યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ઇક્વિટી માર્ગદર્શિકાઓને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ સામે કાર્યવાહી કરવાની દિશામાં લાંબા સમયથી બાકી રહેલું એક મહત્વપૂર્ણ પગલું ગણાવે છે. આ વિકાસ સતત વિદ્યાર્થી આંદોલનો, ન્યાયિક હસ્તક્ષેપ અને રોહિત વેમુલા તથા પાયલ તડવી જેવા વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનની પૃષ્ઠભૂમિમાં શક્ય બન્યો છે. માર્ગદર્શિકામાં OBC સમુદાયનો સમાવેશ, સમયબદ્ધ તપાસ વ્યવસ્થા અને ઇક્વિટી કમિટીઓની રચના; આ બધું અગાઉની ખોખલી અને બિનઅસરકારક માર્ગદર્શિકાઓથી સ્પષ્ટ વિચ્છેદ દર્શાવે છે. તેમ છતાં, જો આ ઇક્વિટી સંસ્થાઓને વાસ્તવમાં સ્વાયત્તતા, સત્તા અને SC, ST તથા OBC સમુદાયોના પ્રતિનિધિઓના નેતૃત્વ હેઠળ રાખવામાં ન આવે, તો આ સુધારા માત્ર પ્રતીકાત્મક બનીને રહી જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.
વધુમાં, ભલે નિયમોમાં ધર્મના આધારે થતા ભેદભાવને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હોય, છતાં લઘુમતીઓ; ખાસ કરીને ઇસ્લામોફોબિયા, સામાજિક બહિષ્કાર અને સંસ્થાગત ઉપેક્ષાનો સામનો કરતા મુસ્લિમ વિદ્યાર્થીઓ; માટે કોઈ સ્પષ્ટ સુરક્ષા વ્યવસ્થા કે જવાબદારીના મિકેનિઝમ્સ પૂરા પાડવામાં આવ્યા નથી. નજીબ અહમદના વણઉકેલાયેલા ગાયબ થવાનો કેસ આ વ્યવસ્થાગત નિષ્ફળતાની પીડાદાયક યાદ અપાવે છે. ઇક્વિટી માત્ર ઘોષણાત્મક કે પસંદગીપૂર્વક અમલમાં મૂકાય એવી હોઈ શકે નહીં. SIO માંગણી કરે છે કે હાંસિયે ધકેલાયેલા વિદ્યાર્થીઓનું ફરજિયાત પ્રતિનિધિત્વ, સ્વતંત્ર દેખરેખ અને અમલમાં મૂકી શકાય તેવી જવાબદારીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે; અન્યથા UGC દ્વારા કરાયેલી ઇક્વિટીની પ્રતિજ્ઞા ખોખલી અને અધૂરી રહી જશે.
