Thursday, October 31, 2024
Homeઓપન સ્પેસ૨૧મી સદીમાં ઇસ્લામોફોબિયાનું ઉદ્‌ભવબિંદુ

૨૧મી સદીમાં ઇસ્લામોફોબિયાનું ઉદ્‌ભવબિંદુ

૨૦મી સદીના ઉત્તરાર્ધના અંતમાં ઇસ્લામ અને મુસલમાનોથી સંબંધિત ઘટનાઓમાં ઈરાનની ઇસ્લામી ક્રાંતિ, સલમાન રુશ્દી અને તસ્લીમા નસરીને કરેલ ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણીઓ, ખાડી યુદ્ધ વગેરે અને તે પછી ૨૧મી સદીના આરંભમાં ૯/૧૧નો WTC પર હુમલો, પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ.ની અવમાનના કરતાં ઘૃણાસ્પદ કાર્ટુનો, ઇસ્લામ વિરુદ્ધ વીડિયો અને ફિલ્મો, કુઆર્નને બાળવાની ઘટનાઓ મુખ્ય છે. એ જ અરસામાં મુસલમાનોના ઇસ્લામ વિશેના વલણમાં ફેરફારને લઈને ધીમે-ધીમે ‘ઇસ્લામ એક વૈકલ્પિક જીવન-વ્યવસ્થા’નો ખ્યાલ પણ પ્રચલિત બનવા લાગ્યો. આને લઈને પશ્ચિમે ઇસ્લામ અને મુસલમાનોને બદનામ કરવા જાત-જાતની ભ્રમણાઓ ફેલાવવાનું શરૂ કર્યું. તે માટે પુસ્તકો, લેખો, વીડિયો, ફિલ્મો, ટીવી સીરિયલો વગેરેની ભરમાર કરી દેવામાં આવી. પણ માત્ર ભ્રમણાઓના પ્રસારથી કામ ચાલે એમ નહોતું. આ જૂઠને સાચું પુરવાર કરીને લોકોને ઇસ્લામ અને મુસલમાનોથી ભયભીત કરવું પણ જરૂરી હતું. WTC પર હુમલો તેમજ યુરોપ, અમેરિકા, ભારત સહિત અન્ય દેશોમાં એક પછી એક આતંકવાદી ઘટનાઓનું અનુસંધાન આ જ હતું. આના પછી સરકારો, પોલીસ અને સંચાર-માધ્યમોએ ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ આગ ઓકવાનું શરૂ કરી દીધું. ઇરાદાપૂર્વક Islamic Terrorism, Radical Islam, Political Islam, Islamofacism વગેરે પરિભાષાઓને વહેતી કરીને ‘ઇસ્લામનો સ્વભાવ હિંસા છે’, ‘કુર્આનનું શિક્ષણ મુસલમાનોને ધર્માંધ, અસહિષ્ણુ અને હિંસાવાદી બનાવે છે’, ‘ઇસ્લામનો ફેલાવો તલવારથી થયો છે’, ‘એક હાથમાં કુઆર્ન-એક હાથમાં તલવાર’ જેવા જૂઠાણાઓને સતત ફેલાવવામાં આવ્યા. પશ્ચિમમાં અને તેના દેખાદેખી ભારતના કોમવાદી-ફાસીવાદી ત¥વોએ ભ્રષ્ટ માધ્યમોના ઉપયોગ દ્વારા ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ ભ્રમણાઓની જાળ બિછાવી દીધી. લોકો માની પણ ગયા. આનાથી લોકોમાં ઇસ્લામ અને મુસલમાનો વિશે એક અવાસ્તવિક ભય પેદા થઈ ગયો. આ જ ઘૃણા, નફરત, ભેદભાવ, પૂર્વગ્રહ અને અતાર્કિક-અવાસ્તવિક ભયને ‘Islamophobia’ કહે છે. સામાન્ય અને પ્રચલિત બની ગયેલ આવું લોક-માનસ સંકેત કરે છે કે જ્યાં અવલોકન અને સમીક્ષા દ્વારા વાતના સત્ય-તથ્ય સુધી પહોંચવાના વ્યવહારનો અભાવ હોય ત્યાં પુરાવાઓ વગરની અટકળો અને નિરાધાર વાતોને માની લેવાની લોકોને આદત પડી જાય છે. જ્યાં જ્ઞાન અને માહિતીમાં દોષ હોય ત્યાં ભાવનાઓ ઉદ્વિગ્ન થાય છે, અને તેનાથી લોકો અને સમુદાયો દરમ્યાન ઔપચારિક-અનૌપચારિક સંબંધો પ્રભાવિત થાય છે. તેમના વચ્ચેનું અંતર વધે છે. અમેરિકી ચિંતક એડવર્ડ સઈદ લખે છે “In the demonetization of an unknown enemy, for whom the label ‘terrorist’ serves the general purpose of keeping people stirred up and angry, media images command too much attention and can be exploited at times of crisis and insecurity of the kind that the post-9/11 period has produced….” (Orientalism, Said, ઈ, ૨૦૦૩, P.XX, from Preface)

ઇસ્લામોફોબિયા શું છે ?

ગ્રીક શબ્દ ‘Phobia’નો અર્થ અવાસ્તવિક ભય કે આશંકા છે. એ રીતે ઇસ્લામથી કે મુસ્લિમોથી અવાસ્તવિક ભયને ‘ઇસ્લામોફોબિયા’ કહે છે.  સૌ પ્રથમ ‘ઇસ્લામોફોબિયા’ની વ્યાખ્યા ૧૯૯૭માં British Runnymede Trust એ આપી હતી, ‘‘Dread or hatred of Islam and therefore, (the) fear and dislike of all Muslims.’’

આ આખી પ્રક્રિયામાં સૌ પ્રથમ ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે, પછી એ જૂઠને વિશ્વસનીય બનાવવા માટે લોકોમાં ભય અને આશંકા જન્માવતી ઘટનાઓ, જેવી કે જાહેર સ્થળોએ હુમલાઓ, આતંકવાદી ઘટનાઓ, જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડતા બનાવો વગેરેને મૂર્તરૂપ આપવામાં આવે છે, અને તે બધું મુસલમાનોના નામે ચઢાવી દેવામાં આવે છે, તેના માટે ઇસ્લામના શિક્ષણને કારણભૂત બતાવવામાં આવે છે, જેથી લોકોના મનો-મસ્તિષ્કમાં ઇસ્લામ અને મુસલમાનો પ્રત્યે ઘૃણા અને અવાસ્તવિક ભય ઘર કરી જાય. ઇસ્લામ અને મુસલમાનોથી લોકોને ભયભીત કરવા આ યુક્તિનો વિશ્વભરમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, અને હવે તે Main Stream બની ગઈ છે. આના માટે ઘણા જૂથો કામ કરી રહ્યા છે, કેટલીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, ટાક-શા અને ટીવી-શા કરવામાં આવે છે, ફિલ્મો અને ટીવી સીરિયલો તૈયાર કરવામાં આવે છે, પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે તેમજ સમાચાર-પત્રો અને સામાયિકોમાં લેખો લખવામાં આવે છે. આ સંદર્ભમાં ૨૦૦૧માં ‘Stockholm International Forum of Combating Intolerance’ વિશે આયોજિત એક કોન્ફરન્સમાં ‘Xenophobia’ (વિદેશીઓ પ્રત્યે તીવ્ર અણગમો) અને ‘Antisemitism’ (યહૂદી-વિરોધવાદ)ની સાથે Islamophobiaને પણ એક વૈશ્વિક સમસ્યાના રૂપમાં મહ¥વ આપીને તેના સામે લડવાની ઘોષણા કરવામાં આવી. ૨૦૦૪માં કાફી અન્નાને કહ્યું કે ‘‘When the world is compelled to coin a new term to take account of increasingly widespread bigotry, that is a sad and troubling development. Such is the case with Islamophobia.’’

ઇસ્લામોફોબિયાના પ્રવર્તકો અને પ્રોત્સાહકો દુનિયાભરમાં સક્રિય છે. તેમાં સેક્યુલર રૂઢિવાદીઓ, યહૂદી રૂઢિવાદીઓ, ખ્રિસ્તી રૂઢિવાદીઓ અને હિંદુ રૂઢિવાદીઓના જૂથો મુખ્ય છે. આ દરેક જૂથના પોત-પોતાના એજન્ડા છે, જે અનુસાર તેઓે કામ કરી રહ્યા છે. વધુમાં, ઇસ્લામોફોબિયાના ફેલાવામાં એવા મુસલમાનો પણ જાણે-અજાણે સહાયક બને છે, જેઓ ઇસ્લામના શિક્ષણ વિરુદ્ધ, ઇસ્લામના નામે આચરણ કરી રહ્યા છે. તેમના આવા વર્તનથી ઇસ્લામ અને મુસ્લિમો વિશે ગેરસમજો અને ઘૃણામાં વધારો થાય છે.

ઇસ્લામ અને મુસલમાનો વિશે શું કહેવામાં આવી રહ્યું છે ?


માધ્યમોમાં જે જૂઠી વાતો ફેલાવવામાં આવી રહી છે તે મહદ્‌અંશે નીચે મુજબ હોય છેઃ
• મુસલમાનો આતંકવાદીઓ છે, મિલિટન્ટ અને જન્મજાત હિંસક છે. લોકોને રંજાડવું, હાનિ પહોંચાડવું તેમનું રોજનું કામ છે.

• મુસલમાનો સંવાદને પસંદ કરતા નથી. તેઓ પરધર્મીઓ વિશે અશિષ્ટ ભાષા બોલે છે, તેમને ધુત્કારે છે, મિત્ર રાખતા નથી, બીજા ધર્મોને પસંદ કરતા નથી, તેઓ અસામાજિક અને અસહિષ્ણુ હોય છે.

• મુસલમાનો ચોખ્ખા શબ્દોમાં આતંકવાદનો વિરોધ કરતા નથી. તેમની મસ્જિદો આતંકવાદીઓના અડ્ડાઓ છે અને મદ્રસાઓ આતંકવાદનું શિક્ષણ આપે છે.

• મુસ્લિમો પોતાના દેશને વફાદાર નથી હોતા.એક સારો મુસ્લિમ કદાપિ સારો ‘નાગરિક’ નથી હોઈ શકતો.

• ઇસ્લામ જૂનવાણી છે. ઇસ્લામ પોતે જ એક સમસ્યા છે. તેના કારણે જ મુસ્લિમો પછાત છે.

• મુસ્લિમોએ ક્યારેય પોતાના દેશને પોતાનું યોગદાન આપ્યું નથી.

• ઇસ્લામ એક મોટો ખતરો છે, Crescent Menace Au, Green Peril છે. તે તલવારથી ફેલાયો છે.

• દેશને મુસલમાનો કબજે કરવા માગે છે, અહીં શરીઅતના કાળા કાયદાઓને લાગુ કરવા માગે છે.

• મુસ્લિમોના ત્યાં બાળકોની સંખ્યા વધારે હોય છે અને થોડા વર્ષોમાં તેમની બહુમતી થઈ જશે, જે દેશ માટે મોટો ખતરો છે.

• મુસ્લિમો બંધારણ અને કાયદાનો આદર કરતા નથી. તેમને મન ધાર્મિક-સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદીનું કોઈ મહત્ત્વ નથી.

• કુર્આન એક હિંસાવાદી ધર્મ-પુસ્તક છે. ઇસ્લામ જડ છે, એટલે મુસલમાનો પણ જડ છે.

• મુસ્લિમો ફાસીવાદી અને નાઝીવાદી જેવા છે.

ઇસ્લામોફોબિયાના પ્રવર્તકો

SIOA (Stop Islamization of America) અને SION (Stop Islamization of Nations) સંસ્થાઓએ યુરોપ-અમેરિકામાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે, જેનાથી લોકોમાં ઇસ્લામ અને મુÂસ્લમો પ્રત્યે નફરતમાં વધારો થાય. AFDI અને SIOA સંસ્થાઓ દ્વારા આખા દેશમાં એન્ટી-ઇસ્લામિક એડવર્ટાઇઝમેન્ટ અભિયાન ચલાવવામાં આવ્યું. ઇસ્લામોફોબિયાના કટ્ટર સમર્થક અને પ્રવર્તક Danial Pipes એ તો એટલે સુધી કહી નાખ્યું કે – ‘‘So, this is my plea to all Western Editors and Producers : Display the Muhammad Cartoon daily, until the Islamists become accustomed to the fact that we turn sacred cows into hamburger.’’ સામયિકોના ફ્રન્ટ-પેજ ઉપર ‘Is It Time for Make Your Own Mohammad Movie Month?’, ‘Draw Mohammad Day’ વગેરે લખીને લોકોની મુસ્લિમ-વિરોધી ભાવનાઓને ભડકાવવામાં આવી. Franklin Graham, Joshan Katz, Richard Parley, Dick Cheney, Bernard Lewis, Samuel Huntington, Henry Kisinger, Robert Spencer, Daniel Pipes, Pat Robertson, Bill O’reilly, Mark Steyn, Steve Emerson, Pamella Geller વગેરે અનેક નામો છે, અને SION, SIOA, AFDI, CFR, FPRI, John M. Olin Institute for Strategic Studies, The Rand Corporation, CSIS, Cato Institute, WINEP, JINSA, American Enterprise Institute, AIPAC, તેમજ ભારતમાં આર.એસ.એસ. અને તેની સેંકડો ભગીની સંસ્થાઓ, અને ઉદ્દામવાદી-સાંપ્રદાયિક માનસિકતા ધરાવતા લોકો છે, જેમણે ઇસ્લામ અને મુસલમાનો વિશે લોકોમાં જૂઠનો લગાતાર પ્રચાર કર્યો, ગેરસમજોને હવા આપી, કુઆર્નની આયતો અને વિવિધ ઇસ્લામી પરિભાષાઓ જેવી કે જિહાદ, શરીઅત, તકવા વગેરેનું ખોટું અર્થઘટન કરીને લોકોમાં ફેલાવી. આ ઉપરાંત પણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ મલ્ટી-બીલિયન ડાલર ફાઉન્ડેશનો છે, જે અઢળક નાણા આ હેતુ પાછળ ખર્ચી રહ્યા છે, જેમ કે – ગ્રીન્સબારો,Smith Richardson Foundation, INC; John M.

Olin Foundation, Sarah Scaife Foundation, Scaife Family Foundation, Allegheny Foundation અને Carthage Foundation, Lynde and Harry Bradley Foundation વગેરે.

૧૫ ઓગસ્ટ ૨૦૦૯ના દિવસે બ્રિટિશ દૈનિક સમાચારપત્ર ‘The Guardian’માં ‘A Culture of Fear’ના શીર્ષકથી જાણીતા લેખક અને રાજકીય વિશ્લેષક પંકજ મિશ્રાનો એક લેખ આ વિશે છપાયો હતો, જેમાં તેમણે એ પુસ્તકોની સમીક્ષા કરી છે, જે યુરોપને ‘યુરબીયા’ બનાવવાના કાલ્પનિક ષડ્‌યંત્ર વિશે લખવામાં આવેલ છે. આ પુસ્તકોમાં ઉલ્લેખ છે કે ઇસ્લામ ખૂબ જલ્દી યુરોપના શહેરો અને મહોલ્લાઓ પર હરતો-ફરતો દેખાશે, યુરોપમાં આબાદ ૫૩% મુસલમાનો એક ટાઇમબોંબની જેમ છે જે ખૂબ જલ્દી ફાટશે, જો યુરોપને ‘યુરબીયા’ બનવાથી રોકવું હોય તો તેને નકામો બનાવવો પડશે. તેમનું કહેવું છે કે આ માટે જરૂરી છે કે મુસલમાનોને યુરોપથી તગેડી મૂકવામાં આવે. કેનાડાના માર્ક સ્ટેન પોતાના પુસ્તક ‘America Alone : The End of the World as We Know’માં લખે છે કે –‘‘લોકશાહીના આ યુગમાં તમે આબાદીના અસંતુલનની અવગણના કરી શકતા નથી અને તેના સંતુલનને કાયમ રાખવા માટે સિવિલ-વાર જરૂરી છે. સર્બિયનોએ તેનું વ્યવહારૂ ઉદાહરણ પ્રસ્તુત કર્યું, (અર્થાત્‌ બોસનિયાના મુસલમાનોની છૂટા હાથે કત્લેઆમ કરી.) બીજા ખંડોમાં પણ તેમના પદ-ચિહ્નો ઉપર ચાલવું પડશે. જો તમે દુશ્મનની નસલોને હદથી વધારે આગળ વધતી જુઓ તો તેનો એક જ ઉપાય છે કે તેનો નાશ કરી નાખો.’’ આવા અનેક પુસ્તકો ભારતમાં પણ છપાયા છે, અને આ જ પ્રકારની મનસિકતાને અહીં પણ પ્રસારિત કરવામાં આવી રહી છે.

ઇસ્લામોફોબિયાના કેટલાક મુખ્ય ઘટનાક્રમો

યુરોપ, અમેરિકા અને ભારત સહિત એશિયાના અન્ય દેશોમાં ઇસ્લામોફોબિયાના કારણે મુસ્લિમોને હેરાન-પરેશાન કરવાની, તેમના સાથે ભેદભાવ કરવાની, તેમના માનવ-અધિકારોનું હનન કરવાની, તેમના જાન-માલને નુકસાન પહોંચાડવાની જાણે એક ઘરેડ ચાલી નીકળી છે. આના ઘણાં ઉદાહરણો આપી શકાય છે. ૨૦૦૫માં ફ્રાન્સમાં મુસ્લિમો વિરુદ્ધ રમખાણો, ડેન્માર્કમાં સૌ પ્રથમ પયગંબર સાહેબના કાર્ટૂનો પ્રસિદ્ધ કર્યા પછી ૨૦૦૬માં યુરોપના મેઇન-સ્ટ્રીમ મીડિયામાં તેની પુનઃપ્રસિદ્ધિ, ૨૦૧૧માં ફ્લોરિડાના ઉદ્દામવાદી પાદરી દ્વારા કુઆર્ન બાળીને પયગંબર મુહમ્મદ સાહેબ સલ્લ. પર કેસ ચલાવવાનું નાટક, ૨૦૧૨માં એન્ટી-ઇસ્લામિક વીડિયો u ‘Innocence of Muslims’ (The real life of Muhammad)નું અંગ્રેજી અને અરબી ભાષામાં બબ્બે વખત YouTube પર પ્રસારણ, જર્મનીના મેગેઝિન ‘Titanic’એ પયગંબર સાહેબ સલ્લ. વિશે બિભત્સ ભાષામાં વ્યંગાત્મક લેખ, ફ્રાન્સના મેગેઝિન Charlie Hebdo દ્વારા પયગંબર સાહેબ સલ્લ.ની હાંસી ઉડાવતી કોમિક-બુક આત્મકથાની પ્રસિદ્ધિ, ‘Newsweek’ દ્વારા ‘Muslim Rage’ના શીર્ષકથી એન્ટી-ઇસ્લામિક કવર સ્ટોરી વગેરે ઘટનાઓએ દુનિયામાં હલચલ મચાવી દીધી. ૨૦૧૪માં Charlie Hebdo એ ફરી પયગંબર સાહેબ સલ્લ.ના અપમાનજનક કાર્ટૂનો છાપ્યા, તેની પ્રતિક્રિયામાં તેના કાર્યાલય પર આતંકવાદી હુમલો થયો, જેમાં એડિટર સહિત મોટાભાગના કાર્ટૂનિસ્ટો અને સ્ટાફના લોકો માર્યા ગયા. જો કે પછી એવા અહેવાલો પ્રસિદ્ધ થયા કે આ ઘટના પશ્ચિમી ઇન્ટેલિજન્સ એજન્સીઓના સહયોગથી આચરવામાં આવી હતી. ૨૦૦૫ લંડનમાં થયેલ બોંબ ધડાકાના પ્રત્યાઘાત રૂપે આખા બ્રિટનમાં મુસલમાનોને મારવા-લૂંટવા અને મારી નાખવાની ઘટનાઓમાં આશરે ૬૦૦% વધારો થયો હતો. સ્કાર્ફ પહેરેલ મહિલાઓની હત્યા કરી નાખવાની સેંકડો ઘટનાઓ યુરોપના દેશમાં બની છે. યુરોપના દેશોમાં બુરખા અને નકાબને Cultural Distinction અને ‘સિક્યુરિટી’નો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. દાઢીધારી મુસલમાનોને ફ્લાઈટોમાંથી ઉતારી નાખવાની અને ઇમિગ્રેશનમાં તેમને શંકાસ્પદ ગણીને ઝીણવટભરી તપાસ કરવાના અનેક બનાવો બન્યા છે. હવે તો રાજકારણીઓએ પણ એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે ભૂલથી પણ મુસ્લિમોની ‘ફેવર’ ન થઈ જાય. ફ્રાન્સમાં ૨૦૦૯ની પ્રમુખની ચૂંટણી પણ આ મુદ્દાથી પ્રભાવિત હતી. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ સરકોઝીએ એમ કહીને મુસ્લિમોના બંધારણીય અધિકાર અને વ્યક્તિ-સ્વાતંત્ર્યની ચર્ચાને છેડી હતી કે ‘Full-face covering veils are not welcome in France.’ યુ.કે.ના મંત્રી પીટર હૅન્સને કહેવું પડે છે કે – ‘Britain’s Muslim community is Isolationalist’ અને ઇટાલીના વડાપ્રધાને જાહેરમાં એવું નિવેદન કરવું પડે છે કે – ‘Western Civilization is superior to Islam.’ ભારતમાં દશકાઓની મહેનત પછી અહીંના કોમવાદી-ફાસીવાદીઓએ ‘ઇસ્લામ અને મુસલમાનો હિંદુઓ માટે અને દેશ માટે ખતરો છે’નો જૂઠો પ્રચાર કરીને તેમને રાજકીય, વહીવટી અને સામાજિક રીતે જાહેર જીવનમાંથી લગભગ અપ્રસ્તુત બનાવી દીધા છે. ૨૦૦૯માં બ્રિટન સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રી Jim Fitzpatrick મુસ્લિમ કાઉન્સિલ આૅફ બ્રિટનના સ્થાપક સભ્ય Sir Iqbal Sacranie દ્વારા યોજવામાં આવેલ લગ્ન-સમારોહમાંથી કેવળ એટલા માટે ઊઠીને જતા રહ્યા કે તેમની પત્નીને મહિલાઓ માટે બનાવવામાં આવેલ અલગ શામિયાણામાં જવાની વિનંતી કરવામાં આવી. એ જ રીતે ઇસ્લામી સ્કાલર ડા. તારિક રમઝાનને નેધરલેન્ડની Rotterdam મ્યુનિસિપાલિટીના ‘ઇન્ટીગ્રેશન કન્સલ્ટન્ટ’ પદેથી અને નેધરલેન્ડ યુનિવર્સિટીમાંથી એમ એક-પછી-એક બે નોકરીઓમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવ્યા કે તેમણે એક ઈરાની ટેલિવિઝન ચૅનલ શામાં ભાગ લીધો હતો. નવેમ્બર ૨૦૦૯માં સ્વીટ્‌ઝરલેન્ડની પાર્લામેન્ટના સૌથી મોટા પક્ષ Swiss People’s Pary એ માગણી કરી કે સ્વીટ્‌ઝરલેન્ડની તમામ મસ્જિદો પરથી મીનારાઓ હટાવી દેવામાં આવે. તેના માટે કરવામાં આવેલ રેફરન્ડમમાં ૫૭% લોકોએ અને ૨૬માંથી ૨૨ પ્રોવિન્સે આની તરફેણમાં મત આપ્યો. આ પાર્ટીના જનરલ સેક્રેટરીએ BBCના સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું કે – ‘This was a vote against minarates as symbols of Islamic power.’ સરકારે પણ તેમાં સૂર પુરાવ્યો. અત્રે એ નોંધપાત્ર છે કે આખા સ્વીટ્‌ઝરલેન્ડમાં કુલ ચાર મીનારાઓ છે.

ઇસ્લામોફોબિયાના પ્રસારમાં સંચાર-માધ્યમની ભૂમિકા

ઇસ્લામોફોબિયા અંગે દુનિયાભરના સર્વેક્ષણના પરિણામો દર્શાવે છે કે માધ્યમો ઇસ્લામ અને મુસલમાનો વિશે ભ્રમણાઓ ફેલાવીને પ્રજાની અનભિજ્ઞતાનો ગેરલાભ ઉઠાવે છે. આ બધા સર્વેક્ષણો અનુસાર ૬૪% લોકો ઇસ્લામ વિશે કશું જાણતા નથી, અને તેમનું કહેવું છે કે આ અંગે તેઓ જે કંઈ જાણે છે તે માધ્યમોની જ કૃપા છે. ૮૪% માસ મીડિયા મુસલમાનોને જ ‘Likely cause to damage’ કે ‘Danger’ કે ‘Operating in a time of intense difficulty or danger’ તરીકે દર્શાવે છે; જેનાથી બિનમુસ્લિમોમાં સંદેહો અને ચિંતા અને ગભરાટની સ્થિતિ ઊભી થાય છે તથા મુસલમાનોમાં અસુરક્ષાની ભાવના જોર પકડે છે. અમેરિકાની ૯/૧૧ની ઘટના પછી જૂન મહિનાના એક અઠવાડિયાના ન્યૂઝ પેપર્સનું એક સર્વેક્ષણ દર્શાવે છે કે ૧૯ મુખ્ય સમાચારપત્રોમાંથી ૧૨ માં ઇસ્લામ અને મુસલમાનો વિશે નકારાત્મક લેખો લખવામાં આવ્યા હતા. તે ન્યૂઝ પેપરોના ૫૦% કવરેજમાં ઇસ્લામ અને મુસલમાનોને દેશ માટે જોખમરૂપ દર્શાવ્યા હતા. મોટાભાગના સમાચારપત્રોના કવરેજ મુસલમાનોને Redical, Fanatical, Fundamentalist, Extremist અને Militant દર્શાવે છે.

ભારતમાં ઇસ્લામોફોબિયા

જે રીતે યુરોપ અને અમેરિકામાં દિન-પ્રતિદિન ઇસ્લામોફોબિયામાં વધારો થઈ રહ્યો છે, એવી જ પરિસ્થિતિ ભારતમાં પણ છે. આર્ય-સમાજ અને હિંદુ મહાસભાના શુદ્ધિ આંદોલન અને રાષ્ટ્રીય સ્વયં-સેવક સંઘની સ્થાપના એ આઝાદી પહેલાંની ઘટનાઓ છે, જેનો હેતુ જ ઇસ્લામ અને મુસલમાનોને બદનામ કરીને પોતાના રાજકીય એજન્ડાની પૂર્તિનો હતો. ત્યારથી લઈને આજ પર્યંત આ સ્થિતિ વધુ ને વધુ સંગીન થતી જઈ રહી છે અને ઇસ્લામ વિશે ગેરસમજો અને પૂર્વગ્રહોને લઈને મુ્સ્લિમો પ્રત્યે ઘૃણાની લાગણી પ્રસરતી જઈ રહી છે. હિંદુત્વવાદી સંગઠનો ‘ઘર-વાપસી’ અને અન્ય જુદા-જુદા નામો આપીને વાતાવરણને વધારે સ્ફોટક બનાવી રહ્યા છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી વ્યક્તિગતરૂપે અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગુજરાત હિંસા (૨૦૦૨)ના કારણોની જ્યારે તપાસ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે મોટાભાગના બિનમુસ્લિમો એવું કહેતા હતા કે હિંસાની શરૂઆત ગોધરામાં ‘પેલા લોકોએ’ (અર્થાત્‌ મુસલમાનોએ) ટ્રેન સળગાવીને કરી હતી. આ દલીલ ખરેખર વિચિત્ર હતી. આખા એપિસોડને જોવામાં આવે તો વાસ્તવમાં જાન-માલનું નુકસાન તો મુસલમાનોનું થયું હતું. પણ આમાં ‘નેરેટિવ’નો કમાલ હતો. આમાં કારણ જ એ બતાવવામાં આવતું હતું કે આગ તો પહેલાં મુસલમાનોએ લગાવી હતી. જ્યારે કે એ તો તપાસનો વિષય હતો, અને અઢાર-અઢાર વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી તે નક્કી થઈ શક્યું નથી કે આ કૃત્ય કોણે આચર્યું ? આ વસ્તુ જ એ સૂચવે છે કે આમાં અગાઉથી મુસલમાનો અને ઇસ્લામ પ્રત્યે ઘૃણા, નફરત તેમજ પૂર્વગ્રહોની ભૂમિકા તૈયાર કરી લેવામાં આવી હતી.

આ ઘટનાએ ન માત્ર ગુજરાતમાં, બલ્કે આખા દેશમાં ઇસ્લામ અને મુસલમાનો પ્રત્યે ઘૃણાની આગ ફેલાવી દીધી, અને પછી બોંબ-ધડાકાઓનો એક સિલસિલો ચલાવવામાં આવ્યો, જેને ‘ગુજરાતના બદલા’ના રૂપમાં ખપાવવામાં આવ્યો. આમાં ભ્રષ્ટ માધ્યમો, સરકારી તંત્ર અને રાજકીય પક્ષોએ પક્ષપાતી-ઘૃણાસ્પદ રોલ અદા કર્યો, જેને લઈને દેશમાં જીવનની પ્રાથમિક જરૂરતો માટે સંઘર્ષ કરી રહેલા સામાન્ય લોકોના માનસમાં પણ ઇસ્લામ અને મુસલમાનો પ્રત્યે અણગમો, ઘૃણા અને નફરત, અને તેમાંથી ઉત્પન્ન થતો એક અવાસ્તવિક ભય ઘર કરી ગયો. ન્યૂયોર્કની ૯/૧૧ની ઘૃણિત ઘટના પછી યહૂદી-ખ્રિસ્તી લાબીએ ‘War against Terror’ નામે ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ વિશ્વભરમાં જે રીતે નફરતનું ઝેર ફેલાવ્યું હતું તેનો લાભ ભારતના કોમવાદી-ફાસીવાદી ત¥વોએ પણ ઉઠાવવામાં પાછું વળીને જાયું નથી. બારીકાઈથી જાવામાં આવે તો ખ્યાલ આવશે કે યહૂદીઓ, અમેરિકા અને અહીંના કોમવાદી-ફાસીવાદી બળોની વર્ક-ડિઝાઇન મોટાભાગે મળતી દેખાશે. ત્યાં પણ જારશોરથી એ કહેવામાં આવે છે કે ઇસ્લામ તલવારથી ફેલાયો છે તથા કુઆર્ન અને પયગંબર મુહમ્મદ સલ્લ.નું શિક્ષણ હિંસાવાદી છે; બરાબર એ જ પ્રમાણે અહીં પણ એ કહેવામાં આવે છે કે અહીં બળજબરીથી લોકોને મુસલમાન બનાવવામાં આવ્યા છે, હિંદુ મંદિરો તોડીને તેના પર મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પશ્ચિમની જેમ જ અહીં પણ ‘જિહાદ’ અને ‘કાફિર’ જેવી ઇસ્લામી પરિભાષાઓનું ખોટું અર્થઘટન કરીને તેના વિશે જાત-જાતની ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે. કોમવાદી પ્રચાર કરીને રાજકીય સમીકરણો સીધા કરવામાં આવે છે. મુદ્દો ચાહે આર્થિક, સામાજિક કે શૈક્ષણિક હોય, પણ તેને સિફતથી ‘હિંદુ-મુસ્લિમ’ મુદ્દો બનાવી દેવામાં આવે છે. Samuel Huntingtonએ તો ૧૯૯૨-૯૩ માં ‘Clash of Civilizations’ની થીયરી દર્શાવીને એ સાબિત કરવાની કોશિશ કરી કે અમેરિકન/બ્રિટીશ ઉચ્ચ વર્ણના છે અને ‘બીજા લોકો’ તેમના માટે ખતરો છે; જ્યારે કે આજથી સાત-આઠ દાયકા અગાઉ ગુરૂ ગોલવલકરે ‘‘We, or our Nationhood Defined’ લખીને કહી દીધું હતું કે તમામ ભારતીયો મૂળભૂત રીતે હિંદુ છે, બીજા લોકોને તેમના જેટલા અધિકારો આપી શકાય નહીં અથવા બીજા તમામ લોકો સેકન્ડ સિટિઝન છે. ભારતના બંધારણનો પાયો ધર્મનિરપેક્ષતા પર રચાયેલો છે, તેમાં અહીંના નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી છે, તેમ છતાં અહીંની સરકારો સ્વયં કોઈપણ પ્રકારના સંકોચ વગર એક બાજુ હિંદુ ધર્મની સંસ્કૃતિ, સભ્યતા તથા તેના ઇતિહાસ અને દર્શનનો પ્રચાર-પ્રસાર કરી રહી છે, ન્યાયાલયો દ્વારા ‘હિંદુત્વ’ની ચિત્ર-વિચિત્ર વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે અને કોમવાદી-ફાસીવાદી બળો વિભિન્ન કાર્યક્રમો દ્વારા લઘુમતીઓને ભયભીત કરવાના પ્રયાસો કરતા રહે છે, અને બીજી બાજુ બહુમતીના જારે બંધારણમાં સુધારા-વધારા કરીને લઘુમતીઓના બંધારણીય અધિકારો સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં, છેલ્લા ચાર દશકથી મોટાભાગના માધ્યમો ઇસ્લામને આક્રમણકારીઓના ધર્મ તરીકે નિરુપણ કરતા રહ્યા છે. ભારતની બહુમતીના મનો-મસ્તિષ્કમાં ખોટા અને વિકૃત ઇતિહાસને પ્રસ્તુત કરીને એ વાત ઘૂસાડી દેવામાં આવી છે કે મુસ્લિમ બાદશાહોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે. બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદ, ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના, વંદે માતરમ્‌ વગેરેને માધ્યમોએ એ રીતે પ્રસ્તુત કરી, જેના કારણે દેશના હિંદુ અને મુસલમાનો વચ્ચે એક અભેદ્ય દીવાલ ઊભી થઈ ગઈ છે. દરેક મુદ્દાને, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓને પણ અહીંના રાજકીય પક્ષો હિંદુ-મુસ્લિમ મુદ્દો બનાવવામાં નિપુણ થઈ ગયા છે અને માધ્યમોએ તેમાં ખૂબ નિર્લજ્જ અને બેવડી ભૂમિકા ભજવી છે. તેમને જૂઠને સતત અને અવિરત ચગાવવામાં જરા પણ સંકોચ થતો નથી, ચાહે તેની સચ્ચાઈ જગજાહેર કેમ ન હોય! ફિલ્મો અને ટી.વી.ની સીરિયલોએ પણ આમાં ખૂબ ખરાબ રોલ ભજવ્યો છે.

અને, ૯/૧૧ પછી તો અહીં પણ ઇસ્લામોફોબિયાનું એક નવું હથિયાર મળી ગયું – ‘ઇસ્લામી આતંકવાદ’, જેમાં મુસલમાનોને અને તેમાંય વિશેષતઃ મુસ્લિમ નવયુવાનોને ફસાવવાનો જાણે પરવાનો મળી ગયો ! મન ફાવે એ કેસમાં તેમને નાખી દેવાની, ગમે ત્યારે, ગમે ત્યાંથી તેમની અટકાયત કરીને જેલોમાં વર્ષો સુધી ગોંધી રાખવાની જાણે એક ઘરેડ ચાલી નીકળી, જે લાંબા સમય સુધી અટકવાનું નામ નહોતી લેતી. આ પ્રકારના માહોલે લોકોના માનસમાં ઇસ્લામ અને મુસલમાનોથી ઘૃણાનો એવો લાવા ભરી દીધો, જે વારંવાર કોમી રમખાણોના રૂપમાં ભારતમાં ગમે ત્યારે ફાટી નીકળે છે. આૅક્ટોબર ૨૦૧૦માં ભારતમાં શીવસેનાએ પશ્ચિમનું ‘રટયું-રટાવેલું’ સિક્યુરિટી બહાનું આગળ ધરીને બુરખા ઉપર પ્રતિબંધનું અભિયાન ચલાવ્યું. ૧૯૯૧ થી ૨૦૧૦ સુધીના બે દશકાઓના ભયંકર ઉત્પીડન પછી, તે વખતે ભારતના મુસલમાનોની ચિંતા એટલી વધી ગઈ હતી કે તેમના જાન-માલની સામે એક પછી એક ભયંકર જાખમો અંતિમવાદી સંગઠનો અને જૂથોના રૂપમાં ઊભરી રહ્યા હતા, અને છેલ્લા ચાર-છ વર્ષોમાં મોબ લિન્ચિંગ અને પોલીસ દ્વારા હિંસાને લઈને તેમાં ખૂબ વધારો થઈ ગયો છે. આપણે જાઈએ છીએ કે કોમવાદી-ફાસીવાદી પક્ષોનો એક મોટો રાફડો ફાટી નીકળ્યો છે, જે મુસલમાનોને નેસ્ત-નાબૂદ કરવાના અને ઇસ્લામની છબીને વિકૃત કરવાના નિત-નવા ષડ્‌યંત્રો રચી રહ્યા છે.

ઉપસંહારઃ

આમ, ‘ઇસ્લામોફોબ’ લોકો કોઈ એક કથિત મુસ્લિમના વિશેષ કાર્યને સમગ્ર મુસ્લિમ સમાજનું કાર્ય ઠેરવીને અથવા તે કાર્યને ઇસ્લામના શિક્ષણમાં ખપાવીને લોકોને ભ્રમણામાં નાખે છે. તેઓ જૂઠી વાતોને એટલી વાર દોહરાવે છે કે લોકો તેને સાચી માનવા લાગે છે. આવા સતત અપપ્રચારથી લોકોમાં અવાસ્તવિક ભય વ્યાપ્ત રહે છે, લોકોમાં ઇસ્લામ અને મુસ્લિમો પ્રત્યે ઘૃણા વધે છે. ઇસ્લામોફોબિયાના કારણે બિનમુસ્લિમોમાં ઇસ્લામ અને મુસ્લિમો વિશે ખોટી અને નકારાત્મક છબી ઊભરે છે. આનાથી વિભિન્ન સમાજો વચ્ચેનું અંતર વધે છે, તેમના પ્રત્યે ભેદભાવ અને પક્ષપાતી વલણમાં વધારો થાય છે. તેમને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે રંજાડવાના પ્રયાસોમાં વધારો થાય છે, અને છેવટે આ સ્થિતિ મોટા રમખાણોનું કારણ બને છે, જેમાં મુસ્લિમોને બધી રીતે બરબાદ કરવામાં આવે છે. લોકોને અવાસ્તવિક ખતરાથી ડરાવવાનો સિલસિલો આજ પર્યંત ચાલુ છે. આનો ઉપાય એ જ છે કે મુસલમાનો સાચા ‘મુસ્લિમ’ બને, મુસ્લિમ સમાજમાં દેશ માટે યોગદાન આપવાનું કલ્ચર પ્રસરે, પોતાના વ્યક્તિગત અને સામૂહિક જીવનની સુધારણા એ રીતે કરે કે વાસ્તવમાં તેઓ ઇસ્લામના સાક્ષી બને, તેમની વસ્તીઓ અને મહોલ્લાઓ ઇસ્લામનો નમૂનો બને. દરેક મુસ્લિમ પોતાના મિત્રો, સહકર્મચારીઓ અને સહયોગીઓને, પાડોશીઓ અને સહપ્રવાસીઓને ઇસ્લામનો સાચો પરિચય કરાવે. બીજા કામો પર આ કામને પ્રાથમિકતા આપે. આના સિવાય બીજા કોઈ ઉપાય નથી. •


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments