આપણી ચોમેર જે અસીમ સૃષ્ટિ વિસ્તરેલ છે, જેની અંદર અગણિત તારા, ગ્રહો અને ઉપગ્રહો કંડારાયેલ છે, જેના વેગળા ખૂણાઓથી તેના પ્રકાશના કિરણોને આપણી ધરતી પર પહોંચતા કરોડો વર્ષ લાગે છે. (પ્રકાશની ગતિ એક સેકન્ડની ત્રણ લાખ કિલો મિટર છે.) આ સૃષ્ટિ અનાદિ નથી, પણ તે કેટલાક અબજો વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવેલ છે. આ સૃષ્ટિ આપ મેળે શૂન્યમાંથી સજિર્ત થયેલ નથી, કારણ કે એમ થવું અસંભવ છે. આ રચના ઈશ્વર સજિર્ત એક નક્કર અને વ્યવસ્થિત રચના છે. ઈશ્વરે તેના જ્ઞાન અને ડહાપણ વડે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને આ સૃષ્ટિનું સર્જન એક ચોક્કસ હેતુ માટે જ કરવામાં આવ્યું છે.
પવિત્ર કુર્આન આ હકીકતની સાક્ષી આ રીતે આપે છેઃ
“આ આકાશો અને ધરતી અને તેમના વચ્ચેની વસ્તુઓે અમે કંઈ રમતના રૂપમાં નથી બનાવી. તેમને અમે સત્યપૂર્વક પેદા કરી છે, પરંતુ આમાંના ઘણાંખરા જાણતા નથી.” (૪૪:૩૮,૩૯)
કુર્આન અનુસાર, બ્રહ્માંડની દરેક નાની અને મોટી વસ્તુ ચોક્કસ સમયગાળા માટે, ચોક્કસ ડહાપણ હેઠળ પોતાનું કાર્ય કરી રહી છે. જ્યારે તમામ પ્રાણીઓ, પક્ષીઓ અને જાનવરો પણ એક ચોક્કસ હેતુ માટે અસ્તિત્વમાં આવ્યા છે અને હેતુ વિના સર્જન કરવું એ ખુદ સર્જક (અલ્લાહ)ના મહિમાની વિરુદ્ધ છે, ત્યારે આ સૃષ્ટિનો સૌથી શ્રેષ્ઠ અને ઉમદા પ્રાણી ‘માણસ’ નકામો હોય તે કેવી રીતે શક્ય છે? માનવી માત્ર આનંદ-શોખ માટે અથવા ખાવા કમાવવા માટે જ બનાવવામાં આવ્યો હોય એ અકલ્પનીય છે. સૃષ્ટિના સર્જક અલ્લાહના કોઈ પણ કાર્યને જ્ઞાન અને હેતુ વિના હોવાની કલ્પના કરવી અવિશ્વાસ (કુફ્ર) છે, એવું બને છે કે કોઈ વસ્તુમાં છુપાયેલ અલ્લાહનું જ્ઞાન અને તેની મંશા આપણે સમજી શકતા ન હોઇએ પણ સૃષ્ટિનું કણે કણ એ વાતની ગવાહી આપી રહ્યું છે કે અલ્લાહની કોઈ પણ રચના ખામીયુક્ત કે નકામી નથી. પવિત્ર કુર્આનમાં પણ માનવ જીવનને અર્થહીન તરીકે વર્ણવવામાં આવ્યું નથી. જીવન અને મૃત્યુની ફિલસૂફીનું વર્ણન કરતી વખતે, કુર્આન સ્પષ્ટ કરે છેઃ
“જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (૬૭:૨)
સ્વાભાવિક છે કે વ્યવહારિક હેતુ માટે અમુક પ્રકારનો હેતુ અને ઉદ્દેશ્ય જરૂરી છે, જેને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે અને તે હેતુના સંદર્ભે વ્યક્તિની ક્રિયાઓની સુસંગતતા અથવા અસંગતતા નક્કી કરવામાં આવે છે કે તે વ્યક્તિ સફળ થઈ કે નિષ્ફળ નીવડી. જીવનમાં તેનું પ્રદર્શન કેવા પ્રકારનું છે. પવિત્ર કુર્આન અનુસાર, જીવન એ ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે અને મૃત્યુ એ અંતિમ પરિણામની ક્ષણ છે. તેથી, માનવ જીવનનું સોદ્દેશ્ય હોવું જ સૃષ્ટિના ઔચિત્યની મુખ્ય દલીલ છે.
