહીત સમગ્ર વિશ્વમાં ઇસ્લામોફોબીયોનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતમાં આ વાતાવરણ ૨૦મી સદીમાં વધુ પ્રબળ બન્યું  છે. ઇસ્લામોફોબીયા એટલે શું? ટૂંક માં સમજીએ તો ઇસ્લામ અથવા મુસ્લિમોનો તિરસ્કાર ધિક્કાર અથવા ડર. ઇસ્લામ ન તો કોઈ રાક્ષસી ધર્મ છે ન તો મુસ્લિમો પિશાચ કે દુષ્ટ માણસ. પ્રશ્ન એ ઉભો થાય છે કે પછી ઇસ્લામ અને મુસ્લિમો પ્રત્યે આ ઘૃણા કેમ જોવા મળે છે. કેમ તેમનો ભય સામાન્ય લોકો કે અન્ય ધર્મોના લોકોમાં બેસાડવામાં આવે છે. તેના ઘણા ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક  અને રાજકીય કારણો છે. જેમ ભૂતનો કાલ્પનિક ભય ફેલાવી બાળકથી કંઈક કરાવી શકાય તે જ રીતે કોઈ ધર્મ વિશે નફરત અને ભય પેદા કરી કોઈ સમુદાયને એકત્રિત કરી શકાય. અને તેનો નિર્ધારિત લાભ મેળવી શકાય.

ઈતિહાસની એક ઝલક

ભારત અને આરબ વચ્ચે ઘણી બધી સંસ્કૃતિક સામ્યતાઓ હતી જેના લીધે તેઓ એક બીજાની નજીક આવ્યા હતા. તેમની વચ્ચેના વ્યાપારિક સંબંધો ઘણા પ્રાચીન છે. તેના કારણે ઘણા બધા લોકો રોજગાર અને વેપાર માટે આરબથી આવતા હતા. ૭મી સદીના મધ્ય સુધી ઇસ્લામ સમગ્ર આરબમાં ફેલાઈ ચુક્યો હતો. તેથી આરબ વેપારીઓ વ્યાપારિક વસ્તુઓ સાથે ઇસ્લામી સભ્યતા પણ લઇને આવ્યા. તે સમય ભારત વિવિધ નાના નાના રજવાડાઓમાં વ્હેંચાયલું હતું. જોકે સહિષ્ણુતા અને સહઅસ્તીત્વ ભારતીય સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. પરંતુ મુર્તીપુજાની આડમાં અંધવિશ્વાસ, ઊંચનીચ અને અસ્પૃશ્યતા ખુબ પ્રચલિત હતી. સામાન્ય માણસ સ્થપાયેલ ધાર્મિક અને રાજકીય વ્યવસ્થાથી પીડાઈ રહ્યો હતો. તેથી ઈસ્લામમાં રહેલ એકેશ્વરવાદ, ન્યાય, બંધુતા અને સમાનતાના શિક્ષણને ભારત વાસીઓએ હાથોહાથ લીધા અને ઇસ્લામનો પ્રભાવ વધવા લાગ્યો.

