સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝ બાબતે સર્વોચ્ચ અદાલતે જે ચિંતા બતાવી છે તે યોગ્યજ છે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે આનો ઈલાજ શું છે? આના ઉપર લગામ કોણ લગાડશે? communal tone એટલે કે કોમવાદી અંદાજમાં જે રિપોર્ટિંગ થાય છે તેને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી દર્શાવી. આનાથી દેશનું નામ ખરાબ થાય છે અને આપણી બિનસાંપ્રદાયિક છબીને પણ નુકસાન પહોંચે છે. ગત વર્ષે દિલ્હીમાં તબલીગી જમાતને લઈ મીડિયાએ જે તોફાન મચાવ્યું તેના ઉપર ચાલતી યાચિકાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્ના એ કહ્યું કે મીડિયાનો એક વર્ગ દેશની દરેક ઘટનાને કોમવાદી એન્ગલ થી જ બતાવે છે. અદાલતે કહ્યું કે વેબ પોર્ટલ ઉપર કોઈનું નિયંત્રણ નથી. કોઈ ની જવાબદારી નક્કી થઈ શકતી નથી. ન્યાયતંત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સંચાલકો જવાબ પણ આપતા નથી. ફક્ત પ્રભાવશાળી લોકોની વાતજ સાંભળવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશે આ પણ કહ્યું કે પબ્લિક ચેનલ twitter, facebook, અને youtube ને જવાબ આપતા ક્યારે પણ નથી જોયા. પરિસ્થિતિ તો અદાલતે જે અનુભવ્યું તેના કરતાં પણ ઘણી ગંભીર છે. ભારત જેવા દેશમાં તો ફેક ન્યૂઝના રીતસર કારખાના જ ધમધમી રહ્યા છે. જેમાં બહુ મોટો હાથ રાજકીય પક્ષો, સાંપ્રદાયિક તથા અલગાવવાદી સંગઠનોનો પણ છે. દરેક ઘટનાને હિંદુ મુસ્લિમના એંગલથી જોવાની બતાડવાની અને તેને ફોરવર્ડ પણ કરતા જવાની એક સામાન્ય પદ્ધતિ થઈ ગઈ છે. વિડિયો હોય છે કંઈક બીજો અને અને તેની વ્યાખ્યા કંઈક બીજી જ કરવામાં આવે છે. લાખો લોકોને તે વિડિયો થોડી જ મિનિટોમાં પહોંચી પણ જાય છે. અફઘાનિસ્તાનનો હેલિકોપ્ટર નો વીડિયો આનું જીવંત દ્રષ્ટાંત છે. તાલિબાનો આ રીતે હેલિકોપ્ટરમાં લટકાવીને વિરોધીઓને મારી રહ્યા છે તેવો અપપ્રચાર ખૂબ ચાલી ગયો, પરંતુ હકીકતમાં તે એક ધ્વજ લગાવવાની પ્રક્રિયા હતી. અહીં સવાલ એ ઉભો થાય છે કે ફેક ન્યુઝ થી બધાને ફરિયાદ છે તો આ ધંધો આટલો કેમ વિકસી રહ્યો છે? આને હવા કોણ આપે છે? આનાથી કોના હિત સધાઈ રહ્યા છે ?આ સવાલોના જવાબ આપતા પહેલા આવો જોઈએ કે આ ફેક ન્યુઝ છે શું? કોઈ ફર્જી સમાચારને ગુમરાહ કરવાવાળી સુચના સાથે પ્રસારિત કરી સાચા સમાચાર ની જેમજ ફેલાવાની પદ્ધતિ છે. જેનો હેતુ કોઈ ની છબી ખરાબ કરવાનો, ખંડણી વસૂલવાનો, સમાજમાં તણાવ પેદા કરવાનો, વૈચારિક આધારો પર ધ્રુવીકરણ કરવાનો, ઘટનાનું એક પક્ષીય વિવરણ લોકોને ભડકાવવા અથવા પોતાના વિચારને post truth ના અંદાજમાં રજૂ કરવાનો હોઈ શકેછે. જેની કોઈ પૃષ્ટિ નથી થઈ શકતી તેવી માહિતી પ્રસારિત કરવામાં આવે છે અને લોકો કોઈ ઊંડાણમાં ગયા વગર તુરંત જ એકબીજાને ફોરવર્ડ કરતા જાય છે. કોઈ સત્ય બતાવી દે તો પણ તેને ઉપેક્ષિત કરવામાં આવે છે. fake news ત્રણ પ્રકારનાહોય છે. મીસ ઇન્ફોર્મેશન એટલે કે ખોટી માહિતી. આની પાછળ કોઈ હાનિકારક ઉદ્દેશ નથી હોતો. બીજી છે ડીસ ઇન્ફોર્મેશન એટલે કે દુષ્પ્રચાર જેને શેર કરવાનો હેતુ જ બીજાને નુકસાન પહોંચાડવાનો હોય છે. અને ત્રીજું છે માલ ઇન્ફોર્મેશન એટલે કે વાંધાજનક માહિતી જેનો ઉદ્દેશજ નુકસાન પહોંચાડવાનો અથવા બબાલ ઉભી કરવાનો હોય છે. આપણા દેશમાં આમ તો આજકાલ દરેક ઘટનાને ફેક ન્યુઝ ના સ્વરૂપમાં મૂકવાનું ચલણ વધી રહ્યું છે, જેમાં કોઈપણ બેજવાબદાર કોમેન્ટ,મારપીટથી લઈને ટ્રોલિંગ અને લિંચિંગ સુધી હોઈ શકે છે. કેટલીકવાર સીધીસાદી વાતને એવો રંગ આપવામાં આવે છે જેનાથી પોતાનો ઉલ્લુ સિદ્ધ થઈ શકે અથવા તો એક જ તરફ વિચારવાવાળા ને પ્રેરિત કરી શકાય. ચુંટણીના સમયે તો આવા ફેક ન્યુઝ નું પુર આવી જાય છે. ફર્જી ખબર નું એક અઘોષિત યુદ્ધ જ શરૂ થઈ જાય છે. એમાં વાસ્તવિક હકીકત શું છે તે જાણવું લગભગ અશક્ય બની જાય છે. આ પરિસ્થિતિમાં એ તત્વો 100% સફળ થઈ જાય છે જે ફેક ન્યુઝ ના માધ્યમથી લોકોને એક ખાસ વર્તુળમાં બાંધી રાખવા માંગે છે અથવા હિંસક બનાવવા માંગે છે.
આપણે ઉજ્જૈનમાં લઘુમતીઓની નારેબાજી અથવા સોશિયલ મીડિયામાં covid લઈને જે ભ્રમ પ્રસારિત થયા છે તેને જોયા છે. ઉજ્જૈનના વીડિયોમાં નારા કંઈક ઓર લાગી રહ્યા હતા અને બતાવવા માં કંઈક બીજું જ આવી રહ્યું હતું, જે સત્ય ચકાસણી માં સામે આવ્યું. આપણા ત્યાં જાતિવાદી, સાંપ્રદાયિક તથા ભીડની હિંસાની પાછળ આ ફેક ન્યૂઝનો ખૂબ મોટો હાથ છે. ફેક ન્યૂઝનો બોમ્બમારો બંને તરફથી થાય છે. જેનાથી અનાવશ્યક ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. ભારત સરકાર પણ ફેક ન્યૂઝ પર કોઈ પ્રભાવી લગામ લગાવવા નથી ઈચ્છતી. અને લગાવે છે તો પણ સિલેક્ટિવ એટલે કે પોતાની પસંદગીની રીતેજ. તેનાથી ફેક ન્યુઝ ઘટવાને બદલે ઊલટાના વધી રહ્યા છે. સત્તાતંત્રએ પણ કદાચ આ સ્વીકારી લીધું છે કે સોશિયલ મીડિયા હવે માહિતીના પ્રાણવાયુની જેમ છે, જેના વગર જીવવું શક્ય નથી. સોશિયલ મીડિયા ફેક ન્યૂઝ નો અડ્ડો છે તો તેના ઉપર નિયંત્રણ નો ઉપાય શું છે? છે તો તે લાગુ કેમ નથી થતા? આની પાછળનું કારણ આ છે કે સરકાર હોય કે રાજકીય પક્ષો , સામાજિક સંગઠન હોય કે સાંપ્રદાયિક સંગઠન ,વ્યક્તિ હોય કે સમાજ ,બધાને ફેક ન્યૂઝમાં જ રિયલ બેનિફિટ્- સાચો ફાયદો દેખાય છે અને પોતાના સ્વાર્થ માટે તેનો ભરપૂર ઉપયોગ પણ કરવો હોય છે. એટલે જો વિરોધ થાય છે તો પણ તે સિલેક્ટિવ રીતેજ. પોતાની પસંદગીથી. જો તે આગ ઓલવવા પણ માંગે છે તો એક હાથમાં માચીસની કાંડી સુરક્ષિત રાખીને!! એટલે સમય આવે બીજી કાંડી પણ સળગાવી શકાય અને પોતે તમાશો પણ જોઈ શકે!! અભિવ્યક્તિની આઝાદી અને મરજીની સ્વતંત્રતા ની અંદર એટલું જ સૂક્ષ્મ અંતર છે જેટલું લક્ષ્મણરેખા ની અંદર રહેવા અને તેને તોડવાની વચ્ચે હોઈ શકે છે!! એટલે છેવટે તો ફેક ન્યુઝ જો અમને લાભ આપતી હોય તો તે ન્યુઝ હશે અને બીજાને ફાયદો પહોંચાડતી હોય તો તે ફેક છે. સોશિયલ મીડિયા આ મજબૂરીને સમજે છે. એટલે સમાજને થવાવાળા નુકસાનની પણ તેઓ બિલકુલ ચિંતા નથી કરતા. ફેક ન્યૂઝના આ ખેલમાં ખુદ સરકાર પણ સામેલ છે. સૌથી મોટો ખેલ આંકડાઓની માયાજાળમાં હોય છે. આંકડાની વ્યાખ્યા સરકાર પોતાની રીતે પોતાની સુવિધા મુજબ કરી લેછે, જેથી તેનો ઉપયોગ પોતાની છબી સકારાત્મક બનાવવા કરી શકાય. લોકો ભલે ને ભ્રમિત થાય કે સત્ય શું છે?
સુપ્રીમ કોર્ટના જજ ચંદ્રચુડે પણ કહ્યું કે સરકાર જે બતાવેછે તે હંમેશા સત્ય નથી હોતું. આ બુદ્ધિજીવીઓની જવાબદારી છે કે તે સત્યની ખરાઈ કરે. જોકે અહીં તો બુદ્ધિજીવીઓનેજ ફર્જી ઘોષિત કરી દેવામાં આવેછે.હવે કોર્ટ કંઈ પણ કહે, પરંતુ આનાથી સમજમાં આવે છે કે ફેક ન્યૂઝ પર અંકુશ કેટલો કઠિન અને જોખમોથી ભરેલો છે.