હ ઝરત હારિસા બિન વહબ ખિઝાઈ રદિ. વર્ણવે છે કે એક વખત અલ્લાહના નબી સ.અ.વ.એ એક સભામાં સહાબા રદિ.થી પૂછયું ઃ “શું હું તમને ન જણાવું કે જન્નતી કોણ છે?”
સહાબા રદિ. એકાગ્ર થઈ સાંભળવા લાગ્યા. આપ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ દરેક અશકત કે બનાવટી અશકત; પરંતુ અલ્લાહની નજીક તે એવો હોય છે કે જો કોઈ વાત માટે તે અલ્લાહના સોગંધ ખાય, તો અલ્લાહ એ વાતને જરૃર પૂરી કરી દે છે.
પછી આપ સ.અ.વ.એ એક અન્ય પ્રશ્ન પૂછયોઃ
“શું હું તમને ન જણાવું કે જહન્નમી કોણ છે?”
સહાબા રદિ. ખામોશ રહ્યા તો આપ સ.અ.વ.એ પોતે જ ઉત્તર આપ્યોઃ
“દરેક દુર્વ્યવહારૃ, અકડીને ચાલનાર અને ઘમંડી.”
આ હદીસમાં જન્નતી અને જહન્નમીના ગુણો વર્ણવામાં આવ્યા છે. જન્નતી એ છે કે જે ખરેખર અશકત હોય, અથવા તો તેને અશકત-કમજોર બનાવી દેવાયો હોય. કમજોરી શારીરિક પણ હોઈ શકે છે, આર્થિક પણ અને સામાજિક પણ. આપણી વચ્ચે સામાન્ય રીતે એવી વ્યક્તિને તુચ્છ સમજવામાં આવે છે, તેની તરફ ધ્યાન પણ આપવામાં નથી આવતું તેને કંઈ મહત્ત્વ આપવામાં નથી આવતું, બલ્કે મોકો મળે તો તેને સતાવવામાં આવે છે, તેના હક્કો ઝૂંટવી લેવામાં આવે છે, અને તેને રાહતથી જીવવા દેવામાં નથી આવતી. આવી વ્યક્તિ જો અલ્લાહ અને રસૂલ સ.અ.વ.ના આદેશો ઉપર અમલ કરે અને દીનના તકાદાઓ ઉપર ચાલે તો એ માત્ર જન્નતનો હક્કદાર બની શકે છે. એટલું જ નહીં, બલ્કે તેને અલ્લાહનું એટલું સામિપ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જો તે અલ્લાહ ઉપર વિશ્વાસ-ભરોસો કરીને વાત કહી દે તો અલ્લાહ ચોક્કસપણે તેને પૂરી કરી દેશે.
આની સરખામણીમાં જહન્નમી તેને કહેવામાં આવ્યો છે કે જે દુર્વ્યવહારૃ અકડીને ચાલનાર અને ઘમંડી હોય, સામાન્ય રીતે આ ખરાબીઓ એ લોકોમાં જોવા મળે છે જે દુનિયામાં ધન-દૌલત, હોદ્દા તથા દરજ્જા અને સત્તાના માલિક હોય અર્થાત્ તે ધરાવતા હોય. તેઓ પોતાને વધુ ઉચ્ચ અને બીજાઓને વધુ નિમ્ન-નીચા સમજે છે. પોતાના તાબા હેઠળના અને નોકરો સાથે દુર્વ્યવહાર કરે છે. તેમને ફકત ધમકાવે છે એટલું જ ન્હીં, બલ્કે ગાળા-ગાળ પણ કરે છે.
આ હદીસનો સંદેશ આ છે કે કોઈ વ્યક્તિ આ જગતમાં ગમે તેટલી કમજોર હોય અથવા તો તેને કમજોર બનાવી લેવાઇ હોય, પરંતુ તે પોતાના સારા કર્મો દ્વારા જન્નતવાળાઓમાં સામેલ થઈ શકે છે. અને કોઈ વ્યક્તિ આ જગતમાં ગમે તેટલી બળવાન-શક્તિશાળી અને મોટી મોભાદાર હોય, તે પોતાની ચિંતા કરે કે તે પોતાના કુકર્મો કે ખરાબ કૃત્યોના કારણે તે જહન્નમવાળાઓમાં સામેલ થઈ શકે છે.