ત્યારપછી મુસ્લિમ શાસકોનું આગમન થતા ઈસ્લામને નૈતિક બળ મળ્યું. અહી આ વાત યાદ રાખવી જોઈએ કે મુસ્લિમ શાસકોનું ભારત પર આક્રમણ કોઈ ઇસ્લામી યુદ્ધ ન હતું બલકે તેમની સામ્રાજ્યવાદની ભાવના હતી અને આ જ ભાવના મુસ્લિમ શાસકોના આગમન પહેલાં પોતાનો પ્રભાવ વધારવા હિંદુ રાજાઓ વચ્ચે પણ જોવા મળે છે. તેથી જ રાજાઓ પોતાના સ્વાર્થને સામે રાખી કરાર કરતા હતા. તેમાં મુસ્લિમ અને હિંદુ રાજાઓ પણ એક મંચ પર જોવા મળે છે. અને મુસ્લિમ અને મુસ્લિમ શાસકો વચ્ચે પણ યુદ્ધ ખેલાતા દેખાય છે. તેમની સેનાઓમાં પણ હિંદુ-મુસ્લિમ લોકો હતા. આ રાજાઓએ ભારત ને જ પોતાનું વતન બનાવી લીધું  અહીં રાજ કર્યું, અહીંના લોકોને આપ્યું દેશના સંસાધનો લૂટીને તેઓ બાહર નહોતા લઇ ગયા. જોકે તેમના શાસન દરમ્યાન તમામ ધર્મોને સંપૂર્ણ સ્વતંત્રતા હતી, પરંતુ ધીમે ધીમે રાજવ્યવસ્થા હિંદુ રાજાઓના હાથમાંથી નીકળવા માંડી. લાંબા સમય સુધી મુસ્લિમ વર્ચસ્વ પ્રત્યે નારાજગી પેદા થઇ. અને પુનઃ શાસન સ્થાપિત કરવાની ભાવનાએ વિશેષરૂપે હિંદુ સમુદાયને એકત્રિત કરવા માટે ધર્મ રક્ષાને આડ બનાવી. અંગ્રેજોના ભારતમાં આગમનથી તેમને અવસર મળ્યો. અંગ્રેજોએ રાજ કરવા માટે ધાર્મિક ભાવનાનો દુરપયોગ કર્યો અને હિંદુ મુસ્લિમ વિભાજનની નીતિ અપનાવી. અત્યાર સુધી જનતા વચ્ચે કોઈ કોમવાદ નહોતો. અંગ્રેજી શાસન દરમ્યાન હિંદુ અસ્મિતાની ભાવના પેદા કરવામાં આવી અને તેના માટે ઇસ્લામ અને મુસ્લિમો પ્રત્યે નફરત અને ડરનો ટુલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. બંકિમચંદ્રએ પોતાની નોવેલ ‘આનદમઠ’(૧૮૮૨)માં મુસ્લિમોનો ઉલ્લેખ મ્લેચ્છ તરીકે અને અંગ્રેજોનો મિત્ર તરીકે કર્યો છે.

બીજી બાજુ સ્વામી દયાનંદ સરસ્વતીને લાગ્યું કે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ ફેલાવવાનું કારણ હિંદુ ધર્મમાં ઘુસી આવેલી અશુદ્ધિઓ છે તેથી તેમને તેની સુધારણાનું કાર્ય શરૂ કર્યું તેના માટે એક બાજુ તેમને શુદ્ધ એકેશ્વરવાદી આર્ય સમાજની રચના કરી અને બીજી બાજુ ઇસ્લામ ધર્મ પર ટીકા ટિપ્પણી કરી લોકોમાં નફરત પેદા કરી. અંગ્રેજી શાસન દરમ્યાન જ ઇસ્લામના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.નું  ચરિત્ર હરણ કરતી પુસ્તિકા રંગીલા રસુલ નામથી લખવામાં આવી. કુઆર્નની કેટલીક આયતો અને જિહાદ વિશે ગેરસમજો અને ભ્રમણાઓ ફેલાવવામાં આવી. હિંદુઓના અધિકારો અને હિંદુ ધર્મની સલામતી માટે એક અમ્બ્રેલા સંસ્થા ‘મહાસભા’ની સ્થાપના કરવામાં આવી થોડું આગળ વધતા હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે એક સંગઠન આર. એસ.એસ.ના નામ થી સ્થાપ્યું. સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે હિંદુ-મુસ્લિમ કોમવાદી માનસિકતા પણ વેગવંતી બની આ દરમ્યાન ઇસ્લામોફોબીયા ફેલાવવામાં આવ્યું. 

સ્વતંત્ર ભારતમાં પણ “હિંદુ ખતરામાં છે”નો પ્રચાર મોટા પાયે કરવામાં આવ્યો. મુસ્લિમોને પાકિસ્તાન તરફી અને દેશદ્રોહી ચીતરી તેમના પ્રત્યે શંકા, નફરત અને હીન ભાવના પેદા કરવામાં આવી. ભારત પાક ભાગલા સમય મોટા પાયે જે ખૂનામરકી થઇ તે ઠેડકો પણ મુસ્લીમોના માથે થોપવામાં આવ્યો. પછી મુસ્લિમો દેશપર કબજો જમાવવા વસ્તી વધારા કરી રહ્યાનો ડર ફેલાવવામાં આવ્યો. તેના જ અનુસંધાનમાં ચાર પત્નિઓ અને ૨૫ બાળકોનો દુષ્પ્રચાર કરવામાં આવ્યો. એક કદમ આગળ વધી લવજિહાદનું જીન છોડી સમાજને વધુ પોલરાઈઝડ કરવામાં આવ્યો. એક પાર્ટી દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના કારણે પણ ઇસ્લ્મોફોબીક માનસિકતાએ પ્રગતિ કરી.

