વક્ફના નામે હાલની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાની રાજકીય હિન્દૂ-મુસ્લિમ આધારિત મતબેંકની રાજનીતિ આગળ ધપાવતા લોકસભા અને રાજ્યસભામાં સંખ્યાબળના આધારે વક્ફ સંશોધન બિલ પસાર કરાવીને તેને કાયદો બનાવી દીધો છે. હજુ પણ ઘણાં લોકોને આ સમજાતું નથી કે આખરે વક્ફ બોર્ડના નામે એવુ શું બદલાયું છે કે સમગ્ર દેશમાં આના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને તમામ વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરવા માટે એકઠી થઈ છે.
સૌથી અગત્યનો મુદ્દો એ છે કે વક્ફ જે માત્ર મુસ્લિમ સમુદાય માટે જ છે તેમાં હાલની સરકાર સંશોધન દ્વારા જબરદસ્તી ગૈરમુસ્લિમ સભ્યોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. નવા કાયદા પ્રમાણે હવે વક્ફ બોર્ડમાં ઓછામાં ઓછા બે ગૈરમુસ્લિમ સભ્યો ફરજિયાત રહેશે।
જ્યારે બીજી બાજુ કોઈ પણ અન્ય ધર્મની ધાર્મિક સંસ્થા અથવા ધર્માર્થી બોર્ડમાં માત્ર તે ધર્મના માનનારાઓ જ સભ્ય હોય છે, એના વહીવટકર્તાઓ પણ તે જ ધર્મના હોવા જરૂરી છે. વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ, શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અને હિન્દુ Endowment બોર્ડ એના ઉત્તમ ઉદાહરણ છે.
બીજો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે વક્ફની જમીનો પર સૌથી વધુ કબજો સરકારી તંત્રએ જ કર્યો છે, એ જ સરકાર હવે આ કાયદો લાવી રહી છે કે કોઈ પણ સરકારી જમીન હવે વક્ફ હેઠળ નહીં ગણાય. કઈ જમીન સરકારી છે અને કઈ નહીં, એ નક્કી કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટરને આપ્યો છે – જે કેવળ સરકારનો પ્રતિનિધિ છે.
ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો આ છે કે અત્યાર સુધી કોઈપણ ધર્મનો વ્યક્તિ મુસ્લિમ સમુદાય માટે મસ્જિદ કે કબ્રસ્તાન માટે જમીન આપી શકતો હતો, પણ હવે જ્યારે વક્ફ બોર્ડમાં તો ગૈરમુસ્લિમને ફરજિયાત બનાવી દીધા છે, પરંતુ એ જ ગૈરમુસ્લિમ લોકો હવે મુસ્લિમ સમુદાયને જમીન દાન આપી શકતા નથી.
જેમ કે પંજાબના સાંસદ અમરિંદર સિંહ રાજા વડીંગે સંસદમાં કહ્યું હતું કે પંજાબમાં જ્યારે મુસ્લિમ સમુદાયને કબ્રસ્તાન માટે જમીન જરૂરી હોય ત્યારે શીખ સમુદાય આગળ આવી મદદ કરતો હતો, પણ હવે મોદી સરકાર આપણો ભાઈચારો તોડવા પર ઉતરી આવી છે.
ચોથો સૌથી મોટો મુદ્દો એ છે કે નવો વક્ફ કાયદો અધિકારીઓને ખૂબ જ વધુ સત્તા આપે છે. કોઈ પણ વિવાદિત જમીનનાં મામલે કલેક્ટર એટલે કે ડીએમ તપાસ કરીને નક્કી કરશે. વધુમાં, જો કોઈ સરકારી જમીન પર વિવાદ હોય અને કેસ કોર્ટમાં હોય, તો એ જમીન કાયદાકીય રીતે વક્ફ નહીં ગણાય. નવી વ્યવસ્થાઓ પ્રમાણે હવે ASI હેઠળ આવતી કોઈપણ સંપત્તિ પરનો વક્ફ દાવો આપમેળે રદ થઈ જશે.
હવે ASI એટલે કે પુરાતત્વ વિભાગની કોઈ પણ ઇમારતને વક્ફ નહીં ગણાવી શકાય, જ્યારે સૈંકડો મસ્જિદો અને કબ્રસ્તાનો આજે પણ ASI હેઠળ છે, જેમાંથી મોટાભાગની જગ્યાએ નમાઝ અદા કરવા માટે પહેલાથી જ મનાઈ કરી દીધી છે.
છેલ્લો અને મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જે ભાજપ સરકાર મુસ્લિમો અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓના હિતની વાત કરે છે, તેના 240 લોકસભા સાંસદોમાં એક પણ મુસ્લિમ સભ્ય નથી. રાજ્યસભામાં પણ ભાજપ તરફથી કોઈ ચૂંટણીથી આવ્યો હોય એવો મુસ્લિમ સાંસદ નથી – માત્ર એક જ સભ્યને રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવ્યો છે.
વિચાર કરો, કે જે મોદી સરકાર ત્રીજી વાર સત્તા પર છે, તેમાં એક પણ મુસ્લિમ કે મુસ્લિમ મહિલા મંત્રી કે ધારાસભ્ય સામેલ નથી. જે ભાજપ મુસ્લિમ મહિલાઓના હિતોની વાત કરે છે, તે ભાજપની કેન્દ્ર કે રાજ્ય સરકારોમાં કોઈ પણ મુસ્લિમ મહિલા વિધાનસભ્ય, વિધાન પરિષદ સભ્ય કે મંત્રી નથી.
અન્સારી ઈમરાન એસ આર (લેખક SPECT ફાઉન્ડેશન સંસ્થામાં રિસર્ચર છે.)