તારીખ ૪ થી ૬ મે દરમ્યાન લાંબડિયા, સાબરકાંઠા ખાતે ત્રિ દિવસીય સમર ઇસ્લામિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા તથા તેમનામાં વ્યક્તિત્વ-વિકાસ કેળવાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પસમાં ઇસ્લામના બુનિયાદી શિક્ષણ તૌહીદ, રિસાલત અને આખેરત, સીરતે રસૂલ સ.અ.વ., નમાઝ, રોઝા, તહારત અને વ્યક્તિત્વ-વિકાસ જેવા વિષયો ઉપર નિષ્ણાતો દ્વારા લેકચર આપવામાં આવ્યા. કુઆર્ન-હદીસનું જ્ઞાન પણ પીરસવામાં આવ્યું હતું સાથે જ ઇસ્લામી ઇતિહાસ અને સહાબા રદિ.ના જીવનથી બાળકોને વાકેફ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પના ભાગરૂપે વિવિધ સામૂહિક પ્રવૃત્તિઓ, ગેમ્સ અને વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
આ કેમ્પમાં પ્રવકતા તરીકે જાવેદ ઇન્દોરી (સ્થાનિક પ્રમુખ, એસ.આઈ.ઓ. રખિયાલ), મૌલાના અબ્દુર્રશીદ નદવી (ઇમામ અને ખતીબ, અલ-ફલાહ મસ્જિદ, લાંબડિયા), જનાબ અબ્દુલકાદિર મેમણ (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ, લાંબડિયા યુનિટ), જાવેદ આલમ કુરૈશી (સચિવ, એસ.આઈ.ઓ., ગુજરાત ઝોન) હાજર હતા. સાથે મહેમાન વકતા તરીકે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર જનાબ શકીલઅહમદ રાજપૂત અને મુહમ્મદ ઉમર મનસૂરી (પ્રમુખ, એસ.આઈ.ઓ. ગુજરાત) હાજર હતા. પોતાના અંતિમ પ્રવચનમાં મુહમ્મદ ઉમર મનસૂરીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને સારા સમાજની નવરચના માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓમાં આગળ આવવું પડશે. વધુમાં ઇસ્લામી ઇતિહાસના ઉદાહરણો આપતાં વર્તમાન પરિસ્થિતિમાં રચનાત્મક માર્ગ થકી સમસ્યાઓના નિરાકરણ માટે કાર્ય કરવાનું આહ્વાન કર્યું હતું.
છેલ્લે કેમ્પમાં ઇનામ વિતરણનું આયોજન થયું જેમાં ‘સ્ટાર આૅફ ધી કેમ્પ’, ‘બેસ્ટ નોટ્સ’, ‘બેસ્ટ ડ્રામા પરફોર્મન્સ’ અને ‘બેસ્ટ ગ્રુપ’ જેવા ઇનામોથી બાળકોને નવાજવામાં આવ્યા. સમગ્ર કેમ્પનું મેનેજમેન્ટ ઇસ્માઈલ રાજપૂત, રાશિદ કુરૈશી અને રિયાઝ મનસૂરી દ્વારા સારી રીતે કરવામાં આવ્યું.