કાશ્મીર અને પાકિસ્તાનમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી આતંકવાદી જૂથોની ક્રિયાઓએ ભારતમાં મુસ્લિમ વિરોધી લાગણીઓને વધુ મજબુત બનાવી છે, અને તેના થકી હિન્દુ અધિકારને મજબૂત બનાવવામાં આવે છે. હિન્દુત્વના પ્રવચનમાં મુસ્લિમોને દેશદ્રોહી અને રાજ્ય દુશ્મનો તરીકે દર્શાવવામાં આવ્યા છે.તે જ રીતે ઇસ્લામ બાહ્ય ધર્મ છે તેમજ મુસ્લિમો સંપૂર્ણ ભારતીય નથી તેઓ ક્યારેય દેશના વફાદાર થઇ ન શકે, અમે જ તમારી રક્ષા કરી શકીએ, જેવા પ્રચારથી પણ તેમના સમુદાયમાં ભય ફેલાવે છે. તે જ રીતે ભારતમાં બોબ્મ વિસ્ફોટો જેવા આતંવાદી કૃત્યો થયા છે જેણે ઇસ્લામ સાથે જોડવામાં આવ્યા અને મુસ્લિમો પ્રત્યે દુષ્ભાવના પેદા કરી રાજકીય લાભો ઉઠાવવામાં આવ્યા. જોકે આ આતંકવાદી કૃત્યોમાં મુસ્લિમ યુવાનોની ધરપકડ કરવામાં આવી, જેમાં અત્યાર સુધી જે પણ ચુકાદાઓ આવ્યા છે મોટાભાગે તેમાં આ યુવાનો નિર્દોષ છુટ્યા છે. મદ્રેસાઓ અને મસ્જીદોને આતંકવાદના ગઢ તરીકે ચીતરી હિંદુ ભાઈઓને ભયભીત કરવામાં આવ્યો.

મધ્ય પૂર્વના આરબ દેશોના સંસાધનો પર કબજો જમાવવા માટે અમેરિકાએ આતંકવાદનો હાઉ ઉભો કરી તેમની તારાજી કરી અને ચતુરાઈપૂર્વક તેનો હાર પણ મુસ્લિમોના ગળામાં પહેરાવવામાં આવ્યો. આ આતંકવાદના નામે મુસ્લિમો પ્રત્યે ઘૃણાનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું. તેમજ સમગ્ર દુનિયામાં તેજીથી ફેલાતા ઇસ્લામના પ્રભાવને નાથવા માટે ઇસ્લામમાં સ્ત્રીની દયનીય છબી ઉપસાવવામાં આવી. તેની આડમાં ત્રિપલ તલાક અને પર્દાને નિશાન બનાવી ઇસ્લામ પ્રત્યે વધુ અણગમો પેદા કરવામાં આવ્યો. મોગલો પ્રત્યે સાચી-ખોટી વાતો ફેલાવી, હિન્દુઓને આ ભૂતકાળની ભૂલોનો બદલો મુસ્લિમોથી લેવો જોઈએ અને પોતાનો ગર્વ ફરીથી સ્થાપિત કરવો જોઇએ, તેમ ઠસાવ્યું. સંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે મુસ્લિમોની સંસ્કૃતિ ખતરો છે કેમકે તેઓ પોતાની ઓળખની સાથે જીવવા માંગે છે. તેથી મુસ્લિમોને સામાજિક અને આર્થિક રીતે કમજોર કરી મૂળ ભારતીય સંસ્કૃતિ હેઠળ લાવવા જોઈએ.

જવાબદાર કોણ ?