પવિત્ર કુર્આનનો અભ્યાસ સાબિત કરે છે કે માનવ જીવનનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય “નૈતિક પૂર્ણતાની પ્રાપ્તિ” છે. આ સંદર્ભમાં આ આયત મહત્ત્વપૂર્ણ છેઃ
“મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે. હું તેમનાથી કોઈ રોજી નથી ઇચ્છતો અને ન એવું ચાહું છું કે તેઓ મને ખવડાવે.” (૫૧:૫૬,૫૭)
આ આયત માનવ જીવનના હેતુ અને તેની રચનાના ઉદ્દેશ્યને સ્પષ્ટ રીતે સમજાવે છે કે મનુષ્યનું સર્જન અલ્લાહે પોતાની જરૂરિયાતોમાંથી કોઈ માટે નથી કર્યું, કારણ કે તે સંપૂર્ણપણે આર્ત્મનિભર, સર્વશક્તિમાન અને બેનિયાઝ છે. તેને કોઈ પણ રીતે કોઈ જીવની જરૂરિયાત કે હાજત ન હતી, તેથી કોઈએ એવું ન વિચારવું જોઈએ કે કદાચ ઈશ્વરની સર્જનાત્મકતા માનવના સર્જન થકી જ જાહેર થઈ શકતી હતી અથવા તેના કોઈ પણ ગુણની પરિપૂર્ણતા આનાં ઉપર ર્નિભર હતી, અથવા તેના પોતાના અસ્તિત્વ માટે માનવ સર્જન જરૂરી હતું. ના, અલ્લાહે માનવને એટલા માટે બનાવ્યો કે તે તેની ઈબાદત થકી નૈતિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. કારણ કે તેની ઉપાસનાની ચેતના જ અને તેની ગુલામીનો સ્વીકાર જ માનવને માનવતાનો ઉચ્ચ ધોરણ અને પૂર્ણતા અપાવી શકે છે.
ઉલ્લેખિત આયાતમાં ‘બંદગી’ શબ્દ પરથી, કોઈ એવું વિચારી શકે છે કે ઈબાદત અને બંદગી એ જ બાબતો છે જેને સામાન્ય રીતે અર્કાને ઈબાદત દાખલા તરીકે; નમાઝ, ઉપવાસ, હજ, જકાત વગેરેનાં નામે ઓળખ્વમા આવે છે. શું આ જ ઇબાદતો માનવ જીવનનો ઉદ્દેશ્ય છે ? આ ધારણા ખોટી છે, કારણ કે કુર્આન તો ઈબાદત અને બંદગીને જ માનવ સર્જનનો એકમાત્ર હેતુ જાહેર કરી રહ્યો છે. જો ઈબાદતનો અર્થ માત્ર નમાઝ હોય, તો તે દિવસમાં પાંચ વખત જ ફરજિયાત છે. શું માત્ર દિવસના ૨૪ કલાકમાં પાંચ નમાઝો પઢવી જ જીવનનો ઉદ્દેશ્ય હોઈ શકે? અને બાકી સમય જાવનનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? જો ઇબાદતનો અર્થ માત્ર રમઝાનના રોઝા હોય તો વર્ષમાં એક જ માસ માટે છે બાકી દિવસોનું શું? ઇબાદતનો અર્થ માત્ર ઝકાત હોય, તો તે પણ વર્ષમાં એક વાર માત્ર સાહબે નિસાબ માટે ફરજિયાત છે. આ રીતે, બાકીના સમયગાળામાં, અન્ય લોકો માટે તેમના જીવનના ધ્યેયનું કોઈ ઔચિત્ય જ નથી જણાતું. જો ઇબાદતનો અર્થ ફક્ત હજ તરીકે કરવામાં આવે તો, તે જીવનભરમાં માત્ર એક જ વાર ફરજિયાત છે અને એ પણ તેના માટે જે આની ક્ષમતા ધરાવતો હોય. આ જીવનનો ધ્યેય ન હોઈ શકે.
જો ઇસ્લામના આ અરકાન સાથેની તમામ ઇબાદતોનો પણ સમાવેશ કરવામાં આવે અને બધી એક સાથે હોય તો પણ સમગ્ર જીવનની એક-એક ક્ષણને આવરી શકાતી નથી. માણસ ખાય છે, પીવે છે, ઊંઘે છે અને જાગે છે. તે લગ્ન કરે છે, વેપાર કરે છે અને વ્યવસાય કરે છે, અને જીવનની અન્ય તમામ બાબતોનું સંચાલન કરે છે. આ બધી બાબતોને ‘ઇબાદત’ની શ્રેણીમાં સમાવી શકાય નહીં. પછી આ સમગ્ર જીવનવ્યવહાર ચાલુ રાખવાનો આદેશ પણ ઇસ્લામ દ્વારા આપવામાં આવ્યો છે, કારણ કે તેને છોડી દેવો અને આખો સમય ઇબાદત અને ઉપાસનામાં વ્યસ્ત રહેવું એ “રુહબાનિયત (સન્યાસ)” છે, જેને ઇસ્લામ દ્વારા જીવન પદ્ધતિ તરીકે અપનાવવાની મંજૂરી આપવામાં આવી નથી.
ઇબાદતની સાચી કલ્પના
પ્રશ્ન એ થાય છે કે એવી કઈ ઇબાદત છે જેને માનવ જીવનનું ધ્યેય અને સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે, જે જીવનના તમામ ક્ષેત્રોમાં અને બાબતોમાં જળવાઈ રહે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મુખ્ય ધ્યેય અને હેતુ એને જ કહી શકાય છે જેને કોઈ પણ સંજોગોમાં અવગણી શકાય નહીં. હેતુ વિનાની બેદરકારી સાથે વિતાવેલી એક પણ ક્ષણ અલ્લાહના દરબારમાં પાપ અને અણગમતી છે.
આ મૂંઝવણ અને શંકાને દૂર કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઇબાદત અને બંદગીના વ્યાપક અને સર્વાંગી ખ્યાલને ધ્યાને લેવામાં આવે જે માનવ જીવનની તમામ બાબતો પર પ્રભુત્વ ધરાવતો હોય, જેનો ઉલ્લેખ પવિત્ર કુર્આનમાં આ શબ્દોમાં કરવામાં આવ્યો છે : “નેકી (સદાચાર) એ નથી કે તમે તમારા ચહેરા પૂર્વ તરફ કરી લીધા કે પશ્ચિમ તરફ, બલ્કે નેકી એ છે કે મનુષ્ય અલ્લાહને અને આખિરત (પરલોક)ના દિવસને અને ફરિશ્તાઓને અને અલ્લાહે અવતરિત કરેલ ગ્રંથને અને તેના પયગંબરોને હૃદયપૂર્વક માને અને અલ્લાહના પ્રેમમાં પોતાનું પ્રિય ધન સગાઓ અને અનાથો પર, ર્નિધનો અને મુસાફરો પર, મદદ માટે હાથ લંબાવનારાઓ પર અને ગુલામોની મુક્તિ પર ખર્ચ કરે, નમાઝ કાયમ કરે અને ઝકાત આપે અને નેક (સદાચારી) એ લોકો છે કે જ્યારે વચન આપે તો તેને પૂરૂં કરે અને તંગી તથા મુસીબતમાં તથા સત્ય અને અસત્યની લડાઈમાં ધૈર્યથી કામ લે. આ છે સાચા લોકો, અને આ જ લોકો સંયમી (મુત્તકી) છે.” (૨:૧૭૭)
આ મહત્ત્વપૂર્ણ આયાતમાં ઇબાદત અને નેકીના વાસ્તવિક ખ્યાલનું વર્ણન કરતા પહેલાં સામાન્ય માનસમાં મોજૂદ કથિત ખ્યાલને નકારી કાઢવામાં આવ્યો છે. લોકોના મનમાં સામાન્ય રીતે એક મર્યાદિત ખ્યાલ સ્થાપિત થયેલ હોય છે અને તેઓ નમાઝ જેવી ઇબાદતને જ ઇબાદત અથવા બંદગી કહે છે. જીવનની અન્ય બાબતોને સાંસારિક બાબતો ગણવામાં આવે છે. સૌ પ્રથમ, કુઆર્ને ઇબાદતના આ બાહ્ય ખ્યાલને જાકારો આપ્યો અને કહ્યું કે ભલાઈનો અર્થ એટલો સીમિત નથી કે બાકીના વ્યવહારિક જીવન સાથે તેને કોઈ લેવાદેવા નથી. ઊલટાનું, ઇબાદતનો કુઆર્ની વિચાર એટલો વ્યાપક છે કે તે વૈચારિક અને વ્યવહારિક જીવનના તમામ પાસાઓને આવરી લે છે. ઇબાદતની ઇસ્લામની વિભાવના એ છે કે માનવ જીવનમાં નીચેની લાક્ષણિકતાઓ હોવી જોઈએઃ
(૧) અકીદા(આસ્થા)ની શુદ્ધતાઃ જેમાં અલ્લાહ, આખિરત, આકાશીય પુસ્તકો, રસૂલો અને પયગંબરોમાં વિશ્વાસ કરવો જરૂરી છે.
