Saturday, July 19, 2025
Homeપયગામત્રણ તલાક એટલે સંબંધ સાચવવા માટેની ત્રણ તકો

ત્રણ તલાક એટલે સંબંધ સાચવવા માટેની ત્રણ તકો

સમાજનું મૂળભૂત એકમ પરિવાર છે. પરિવાર બે પાત્રો પુરુષ અને મહિલાના કાયદાકીય રીતે એકત્રિત થવાથી નિર્માણ પામે છે. આ કાયદાકીય પ્રક્રિયાને આપણે નિકાહ, લગ્ન કે શાદીના નામથી ઓળખીએ છીએ. આ પરંપરા દરેક સમુદાયમાં જાેવા મળે છે. આ દાંપત્ય જીવનમાં જાેડાવાનો આશય પોતાની પ્રાકૃતિક જરૂરીયાતોની પૂર્તિ અને વંશવૃધ્ધિ હોય છે. આ એક પ્રકારનો જીવન પર્યંત સાથે રહેવાનો સામાજિક કરાર છે. સામાન્ય સંજાેગોમાં તેને સમાપ્ત કરી શકાય નહીં. પરંતુ માનવ જીવન ખૂબ જ જટિલ છે. સ્ત્રી-પુરુષના પોતાના સ્વભાવ, આદતો, વિચારો, પરિસ્થિતિઓ હોય છે. તેઓ સમાયોજન અને ગોઠવણ સાથે જીવન નિર્વાહ કરે છે. પરંતુ કેટલીક વખત વિપરીત અને અગમ્ય પરિસ્થિતિ આવી પડે છે. તેઓ એક બીજાથી સ્વતંત્ર થવાનું વિચારે છે.

હવે, પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે ઘર-કંકાસ, ઘર્ષણ, લડાઈ-ઝઘડા ખૂબ વધી જાય તો માણસે શું કરવું જાેઈએ!!! શું તેમને દુનિયાને દેખાડવા ખાતર આ સંબંધને ખેંચતા રહેવું જાેઈએ કે પછી સારી રીતે છૂટા થઈ નવા જીવનની શરૂઆત કરવી જાેઈએ!! જ્યારે દંપત્તિનું એક સાથ રહેવું અશક્ય થઈ જાય ત્યારે તેઓ શું કરે !!! ત્રણ વિકલ્પ તેમની પાસે હોય છે. પહેલું, શું તેઓ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ આત્મહત્યા કરી લે? બીજું, કોઈ એક વ્યક્તિ બીજાની હત્યા કરી અથવા કરાવી નાખે? ત્રીજું, બંને રાજી ખુશી છૂટા થઈ જાય?!! દરેક બુદ્ધિમાન અને વિવેકશીલ વ્યક્તિ આ જ કહેશે કે આવી પરિસ્થિતિમાં ત્રીજાે વિકલ્પ જ શ્રેષ્ઠ ઉકેલ છે. પરંતુ આ રસ્તો આપણને બીજા ઘણા ધર્મોમાં કે સમુદાયોમાં જાેવા મળતો નથી. ત્યાં વૈવાહિક જીવન જન્મ જન્મનો સાથ છે, એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય તમારે સંબંધ ખેચવો જ પડશે. તેનું એક મુખ્ય કારણ આ પણ છે કે આ સમાજમાં ત્યક્તા કે વિધવા મહિલાનો પુનર્વિવાહ અશક્ય છે. જ્યારે મનમેળ ન થાય તો પતિ-પત્નિ સાથે હોવા છતાં સાથે નથી હોતા. વ્યવહારિક વિયોગની પરિસ્થિતિમાં વ્યક્તિ લગનેતર સંબંધ સ્થાપે છે અથવા વેશ્યાવૃત્તિના રવાડે ચડે છે, અહીં સુધી કે હત્યા કે આત્મહત્યા જેવા કૃત્યો પણ કરી ગુજરે છે. આવી ઘટનાઓ અવારનવાર સમાચાર પત્રોમાં પ્રકાશિત થતી રહે છે. આવા લોકો નિરંતર દુખી હોય છે,પરિવાર કમજાેર બને છે અને સમાજના તાણાવાણા વિખરાઈ જાય છે. તેથી જ આજની સભ્ય દુનિયાએ છૂટાછેડાને એક વિકલ્પ તરીકે સ્વીકાર્યો છે. પ્રાચીન સમયમાં જ્યારે મહિલાનું કાર્યક્ષેત્ર માત્ર ઘરની ચાર ભીતો હતી ત્યારે મહિલા ઘણું બધુ વેઠીને પણ સંબંધ નિભાવવા મજબૂર હતી. હવે જ્યારે આજના યુગમાં મહિલાઓ સશક્ત, સ્વતંત્ર અને પગભર બની રહી છે ત્યારે કોઈ દબાણમાં રહેવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં દાંપત્ય જીવનનો, જ્યારે સાથે રહેવાનો કોઈ જ અવકાશ ન બચે, તો તેનો અંત લાવવાનો કોઈ માર્ગ હોવો જરૂરી છે.

