રમઝાન સંદેશ – 3
મુસલમાન હોવા માટે અનિવાર્ય છે કે મનુષ્ય અલ્લાહ ઉપર ઈમાન લાવે અને સ્વયંને તેના સમક્ષ સમર્પિત કરી દે. અર્થાત્ ઈશ્વરને એક અને અદ્વિતીય, સમસ્ત સૃષ્ટિનો સર્જનહાર, સ્વામી અને પાલનહાર માનવામાં આવે. તેનો અધિકાર છે કે તેની જ ભક્તિ અને ઉપાસના તથા તેનું જ આજ્ઞાપાલન કરવામાં આવે તેમજ તેના સિવાય કોઈ અન્યની ઉપાસના કરવામાં ન આવે.
એક મુસલમાન હોવાની હેસિયતે આ આસ્થા (ઈમાન)માં દૃઢતા હોવી જાઈએ, તે હદ સુધી કે તે આચરણમાં પ્રગટ થાય. પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું હતું, “ઈમાન તે છે કે જે દિલમાં આસ્થાનું રૂપ ધારણ કરે, જીભ વડે મૌખિક એકરાર કરવામાં આવે અને આચરણમાં જે દૃષ્ટિગોચર થાય.” આ ઈમાનમાં જેટલી દૃઢતા હશે, તેટલો જ ખુદા પ્રતિ કૃતજ્ઞભાવ વધતો જશે અને આ જ ઇબાદતનો સાર છે.
શુક્રનો વિરોધાર્થી ‘કુફ્ર’ છે અને જેનો અર્થ ‘કૃતધ્નતા’ છે. અને આવું આચરણ કરવાવાળાને અરબીમાં ‘કાફિર’ કહે છે. ‘કુફ્ર’નો અર્થ ઇન્કાર કરવાનો થાય છે. આમ ‘કાફિર’ તે છે જે ઇન્કાર કરે અને કૃતધ્ન હોય.
એક ‘મુસ્લિમ’ ખુદાથી પ્રેમ પણ કરે છે અને તેની કૃપા અને બક્ષિસો મળવાને કારણે તેનો આભારી પણ હોય છે. તેને એ પણ અહેસાસ હોય છે કે જા તેણે ખુદાની મરજી વિરુદ્ધ કૃત્યો કર્યા, તો ખુદા તેને સજા પણ આપી શકે છે, તેથી તેનાથી ડરે પણ છે, તેની સમક્ષ સમર્પણ કરી દે છે અને વિનીત ભાવથી તેના દર્શાવેલા માર્ગ ઉપર ચાલતો રહે છે. તેને હંમેશાં યાદ રાખે છે. તેથી તેના સ્મરણને જીવનદાયક ભાગ સમજે છે, જેના વગર મનુષ્ય મુરઝાઈ જાય છે અને જેના હોવાથી તે તાજા અને પ્રફુલ્લિત રહે છે.
ખુદાના ગુણો યાદ દેવડાવીને કુર્આન ઇચ્છે છે કે માનવીમાં કૃતજ્ઞતાનો ભાવ પેદા થાય. કુર્આનમાં દર્શાવેલ આ ગુણોને જુઓ.
“તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, અદૃશ્ય અને દૃશ્ય દરેક વસ્તુનું જ્ઞાન ધરાવનાર, તે જ કૃપાળુ અને દયાળુ છે. તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તે બાદશાહ છે તvન પવિત્ર, સલામતીની સલામતી, શાંતિ આપનાર, સંરક્ષક, સૌની ઉપર પ્રભુત્વવાળો, પોતાનો હુકમ તાકાત દ્વારા લાગુ પાડનાર અને હકીકતમાં મોટાઈવાળો છે. અલ્લાહ એ શિર્ક (અલ્લાહ સાથે અન્ય કોઈને ભાગીદાર ઠેરવવું) થી પાક છે જે આ લોકો કરી રહ્યા છે. તે અલ્લાહ જ છે, સર્જનની યોજના ઘડનાર અને તેને અમલમાં મૂકનાર અને તેના અનુસાર આકાર આપનાર છે. તેના માટે સર્વશ્રેષ્ઠ નામો છે, દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે તેની પવિત્રતાનો જાપ કરી રહી છે અને તે જબરદસ્ત અને ડહાપણવાળો છે.” (સૂરઃ હશ્ર – ૫૯ઃ૨૨ઃ૨૪)
રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)