(૨) અલ્લાહથી પ્રેમઃ જેનો પુરાવો અલ્લાહની મખ્લૂક પ્રત્યે પ્રેમ, સેવા અને બલિદાન આપીને આપવો જોઈએ.
(૩) અલ્લાહના રાહમાં ખર્ચ : તમારા સંસાધનો અને સંપત્તિ નજીક અને દૂરના સંબંધીઓ, અનાથ અને ગરીબો, અને ગુલામી અને તંગીમાં સપડાયેલ લોકોનાં ઉત્થાન અને આરામ માટે ખર્ચ કરવી.
(૪) સદ્કાર્યો : નમાઝ અને રોઝાના નિયમોનું પાલન.
(૫) વાયદાનું પાલનઃ જે ર્નિણય લેવામાં આવે અથવા જે વાયદો કરવામાં આવે તેના પર હિંમત અને દૃઢ નિશ્ચય સાથે અડગ રહેવું.
(૬) સબ્ર અને ધીરજઃ સત્યના માર્ગમાં અને અસાધારણ પરિસ્થિતિઓમાં બધી મુશ્કેલીઓ અને કષ્ટોને સબ્ર અને ધીરજ સાથે સહન કરવી.
(૭) અલ્લાહના માર્ગમાં સતત સંઘર્ષ અને પ્રયત્નઃ સત્યને ખાતર કોઈ પણ પ્રકારના વિરોધ અને સંઘર્ષથી ડર્યા વિના સતત કામ કરતા રહેવું.
ઉપરોક્ત બાબતો જ અલ્લાહની સાચી અને સર્વાંગી ઇબાદત છે. સંપૂર્ણ ઈબાદત અને બંદગી એ છે કે વ્યક્તિએ તેનું સમગ્ર જીવન તેના સર્જક અને માલિકને ખુશ કરવા માટે જીવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ અમુક કાર્યો અલ્લાહની ઇચ્છા અનુસાર અને અમુક તેની વિરુદ્ધ કરે છે, તો તેને નૈતિક પૂર્ણતા અથવા સંપૂર્ણ બંદગી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે નહીં.
નૈતિક પૂર્ણતાનું સર્વોચ્ચ સ્વરૂપ; અલ્લાહની પ્રસન્નતા મેળવવી
માનવ જીવનનું સૂત્ર નૈતિક પૂર્ણતા છે અને નૈતિક પૂર્ણતામાં સંપૂર્ણ બંદગી છે.. તેનું સર્વોચ્ચ સ્વરૂપ “અલ્લાહની રઝા (પ્રસન્નતા)”ની પ્રાપ્તિ છે. આનો અર્થ એ કે માનવ જીવનનું વાસ્તવિક ધ્યેય અને હેતુ અલ્લાહની ઇબાદત કરી તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું છે. બીજા શબ્દોમાં કુર્આન ઇન્સાનને ‘ઇન્સાને મુર્તુઝા’ અર્થાત્ તે ઇન્સાન જેને અલ્લાહની રઝા અને પ્રસન્નતા હાસલ થયેલ હોય બનાવવા માંગે છે.