ઇસ્લામ પરિવારની દૃઢતા અને સ્થિરતા ઉપર ભાર મૂકે છે. પતિ અને પત્નીને પ્રેમ અને સ્નેહપૂર્વક જીવન જીવવાનો આદેશ આપે છે. બંનેને એક બીજા માટે સુખ અને આધ્યાત્મિક ઉન્નતિનું માધ્યમ સમજે છે. બંનેને એક બીજાની ખામીઓને નજરઅંદાજ કરવા, ધૈર્ય અને ક્ષમાશીલતાની ભાવના સાથે જીવવા પ્રોત્સાહિત કરે છે. નાની નાની બાબતોને અવગણવાથી પતિ-પત્નીના જીવનમાં શાંતિ આવે છે. અલ્લાહ ફરમાવે છે, “…તેમના સાથે ભલી રીતે જીવન વિતાવો. જાે તેઓ તમને પસંદ ન હોય તો બની શકે છે કે એક વસ્તુ તમને પસંદ ન હોય પરંતુ અલ્લાહે તેમાં જ ઘણીબધી ભલાઈઓ મૂકી દીધી હોય.” (સુર: નિસા ૧૯)

જાે પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ (ઝઘડો અથવા મતભેદ) થઈ જાય, તો ઇસ્લામમાં તેના નિરાકરણ માટે કુઆર્ન અને સુન્નતમાં ખૂબ જ સ્પષ્ટ અને શાણપણભર્યું માર્ગદર્શન છે. કોઈ વિષમ પરિસ્થિતિ ઊભી થાય તો સૌપ્રથમ, વ્યક્તિગત પ્રયાસ કરવા જાેઈએ. પ્રેમ, સૌમ્યતા અને સમજણથી જાતે સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરો. તેના માટે અમુક સમય માટે પથારી પણ જુદી કરી શકાય. શક્ય છે વિરહના કારણે બંને ભેગા થઈ જાય. અલ્લાહના નબી ફરમાવે છે, “સ્ત્રીઓ અંગે સારી સલાહ સ્વીકારો, કારણ કે તેઓ અલ્લાહ તરફથી તમારી પાસે એક અમાનત છે.” (સહીહ બુખારી- ૫૧૮૫)

જાે આ રીતે પણ સમસ્યાનો ઉકેલ ન આવે તો બંને પક્ષમાંથી એક એક સમજુ વ્યક્તિ બેસીને તેમની વચ્ચે સમાધાન લાવવાનો પ્રયત્ન કરે. જેમકે કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“અને જાે તમને પતિ-પત્નીના સંબંધો બગડી જવાનો ભય હોય તો એક લવાદ પુરુષના સગામાંથી અને એક સ્ત્રીના સગામાંથી નિયુક્ત કરો, તેઓ બંને સંબંધો સુધારવા ચાહશે તો અલ્લાહ તેમના વચ્ચે સુમેળનો રસ્તો કાઢી આપશે. અલ્લાહ બધું જ જાણે છે અને ખબર રાખવાવાળો છે”. (સુર: નિસા ૩૫)

