બાબરી મસ્જિદ કેસનો ચુકાદો આવ્યા પછી ઘણા લોકો એવું વિચારતા હતા કે હવે મંદિર મસ્જિદનો મુદ્દો કદાચ બંધ થઈ જશે . મુસ્લિમોને કહેવામાં આવતું હતું કે આ તો એક જ મસ્જિદનો મામલો છે. મુસ્લિમો કેમ મસ્જિદ છોડીને મામલાનો અંત લાવતા નથી? તેમને રાજી ખુશીથી મસ્જિદ સોંપી દેવી જાેઈએ જેથી દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ સ્થાપિત થશે. પરંતુ મુસ્લિમો છેલ્લા શ્વાસ સુધી ન્યાયની લડાઈ લડતા રહ્યા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નાખુશ હોવા છતાં ન્યાય પ્રણાલીના આદર સ્વરૂપે ચુકાદાનો સ્વિકાર કર્યો. હવે ચુકાદા પછી જે સ્થિતિ સર્જાઈ છે તેને જાેતાં સ્પષ્ટ રીતે સમજાય છે કે બાબરી મસ્જિદનો મુદ્દો છેલ્લો ન હતો બલ્કે તે ભારતમાં મંદિર મસ્જિદના સાંપ્રદાયિક રાજકારણનું પહેલું પગથિયું હતું.
જ્યાં સુધી બાબરી મસ્જિદનો કેસ ચાલી રહ્યો હતો ત્યાં સુધી હિંદુત્ત્વવાદીઓ તરફથી કેટલીક બીજી મસ્જિદો વિશે ધીમા સાદે વાત કરવામાં આવી રહી હતી. બાબરી મસ્જિદનો ચુકાદો આવ્યા પછી (બાબરી મસ્જિદને બીજી જગ્યાએ તબદીલ કરી ત્યાં એક ભવ્ય મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવી) અને ત્યારબાદ નવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી, જે પડકારો ધીમા સાદે કરવામાં આવી રહ્યા હતા તે હવે ઉંચા અવાજે થવા લાગ્યા. આ પડકારોમાં એક મુદ્દો જ્ઞાનવાપી મસ્જિદનો પણ હતો. આશ્ચર્યની વાત એ છે કે અદાલત દ્વારા જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાની મંજૂરી મળતા હિંદુત્ત્વવાદીઓનો જુસ્સો વધી ગયો અને તેઓ દ્વારા આખા દેશમાં લગભગ ૪૦૦૦૦ મસ્જિદો તોડી પાડવાની માંગણીઓ પણ જાેર પકડવા લાગી છે.
આ સંપૂર્ણ મામલાને ઊંડાણપૂર્વક જાેતા જે વાત સ્પષ્ટપણે સમજાય છે તે આ છે કે જે લોકો બાબરી મસ્જિદને દાન તરીકે આપી આવા મુદ્દાને બંધ કરવાની વાત કરતા હતા તે માત્ર એક વહેમ અને છેતરપીંડી હતી. કમનસીબે તેનું પરિણામ વિપરીત આવ્યું છે. Place of Worship ૧૯૯૧નું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી એક પછી એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી. હિંદુત્વવાદીઓએ ન તો બાબરી મસ્જિ ચુકાદાથી શાંત થયા ન જ Place of Worship ૧૯૯૧ને સ્વીકાર્યો. આ સરકાર અને પ્રશાસનની પણ નિષફળતા છે કે તેઓ તેમને રોકી નથી શકતા.
આપણે આ મંદિર મસ્જિદના મુદ્દાને બીજા દ્રષ્ટિકોણથી પણ જાેવાની જરૂર છે. આ મુદ્દો માત્ર કાનૂની કે રાજનૈતિક નથી પરંતુ સામાજિક પણ છે. કારણ કે સામાજિક સ્તર પર મસ્જિદ વિશે ખોટી ગેરસમજ ફેલાવી મસ્જિદ ને આતંકવાદના અડ્ડા બતાવી લોકોના મન મસ્તિષ્કમાં ઇસ્લામમોફોબીયા પેદા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. એટલે આ મુદ્દાને સામાજિક સ્તરે સંબોધીને લોકોમાં મસ્જિદ વિશે હકારાત્મક અને વાસ્તવિક નેરેટિવ- કથાનક ઉભું કરી તેમના મંતવ્યોને સાચી દિશા આપવા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
આ સંદર્ભમાં આપણે મસ્જિદ વિશે અમુક ખાસ મુદ્દાઓને ચર્ચાનો વિષય બનાવવો પડશે. દાખલા તરીકે મસ્જિદનું સ્થાન ઇસ્લામમાં શું છે?, વ્યક્તિ અને સમાજની ઉન્નતિમાં મસ્જિદની વિવિધ ભૂમિકા શું છે?, શિક્ષણ, કળા અને સંસ્કૃતિ, સૌંદર્ય શાસ્ત્ર, સામાજિક સેવા વગેરેમાં મસ્જિદનો જે સિંહ ફાળો રહ્યો છે તેને લોકો સમક્ષ લાવવો જાેઈએ. ઇતિહાસ સાથે છેડછાડ કરી અને ખોટા નેરેટિવ બનાવીને મસ્જિદને બદનામ કરવાનું જે ષડયંત્ર રચાયું છે તેનો પડદો ચાક કરી, મસ્જિદનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ મુકવો પડશે.
મુખ્ય સમસ્યા એ છે કે મસ્જિદ વિશે જે અપપ્રચાર,ખોટી ધારણાઓ, અટકળો, જુઠ્ઠા કિસ્સાઓને જે રીતે સંપ્રદાયિક રંગ આપી સમાજમાં પરોસવામાં આવી રહ્યા છે તેના વિરુદ્ધ આપણે શાંત બેસ્યા છે. જાે મુસ્લિમો અને ન્યાય – શાંતિ પ્રેમીઓ આવા પ્રોપેગેંડા વિરુદ્ધ મસ્જિદની સાચી ભૂમિકા અને તેના શાનદાર ઇતિહાસને મોટાપાયે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો સ્થિતિ બદલાશે અને સાંપ્રદાયિકતાની આગ ફેલાવનારાઓ ઉઘાડા પડી જશે.