- ડૉ. રોશન મોહિદ્દીન (રાષ્ટ્રીય સચિવ, SIO)
ભારતની ડિજિટલ ક્રાંતિને ટેકનોલોજી અને સર્જનાત્મકતાના વિજય તરીકે ઉજવવામાં આવી રહી છે.આ ક્ષણે મીડિયાના લોકશાહીકરણે સામાન્ય નાગરિકને અવાજ આપ્યો. તેમ છતાં, પ્રગતિની આ સપાટીની નીચે એક ઊંડું સંકટ છુપાયેલું છે: માનવીય આત્મીયતાનું વ્યવસ્થિત વ્યાપારીકરણ અને શાસનનું નૈતિક પતન, જેણે આ બધું થવા દીધું.
છેલ્લા દાયકામાં, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ, ટૂંકા વીડિયોની એપ્સ અને સોશિયલ મીડિયાએ શાંતિથી જૂના પાડોશી સિનેમાનું સ્થાન લઈ લીધું છે. પરંતુ સાર્વજનિક પ્રમાણપત્ર બોર્ડ દ્વારા તપાસવામાં આવતી ફિલ્મોથી વિપરીત, મનોરંજનની આ નવી દુનિયા કોઈ ખાસ દેખરેખ વિના ચાલે છે. અશ્લીલતાને “બોલ્ડ કન્ટેન્ટ” તરીકે રજૂ કરવામાં આવે છે, પોર્નોગ્રાફી “એડલ્ટ વેબ સિરીઝ” ના લેબલ પાછળ છુપાયેલી છે, અને “સર્જનાત્મક સ્વતંત્રતા” ની ભાષા નૈતિક બેજવાબદારી માટે ઢાલ બની જાય છે. આંકડા આ બાબતે મજબૂત પુરાવા આપે છે. આજે ભારત ઓનલાઈન પોર્નોગ્રાફીના વૈશ્વિક વપરાશકારોમાં મોખરે છે, જેમાં મોટાભાગના વપરાશકર્તાઓ ૩૫ વર્ષથી ઓછી ઉંમરના છે. જે ક્યારેક ખાનગી બદી હતી, તે હવે અબજો ડોલરના બજારમાં ફેરવાઈ ગઈ છે, જે માનવીય નબળાઈઓમાંથી નફો કમાય છે. કોર્પોરેશનોએ ઈચ્છાને ડેટામાં, કામવાસનાને અલ્ગોરિધમમાં અને યુવાનોની સંવેદનશીલતાને પૂર્વાનુમાનિત નફામાં ફેરવી દીધી છે.
દરમિયાન, સરકારો દૂરથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે. જ્યારે નૈતિક પતનનો સામનો થાય છે, ત્યારે સેન્સરશીપ મશીનરી, જે ઘણીવાર રાજકીય અસંમતિને દબાવવા માટે તત્પર હોય છે, તે લકવાગ્રસ્ત જણાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તાજેતરમાં અશ્લીલ સામગ્રી સ્ટ્રીમ કરવા બદલ 25 OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, મોટું ઇકોસિસ્ટમ અસ્પૃશ્ય રહે છે. ઓનલાઈન કન્ટેન્ટ માટે કોઈ કેન્દ્રીય પ્રમાણપત્ર વ્યવસ્થા નથી; પ્રાદેશિક અથવા “સ્વતંત્ર” OTTs પર કોઈ સંસ્થાકીય રોકટોક નથી; અને આ ઉદ્યોગને નિયંત્રિત કરતું કોઈ નૈતિક માળખું નથી.
આ શૂન્યાવકાશને કારણે સામાજિક સિદ્ધાંતવાદીઓ જેને ડિજિટલ સ્પેસનું “નૈતિક વિનિયમન” (moral deregulation) કહે છે તે સ્થિતિ સર્જાઈ છે; એવી સ્થિતિ જેમાં શાસન પીછેહઠ કરે છે અને મૂડીવાદ કબજો જમાવે છે. તેનું પરિણામ એવી સંસ્કૃતિ છે જે મુક્તિને પ્રદર્શન સાથે, સંબંધોને આંકડાઓ સાથે અને આત્મીયતાને ત્વરિત સંતોષ સાથે જોડે છે. આવું મીડિયા માત્ર આજના યુવાનોને પ્રભાવિત જ નથી કરતું, પરંતુ તે તેમના મગજની ન્યુરોલોજીકલ રીવાયરિંગ (ચેતાતંત્રની પુનઃરચના) પણ કરી રહ્યું છે. ધીરજ, ચિંતન અને સંયમની જૂની લય હવે ડોપામાઈન સંચાલિત ઉત્તેજના, તૃષ્ણા અને ખાલીપણાના ચક્રને શરણે થઈ ગઈ છે. તેના પરિણામો હવે અમૂર્ત રહ્યા નથી. અભ્યાસો હવે પોર્નોગ્રાફિક અને અતિશય કામુક મીડિયાના વ્યસનને વધતી જતી એકલતા, સંમતિ પ્રત્યેની વિકૃત ધારણાઓ અને માદક દ્રવ્યોના વ્યસન જેવા જ લક્ષણો સાથે જોડે છે. જ્યારે આનંદ એક ઉત્પાદન બની જાય છે અને લોકોને ‘કન્ટેન્ટ’ તરીકે જોવામાં આવે છે, ત્યારે ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સામાજિક સહાનુભૂતિ બંનેનું પતન થવા લાગે છે.
આ નુકસાન,આપણો સમાજ મહિલાઓને જે રીતે જુએ છે, ત્યાં સુધી વિસ્તરે છે. મૂડીવાદી મીડિયા અર્થતંત્રમાં, સ્ત્રી શરીરને માર્કેટિંગના સાધન તરીકે પરિવર્તિત કરવામાં આવ્યું છે. ફેશન જાહેરાતોથી લઈને ફિલ્મી પોસ્ટરો સુધી, અત્તરની કમર્શિયલથી લઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર કલ્ચર સુધી, સુંદરતાને તેની માનવતાથી વંચિત કરી દેવામાં આવી છે અને તેને એક વ્યાપારી હથિયાર તરીકે વાપરવામાં આવે છે. “સશક્તિકરણ” ને સ્વ-વસ્તુકરણ (self-objectification) ની સ્વતંત્રતા તરીકે પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે; “આત્મવિશ્વાસ” ને શરીરના પ્રદર્શન અને સોશિયલ મીડિયાની લાઈક્સ દ્વારા માપવામાં આવે છે.
આ કથા મુક્તિ નથી; તે ચાલાકી છે. તે સુંદરતાના એવા અકુદરતી ધોરણો લાદે છે, જે લાખો યુવતીઓને ચિંતા, બોડી ડાયમોર્ફિયા (શરીરના દેખાવ અંગેનો ભ્રમ) અને આત્મશંકા તરફ ધકેલે છે. એક પેઢીને એવું માનવા અને શીખવવામાં આવી રહ્યું છે કે તેમની કિંમત તેમની બુદ્ધિ, કરુણા કે યોગદાનમાં નથી, પરંતુ ફિલ્ટર કરેલા દેખાવ અને કૃત્રિમ સુંદરતામાં છે. વક્રોક્તિ એ છે કે જે સંસ્કૃતિ સ્ત્રીઓની ઉજવણી કરવાનો દાવો કરે છે, તેણે જ તેમને પહેલા કરતાં વધુ અસુરક્ષિત બનાવી દીધી છે.
જોકે, સમસ્યા માત્ર સાંસ્કૃતિક નથી; તે માળખાગત પણ છે. મૂડીવાદી મીડિયા ઇકોસિસ્ટમ આક્રોશ, અશ્લીલતા અને અતિશય પ્રદર્શન જેવી ચરમસીમાઓ પર ખીલે છે. જ્યાં સુધી નફો અંતિમ નિયામક રહેશે, ત્યાં સુધી નૈતિક ધોરણો હંમેશા બાંધછોડને પાત્ર રહેશે. આ વાતાવરણમાં જ સરકારની નિષ્ફળતા વહીવટી કરતાં નૈતિક વધુ ગણાય છે. કલમ ૧૯(૧)(એ) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો પાયાનો પથ્થર છે, પરંતુ કલમ ૧૯(૨) જાહેર શિષ્ટાચાર અને નૈતિકતાના હિતમાં “વાજબી નિયંત્રણો” ની જોગવાઈ પણ કરે છે. નિર્ણાયક રીતે કાર્ય કરવાનો ઇનકાર કરવો એ ઉદારતા ન ગણાવી જોઈએ; તેના બદલે, તે જવાબદારીનો ત્યાગ છે.
ભારતને અત્યારે ડિજિટલ યુગ માટે એક વ્યાપક નૈતિક શાસન માળખાની જરૂર છે; જે સર્જનાત્મકતા અને વિવેકબુદ્ધિ બંનેનું રક્ષણ કરે. એક રાષ્ટ્રીય ઓનલાઈન મીડિયા રેગ્યુલેશન બોર્ડ, OTT અને વેબ-આધારિત સામગ્રી માટે સ્વતંત્ર પ્રમાણપત્ર સત્તામંડળ તરીકે સેવા આપી શકે છે.જેવી રીતે CBFC ફિલ્મોની દેખરેખ રાખે છે. પ્લેટફોર્મ્સ માટે સ્પષ્ટ સામગ્રીની નોંધણી અને સ્વ-રિપોર્ટિંગ કાયદેસર રીતે ફરજિયાત હોવું જોઈએ, જ્યારે IT એક્ટ હેઠળ AI-આધારિત ફિલ્ટર્સ આપમેળે પોર્નોગ્રાફિક સામગ્રીને શોધી શકે છે અને તેને બ્લોક કરી શકે છે.
શૈક્ષણિક પાસું પણ એટલું જ મહત્વનું છે. ઉકેલ માત્ર શિક્ષાત્મક ન હોઈ શકે; તે નિવારક પણ હોવો જોઈએ. શાળાઓ અને કોલેજોમાં “ડિજિટલ શિષ્ટાચાર અને મીડિયા નૈતિકતા” અભ્યાસક્રમ દાખલ કરવાથી યુવાનોને હાઇપરસેક્સ્યુઅલાઈઝ્ડ મીડિયાના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિણામો સમજવામાં મદદ મળી શકે છે. સરકારે, નાગરિક સમાજની સાથે મળીને, જાગૃતિ અભિયાનમાં રોકાણ કરવું જોઈએ; જે સેન્સરશીપનું નહીં, પરંતુ આત્મસંયમ, ગૌરવ અને ડિજિટલ જવાબદારીનું હોય. તેમ છતાં, માત્ર કાયદો પૂરતો નથી. આ પરિસ્થિતિ માત્ર કાનૂની સંકટ નથી; તે સભ્યતાનું સંકટ છે. અશ્લીલ માધ્યમોના સતત સેવનથી એવી પેઢી પેદા થઈ છે જે ઉત્તેજિત તો છે, પણ પ્રેરિત નથી; જે ટ્રેન્ડ્સમાં તો માહિર છે પણ સત્યથી કપાયેલી છે. ઊંડો ઇલાજ સંસ્કૃતિમાંથી આવવો જોઈએ, સેન્સરશીપમાંથી નહીં.
અંતે, આ ચર્ચા રુઢિચુસ્તતા કે સેન્સરશીપ વિશે નથી. તે માનવીય ગૌરવની પવિત્રતાને જાળવી રાખવા વિશે છે,એવા યુગમાં જે તેના પતનમાંથી નફો કમાય છે. રાજ્યની ફરજ નૈતિક ઉપદેશ આપવાની નથી પરંતુ રક્ષણ કરવાની છે; એ સુનિશ્ચિત કરવાની કે ડિજિટલ સ્વતંત્રતા ડિજિટલ અરાજકતામાં ન ફેરવાય. જો સરકાર અશ્લીલતાને ગૌણ મુદ્દો ગણવાનું ચાલુ રાખશે, તો તે એવી પેઢીને ઉછેરવાનું જોખમ લેશે જે ઈચ્છાને ઓળખ સમજે છે અને શોષણને સશક્તિકરણ માને છે. હવે આપણે આપણી જાતને યાદ અપાવવાનો સમય આવી ગયો છે: નૈતિક સભાનતા વિનાની ટેકનોલોજીકલ પ્રગતિ, એ પ્રગતિ નથી, તે આધુનિકતાના સ્વાંગમાં અધોગતિ છે.
તેથી, આગળનું કાર્ય પ્રતિબંધ મૂકવાનું નથી પણ સંતુલન જાળવવાનું છે; ચૂપ કરવાનું નથી પણ સુરક્ષિત કરવાનું છે. ભારતનું ડિજિટલ ભવિષ્ય મુક્ત, સર્જનાત્મક અને છતાં શિષ્ટાચાર, ગૌરવ અને જવાબદારીમાં દ્રઢપણે મૂળ ધરાવતું હોવું જોઈએ. આનાથી ઓછું કંઈ પણ હોય તો તે માત્ર આપણા યુવાનો સાથે જ નહીં પરંતુ આપણી સભ્યતા સાથે પણ વિશ્વાસઘાત હશે.