આ પ્રયાસ પણ નિષ્ફળ નિવડે તો પછી તેમને રાજી ખુશી છૂટા થઈ જવા માટેનો માર્ગ દેખાડે છે. ઇસ્લામે પરિવારને અંતિમ સીમા સુધી સાચવી રાખવાનું શિક્ષણ આપ્યું છે. અલ્લાહ નબી હઝરત મુહમ્મદ ફરમાવે છે કે “હલાલ વસ્તુઓમાં અલ્લાહને સૌથી અપ્રિય વસ્તુ તલાક છે.” (ઈબ્ને માજા). વાસ્તવમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય તો જ માણસને આ વિકલ્પ અપનાવવો જાેઈએ. નાની નાની વાતોમાં છૂટાછેડાની વાત કરવી એ શરિયતના કાનૂનની ભાવના વિરુદ્ધ છે. આ બાબતે ખૂબ સમજી વિચારીને પગલાં લેવાની જરૂર છે, ક્ષણિક આવેશમાં આવીને ગુસ્સામાં આવો ર્નિણય લેવો નાદાની છે.

હવે, પરિસ્થિતિ જાે અહીં સુધી પહોંચી જ ગઈ છે કે છૂટાછેડા સિવાય છુટકો જ નથી. તો ઇસ્લામે તેની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે, જેને અનુસરવું જાેઈએ. સૌથી પહેલા આ ગેરસમજ પોતાના મગજમાંથી કાઢી નાખો કે ત્રણ તલાક એક સાથે આપવાથી જ તલાક પૂર્ણ થશે. બલ્કે એ બાબત ફુકહા (ધર્મ શાસ્ત્રીઓ) નજીક નિર્વિવાદ છે કે એક સાથે ત્રણ તલાક આપવી ગુનો અને શરિયતની વિરુદ્ધ છે.

શરિયતના કાયદાઓ કૃપા ઉપર આધારિત છે. તલાકની પ્રક્રિયા પતિ-પત્નીને તરત છૂટા પાડવા માટે નહીં પણ સંબંધોને સુધારવા માટે ત્રણ અવસરો પ્રદાન કરે છે. ધારો કે પતિ-પત્ની એ હવે નક્કી જ કરી લીધું છે હવે છૂટેછેડા લઈ લેવા છે, તો તેના માટે જે માર્ગદર્શિકા છે તેને અનુસરવું જાેઈએ. પ્રથમ, છૂટાછેડા આપતી વખતે મહિલા માસિકની અવસ્થાથી પસાર ન થતી હોય, એટલે પવિત્રતાની સ્થિતિ હોવી જરૂરી છે. બીજું, આ દરમ્યાન તેણે સ્ત્રી સાથે સહશયન કરેલ ન હોવું જાેઈએ. ત્રીજું, સાક્ષીઓની હાજરીમાં છૂટાછેડા આપવા જાેઈએ.

છૂટાછેડા માટે વ્યક્તિએ માત્ર એક તલાક આપવી જાેઈએ. પારિભાષિક ભાષામાં તેને ‘તલાકે અહસન’ કહે છે. એક તલાક આપવાનો સૌથી મોટો લાભ આ છે કે વ્યક્તિને ત્રણ વિકલ્પ મળી જાય છે. પહેલું, ઇદ્દતની સમયવિધિમાં એટલે ત્રણ મહિનાની મુદ્દત દરમિયાન તે રુજુ કરી શકે છે. એટલે કે પાછું ખેંચી (withdraw) શકે છે, અને તેઓ બંને દંપત્તિ તરીકે આગળનું જીવન જીવી શકે છે. જેમકે અલ્લાહ ફરમાવે છે, “તેમના પતિઓ સંબંધ સુધારી લેવા માટે તૈયાર હોય, તો તેઓ આ ઇદ્દત (મુદૃત) દરમિયાન તેમને પત્ની તરીકે પાછા રાખી લેવાના હક્કદાર છે.” (સૂર: બકરહ ૨૨૮)

