(પ્રેસ નોટ)
યુનિયન બજેટ 2022, શિક્ષણના ઘટતાં જતાં ગ્રાફ અને બેરોજગારીના મારને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આયોજિત ખર્ચમાં જાળવવામાં આવેલી યથાસ્થિતિ મહામારીથી પ્રભાવિત શિક્ષણ ક્ષેત્રની સંપૂર્ણ ઉપેક્ષાને દર્શાવે છે.
કોવિડ-19 રોગચાળાના બે વર્ષમાં તમામ સ્તરે વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ શૈક્ષણિક નુકસાન થયું છે. અમને આશા હતી કે આ વર્ષનું બજેટ આ નુકસાનની ભરપાઈ કરશે અને શિક્ષણક્ષેત્રને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે, પરંતુ તે નિરાશાજનક રહયું છે. કેટલીક ઈ-લર્નિંગ પહેલને બાદ કરતાં, આ મુદ્દાને ઉકેલવા માટે બજેટમાં કંઇ ખાસ નથી. ડિજિટલ શિક્ષણ ક્લાસરૂમ શિક્ષણનું માત્ર પૂરક થઇ શકે, પરંતુ તે ક્યારેય વિકલ્પ બની શકે નહીં.
શૈક્ષણિક બજેટમાં એક વર્ષ સુધી ધરખમ ઘટાડા બાદ આ વર્ષે ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, મોટાભાગની વધારાની ફાળવણી ‘રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન (RUSA)’ અને ‘એક્ઝામ્પલર સ્કૂલ્સ’ જેવી ‘ટ્રિકલ ડાઉન’ યોજનાઓ તરફ નિર્દેશિત કરવામાં આવી છે જે માત્ર કેટલીક સારી કામગીરી કરતી સંસ્થાઓની તરફેણ કરે છે અને બહોળા વિદ્યાર્થી સમુદાય માટે ઓછી ઉપયોગી સાબિત થઇ છે.
બીજી તરફ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા, લઘુમતી, ગરીબ અને મહિલા વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય યોજનાઓ માટેના ખર્ચમાં કાં તો ઘટાડો થયો છે અથવા માત્ર નજીવો વધારો થયો છે. આ ચિંતાનું કારણ છે, કારણ કે શિષ્યવૃત્તિ અને ફેલોશિપ એ શિક્ષણના ક્ષેત્રમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે ચાવીરૂપ છે. આ ઘટાડો સમાજમાં શૈક્ષણિક અસમાનતામાં વધુ વધારો કરશે.
એવા સમયે જ્યારે યુવાનો વધતી બેરોજગારીને કારણે બેચેન બની રહ્યા છે, ત્યારે સરકાર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતામાં રોકાણ કરે તેવી અપેક્ષા હતી. જો કે, કૌશલ્ય વિકાસની પહેલના ભંડોળમાં કોઇ નોંધપાત્ર વધારો થયો નથી, જ્યારે ગયા વર્ષે ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે ફાળવવામાં આવેલ નજીવું બજેટ યથાવત રહ્યું છે.
એકંદરે, તે એક સામાન્ય અને નિરાશાજનક બજેટ છે. તે મુખ્ય ક્ષેત્રોના નવીનીકરણ માટે અને તેમને સુવ્યવસ્થિત કરવા માટેની આશા જાગૃત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.
ફવાઝ શાહીન
રાષ્ટ્રીય સચિવ,
એસ. આઇ. ઓ. ઓફ ઇન્ડિયા