ઉમ્મતે મુસ્લિમા ગમે તેવી પરિસ્થિતિમાં અડીખમ, સ્થિતિસ્થાપક અને દીર્ઘજીવી કોમ-સમુદાય છે. આ સમાજ પંદરસૌ વર્ષોથી એવી ભયંકર પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે કે તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જવાને આરે આવી ગયું હતું. જો કોઈ બીજી કોમ હોત તો કદાચ ધરા ઉપરથી નામશેષ થઈ ગઈ હોત, પણ ઉમ્મતે મુસ્લિમા ફરી જીવંત થઈ અને પહેલા કરતાં વધુ શક્તિશાળી થઈને બહાર આવી. એક શાયરે બહુ સારી વાત કહી છે:
ઇસ્લામ કી ફિતરત મેં કુદરત ને લચક દી હૈ,
ઉતના હી યે ઉભરેગા જિતના કે દબાઓગે.
આજે પણ ઉમ્મતે મુસ્લિમાને એવી જ વિકટ પરિસ્થિતિનો સામનો છે. વૈશ્વિક સ્તરે અને આપણા દેશના સ્તરે પણ ઉમ્મતે મુસ્લિમા એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ઉમ્મતે મુસ્લિમાને આતંકવાદી અને પછાત જાહેર કરી તેની વિરુદ્ધ વિષવમન તો ચાલુ જ છે; ઇસ્લામોફોબિયાનું વાતાવરણ ઊભું કરી તેને એકલા પાડી દેવાની સાજિશો પણ રચાઈ રહી છે.
આપણા દેશમાં પણ રોજ એક નવી આફત અને મુશ્કેલી આપણા દ્વારે આવીને ઊભી રહે છે. ક્યારેક બાબરી અને જ્ઞાનવાપીની પૌરાણિક ધરોહર સમી મસ્જિદોને મંદિરમાં ફેરવી દેવાના કારસાઓ, ક્યારેક દુકાનો, મકાનો, દરગાહો, મસ્જિદો અને મદ્રેસાઓ પર બુલડોઝર હુમલાઓ, ક્યારેક મોબ લિંચિંગ જેવી ક્રૂર ઘટનાઓ, તો ક્યારેક યુનિફોર્મ સિવિલ કોડના નામે તેમને ઇસ્લામી શરિયતથી બેદખલ કરી દેવાના કાવતરાં. ક્યારેક NRC ના નામે તેમનું નાગરિકત્વ અને ઓળખ ભૂંસી દેવાની ચાલો, તો ક્યારેક નમાઝ, અઝાન અને તેમની મઝહબી બાબતોથી તેમને રોકી દેવાના પ્રયત્નો.
છતાંય ઉમ્મતે મુસ્લિમા સહેજ પણ નાસીપાસ કે હતાશ થયા વિના અડીખમ રહીને પોતાની રીતે અગ્રેસર થઈ રહી છે. અને કેમ ન હોય? તેઓ જાણે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, તેનું નિર્માણ અલ્લાહ તરફથી જ કરવામાં આવી રહ્યું છે અને તે જ આ પરિસ્થિતિને બદલવા સામર્થ્યવાન છે. અલ્લાહ કોઈ પણ વ્યક્તિ પર તેની સામર્થ્યથી વધુ બોજો નથી નાંખતો.
કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે:
- “કોઈ મુસીબત ક્યારેય આવતી નથી પરંતુ અલ્લાહની આજ્ઞાથી જ આવે છે…” (સૂરઃ તગાબુન-11)
- “અલ્લાહ કોઈ ઉપર તેની શક્તિથી વધુ જવાબદારીનો બોજ નાખતો નથી.” (સૂરઃ બકરા-286)
ઉમ્મતનું ઈમાન છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ કાં તો અલ્લાહ તરફથી પરીક્ષા કે અઝમાઈશ તરીકે થઈ રહ્યું છે, અથવા અલ્લાહ તઆલા તેમાં વધુ સલાહિયતો (યોગ્યતા) પેદા કરી તેના દરજ્જાઓ વધારવા માંગે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે ઉમ્મતને આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, ત્યારે તેમની અંદર એક નવો જોશ, સ્ફૂર્તિ, સામર્થ્ય અને નેતૃત્વ પેદા થયું છે.
ભારતવર્ષમાં હિન્દુ ધર્મે બાકી ઘણાબધા ધર્મોના જુદા અસ્તિત્વને સમાપ્ત કરી પોતાનામાં સમાવેશ કરી લીધો જેમ કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને છેલ્લે શીખ ધર્મ; પણ ઇસ્લામને આવી રીતે પોતાનામાં ભેળવવામાં તેને ઘોર નિષ્ફળતા પ્રાપ્ત થઈ.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ ટકી રહેવા પાછળ કારણભૂત એવા વિશિષ્ટ લક્ષણો જે માત્ર ઉમ્મતે મુસ્લિમામાં જોવા મળે છે તેની થોડી ચર્ચા કરી લઈએ:
અલ્લાહ ઉપર સંપૂર્ણ ભરોસો:
“તવક્કુલ અલલ્લાહ” એટલે કે અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો ઉમ્મતે મુસ્લિમાની સૌથી મોટી તાકાત છે. અને આજે જ્યારે ઉમ્મતમાં અલ્લાહ પર ઈમાન અને ભરોસાની તીવ્રતા સૌથી નિમ્ન કક્ષાની છે, છતાંય આની મજબૂતીની પરાકાષ્ઠા છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ઉમ્મત અડીખમ ઊભી છે. જેમ આગળ વાત કરવામાં આવી છે કે એ વાત પર ઈમાન કે અલ્લાહ બધું જોઈ રહ્યો છે અને ઉમ્મતની સુરક્ષા માટે એ પર્યાપ્ત છે. “હસ્બુનલ્લાહુ વ ને’મલ વકીલ” (અમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે જ સર્વોત્તમ કાર્યસાધક છે) – આ આયતે મુબારકા તેમનું બ્રહ્મવાક્ય છે અને તેમની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આ ઈમાન કમજોર હાલતમાં પણ એટલું પ્રભાવી છે કે તે ઉમ્મતે મુસ્લિમાને એવી શક્તિ આપે છે જે બીજા કોઈ સમાજમાં જોવા મળતી નથી. આ જ શક્તિના કારણે આજે પણ ઉમ્મત વિશ્વમાં અગ્રેસર છે અને આ જ તાકાત ભવિષ્યમાં પણ તેને વિશ્વનું નેતૃત્વ અપાવવા સક્ષમ છે.
વ્યક્તિગત રીતે પણ આ અલ્લાહ પરના ભરોસાના કારણે જ મુસ્લિમોમાં માનસિક રોગ અને આત્મહત્યાની વૃત્તિ બહુ ઓછી જોવા મળે છે અને ઘણું મોટું નુકસાન થઈ ગયા પછી પણ તેના માથા ઉપર વ્યથાની કોઈ લકીર દેખાતી નથી. પ્રિય વ્યક્તિનું અવસાન પણ તેને વિચલિત કરતું નથી અને તે પોકારી ઊઠે છે: “ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલયહિ રાજિઊન” (અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહ તરફ જ અમારે પાછા ફરવાનું છે).
દીન સાથે સંબંધ અને તેના શઊરમાં વધારો:
મુસ્લિમ સમાજની આદર્શ અને દીની કૌટુંબિક વ્યવસ્થા હાલની પરિસ્થિતિમાં તેનું સૌથી મોટું જમાપાસું અને તેની વિશેષતા છે. આજે જ્યારે આખા વિશ્વમાં કૌટુંબિક અને સામાજિક વ્યવસ્થા પડી ભાંગી છે ત્યારે મુસ્લિમ સમાજમાં આ વ્યવસ્થા હજુ કુર્આનના સિદ્ધાંતો મુજબ ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. કુર્આને જે પ્રમાણે નિકાહને ઇબાદતનો દરજ્જો આપ્યો છે, પતિ-પત્ની, માતા-પિતા, બાળકોનો ઉછેર, દૂરના અને નજીકના સંબંધીઓ અને પાડોશીઓના જે હક્કો વર્ણવ્યા છે તેનો પ્રભાવ મુસ્લિમ સમાજમાં આજે પણ જોવા મળે છે અને તે તેની સૌથી મોટી તાકાત પુરવાર થાય છે. આજે મુસ્લિમ સમાજમાં માતા-પિતાનો આદર અને સન્માન અકબંધ છે. એટલે જ મુસ્લિમ સમાજમાં વૃદ્ધાશ્રમો (ઘરડાઘર) ની સંખ્યા નહિવત છે. એક સમય હતો જ્યારે અનાથો માટે પણ જુદા આલયો- યતીમખાના ખોલવામાં આવતા નહોતા અને પરિવારો તેઓને પોતાના પરિવારના સભ્યોની જેમ ઉછેરતા હતા. જોકે હવે બાહ્ય પ્રભાવના કારણે મુસ્લિમ સમાજમાં પણ અનાથાલયો વધવા લાગ્યા છે પણ હજુ તેમની સંખ્યા ઓછી જ છે.
પશ્ચિમના એક પ્રખ્યાત ચિંતક ડેવિડ સેલબોર્નનું એક પુસ્તક ઘણું ચર્ચામાં છે. “The Losing Battle with Islam” નામના આ પુસ્તકમાં તેઓ લખે છે કે પશ્ચિમ ઇસ્લામ સાથે સંસ્કૃતિનું યુદ્ધ હારવાની કગારે છે, અને આના માટે તેઓએ જે દસ કારણો આપ્યા છે તેમાં સૌથી મોખરે ઇસ્લામી સમાજની મજબૂત કૌટુંબિક વ્યવસ્થા છે.