માનવજીવનની રચના અને અસ્તિત્વનો મુખ્ય હેતુ અલ્લાહની પ્રસન્નતા મેળવવાનો છે. આ એક મહાન ને’મત છે જેનો વિકલ્પ આ સૃષ્ટિમાં બીજો કોઈ ન હોઈ શકે. કુર્આનમાં અલ્લાહ ફરમાવે છેઃ
“આ સદાબહાર બાગોમાં તેમના માટે સ્વચ્છ રહેવાની જગ્યાઓ હશે, અને સૌથી વધીને એ કે અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત હશે. આ જ મોટી સફળતા છે.” (૯:૭૨)
જ્યારે અલ્લાહની રઝા(પ્રસન્નતા) જીવનનો ઉદ્દેશ્ય બની જાય છે અને વ્યક્તિના સમગ્ર જીવનને આવરી લે છે, ત્યારે તેનું બેસવું, ખાવું, પીવું, સૂવું, જાગવું, ચાલવું, અર્થાત્ જીવનનો સમગ્ર વ્યવસાય ઇબાદત અને બંદગી બની જાય છે. તેમનો દરેક શ્વાસ અને દરેક ક્ષણ બંદગી ગણાય છે. જો કોઈ વ્યક્તિ અલ્લાહની ઇચ્છા ખાતર લગ્ન કરે છે, તો તે પણ બંદગી છે. જો પત્ની બાળકો પ્રત્યે કરુણા અને પ્રેમ બતાવે તો તે પણ બંદગી છે. જો કોઈ વ્યક્તિ જીવનના કાર્યોમાં વ્યસ્ત હોય, તો તે પણ બંદગી છે. માનવ જીવનની દરેક હિલચાલ અને શાંતિ પણ સંપૂર્ણ ઇબાદત અને બંદગીમાં ફેરવાઈ જાય છે. પવિત્ર કુર્આન આ ખ્યાલને નીચે પ્રમાણે સમજાવે છેઃ
“તેમાં એવા લોકો સવાર-સાંજ તેની તસ્બીહ (ગુણગાન) કરે છે જેમને વેપાર અને ખરીદ-વેચાણ અલ્લાહના સ્મરણથી અને નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાથી ગાફેલ કરી દેતા નથી.” (૨૪:૩૭)
જેમના જીવનની દરેક ક્ષણ અલ્લાહની યાદ અને તેની પ્રસન્નતા માટે સમપિર્ત હોય છે, આ વ્યક્તિને જોઈને પણ અલ્લાહ યાદ આવે છે. જેમ કે નબી સ.અ.વ. ફરમાવે છેઃ
“શું હું તમને એવા લોકો વિશે ન કહું જે તમારા કરતા સારા છે? સહાબીઓએ કહ્યું, હા, હે અલ્લાહના રસૂલ સ.અ.વ.! ત્યારે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ તમારામાં શ્રેષ્ઠ તે છે જેમને જોતાંની સાથે જ અલ્લાહ યાદ આવે છે.”(ઇબ્ને માજા-૪૧૧૯)
પવિત્ર કુર્આન આ હકીકતને નીચે પ્રમાણે સમર્થન આપે છે :
“હે નબી ! લોકોને કહી દો, “જો તમે ખરેખર અલ્લાહને પ્રેમ કરતા હોવ તો મારૂં અનુસરણ કરો, અલ્લાહ તમારા સાથે પ્રેમ કરશે અને તમારી ભૂલોને માફ કરી દેશે. તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.” (૩:૩૧)
આ છે માનવ જીવનનો હેતુ જે કુર્આન કરીમના અધ્યયનથી જણાઈ આવે છે. માનવ જીવનનો વાસ્તવિક હેતુ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો છે અને જેના પરિણામ સ્વરૂપે આ દુનિયા અને આખિરતની સફળતા પ્રાપ્ત કરી શકે. આ ધ્યેય હાંસલ કરવા માટે એ જાણવું જરૂરી છે કે અલ્લાહની ખુશી માટે કેવા પ્રકારની ચિંતા, કેવા પ્રકારનો જુસ્સો અને કેવા પગલાની જરૂર છે, અને આ બધી બાબતો આપણે વ્હાલા નબી સ.અ.વ.ની સીરતથી સંપૂર્ણપણે મેળવી શકીએ છીએ.
મુસ્લિમોનું જીવન ધ્યેય
આની સાથે આપણે જ્યારે કુર્આનનું અધ્યયન કરીએ છીએ તો એક બીજી વાસ્તવિકતા પરથી પણ પડદો ઉંચકાય છે કે અલ્લાહે મુસ્લિમ મિલ્લતને પણ એક ચોક્કસ ધ્યેય સાથે આ દુનિયામાં પેદા કરેલ છે. આ વાત ક્યારેક ઉમ્મતે મુસ્લિમાનું ધ્યેય કહીને વર્ણવવામાં આવી છે અને ક્યારેક પયગમ્બરોને મોકલવાના ઉદ્દેશ્ય તરીકે વર્ણવામાં આવી છે.
