આપણા જીવનમાં વધુ એક રમઝાનનો મહિનો આવ્યો અને પોતાની કૃપાઓ વિખેરતા આપણાથી વિદાય થઈ ગયો. આપણે પોતાના દામનમાં કેટલું ભરી શક્યા એ આપણા એખલાસ પર આધાર રાખે છે. ઘણા એવા હશે જેમના માટે અલ્લાહે નર્કથી મુક્તિનું ફરમાન જાહેર કરી દીધું હશે અને કેટલાક એવા હશે જેમને ભૂખ અને તરસ સિવાય કશું હાથ ન લાગ્યું હોય.
રમઝાન આવ્યો હતો આપણને પ્રશિક્ષિત કરવા માટે, આપણી અંદર રહેલી ખામીઓને દૂર કરવા માટે, નૈતિક ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ માટે, અલ્લાહથી સંબંધને જીવંત બનાવવા અને તેના પ્રેમમાં લીન થઈ જવા માટે. રમઝાનના મુબારક મહિનાએ આપણને કુઆર્નથી જાેડયા છે. રમઝાને આપણી અંદર દાન શીલતા ઉત્પન્ન કરી છે અને સમાજના દુઃખ દર્દમાં ભાગીદાર થવાનું શીખવ્યું છે. સાચો રમઝાન પસાર કર્યો એનો જ કહેવાય જેણે પોતાની અંદર સકારાત્મક પરિવર્તન આણ્યા હોય. પોતાના વિચારોમાં શુદ્ધતા મેળવી હોય. પોતાના કર્મોને એક નિયમ આધીન લાવવાનો સંકલ્પ કેળવ્યો હોય. સમયબદ્ધતા અને શિસ્તના પાઠ ભણ્યા હોય. અને સમગ્ર જીવનને અલ્લાહના આદેશો મુજબ શણગારવા પ્રતિબદ્ધતા કેળવી હોય. આ બધી લાક્ષણિકતાઓ તકવાના થડથી નીકળતી શાખઓ છે. તકવા એટલે ભય અથવા બચવું, સંયમ અને પરહેજગારી. ઇસ્લામી પરિભાષા મુજબ એમ કહી શકાય કે અલ્લાહની નારાજગીનો ભય જે તેના પ્રત્યે અતિશય પ્રેમ, મહાનતા, સમ્માન અને પવિત્રતાના કારણે ઉત્પન્ન થતો હોય. આ જ ભાવ માણસને ખોટું કરતા, હિંસા આચરતા, જુલ્મ અને અતિક્રમણ કરતા રોકે છે. આ જ ગુણ વ્યક્તિમાં આજ્ઞાકારિતાનો જુસ્સો પેદા કરે છે.
ત્રીસ દિવસના રોઝા આપણામાં જે વિશેષતાઓનું સિંચન કરવા આવ્યા હતા તેને દાંતોથી પકડી લેવાના છે. આ સબ્ર એટલેકે ધૈર્યનો મહિનો હતો. જેમ બીજને વટવૃક્ષ બનવા માટે જમીનની જરૂર છે, તે કુંડામાં રહી ઉચ્ચત્તમ શિખરે પહોંચી શકતું નથી, તેમ આ લક્ષણ એકાંતવાસમાં પ્રગતિ પામતું નથી, તેના માટે દા’વત અને સંઘર્ષનું મેદાન જરૂરી છે. ચાલો, આપણે ટૂંકમાં અમુક મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ કે જેથી તેમની માવજત કરી શકાય.
અલ્લાહથી વિશુદ્ધ સંબંધઃ મહોબ્બત, ઇતાઅત, ઇબાદત
કોઈ મોમિન વ્યક્તિ એવી હશે જે અલ્લાહને એક ન માનતી હોય!!? કદાચ નહીં, પરંતુ તેને એક માનવાનો અર્થ સમજવા વાળા અને તકાદાથી અજાણ મોટી સંખ્યામાં લોકો મળી જશે. ઈમાન ફક્ત મૌખિક જમા-ઉધાર નથી, એક હાર્દિક ભાવ છે જે વિચારોને પવિત્ર અને જીવનના ઉદ્દેશ્યની સમજ આપે છે. અલ્લાહને માનવા અને અલ્લાહને માણવામાં ઘણો ફેર છે. તે એક અને અદ્વિતીય છે તેની જ ઇબાદત (પૂજા અને ઉપાસના) થવી જાેઈએ. વ્યહવારુ જીવનમાં જાેઈએ તો માનવી સ્વાભાવિક રીતે તેને ચાહે છે, જે તેની મદદ કરતો હોય, જેના ઉપકાર હેઠળ હોય, નિઃસ્વાર્થ તેની સેવા કરતો હોય. આમ જાેઈએ તો માનવી ઉપર સૌથી વધુ ઉપકાર અલ્લાહના છે જેણે જીવન પ્રદાન કર્યું અને તેને અમર્યાદિત ભેટો આપી. એટલી બધી કે આપણે ગણી પણ શકતા નથી. તેનાથી સહાય માગીએ, કેમકે તેજ વાસ્તવિક વલી અને મદદગાર છે. અને વાસ્તવમાં માત્ર તેની પાસે જ એ શક્તિ છે જે તમામ લોકોની જરૂરતો પૂરી કરી શકે.
તે આપણાથી દૂર નથી બલ્કે આપણા ગળાની ધોરીનસથી પણ વધુ નજીક છે. તે માત્ર શબ્દોને નથી સાંભળતો બલ્કે હૃદયમાં ઉત્પન્ન થતા વિચાર સુદ્ધાંને પણ જાણે છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છેઃ “અને હે નબી ! મારા બંદાઓ જાે તમને મારા વિષે પૂછે, તો તેમને જણાવી દો કે હું તેમના નજીકજ છું. પોકારનાર જ્યારે મને પોકારે છે, હું તેનો પોકાર સાંભળું છું અને જવાબ આપું છું. આથી તેઓ મારા આમંત્રણને વધાવી લે અને મારા પર ઈમાન લાવે. (આ વાત તમે તેમને સંભળાવી દો) કદાચ તેઓ સન્માર્ગ પામી લે.” (સૂરઃબકરહ-૧૮૬) તે જ વ્યક્તિને રોગથી મુક્તિ આપે છે. “અને જ્યારે બીમાર પડું છું તો તે જ મને સાજાે કરે છે.” (સૂરઃ શુઅરા-૮૦) તે જ મુશ્કેલીને દૂર કરે છે. “જાે અલ્લાહ તમને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે, તો તેના સિવાય કોઈ નથી જે તમને આ નુકસાનથી બચાવી શકે, અને જાે તે તમને કોઈ ભલાઈ પ્રદાન કરે તો તેને દરેક વસ્તુનું સામર્થ્ય પ્રાપ્ત છે.” (સૂરઃ અન્આમ-૧૭)
તેની સાથે આપના સંબંધ ઘનિષ્ઠ હોવા જાેઈએ. અને આ ઘનિષ્ઠતા પ્રેમ વગર શક્ય નથી અને જાે અલ્લાહનો પ્રેમ દિલમાં વસી જાય તો વ્યક્તિ દરેક પરિસ્થિતિને સરખી રીતે જીવી શકે. પ્રાપ્ત થવા પર ન અહંકાર, ન ચાલ્યા જતા રંજ. તેથી હઝરત મુહમ્મદ સ.અ.વ.એ જે દુઆ શીખવાડી છે તે મોઢે હોેવી જાેઈએ.
હે અલ્લાહ, હું તારો પ્રેમ અને તને ચાહનારાઓનો પ્રેમ ચાહું છું.અને એવા કાર્યો કરવાની શક્તિ માગું છું જે મને તારા પ્રેમ તરફ લઈ જાય.હે અલ્લાહ તું પોતાના પ્રેમને મારા માટે મારા જાન-માલ,બાળ-બચ્ચા અને શીતળ પાણીથી વધુ પ્રિય બનાવી દે. (તિર્મિઝી)
ઉત્તરદાયિત્વની ભાવના
અલ્લાહ પર સાચો અને પાકો ઈમાન જ વ્યક્તિમાં ઉત્તરદાયિત્વની ભાવના પેદા કરે છે. કેમકે આખિરત પર મજબૂત ઈમાન વગર અલ્લાહ પર ઈમાન નિરર્થક છે. અલ્લાહ પર ઈમાનનો જ તાર્કિક તકાદો છે કે હિસાબનો એક દિવસ હોવો જાેઈએ. આ ભાવના વ્યક્તિને જવાબદાર , પારદર્શક, નિખાલસ અને ઈમાનદાર બનાવે છે. આજે દુનિયામાં જાેવા મળતા અનિષ્ટો અને દૂષણ,ભ્રષ્ટાચાર અને શોષણ,જુલ્મ અને અત્યાચાર , દ્વેષ અને નફરત, વગેરેનું મુખ્ય કારણ આ જ ભાવનો અભાવ છે. કાનૂન ગમે તેટલા સખત હોય, તંત્ર ગમે તેટલું સજાગ હોય, પણ સમાજમાં થતા ખોટા કાર્યો રોકાઈ શકતા નથી, જ્યાં સુધી વ્યક્તિના મન મસ્તિષ્કમાં અલ્લાહનો ભય ન બેસી જાય. આ જ ગુણ વ્યક્તિને અલ્લાહે નિર્ધારિત કરેલી સીમાઓનું ઉલંઘન કરતા રોકેછે અને તેના આદેશોનો પાબંદ બનાવે છે.
અલ્લાહના બંદાઓની સેવા
અલ્લાહને દિલથી પ્રેમ કરનાર વ્યક્તિ કદાપિ તેના બંદાઓથી સંબંધ રાખ્યા વિના રહી શકે નહિ. જે અલ્લાહ પોતાના તમામ બંદાઓની જરૂરિયાત પૂરી કરે છે, ચાહે તે તેને માનતો હોય કે પછી તેનો અસ્વીકાર કરતો હોય, તેની કૃપા સતત અને પૂરજાેશ છે. નાત-જાત કે ધર્મ વગર ઇન્સાનની સેવા અને જનકલ્યાણ ના કાર્યો કરવા જાેઈએ. રમઝાન માસ એ આપણી અંદર માનવીય હમદર્દી અને સંવેદના પેદા કરી છે તેની પૂરતી સુરક્ષા થવી જાેઈએ. સાથેસાથે તેનો આશય માત્ર અલ્લાહની પ્રસન્નતા હોવો જાેઈએ.
કુઆર્નના હક્કની અદાયગી
આ અલ્લાહની સૌથી મોટી કૃપા હતી કે તેણે ઇન્સાનને કુઆર્નનું શિક્ષણ આપ્યું. આ કુઆર્ન આપણને જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન પૂરું પાડે છે. મોમિનનું જીવન કુઆર્નનું પ્રતિબિંબ હોવું જાેઈએ. અલ્લામા ઇકબાલ રહ. એ સાચું કીધું છે કે “કારી નજર આતા હૈ હકીકત મે હૈ કુઆર્ન”. કુઆર્ન જીવન જીવવાની કળા શીખવાડે છે. એ સફળતાનો સૌથી વધુ સીધો, સચોટ અને સ્પષ્ટ માર્ગ દર્શાવે છે. રમઝાન માસમાં કુઆર્ન સાથે એક ખાસ સંબંધ વિકસિત થયો છે, હવે તેને વધુ સારો બનાવવાની જરૂર છે.
વ્યક્તિત્વનો વિકાસ
વર્તમાન દુનિયાનું એક મોટું સંકટ નૈતિક અધઃપતન છે. સચ્ચાઈ, ઈમાનદારી, વિનમ્રતા, સાદાઈ, વિશ્વાસ, ન્યાય મૃતાવસ્થામાં જાેવા મળી રહ્યા છે. ભૌતિકવાદ માથે ચડેલો છે. ચારે બાજુ નફરત અને ઘૃણા, જૂૂઠ અને દગો, જુલ્મ અને હિંસાની બોલબાલા છે. સબ્ર અને તકવા થકી રમઝાન માસમાં જે સદ્ગુણો પોતાની અંદર પેદા કર્યા છે તેમને હજુ વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાની જરૂર છે. ચરિત્રહીન દુનિયાને આ એક મોટી ભેટ હશે. નબીઓના નમૂનારૂપ ચરિત્રથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે. સુંદર ચરિત્રની સુગંધ દુશ્મનોના મન મોહી શકે છે.આ ગુણો એક તરફ આપણાં વ્યક્તિત્વનો વિકાસ પણ કરશે અને બીજી બાજુ દા’વતના કામ માટે સરળતા પણ ઊભી કરશે.
દા’વત
દા’વત એટલે અલ્લાહ અને તેના માર્ગદર્શન તરફ તમામ ઇન્સાનોને આમંત્રણ આપવું. સાચા લોકોની જવાબદારી છે કે સત્યથી અજાણ લોકોને સત્યના પ્રકાશ તરફ બોલાવે. સારી વસ્તુની સાચી કદર આ છે કે તેને સંબંધીઓ સાથે શેયર કરવામાં આવે. કુઆર્નના અવતરણનું મુખ્ય કારણ માનવતાને સફળતાનો સાચો માર્ગ સ્પષ્ટ રીતે બતાવવાનો હતો. ઇલાહી (ઈશ્વરીય) શિક્ષણ એ દરેક વ્યક્તિનો અધિકાર છે જે તેનાથી વંચિત છે. આપણે પોતાના વાણી વર્તનમાં દા’વતની સ્પિરીટ પેદા કરવાની ખૂબ જ જરૂરત છે. દાવતનું કામ જીવનના દરેક ક્ષેત્રથી સંબંધ ધરાવે છે. તેથી આપણા બધા કાર્યો ચાહે તે વ્યક્તિગત હોય કે સામૂહિક અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.ના શિક્ષણ મુજબ હોવા જાેઈએ. આ મુસ્લિમ સમુદાયની સહિયારી જવાબદારી છે.
જિહાદ
વ્યક્તિ જ્યારે પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરવા માગે છે તો તેનો નફ્?સ (મનેચ્છાઓ) અને શેતાનની ગુસપુસ તેને તેમ કરતા અટકાવે છે. બીજી તરફ અલ્લાહને પ્રેમ કરવા માગે તો શેતાન તેના અસ્તિત્વ વિશે શંકા-કુશંકા પેદા કરે છે. વ્યક્તિ જ્યારે સંયમી બનવા માગે તો તેની સમક્ષ લોભ-લાલચ અને ભયનું વાતાવરણ નિર્માણ કરે છે. વ્યક્તિ જ્યારે દા’વતનું કાર્ય કરવા માગેછે તો સામેવાળાના દિલમાં નફરત, હઠધર્મી અને શત્રુતાનો ભાવ પેદા કરે છે. તેથી માર્ગમાં ઘણી બધી તકલીફો અને કસોટીઓ આવે છે. પોતાની જવાબદારી અદા કરવામાં એક મોટી સમસ્યા આળસ અને નીરસતા છે. રમઝાન આપણને અથાક પ્રયત્નો કરવા, મનેરછાઓ પર નિયંત્રણ કરવા, અને કોઈ પણ પ્રકારની કસોટીમાં અડગતા તથા દૃઢ નિશ્ચય સાથે ઊભા રહેવાની શીખ આપે છે. જિહાદ વાસ્તવમાં સંઘર્ષ કરવાનું નામ છે અને મો’મિન પોતાના જાન માલ અને દરેક વસ્તુથી અલ્લાહના માર્ગમાં સંઘર્ષ કરે છે. અલ્લાહના દીનની સરબુલંદીજ આપણો ધ્યેય હોવો જાેઈએ.
સંગઠનથી જાેડાણ
તમે ઈશપ્રેમ ઇચ્છતા હોવ કે ચારિત્ર્ય નિર્માણ કરવા માગતા હોવ, દા’વતનું કામ કરવાની ભાવના હોય કે સત્યના માર્ગમાં સંઘર્ષ કરવાની શક્તિ મેળવવી હોય, સંગઠન જરૂરી છે. સંગઠનમાં શક્તિ છે. સંગઠન દ્વારા થતું કાર્ય વધારે અસરકારક હોય છે અને સંગઠન થકી થતું કાર્ય સતત ચાલતું પણ રહે છે. તેમાં પ્રતિભાનો વિકાસ પણ થાય છે અને ચરિત્રનું શુદ્ધિકરણ પણ થાય છે. સંગઠન વ્યક્તિને બીજથી વટવૃક્ષ બનાવે છે. એટલે જ મુસલમાનો પર ફરજ કરવામાં આવેલી ઇબાદતો સામૂહિકતા પેદા કરવા માંગે છે. અલ્લામા ઇકબાલ રહ.એ સાચુંજ કીધું હતુંઃ
ફર્દ કાયમ રબતે મિલ્લત સે હૈ તન્હા કુછ નહીં
મૌજ હૈ દરિયા મેંે ઔર બેરૂને દરિયા કુછ નહીં