ખિદમતે ખલ્ક- જનસેવાની ભાવના અને અલ્લાહની રાહમાં ખર્ચ:
મુસ્લિમ સમાજની એક ઉડીને આંખે વળગતી ખૂબી તેની જનસેવા એટલે કે ખિદમતે ખલ્કની ભાવના છે. આખા વિશ્વમાં ક્યાંય પણ કોઈ મુશ્કેલી આવી પડે તો સૌથી પહેલા દોડીને જનારા મુસ્લિમો જ હોય છે. આપણે આપણા દેશમાં અને રાજ્યમાં પણ જોઈએ તો અતિવૃષ્ટિ હોય, પૂર હોય, ધરતીકંપ હોય કે કોઈ બીજી મહામારી હોય, મુસ્લિમ સમાજ સદૈવ સેવા માટે ખડેપગે હોય છે. પોતાના પ્રાણની ચિંતા કર્યા વિના તેઓ લોકોને ઉગારવા કૂદી પડતા હોય છે. કોરોના કાળમાં મુસ્લિમોએ જેવી રીતે સેવા કરી છે તેને આજ સુધી દેશ ભુલાવી શક્યો નથી. આનું કારણ પણ કુર્આનની શિક્ષા અને પયગંબર હઝરત મુહમ્મદ ﷺ નું શિક્ષણ અને તેમના આદેશો જ છે.
ઇસ્લામી અસ્મિતા પર ગર્વ:
એક મુસ્લિમ જેનો પોતાના દીન સાથે સંબંધ કેટલોય નબળો કેમ ન હોય અને વ્યવહારમાં તે ઇસ્લામથી કેટલોય દૂર કેમ ન હોય, તો પણ ઇસ્લામ પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના તેમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ભલે ઇસ્લામના સિદ્ધાંતો પર અમલ ન કરતો હોય પણ ઇસ્લામ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા દરેક સમયે તત્પર હોય છે, તે કોઈ પણ સંજોગોમાં ઇસ્લામને ત્યજી દેવા તૈયાર થઈ શકે નહીં. આ જ ભાવના છે જેના કારણે મુસ્લિમ સમાજ પોતાના દીનના આધારો સાથે મજબૂતીથી જોડાયેલો છે.
સબ્ર ઇસ્તિકામત:
મુસ્લિમોમાં સબ્ર (ધીરજ) ની ભાવના અને પોતાના સિદ્ધાંતો પ્રત્યે અડગતા (ઇસ્તિકામત) એક એવો ગુણ છે, જે તેને દરેક સ્થિતિમાં પોતાને ટકાવી રાખી આગળ વધવા અને સમાજને જીવંત રાખવા પ્રેરે છે. આ ખૂબી પણ બીજા સમાજોમાં ભાગ્યે જ જોવા મળે છે.
મસ્જિદની ભૂમિકા:
મસ્જિદ મુસ્લિમ સમાજની ધરીનું કાર્ય કરે છે. મુસ્લિમ સમાજની દરેક ગતિવિધિ ત્યાંથી સંચાલિત અને ત્યાં જ કેન્દ્રિત હોય છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં મસ્જિદનો આ પ્રભાવ ઓછો થયો છે, છતાંય આજે પણ મસ્જિદની ભૂમિકા એટલી જ મહત્વપૂર્ણ છે. પાંચ સમયની નમાઝ, જુમ્આના પ્રવચન અને ઈદની નમાઝો દ્વારા સમાજને સીધો રસ્તો ચીંધવાનું ઉત્તમ કાર્ય કરી શકાય છે.
આંતરરાષ્ટ્રીય બંધુત્વની ભાવના:
“કુલ્લુ મોમિનુન ઇખ્વા” (દરેક મોમિન આપસમાં ભાઈ ભાઈ છે), અને પયગંબર ﷺ ની હદીસ: “અલ મુસ્લિમૂન ક રજુલિન વાહિદ” (મુસ્લિમો એક શરીરની જેમ છે) જેવા શિક્ષણના કારણે મુસ્લિમો ભલે ગમે તે દેશમાં રહેતા હોય, પરસ્પર એકબીજા સાથે લાગણીના સંબંધે જોડાયેલા છે. આ વિશ્વ બંધુત્વની ભાવના તેની અનેરી શક્તિ બની જાય છે.
આ બધી ખૂબીઓ છે જે આજે પણ મુસ્લિમ સમાજને શક્તિશાળી બનાવે છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અડીખમ રહેવાની હિંમત આપે છે. આ ખૂબીઓ જો સાચી રીતે વિકાસ પામે તો ઉમ્મતે મુસ્લિમાને વિશ્વનું નેતૃત્વ કરવાથી રોકી શકાશે નહીં, અને કુર્આનનું આ વિધાન પૂર્ણ થઈને રહેશે: “કુન્તુમ ખય્ર ઉમ્મતિન ઉખ્રિજત લિન્નાસ” (હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવ્યા છે.)