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કમિશનોના રીપોર્ટ મુજબ ઘણા હિન્દુવાદી સંગઠનો તેના માટે જવાબદાર છે. ઇસ્લામોફોબીયાનો ઉપયોગ ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે પણ કરવામાં આવ્યો છે. ૧૯૯૦ના દાયકામાં થયેલી હિંસાને કારણે શિવસેનાનો ચૂંટણીમાં વિજય થયો હતો, અને ૨૦૦૨ની હિંસા પછી ગુજરાતમાં ભાજપનું શાસન મજબુત બન્યું. કેટલાક વિદ્વાનોએ મુસ્લિમ વિરોધી હિંસાની ઘટનાઓને રાજકીય પ્રેરિત અને સંગઠિત ગણાવી છે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની આર્થિક સ્પર્ધા પણ આયોજિત રમખાણોમાં પરિણમે છે. મુસ્લિમ ઉદ્યોગોને ખાસ લક્ષ્યાંક બનાવવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં રાજનૈતિક ડેમોગ્રાફી બદલવા માટે પણ ઇસ્લામોફોબીયાનો ઉપયોગ કરાયો છે.

ઇસ્લામોફોબીક માનસિકતા રમખાણોનું મૂળ છે

દેશની સ્વતંત્રતા પછી રમખાણોની એક મોટી શ્રુંખલા છે જેમાં સતત વધારો થઇ રહ્યો છે. ૧૯૬૯, ૧૯૮૫ અને ૨૦૦૨ ના ગુજરાત રમખાણો, ૧૯૮૦ મુરાદાબાદ તોફાનો, ૧૯૮૨ અને ૧૯૮૭માં મેરઠના રમખાણ, ૧૯૮૩ આસામનો નેલી  હત્યાકાંડ, ૧૯૮૪માં ભીવંડી, ૧૯૮૭ હાશીમપુરા હત્યાકાંડ, ૧૯૮૯માં ભાગલપુર અને મુરાદાબાદ, ૧૯૯૨ બોમ્બે તોફાનો,  ૨૦૧૩ મુઝફ્‌ફરનગર, ૨૦૧૪ આસામ હિંસા વગેરે મુખ્ય છે તેના સિવાય નાની મોટી મોબ લીન્ચિંગ, હત્યા અને હિંસાની હજારો ઘટનાઓ છે જેના મૂળમાં ઇસ્લામોફોબીયા છે.   

ઇસ્લામોફોબીયા ફેલાવવાના સાધનો

હિન્દુવાદી સંગઠનોની તેમાં પ્રખર ભૂમિકા રહી છે. તેના માટે તેઓએ તમામ આધુનિક સંસાધનાનો ઉપયોગ કર્યો છે. તેમના સામયિક અને સમાચાર પત્રો,સુર્દ્રશ્ન ચેનલ સતત મુસ્લિમ અને ઇસ્લામ વિશે દુષ્પ્રચાર કરતા રહ્યા છે. કાલ સુધી તેમની વાતોને નજર અંદાજ કરવામાં આવતી હતી પરંતુ આજે સમગ્ર મીડિયા તેમની જ ભાષા બોલી રહ્યું છે. આ સંગઠનો એ ઇસ્લામ અને મુસ્લિમો વિશે નેરેટીવ સેટ કરવા થીંક ટેંક પણ બનાવી છે. વિધામંદિરથી લઇ ને વિશ્વવિદ્યાલય સુધી અને મોહલ્લાઓ માં શાખાઓ સ્થાપી, યુવાનોને ગમતી પ્રવૃતિઓ યોજીને બ્રેઇનવોશિંગનું કાર્ય કરવામાં આવે છે. હજારો પ્રચારકો ઇસ્લામોફોબીક માનસિકતા ફેલાવવા રાત-દિવસ કામે લાગેલા છે. વિવિધ સભાઓ અને પરિસંવાદોમાં ઈતિહાસનું સંપ્રદાયીકરણ કરી , ખોટા આંકડાઓ મૂકી, કુઆર્નની શિક્ષણને સંદર્ભથી વિપરીત રજુ કરી, ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. પત્રકારત્વ અને સિવિલ સર્વિસના ક્ષેત્રમાં મુસ્લિમ વિરોધી માનસિકતાના કારણે પણ ઇસ્લામોફોબીયા ફેલાયો. સોશ્યલ  મીડિયાનો ભરપુર ઉપયોગ કરાયો છે.

ઇસ્લામોફોબીયાની દેશ પર અસર

ઇસ્લામોફોબીયાના કારણે મુસ્લિમો પર જે હુમલાઓ કરવામાં આવ્યા છે અથવા જે રમખાણો થયા છે તેના કારણે કોઈ એક જ સમુદાય પ્રભાવિત નથી થયો પરંતુ તેની અસરો સમગ્ર દેશ પર પડી છે. માત્ર દેશની છબી જ ખંડિત નથી થઇ પરંતુ તેનો વિકાસ પણ રૂંધાયો છે. દેખીતી રીતે હિંસા અને આગજનીના કારણે દેશમાં સૌથી વધુ નુકસાન મધ્યમવર્ગનું થાય છે પરંતુ વાસ્તવિક રીતે જાન-માલનું જે નુકસાન થાય છે તે છેલ્લે દેશની સંપત્તિ છે. તેના કારણે મોટા પાયે ધ્રુવીકરણ થાય છે અને દેશમાં દ્વેષ તથા  તિરસ્કારની ભાવના વધુ મજબુત બને છે. ઇસ્લામોફોબીયાના કારણે સામાજિક અખંડતા પણ છિન્નભિન્ન થઇ ગઈ છે. જમાઅતે ઇસ્લામી હિંદ જેવા સંગઠનો હંમેશા આ કોમવાદી ઘર્ષણની વિરુદ્ધ બોલ્યા છે, કારણ કે આ રમખાણો ભારતની પ્રગતિને નુકસાનકારક છે અને દેશને અંદર થી કમજોર કરનારા છે. ધિક્કાર અને તિરસ્કારની ભાવના એટલી પ્રબળ બનતી જઈ રહી છે કે હવે લોકો કાનુન વ્યવસ્થાને પણ પોતાના હાથમાં લેતા અચકાતા નથી.

મુસ્લિમોની નિર્બળતા

ઇસ્લામ અને મુસ્લિમો પ્રત્યે ફેલાવવામાં આવતો દુષપ્રચાર મુસલમાન  પોતાના વાણી વિચારથી, વિવિધ સ્તરો પર સંવાદ થકી વાદવિવાદથી, દેશબંધુઓ સાથે પ્રેમ પૂર્વક વ્યવહારથી, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી બોદ્ધિક સ્તરે અને ઇસ્લામના સાચા સંદેશથી લોકોને અવગત કરી રોકી શકતા હતા. પરંતુ કેટલાક સામાજિક અને રાજનૈતિક કારણોસર તેઓ આ કાર્ય ન કરી શક્યા. દુર્ભાગ્યવશ આ સમય દરમ્યાન જે નેતાગીરી ઉભી થઇ તેમાં પણ લતીફ, દાઉદ, હાજી મસ્તાન વગેરે ગુંડા જેવા લોકો ફલક પર આવ્યા. જેઓ પોતે કોઈ ઇસ્લામિક ચરિત્ર ન હોતા ધરાવતા, તેથી છબી સુધરવાને બદલે વધુ ખરડાઈ.

આપણી જવાબદારી

ઇસ્લામોફોબીયાની માનસિકતાને દૂર કરવા માટે સરકારી સ્તરથી કોઈ પ્રયત્ન તો ન થઇ શકે પરંતુ જો કમ્યુનલ વાયોલન્સ બીલ બનાવી દેવામાં આવે તો કદાચ વાસ્તવિકતા સામે આવી સકે. આ કામ મુસલમાનોએે જ કરવું પડશે . તેના માટે મોટા પાયે દેશબંધુઓ સાથે સંબંધ વિકસાવવા પડશે. તેમના માનસમાં રહેલી ગેરસમજો દૂર કરી ઇસ્લામની સાચી છબી મુકવી પડશે. દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં પુરેપુરી ભાગીદારી લેવી પડશે. બુરાઈનો બદલો ભલાઈથી આપવા પડશે. નીચેના સ્તર સુધી એવા મંચો ઉભા કરવા પડશે જેના લીધે બે સમુદાયો વચ્ચે પડેલ ખાઈને પૂરી શકાય. દેશબંધુઓમાં એવા ઘણા સજ્જનો છે જેઓ આ માહોલને બદલવામાં મદદ કરી શકે. યાદ રાખો આ દેશ આપણી સહિયારી સંપત્તિ છે. જો આપણે હળીમળીને દેશના વિકાસ માટે કામ કરીશું તો ચોક્કસ દેશ તરક્કી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments