હું મારા મિત્ર સાથે જમી રહ્યો હતો કે તેમનો નાનો દીકરો ‘પાપા તમે ક્યાં છો?’ની બૂમ પાડતો ત્યા આવ્યો. નિર્દોષ બાળકના મોઢેથી નિકળતા વાક્ય તો સામાન્ય હતા પરંતુ મને કંઇક જાણવા મળ્યુ હોય તેમ લાગ્યુ. મે તરત જ કહ્યું આજે દરેક વ્યક્તિએ પોતાની જાતને એ પ્રશ્ન કરવાની જરૃર છે કે ‘તે ક્યાં છે?’ આ માયાવી નગરીમાં વ્યક્તિ બધુ ભૂલી ગયો છે તેની બધી જ દોડધૂપ, મહેનત, સંઘર્ષ પોતાના શારિરીક અથવા ભૌતિક સુખ મેળવવા માટે છે. પોતાના અંતરમનમાં દૃષ્ટિ કરીને પોતાની જાતને પ્રશ્ન કરવાની તેને ફૂરસદ નથી. કેમકે જો તે પોતાની જાતને ઓળખશે તો વાસ્તવિક્તા અને સત્યને પામશે પરંતુ તેતો પોતાનામાં રહેલ ‘સ્વ’ (હું)ની સેવામાં જ રચ્યો પચ્યો રહે છે. ‘સ્વ’ની સેવા કરનારી વ્યક્તિ સ્વાર્થી, સ્વચ્છંદી અને સ્વાભિમાની હોય છે. આ ‘સ્વ’ તેમા અહંકાર અને અહમને પોષે છે. ‘સ્વ’રૃપી ઝેરથી દુષિત વ્યક્તિ પાષાણ હૃદયી અને કઠોર હોય છે. તેના વાણીમાંથી કઠોર, દ્વેષિત અને ઘૃણિત વચનો સરે છે. તે વિચારાધીન હોય તો ષડયંત્ર, પ્રપંચ અને શૈતાની વિચારો જ તેના મગજમાં ભમરાતા રહે છે. તે હઠાગ્રહી હોય છે અને પોતાના અહમને સંતોષવા કોઇ પણ હદે જઇ શકે છે. આ ‘સ્વ’ ઘરમાં હોય તો સાસ-વહુ ને નણદ-ભાભીના ઝગડા કરાવે છે, પતિ-પત્નિ વચ્ચેના સંબંધમાં તિરાડ પડાવે છે. ‘સ્વ’અર્થી રાજકારણી લોક લાગણીનો દુરૃપયોગ કરતા જાણે છે અને તે પોતાની વાકછટાથી મેદનીને પ્રભાવિત કરી શકે છે. આવી વ્યક્તિ ઉચ્ચ કક્ષાની દંભી હોય છે. વ્યક્તિગત ‘સ્વ’ (હું) જ્યારે સામુહિક સ્વરૃપ ધારણ કરે તો રંગભેદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ અને કોમવાદ તથા રાષ્ટ્રવાદનું બિહામણું સ્વરૃપ ધારણ કરે છે. જે વસ્તુ તેમના જ્ઞાતિ, સમુહ, કોમ માટે લાભદાયક હોય. તેને પ્રાપ્ત કરવા માનવતાની બધી સીમાઓનું ઉલ્લંઘન કરી શકે છે. તે સત્તા પ્રાપ્ત કરવા રમખાણ કરાવી શકે, અને સત્તા ટકાવી રાખવા યુદ્ધો ખેલી શકે છે. ‘સ્વ’માં ગડાડૂબ લોકો ઝનૂની હોય છે. તેઓ બીજાને તુચ્છ અને પોતાને ચડિયાતા તથા શ્રેષ્ઠ સમજે છે. આ દૃષ્ટિકોણ ધરાવતા લોકો જ્યારે રાષ્ટ્રવાદનું સ્વરૃપ ધારણ કરે છે તો તે ઝનૂની કોમવાદમાં પરિણમે છે. આ ઝનૂની કોમવાદને જયારે પૈસાની શક્તિ મળે એટલે મૂડીવાદીઓ સાથે જોડાણ થાય તો ભયંકર સ્થિતિ સર્જાય છે અને ફાસીવાદનો જન્મ થાય છે. ફાસીવાદ એક પ્રકારનો ટોટલરાઇઝેશન છે. જેમાં લઘુમતિઓ સ્વતંત્ર રીતે જીવી શકતા નથી. આવી રાજકીય વ્યવસ્થામાં લઘુમતિઓ ઉપર હંમેશા તલવાર ટોળાતી રહે છે. તેઓ સતત ભયના ઓથા હેઠળ જીવે છે. ફાસીવાદી વ્યક્તિ બીજી વિચારધારાને સહન કરી શકતી નથી. તેઓ લોકશાહી રીતે સત્તા પર આવી શકે પરંતુ પછી લોકશાહીનું પણ કચ્ચરઘાણ કાઢી નાખે છે. તેઓ પોતાની મેલી મુરાદ પાર પાડવા ગમે તેટલી ખોટી હત્યાઓ કરાવી શકે અને તેને લોકોની ભલાઇ માટે આવુ કર્યુંની વાહવાહ પણ મેળવી લે. આવી વ્યક્તિ જરૃર પડે તો પોતાના સાથી મિત્રોની પણ હત્યા કરાવી શકે વગેરે. તમે ફાસીવાદના પ્રણેતા હિટલરને વાંચી જાઓ અને જુઓ કે આવી વ્યક્તિના પદચિન્હો શું છે. આ એટલા માટે કહી રહ્યો છું કે આપણા દેશમાં પણ આવી શક્તિઓ રાષ્ટ્રવાદના નામે, નાગરિક સુરક્ષાના નામે અથવા વિકાસના નામે સત્તારૃઢ થવા પ્રયત્ન કરી રહી છે. આવા લોકો ભાગલા પાડોની નીતિ અપનાવે છે. એક વિશેષ સમુદાય સામે દ્વેષની લાગણી ફેલાવે છે અથના તેમને રાષ્ટ્ર માટે ખતરો બતાવી કોમી કાર્ડ રમે છે. સમજૂ નાગરિકો સમજદારી દાખવે અને અત્યારથી પોતાની જવાબદારી નિભાવવા પ્રયત્ન કરે. સંઘ પરિવારની વિચારધારા આવા જ ઉન્માદી રાષ્ટ્રવાદ (ફાસીવાદ)ને પોષે છે. સ્વતંત્રતા સંગ્રામમાં જેમણે કોઇ ભાગ નહોતો ભજવ્યો તે આર.એસ.એસ.ને આજે રાષ્ટ્રપ્રેમ જાગ્યું છે. વાસ્તવમાં તેમના રાષ્ટ્રવાદમાં રાષ્ટ્રનું હિન્દુકરણ છુપાયેલું છે. એટલે ચેતતા રહેજો! અમને ગોડસેના સંતાનોની નહીં ગાંધીના સપૂતોની જરૃર છે, આપણને તુષ્ટિકરણની નહીં ન્યાયની જરૃર છે, દ્વેષની નહીં પ્રેમની જરૃર છે.
આપણી રાજનીતિ વિચારધારા આધારિત રહી નથી. તે જાતિવાદી છે અથવા ભય અને લોભની રાજનીતિ છે. આ પરિસ્થિતિ રાષ્ટ્ર માટે નફાકારક નથી. આ વાત બરાબર છે કે નાગરિકો વિશેષતઃ મુસ્લિમો અવઢવમાં છે. એક બાજુ એ લોકો છે જેમના માથે ગુજરાત રમખાણ ૨૦૦૨ના આરોપ છે. જેમણે રમખાણોને છુટો દોર આપ્યો, મસ્જિદો અને પવિત્ર સ્થળોને શહીદ કર્યા. ગર્ભમાંના બાળકોને રહેંસી નાંખ્યા, મા-બહેનો સાથે બળાત્કાર કર્યા, ધંધા રોજગાર તબાહબરબાદ કર્યા, નિર્દોષ નવયુવાનોને જેલના સાળિયા પાછળ ધકેલી દીધા, ખોટા એન્કાઉન્ટરો કરાવ્યા … વગેરે. જે લોકો ભોગ બન્યા છે તે તો કદાચ તે સમયને ભૂલી શકતા નથી. એ માતા કેવી રીતે ભૂલી શકે જેનો વ્હાલ સોયોે તેનો ભોગ બન્યો હોય, તે પતિ કે ભાઇ કેવી રીતે ભૂલી શકશે જેની પત્નિ કે બહેન સાથે દુર્વ્યહાર થયો હોય. એ પિતા કેવી રીતે ભૂલશે જેના બાળકને જન્મતા પહેલા જ ગર્ભમાં રહેંસી નાખવામાં આવ્યો હોય અને ભૂલવું પણ ન જોઇએ. જે કોમ પોતાના પર ગુજરેલા અત્યાચાર ભૂલી શકતી હોય તેના માટે માત્ર એક માર્ગ છે કે તે ‘શરીફ ગુલામ’ બનીને જીવે. જે લોકો ભયના માર્યા અથવા રમખાણો ન થાય અને વેપાર ધંધા સારા ચાલે તેવા આશયથી અથવા કોઇ લોભ લાલચના કારણે આવા ફાસીવાદી (કોમવાદી) ઉમેદવારને મત આપશે તો તેનો અર્થ પોતાના હાથે પોતાની ઘોર ખોદવા જેવું હશે.
બીજી બાજુ કહેવાતા સેક્યુલર પક્ષો છે જેઓ લઘુમતિ, આદિવાસી અને દલિતોના ઉદ્ધાર અને સમાન વિકાસની વાતો કરે છે પરંતુ તેમાં પણ આવા ઝનૂની કોમવાદી લોકો જોવા મળી શકે છે. તે પક્ષોએ આઝાદીથી અત્યાર સુધી મુસ્લિમ અથવા લઘુમતિ મતબેંકનું રાજકારણ ખેલતા આવ્યા છે. તેમણે લઘુમતિઓને હાથોમાં ચાંદ બતાવ્યા છે. એક મોટા પક્ષનું માથું ૮૪ના રમણાખોથી કલંકિત છે વગેરે. તેથી મોટાભાગે લોકોમાં આ બંને મોટા પક્ષો પ્રત્યે અવિશ્વાસ છે, છેતરામણીનો એહસાસ છે.