બીજું, જાે ત્રણ મહિનાની અંદર વ્યક્તિ પાછું ન ખેંચે તો તેઓ હંમેશા માટે એકબીજાથી છૂટા પડી જાય છે. હવે બંને સ્વતંત્ર છે જ્યાં ઈચ્છે યોગ્ય પાત્ર સુધી તેની સાથે લગ્ન કરી પોતાનું જીવન વ્યતીત કરી શકે છે.

“જ્યારે તમે તમારી સ્ત્રીઓને તલાક આપી દો અને તેઓ તેમની ઇદ્દત (મુદ્દત) પૂરી કરી લે, તો પછી એમાં અવરોધરૂપ ન બનો કે તેઓ પોતાના પ્રસ્તાવિત પતિઓ સાથે નિકાહ કરી લે, જ્યારે કે તેઓ ભલી રીતે એક-બીજા સાથે નિકાહ (લગ્ન) કરવા માટે રાજી હોય. તમને શિખામણ આપવામાં આવે છે કે આવું કૃત્ય કદાપિ ન કરજાે, જાે તમે અલ્લાહ અને આખિરતના દિવસ ઉપર ઈમાન ધરાવતા હોવ. તમારા માટે શિષ્ટ અને શુદ્ધ પદ્ધતિ આ જ છે કે તમે તેનાથી બચો”. (સૂર: બકરહ, ૨૩૨)

ત્રીજું, ધારો કે છૂટાછેડા પછી તેઓ ક્યાંય લગ્ન ન કરી શક્યા અને વર્ષ, બે વર્ષ કે ૧૦ વર્ષ એટલે જીવનમાં ગમે ત્યારે તેઓ પાછા પતિ-પત્ની તરીકે એકઠા થવા માંગે તો, નવી મહર સાથે પુન:લગ્ન કરી શકે છે. એટલે એક તલાક પોતાનામાં પૂર્ણ હોય છે અને મહિલા ઇદ્દત ગુજાર્યા પછી ગમે ત્યાં ગમે ત્યારે લગ્ન કરી શકે છે. અમુક લોકોને આ ગેરસમજ છે કે જ્યાં સુધી ત્રણ તલાક ન થાય તો સ્ત્રી બીજે ક્યાંય લગ્ન કરી શકતી નથી, તે ખોટું છે.

હવે, ધારો કે તેમણે એક બીજા સાથે પુન:વિવાહ કર્યો અને ફરીથી પહેલા જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો પુરુષ પહેલાની જેમ, પ્રક્રિયાને અનુસરી બીજી વખત તલાક આપી શકે છે. અને તે ઇદ્દતની મુદ્દતમાં રુજુ કરી શકે છે અથવા છૂટા પડી શકે છે. પરંતુ જાે છૂટા પડી ગયા હોય અને ફરી તેઓ ત્રીજી વાર મળવા ઈચ્છે તો ફરી નવા મહર સાથે લગ્ન કરી શકે છે. અલબત્ત દાંપત્ત્ય જીવનને સાચવવા કે બચાવવા માટેની આ છેલ્લી તક છે. હવે, જાે તે ત્રીજી વખત તલાક આપી દે તો તેના માટે એ મહિલા હંમેશ માટે હરામ થઈ જાય છે અને તેમના માટે પુન:મિલનનો કોઈ અવસર બાકી રહેતો નથી. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,

“તલાક બે વાર છે. પછી સીધી રીતે સ્ત્રીને રોકી લેવામાં આવે અથવા ભલાઈપૂર્વક તેને વિદાય કરી દેવામાં આવે; અને વિદાય કરતી વખતે એવું કરવું તમારા માટે ઉચિત નથી કે જે કંઈ તમે તેને આપી ચૂક્યા છો, તેમાંથી કેટલુંક પાછું લઈ લો, સિવાય કે પતિ-પત્નીને અલ્લાહની નિર્ધારિત સીમાઓ પર અડગ ન રહી શકવાનો ભય હોય”. (સૂર: બકરહ, ૨૨૯)

હવે ત્રણ તલાક પછી સ્ત્રી પોતાની ઈચ્છા પ્રમાણે બીજા પુરુષ સાથે લગ્ન કરવા સ્વતંત્ર છે. પરંતુ ધારો કે આ બીજાે પુરુષ મૃત્યુ પામે અથવા તલાક આપી દે, અને જાે તે ઈચ્છે તો પૂર્વ પતિ અથવા બીજા કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરી શકે છે. આ રીતે સ્ત્રી પોતાના પ્રથમ પતિ માટે હલાલ થાય છે. ઇસ્લામે પતિ-પત્નીને વારંવાર ભેગા કરવાના અવસરો આપ્યા છે. પછી જાે (બે વાર તલાક આપ્યા પછી પતિએ સ્ત્રીને ત્રીજી વાર) તલાક આપી દીધી, તો તે સ્ત્રી પછી તેના માટે હલાલ (વૈધ) રહેશે નહીં, સિવાય કે તેના નિકાહ (લગ્ન) કોઈ બીજા પુરુષ સાથે થાય અને તે તેને તલાક આપી દે. ત્યારે જાે પહેલો પતિ અને આ સ્ત્રી બંને એમ વિચારે કે અલ્લાહના કાનૂન ઉપર અડગ રહેશે, તો તેમના એક-બીજા સાથે ફરી મળી જવામાં કોઈ દોષ નથી. આ અલ્લાહે નિર્ધારિત કરેલી સીમાઓ છે, (સુર:બકરહ ૨૩૦)

એ વાત યાદ રહેવી જાેઈએ કે બીજા પુરુષ સાથે લગ્ન નિર્ધારિત સમય માટે અથવા આયોજન બદ્ધ તલાક લેવા માટે ન હોવા જાેઈએ. આ રીતે હલાલા કરવું હરામ છે. કેમકે આ શરિયતની નજરમાં આ કાયદેસરના લગ્ન નથી, આ કુરિવાજ સ્ત્રીને પહેલા પતિ માટે કાયદેસર બનાવવાના હેતુથી કરવામાં આવે છે. હકીકતમાં, આ પ્રક્રિયા શરિયાહ પ્રત્યે છેતરપિંડી, અવમાનના, ઘૃણિત અને અનૈતિક કાર્ય માત્ર છે. પયગંબર એ ફરમાવ્યું, “હલાલા કરવા વાળા અને હલાલા કરનાર બંને ઉપર અલ્લાહની લાનત(શાપ) છે.” (દારીમી ૨૩૦૪)

આ ખૂબ જ દુખદ છે કે મુસ્લિમ સમાજ પોતે પણ છુટાછેડા આપવાની સાચી પ્રક્રિયાથી અજાણ છે. તેઓ એમ સમજે છે કે ત્રણ વાર તલાક આપવાથી જ છૂટાછેડા શક્ય બને છે અને આ ગેરસમજ ઊભી થવાનું કારણ આ છે કે આપણે ત્યાં જે ફિલ્મો અને ડ્રામા નિર્માણ પામ્યા છે, લેખકોએ જે કૃતિઓ અને નવલકથાઓ લખી છે, તેમાં છૂટાછેડા આપવાની આ જ ખોટી પ્રક્રિયા એટલે કે એક સાથે ત્રણ કલાક આપવાના દૃશ્યો જ રજૂ કર્યા છે. આપણા વિદ્વાનો, ખતીબો અને આલીમો પણ સાચી રીત શીખવવામાં નિષ્ફળ ગયા છે. અથવા જેટલા પ્રમાણમાં પ્રયાસો થવા જાેઈએ એ ન થઈ શક્યા.

