અબૂ અબ્દુલ્લાહ નોઅમાન બિન બશીર રદી. ની રિવાયત છે, તેઓ કહે છે કે મેં ખુદાના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી સાંભળ્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું :
“બેશક હલાલ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે અને આ બંને વચ્ચે શંકાસ્પદ વસ્તુઓ છે જે ઘણાં લોકો જાણતા નથી. તો જે શંકાસ્પદ વસ્તુઓથી બચ્યો તેણે પોતાના દીનને પણ (કલંકથી) સ્વચ્છ કર્યો અને પોતાની ઇજ્જત પણ (નિષ્કલંક રાખી) પરંતુ જે શંકાસ્પદ વસ્તુઓમાં પડયો તે એ ભરવાડ જેવો છે જે પ્રતિબંધિત ગોચરની આસપાસ ચારે છે અને તેને હરપળ એ બીક રહે છે કે કોઇ જાનવર એમાં ઘુસી જઇ ચરવા માંડશે, ખબરદાર! દરેક રાજાને પોતાની નક્કી હદ છે, અને અલ્લાહની હદ હરામ વસ્તુઓ છે. જાણી લો! શરીરની અંદર માંસનો એક લોચો છે જ્યારે તે બરાબર રહે છે, સમગ્ર શરીર ઠીક રહે છે, અને જ્યારે તે ખરાબ થઇ જાય છે તો આખુંય શરીર ખરાબ થઇ જાય છે, અને તે હૃદય છે.
(સહીહ મુસ્લિમ. સહીહ બુખારી)
સમજૂતી :
અલ્લાહ તઆલાએ મનુષ્યનું સર્જન કર્યું. ક્યામત સુધી તેની ભૌતિક આવશ્ક્તાઓની પૂરતી માટે દુનિયામાં વ્યવસ્થા કરી. એટલું જ નહીં પણ તેનું આધ્યાત્મિક વિકાસ થાય અને તે સત્ય માર્ગ પર ચાલે તેના માટે પોતાના માસૂમ પયગંબરો દ્વારા માર્ગદર્શન પણ મોકલ્યું. વાસ્તવમાં મનુષ્યના ભૌતિક અને આધ્યાતમિક તેમજ નૈતિક વિકાસ માટે કઇ વ્યવસ્થા ઘડવી, એ માત્ર એજ જાણી શકે જેણે મનુષ્યનું સર્જન કર્યું છે. કેમકે મનુષ્યની અકલ કે ઇંદ્રિયોેની શક્તિ સીમિત છે. જ્યારે ઇશ્વર સર્વશક્તિમાન, સર્વજ્ઞાની છે. એણે મનુષ્યને પોતાની ઇબાદત (ભક્તિ, ઉપાસના અને આજ્ઞાકારી) માટે પેદા કર્યો છે. અને જે અલ્લાહે બતાવેલા માર્ગ ઉપર ચાલશે તેમના માટે દુનિયા અને આખિરતમાં સફળતા નિશ્ચિત છે. જો કે દુનિયા એક પ્રકારનું પરીક્ષા ખંડ છે. ત્યાં થોડીક તકલીફો હોઇ શકે પણ આખિરતમાં તો તેમને શાશ્વત સુખ મળવાનો જ છે. પોતાની ઇચ્છાઓ ઇશ્વરના અધીન કરી તેમણે સૂચવેલ માર્ગ ઉપર ચાલવું એ નાની સૂની કે આસાન વાત નથી. એ એના માટે જ સંભવ છે જેના હૃદયમાં ઇશ્વરનો પ્રેમ અને ઇશ્વરનો ભય હોય. પ્રેમ અને ભય એ બે તત્વ છે જે માણસને ઇશ્વરનો આજ્ઞાકારી બનાવે છે અને તેમની નારાજગીથી ડરી અવજ્ઞા કરતા રોકે છે. કેમકે માણસ જેને પ્રેમ કરે છે, તેને અપ્રસન્ન કરતી કે અપ્રિય લાગતી વસ્તુઓથી પોતાને દૂર રાખે છે. અને જેનો ભય હોય છે તેના પ્રકોપથી ડરી તેની આજ્ઞા માને છે. પ્રેમ અને ભય આ બન્નેનું ઉદભવ સ્થાન મનુષ્યનું હૃદય છે. જેમ માણસનું હૃદય બરાબર રહે તો તેમનું શરીર સ્વસ્થ અને ઠીક રહે છે. તે જ રીતે જો મનુષ્યનાં હૃદયમાં ઇશ્વરનો પ્રેમ અને ભય આવી જાય, તો તે સંયમી બની મહાપુરૃષ બનશે.
જે વસ્તુને અલ્લાહે હરામ ઠરાવેલ છે તેને હરામ માની દૂર રહેશે કોઇ મુલ્ક, કૌમ કે માણસે આપેલું લોભ, લાલચ કે ડર એ કામ કરાવી શકશે નહીં. અને જે ઇશ્વરની આજ્ઞા છે તેને કરતા કોઇ રોકી શકશે નહીં.
જિસ દિલમેં ખુદા કા ખૌફ રહે
બાતિલ સે હિરાસાં ક્યા હોગા
તેનું જીવન તેમના જ માટે નહીં પણ સમાજ માટે નફાકારક બનશે અને સમાજરૃપી શરીર ઠીક થઇ જશે. અને જો આ બંને તત્વો નીકળી જશે તો સમાજ પણ ખરાબ અને અસ્વસ્થ થઇ જશે.
હરામ અને હલાલ સુસ્પષ્ટ છે. તેમના વચ્ચેની એક શંકાસ્પદ વસ્તુ છે. જેમનું હલાલ કે હરામ થવું સ્પષ્ટ નથી. એ બધી વસ્તુઓથી પણ બચવાનો પ્રયત્ન કરવો. ઉદાહરણ તરીકે બેંકની નોકરી (વ્યાજી વ્યવસ્થા પર ચાલતો હોય તો), જીવન વીમા, મલ્ટી લેવલ માર્કેટિંગ, હરામ વસ્તુઓનું ઉત્પાદન કરતી કે માર્કેટિંગ કરતી કમ્પનીઓમાં ગમે તે પ્રકારની સંડોવણી, સૂદી લોન વગેરે આમાંથી કોઇ વસ્તુનો ફતવો કદાચ મળી શકે પણ તકવાનો માર્ગ તો એ જ છે કે તેનાથી દૂર રહેવું. કેમકે જે જાનવર પ્રતિબંધિત ગોચરની આસપાસ ચરે છે. એને પ્રત્યે હરપળ એવી બીક રહે છે ક્યાંક એમાં ઘૂસી ચરવા ન માંડે.