આપણું રાજકારણ એટલું ગંદુ થઇ ગયું છે કે બિનમુસ્લિમ ભાઇને પૂછો તો કહેશે બધા કમીન છે તેમાં નાના કમીનને પસંદ કરવું છે અને મુસ્લિમ ભાઇને પૂછો તો કહેશે બધા શેતાન છે અને તેમાં નાના શેતાન ને પસંદ કરવું છે. હવે લોકો ‘મત’ વિચારધારા જોઇને નહિં નાનો શૈતાન કે નાનો ભ્રષ્ટાચારી જોઇને અથવા જાતિ જ્ઞાતિના આધારે આપે છે. આમ તો આ લોકશાહીની ખામી છે જેેમાં એક બીજા પ્રત્યે કુપ્રચાર, દોષાર્પણ વગેરે ચાલ્યા જ કરે છે. કોઇ પણ વિરોધ પક્ષ રચનાત્મક ભાગ ભજવતુ નથી. તે માત્ર સત્તા પક્ષના વિરોધને જ (સાચું હોય કે ખોટું) પોતાનું કર્તવ્ય સમજે છે. નાગરિકોના મૂળભૂત અધિકારો અને મહત્વના મુદ્દાને અભરાઇએ ચઢાવી ક્ષુલ્લક મુદ્દાઓ પર રાજકારણ રમે છે.
આવી પરિસ્થિતિમાં ત્રીજો પક્ષ ઉભો થઇ રહ્યો છે. જોકે તેની વિચારધારા સંપૂર્ણપણે સામે આવી નથી. તેના વિશે કંઇ કહેવુ સમય પહેલાનું હશે. આવાત ચોક્કસ છે કે લોકસભા ઇકેલશન ૨૦૧૪માં સંઘની વિચારધારા ધરાવતી પાર્ટીઓ એક થશે. સેક્યુલર પાર્ટી લઘુમતિ અને દલિત આદિવાસીને ખુશ કરવાના પ્રયત્ન કરશે. જ્યારે ત્રીજો પક્ષ બંને નબળાઇઓ સામે લાવી પોતે સત્તારૃઢ થવા પ્રયત્ન કરશે. એન.ડી.એ. અને યુ.પી.એ.ના ગઠબંધન આપણે જોઇ ચૂક્યા છીએ. આ ઇલેકશન પછી ત્રીજુ ગંઠબંધન ઉભું થાય તો નવાઇ નહિ તેના અણસાર પણ મળી રહ્યા છે. જેને પણ ‘મત’ આપવો હોય આપો પરંતુ મારા મતમુજબ એવા ઉમેદવારને મત ના આપશો જે ફાસીવાદી (ઝનૂની કોમવાદી) વિચારધારા ધરાવતો હોય અને એવા ઉમેદવારને વોટ આપી ‘મત’નો વ્યય ન કરતા જે ફાસીવાદી શક્તિ માટે લાભદાયક નિવડે. આ જ રાષ્ટ્રહિતમાં હશે.
હવે તમારે નક્કી કરવાનું છે કે તમે ભારતને ગુજરાતની જેમ ‘પ્રયોગશાળા’ બનાવવા માંગો છો કે દેશમાં ધર્મનિરપેક્ષ બુનિયાદોને મજબૂત કરવા માંગો છો. મને આશા છે કે તમે ભગતસિંહ, ચંદ્રશેખર, મુહમ્મદ અલી જોહર અને મોલાના આઝાદ જેવા નિડર અને સ્પષ્ટ વકતા બનીને અને લોભલાલચથી પર રહી વિચાર કરશો. બસ આટલી કાળજી લેજો કે મતોનું ધ્રુવીકરણ ન થાય.
આ કોઇ કાયમી ઉકેલ નથી. પોતાની જાતને ઓળખો કે તમે શું છોે? અને કોના સામે ઉત્તરદાયી છો? ઇશ્વરથી સંબંધ જોડો અને પોતાની અંદર ઇશ્વરીય શિક્ષણ મુજબના સંસ્કાર કેળવો. સજ્જન પુરૃષો બનશે અને તેમને સત્તારૃઢ કરવામાં આવશે તો જ જગતમાં શાંતિ સ્થાપિત થશે. માફ કરજો, આપણે પોતે અપવિત્ર, દંભી, ભ્રષ્ટાચારી અને ‘સ્વ’માં લત છીએ. એટલે જ આપણું રાજકારણ પણ તેવું જ છે. જેવું દૂધ હોય તેવું જ ક્રીમ ઉપર આવે છે. તો પોતાની જાતને ઓળખી બદલવાની જરૃર છે એટલે મનોમંથન કરતા રહેજો કે તમે ક્યાં છો?