આટલું જ નહીં આપણા કહેવાતા બુદ્ધિજીવીઓ, આગેવાનો પણ તલાકની સાચી પ્રક્રિયાથી વાકેફ નથી. અહીં સુધી કે કાયદા સાથે જાેડાયેલા મુસ્લિમ વકીલો પણ આ બાબતે ઉણા ઉતર્યા છે. તેઓ પણ એમ જ સમજે છે કે એકી સાથે ત્રણ કલાક આપવાથી જ તલાક શક્ય બને છે. જાે એક તલાક આપીને તેઓ છૂટા થઈ જાય તો પત્ની બીજે ક્યાંય લગ્ન કરી શકતી નથી, કેમકે હજુ તેણે માત્ર એક જ તલાક મળી છે. કેટલીક જગ્યાએ વકીલ મિત્રો તલાકે હસનને અનુસરે છે એટલે દર મહિને એક એક તલાક અપાવે છે. આવી પરિસ્થિતિમાં તેઓ પોતાના ક્લાયન્ટને એમ સમજાવે છે કે તમે દર માસે એક-એક તલાક આપશો એટલે ત્રણ મહિનામાં ત્રણ કલાક આપશો તો ત્રણ વખત દસ્તાવેજના ખર્ચા કરવા પડશે. તેના કરતાં એક જ દસ્તાવેજમાં ત્રણ કલાક આપી છૂટા થઈ જાઓ. અને આ રીતે સંબંધ સાચવવાની ત્રણ તકો પોતાના હાથે સમાપ્ત કરી નાંખે છે.

આ જ રીતે જાે પત્ની પોતાના પતિથી તલાક ઇચ્છતી હોય અને જાેડી રાખવાના પ્રયાસો નિષ્ફળ નીવડે તો પુરુષ એક તલાક આપી તેને સ્વતંત્ર કરી શકે છે. તલાક ન આપવી એટલે સ્ત્રીને લટકાવી રાખવું ગુનો છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રી દારૂલ કઝા (સુલેહ સફાઇ કેન્દ્ર)નો સંપર્ક કરી પોતાને સ્વતંત્ર કરાવી શકે છે. જેમકે કુઆર્નમાં છે, “…જાે તમને એ ભય હોય કે તેઓ બંને અલ્લાહની નિર્ધારિત સીમાઓ ઉપર અડગ રહેશે નહીં, તો એ બંનેના વચ્ચે આ મામલો કરી લેવામાં વાંધો નથી કે સ્ત્રી પોતાના પતિને કંઈક બદલો ચૂકવી દઈ પોતે છૂટી થઈ જાય. આ અલ્લાહે ઠરાવેલી મર્યાદાઓ છે, તેનું ઉલ્લંઘન ન કરો અને જે લોકો અલ્લાહની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે તેઓ જ અત્યાચારી છે.” (સૂર: બકરહ, ૨૨૯)

સમાજમાં સાચી જાગૃતિ લાવવાની જરૂર છે તેના માટે આપણાં બધાએ સહિયારા પ્રયાસો કરવા જાેઈએ. જુમઆના ખુતબા (પ્રવચન)માં, વિશેષ રીતે વકીલ મિત્રોમાં જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. જાે તલાકની સાચી પ્રક્રિયા એટલે ‘તલાકે અહસન’ (એક તલાક)ની રીત અપનાવવામાં આવશે તો આપણે ઘણા પરિવારોને તૂટતાં બચાવી શકીશું, અને હલાલાના નામે જે નિંદાત્મક કૃત્યો થઈ રહ્યા છે, ભલે તે બિલકુલ ઓછા પ્રમાણમાં કેમ ન હોય, તેનાથી પણ મુક્તિ મેળવી શકીશું ઈંશાઅલ્લાહ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments