મસ્જિદો, મહામારી, પૂર અને ભૂકંપ દરમિયાન એક શ્રેષ્ઠ આશ્રયસ્થળ, સામાજિક સુમેળનું કેન્દ્ર અને રાહત કેન્દ્ર તરીકેનું કામ કરે છે.
છેલ્લા કેટલાક સમયથી, આપણા દેશે કોરોના જેવી મહામારી, વિનાશક પૂર અને ભૂકંપ જેવી વિપત્તિઓનો સામનો કરવો પડ્યો છે. કોરોનાની મહામારીમાં, દર્દીઓની ભારે ભીડને કારણે હોસ્પિટલોની સુવિધાઓ ખૂબ જ તંગ થઈ ગઈ હતી. આવી જ રીતે, દેશના વિવિધ ભાગોમાં આવેલા પૂરથી હજારો લોકો બેઘર બન્યા અને તેમની મિલકતોનો નાશ થયો. ભૂકંપની વિનાશક શક્તિથી ઘણા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા અને ઘણા લોકોને પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ આશરો લેવો પડ્યો.
આવા કપરા કાળમાં, મસ્જિદો આ પીડિતો માટે એક શ્રેષ્ઠ આશરો, સામૂહિક એકતાનું કેન્દ્ર અને એક મજબૂત કિલ્લો બનીને ઊભરી આવી. મસ્જિદોમાં પીડિતોને દરેક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી. આ ભૂમિકા જાેઈને દુનિયાએ અનુભવ કર્યો કે મસ્જિદો માત્ર એક ધાર્મિક સ્થળ નથી, જ્યાં આધ્યાત્મિક શાંતિ મળે છે, બલ્કે વિપત્તિના સમયમાં તે એક સામાજિક સંસ્થા અને સમુદાયિક કેન્દ્રની જવાબદારીઓ પણ સારી રીતે નિભાવે છે.
મસ્જિદોની આ ભૂમિકા દેશના દરેક ખૂણે જાેવા મળે છે. મુંબઈ શહેરમાં લોકડાઉન દરમિયાન રોજગાર ગુમાવનાર હજારો પ્રવાસી મજૂરોને ભોજન ખવડાવવા માટે એક મસ્જિદમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંની એક મસ્જિદમાં લગભગ ૮૦૦ મજૂરોને રોજ દિવસે ભોજન પૂરૂં પાડવામાં આવતું હતું. આ મસ્જિદોમાંથી જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવતું હતું, જેમાં લોકોને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટેની સાવચેતીઓથી વાકેફ કરવામાં આવતા હતા. ગુજરાત અને ભારતભરની અનેક મસ્જિદોના લાઉડસ્પીકરનો ઉપયોગ કોરોના સંબંધિત લોકોમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને સાવચેતીના પગલાં લેવાની પ્રેરણા અવારનવાર આ લાઉડસ્પીકર દ્વારા આપવામાં આવતી હતી.
જીવનના ઉતાર-ચઢાવમાં ક્યારેક ક્યારેક એવી ઘટના બને છે જે વ્યક્તિ, વ્યક્તિત્વ અથવા સમાજની છબીને ખરાબ કરવાનું કારણ બને છે. માર્ચ ૨૦૨૦માં એવી જ એક ઘટના બની, જેણે આખા દેશમાં મસ્જિદોની ભૂમિકા પર થોડા શંકાના વાદળો ઊભા કર્યા, પરંતુ ટૂંક સમયમાં તેને દૂર કરી દેવામાં આવ્યા. વાસ્તવમાં, નિઝામુદ્દીન મર્કઝમાં મહામારીના સમયમાં તબલીગી જમાતનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક અંતર ન રાખવાના કારણે મસ્જિદો વિશે શંકાઓ વધી ગઈ. નિઝામુદ્દીન મર્કઝના આ પગલાને મીડિયામાં ખૂબ ચગાવાયું. આ ઘટનાને તમામ મસ્જિદોએ ગંભીરતાથી લીધી અને પછી કોઈ પણ મસ્જિદમાં આવી ભૂલનું પુનરાવર્તન થયું નહીં. જ્યારે દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઘણી મસ્જિદોમાં ભોજનનું વિતરણ, રક્તદાન કેમ્પ, સ્વાસ્થ્ય તપાસ સહિત માનવ કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
મસ્જિદોમાં સમાજસેવાનું કામ કરવાની પરંપરા રસૂલુલ્લાહ સ.અ.વ.ના જમાનાથી ચાલી આવે છે. આ પરંપરાને દેશ અને દુનિયાની બધી મસ્જિદોમાં જાળવી રાખવામાં આવી છે અને હજુ પણ આની ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેછે. અહીં સેવાકીય કામો બહુ જ સારી રીતે કરવામાં આવે છે. જ્યારે પણ કુદરતી આફત અથવા કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે જરૂરત મુજબ મસ્જિદોનો ઉપયોગ સેવાકીય કામો માટે ખુલ્લા દિલથી કરવામાં આવે છે અને આમાં કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી.
ડિસેમ્બર ૨૦૨૩માં, તમિલનાડુના સિદ્ધુંગના લોરબિત અલ્માલ જામે મસ્જિદે લગભગ ૩૦ બિન-મુસ્લિમ પરિવારોને આશરો આપ્યો હતો. આ બધા પરિવારો વિનાશક પૂરને કારણે બેઘર થઈ ગયા હતા. મસ્જિદોની આ ભૂમિકા સામાજિક એકતા અને સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સેવાઓ માત્ર માનવીય આધાર પર કરવામાં આવે છે, જેમાં જાતિ અને વર્ગનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. જ્યાં અને જ્યારે પણ માનવજાતને જરૂર પડી, મસ્જિદોએ હંમેશાં પોતાના દરવાજા ખોલ્યા છે. જાપાનમાં ગંભીર ભૂકંપને કારણે મોટી સંખ્યામાં લોકો ભાગદોડમાં ફસાઈ ગયા હતા, જેમની મદદ માટે સ્વયંસેવકો આવ્યા હતા. આ સ્વયંસેવકો માટે મસ્જિદોને અસ્થાયી આશ્રયસ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી. હમણાં જ એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મસ્જિદોની ભૂમિકા અને કલ્યાણકારી પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં તેમની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. મસ્જિદોના આ કાર્યોને જાેતાં સ્પષ્ટ થાય છે કે મસ્જિદોની ઇમારતો માત્ર ઇબાદતોના અને નમાઝો માટે નથી, બલ્કે આરોગ્ય સંકટના સમયે એક કેરટેકર સેન્ટર, મુશ્કેલીઓના સમયમાં એક મજબૂત કિલ્લો અને કુદરતી આફતો દરમિયાન એક શ્રેષ્ઠ આશ્રયસ્થળ બની જાય છે. અહીં માનવીય જરૂરિયાતો અનુસાર એક સુરક્ષિત વાતાવરણ અને એકતાનું અનુપમ ઉદાહરણ પૂરૂં પાડવામાં આવે છે. તેથી આ કહેવું યોગ્ય છે કે આ મસ્જિદો સમાજને મજબૂત બનાવવા, સમાજમાં એકતા લાવવા અને દેશ તથા રાષ્ટ્રને વિકાસની સકારાત્મક દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.