કુર્આનમાં કહેવામાં આવ્યું છેઃ
“અને આવી રીતે તો અમે તમને (મુસલમાનોને) એક “ઉમ્મતે વસત” (ઉત્તમ સમુદાય) બનાવેલ છે, જેથી તમે દુનિયાના લોકો ઉપર સાક્ષી રહો અને પયગંબર તમારા ઉપર સાક્ષી રહે.” (૨:૧૪૩)
ઉમ્મતે મુસ્લિમાને ઉત્તમ સમુદાય એટલા માટે જ કહેવામાં આવ્યા છે કે તે લોકો પર એ બધી વાતની સાક્ષી પોતાની વાણી અને વર્તનથી આપે છે જેવી રીતે રસૂલોએ આ સાક્ષી પોતાનાં જીવન પર્યંત આપી અને અલ્લાહના અંતિમ રસૂલ હઝરત મુહમ્મદ સ.અ.વ.એ પોતાના જીવનના દરેક ક્ષણે આપી બતાવી.
બીજી જગ્યાએ કુર્આનમાં કહેવામાં આવ્યું છે :
“હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈની આજ્ઞા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો.” (૩:૧૧૦)
ઉમ્મતે મુસ્લિમાનું કાર્ય માત્ર એટલું જ નથી કે તે પોતે વ્યક્તિગત સ્તરે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા તેની ઇબાદતમાં પરોવાયેલ રહે, સાથે સાથે તેની જવાબદારી એ પણ છે કે તે બીજા લોકોને પણ અલ્લાહની બંદગી તરફ પ્રેરિત કરે, એક આદર્શ સમાજના નિર્માણનો પ્રયત્ન કરે અને તેના માટે સાચી વાતો અને ભલાઈની આજ્ઞા આપવી અને બૂરાઈથી રોકવાની અને એવું વાતાવરણ નિમિર્ત કરવાની જવાબદારી પણ તેના શિરે છે જેમાં નેકીઓ પર ચાલવું સરળ અને બૂરાઈઓ પર અમલ કરવું મુશ્કેલ થઈ જાય.
આ સિવાય પયગમ્બરોને મોકલવાના જે ઉદ્દેશ્યો કુર્આનમાં વર્ણવવામાં આવ્યા છે તે પણ હવે ઉમ્મતે મુસ્લિમાની જવાબદારીમાં આવે છે કેમકે વ્હાલા નબી સ.અ.વ. અંતિમ પયગંબર હતા અને હવે કોઈ પયગંબર આવવાના નથી અને એટલે હવે તે બધી જવાબદારીઓ જે પયગંબરોને સોંપવામાં આવી હતી અને જે જવાબદારી અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ નિભાવી બતાવી તે હવે ઉમ્મતે મુસ્લિમાને સંભાળવાની છે. અને આનો આદેશ ખુદ નબી સ.અ.વ.એ ખુત્બએ હજ્જતુલ વિદામાં સમગ્ર મુસ્લિમોને આપ્યો હતો.
અહીયાં કુર્આનની તે આયતો રજૂ કરવામાં આવે છે જેમાં નબીઓને મોકલવાના ઉદ્દેશ્ય પર પ્રકાશ નાખવામાં આવ્યો છેઃ
“હે ઓઢી-લપેટીને લેટનારા ! ઊઠો અને સચેત કરો ! અને પોતાના રબની મહાનતાની ઘોષણા કરો.” (૭૪:૧-૩)
“તે જ તો છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન અને સત્ય દીન (સત્ય-ધર્મ) સાથે મોકલ્યો છે જેથી તેને પૂરેપૂરા દીન (ધર્મ) પર પ્રભુત્વ આપી દે, ચાહે મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ)ને આ કેટલુંય અપ્રિય હોય.” (૬૧:૯)
“તેણે તમારા માટે દીન (ધર્મ)ની તે જ પદ્ધતિ નક્કી કરી છે જેનો આદેશ તેણે નૂહને આપ્યો હતો અને જેને (હે મુહમ્મદ !) હવે તમારા તરફ અમે વહી દ્વારા મોકલ્યો છે, અને જેનો આદેશ અમે ઇબ્રાહીમ અને મૂસા અને ઈસાને આપી ચૂક્યા છીએ, એ તાકીદ સાથે કે આ દીન (ધર્મ)ને સ્થાપિત કરો અને તેના મામલામાં વહેંચાઈ ન જાઓ.” (૪૨:૧૩)
એટલે કહી શકાય કે રબની મહાનતાની ઘોષણા કરી અને રબની મહાનતાની વ્યવસ્થા ઊભી કરવી, ઇસ્લામના આ સત્ય દીનને આખી જીવન વ્યવસ્થા પર પ્રભુત્વ અપાવવું અને પયગમ્બરોની જેમ દીને ઇસ્લામને સ્થાપિત કરવાનું કાર્ય પણ ઉમ્મતે મુસ્લિમાને કરવાનું છે. •••