Friday, November 22, 2024
Homeલાઇટ હાઉસજમાલુદ્દીન અફઘાની રહ.

જમાલુદ્દીન અફઘાની રહ.

મહાનતાની ઉંબરે, મહાપુરૃષોના પગલે

“તડપ સહન ચમન મેં આશિયાં મેં શાખસારોં મેં

જુદા પારે સે હો સકતી નહીં તકદીર સીમાબી”

     “આ આશ્ચર્યજનક કહેવાય કે એક રઝળપાટ કરતી જિંદગી પસાર કરનાર બુધ્ધિવાન ઉઠે છે, તેની પાસે વાક્યાતૂર્યવાળી જબાન અને કલમ સિવાય બીજું કોઇ ભૌતિક સાધન ન હતું પરંતુ તેના રૃઆબદાર આવાજથી સિંહાસન પર બિરાજમાન વૈભવશાળી બાદશાહોને ધ્રજારી વ્યાપી જાય છે. રાજનૈતિક બુધ્ધિશાળી નેતાઓની બાજીઓ ઊંઘી પડી જાય છે. કદાચ એ કારણથી તે કઇંક એવી શક્તિઓને કામે લગાડે છે કે જેને ફક્ત તેજ લલકારી શકે છે. અને આજ પર્યંત યુરોપ અને એશીયાના લોકશાહી રાજનીતિજ્ઞાો તે શક્તિઓનો મુકાબલો કરી શક્યા નથી.”   (પ્રોફેસ એડવર્ડ જી. બ્રાઉન)

       મુસ્લિમ દુનિયાની લગભગ બધી જ ભાષા ઉપર પ્રભુત્વ, વાકચાતૂર્ય અને લેખનકળામાં અનુપમ આપની તડપતી આત્મા એક મુસ્લિમ દેશથી બીજા મુસ્લિમ દેશમાં ભટકતી રહી. આ રખડપટ્ટી વ્યર્થ ન ગઇ. પરંતુ આપે ઇરાન, ઇજીપ્ત અને તુર્કીમાં મોટો ક્રાંતિકારી જન સમુહ તૈયાર કરી દીધો. આપણા સમયના વિવિધ નામવર આલીમો દાખલા તરીકે મુહમ્મદ ઉબેદા તેમના શિષ્ય રહી ચુક્યા છે. તેમણે લખ્યું છે ઓછું પરંતુ બોલ્યુ છે વધુ. અને આવી જ રીતે એ તમામ લોકોને નાના-મોટા જમાલુદ્દીન બનાવી દિધા જેના સંપર્કમાં આપ આવ્યા. તેમણે કદાપી સમાજ-સુધારકનો દાવો નથી કર્યો. પરંતુ આ પણ એક હકીકત છે કે આપણા સમયના કોઇ વ્યક્તિએ ઇસ્લામી જગતને આટલા જોરથી નથી ઝંઝોડયુ જેવું અકલા તે વ્યક્તિએ ઝંઝોડયુ હતું.” (અલ્લામા ઇકબાલ રહ.)

જન્મ અને બાળપણઃ

 જમાલુદ્દીન અફઘાની કાબુલ જિલ્લામાં ૧૮૩૮માં પેદા થયા. એક શિક્ષિત પરિવારમાં આંખો ખોલવાનો સૌથી મોટો ફાયદો તેમને એ થયો કે બાળપણથી તેમના શિક્ષણ અને કેળવણીનું પુરતું ધ્યાન આપવામાં આવ્યું. ખુદ તેમને પોતાને અભ્યાસનો અનહદ શોખ હતો. કદાચ આ જ કારણથી ફકત ૧૭ વર્ષની ઉંમરે પહોંચતા આપે ન જ ફક્ત કુઆર્ન અને હદીષ બલ્કે કાયદાશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,ચિકિત્સાશાસ્ત્ર અને વિવિધ પ્રકારના વિષયોમાં પારંગતતા પ્રાપ્ત કરી લીધી. મહત્વની વાત એ હતી કે સત્ય (હક) અને અસત્ય (બાતિલ)ને જાણવા માટેની કસોટી તરીકે તેમણે હંમેશા કુઆર્ન અને હદીસનો જ સ્વીકાર કર્યો એના લીધે પશ્ચિમનું શિક્ષણ તેમના માટે જરાપણ નુકશાનકારાક સાબિત ન થયું. પોતાની જિંદગીના આરંભકાળથી જ આસપાસના મુસલમાનોની કફોડી હાલત પર અફસોસ કરતા જોવામાં આવતા હતા.

એક વ્યક્તિ એક સમુહ:

હજુ તો યુવાનીના ઉંબરા ઉપર જ પગ મૂક્યો હતો કે જમાલુદ્દીન અફઘાનીએ દુનિયા આખીના મુસલમાનોની તત્કાલીન પરિસ્થિતિનો સુક્ષમ દૃષ્ટિથી નિરીક્ષણ કરવાનો દૃઢ નિશ્રય કર્યો. તે ૧૮૫૬માં હિન્દુસ્તાનમાં આવ્યા, અહીં થોડા દિવસના રોકાણ પછી હજ્જની અદાયગી માટે હિજાજ ગયા. ત્યાંથી પાછા આવ્યા તો અફઘાનિસ્તાન સરકારમાં ગૌરવશાળી અને પ્રતિષ્ઠિત હોદ્દા ઉપર નિયુક્ત થયા. ૧૮૬૩માં અફઘાનીસ્તાનના બાદશાહ દોસ્તએહમદના અવસાન પછી રાજગાદી ઉપર શેરઅલી બેઠયો. જે જમાલુદ્દીન અફગાનીની રાજ દરબારમાં અને સામાન્ય જનતામાં અસર અને પહોંચથી ખુબ જ ભયભીત રહેતો હતો. સાથે જ તે અફઘાનીના નવા-નવા પગલાં અને વિચારો પ્રત્યે નફરત ધરાવતો હતો. બાદશાહના આપખુદી વ્યવહારના કારણે જમાલુદ્દીન અફઘાનીને પહેલાં જેવી કામ કરવાની આઝાદી રહી નહીં. તેથી બંને વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થઇ ગયું. જેનું સીધુ પરિણામ જમાલુદ્દીન અફઘાનીના દેશનિકાલના રૃપમાં જાહેર થયું. આપ મક્કા અને પછી ઇરાન ચાલ્યા ગયા. ૧૮૬૬માં શેરઅલીની હાર પછી જમાલુદ્દીન અફઘાની અફઘાનિસ્તાન આવ્યા. અને બાદશાહના પ્રવક્તા તરીકે ફરીથી પોતાની ફરજો અદા કરવા લાગ્યા. ૧૮૮૬માં શેરઅલીએ એક વાર ફરીથી અફઘાનિસ્તાન ઉપર સત્તા પ્રાપ્ત કરી અને આપને દિસેમ્બરમાં અફઘાનિસ્તાનને છોડવું પડયું. ૧૮૬૯માં આપ બીજી વખત હિન્દુસ્તાન આવ્યા પરંતુ બ્રિટીશ હુકુમત આવા ‘ખતરનાક’ આદમીને પોતાની સરહદોમાં ક્યાંથી સહન કરવાની હતી આથી હકૂમતના એક જહાઝ દ્વારા આપને મિસ્ર મોકલી દેવામાં આવ્યા. ત્યાંથી આપ તુર્કસ્તાન ચાલ્યા ગયા. તુર્કસ્તાનમાં જમાલુદ્દીન અફઘાનીને હાથો હાથ ઉંચકી લેવામાં આવ્યા. આપને તુર્કસ્તાનની શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા. સાથે નવી જ અસ્તિત્વમાં આવેલી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપવા લાગ્યા. સરકાર, સ્ટુડન્ટ્સ અને આમ જનતામાં દરેક સ્થળે વધતી જતી આપની લોકપ્રિયતા આપના ઇર્ષાળુઓને જેમની સંખ્યા ઘણી હતી જરા પણ પસંદ આવી નહીં. તે લોકોએ અફઘાનીના એક પ્રવચનનો ઊંધો-સીધો અર્થ ઘડીને એવું તોફાન મચાવી દીધું કે હુકુમતની વિનંતી પર આફઘાનીને તુર્કસ્તાન છોડવું પડયું. જમાલુદ્દીન અફઘાની ૧૮૭૧માં મિસર ગયા અને કેરોમાં ‘જામેઆ અઝહર’ સાથે જોડાઇ ગયા પોતાની શૈક્ષણિક યોગ્યતા સદ્ભાવના અને ઇસ્લામી જોશના કારણે તે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયા. તેમણે વિદ્યાર્થિઓને ઇસ્લામી એક્તાનો પાઠ શીખાવ્યો. જુદા-જુદા સમાચારપત્રો દ્વારા સામાન્ય જનતામાં આઝાદીની જ્યોત પ્રગટાવી તેમના સંદેશની લોકપ્રિયતા અને સહાનુભૂતિએ ખાસ કરીને નવી પેઢીને પ્રભાવિત કરી. આથી તત્કાલીન સત્તાધારીઓના કાન અધ્ધર થઇ ગયા. માર્ચ ૧૮૭૯માં તેમને મિસરમાંથી પણ દેશનિકાલ કરવામાં આવ્યા. એક વાર ફરીથી તે હિન્દુસ્તાન આવ્યા આ વખતે રહેવાની પરવાનગી તો મળી ગઇ પરંતુ સખત નજર કેદની સાથે તેમણે દક્ષિણ હૈદરાબાદને પોતાનો મુકામ બનાવ્યો. અને નિડરતાથી કોઇ પણ જાતના વિરોધ વગર અસંખ્ય પેમ્ફલેટ્સ અને પુસ્તિકાઓ છપાવી. તેમનું ખાસ પુસ્તક ‘દા’ લી દહેરીયત! જે નાસ્તિક્તા અને ભૌતિકવાદના તિરસ્કારમાં લખવામાં આવી હતી તે ઘણી લોકપ્રિય થઇ. તેમને આ જોઇને અતિશય દુઃખ થયું કે મુસલમાનો પોતાના દુશ્મન અંગ્રેજોને ઓળખી શક્યા નથી. અને ભોળપણમાં બીજાઓના દેખા-દેખી એક નરભક્ષી જાનવર તરફ મૈત્રીનો હાથ લંબાવી રહ્યા છે. તેમણે મુસલમાનોને અંગ્રેજોની વિરૃધ્ધ સ્વતંત્ર્તા સંગ્રામ માટે પ્રેરીત કર્યા. આફઘાની નિશ્ચિતરૃપે પોતાની બહાદુરી અને નિડર પ્રકૃતિના કારણે અંગ્રેજોએ ઠરાવેલ હદોથી આગળ નિકળી ગયા હતા. ૧૮૮૨માં મિસરમાં બળવો થયો અને કોલકત્તામાં જમાલુદ્દીન અફઘાનીને કેદ કરી દેવામાં આવ્યા. બળવો શમી ગયા પછી આપનો છુટકારો થયો અને ૧૮૮૫માં આપ યુરોપ રવાના થયા. પ્રથમ લંડન પછી પેરીસ ગયા. વિવિધ રાજકીય કારણોસર આપે પેરીસ (ફાન્સ)માં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવવાનો દૃઢ નિર્ણય કર્યો. ફ્રાન્સમાં નિવાસ દરમિયાન આપે સમગ્ર યુરોપમાં અસંખ્ય પ્રવાસો ખેડયા અને દરેક ઠેકાણે પોતાના પ્રવચનો અને ચર્ચા ગોષ્ઠીઓ દ્વારા અસંખ્ય લોકોને પોતાના સહમત બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી, આપ રશિયા પણ ગયા. અને મોસ્કો તથા સેન્ટ પિટર્સ બર્ગમાં પોતાનો યાદગાર પ્રભાવ ઊભો કર્યો. ખુદ રશિયાના શાસક ઝારે રશિયામાં કુઆર્નના પ્રચાર ઉપર જે અનુચિત પ્રતિબંધ હતો તે સમાપ્ત કરી દિધો. જમાલુદ્દીન અફઘાનીએ પેરીસમાં એક ઇસ્લામી સેન્ટરની સ્થાપના કરી અને એક-બે ભાષાને લગતી પત્રિકાઓ શરૃ કરી. વધારે દિવસો થયા નહીં કે તે પત્રિકાના સંદેશ અને તેની લોકપ્રિયતાથી ભયભીત થઇને સરકારે તેના ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આજ વાર્તાનું ઇરાનમાં પણ પુનરાવર્તન થયું.જ્યાં શરૃઆતમાં તો શહેનશાહે તેમની વિદ્વતાને બિરાદાવી અને તેમને જબરદસ્તી વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા,પરંતુ પાછળથી બાદશાહ પોતે આફઘાનીની ટીપ્પણીઓ અને તેમની વૃદ્ધિ પામતી લોકપ્રિયતા અને અસરના વિસ્તાર પામતા વર્તુળથી ભયભીત બની ગયો અહીં સુધી કે અફઘાનીને કેદ કરી લેવામાં આવ્યા અને અંતે ૧૮૯૦માં તેમને દેશ છોડવાનો હુકમ થયો. તેઓ લંડન આવ્યા પરંતુ અહીં પણ આઝાદીના સોગંદો ખાવાવાળા સત્તાધારીઓના ગળામાં ઉતર્યા નહીં.૧૮૯૨માં જમાલુદ્દીન અફઘાની તુર્કસ્તાન આવી ગયા અને સુલતાન અબ્દુલહમીદની સલાહકાર સમિતિમાં સામેલ થઇ ગયા. ઉસ્માની ખિલાફતની છાયામાં તે ઇસ્લામી એક્તાના પોતાના દૃષ્ટિકોણને અમલી સ્વરૃપ આપવા માટે ઉત્સુક હતા પરંતુ અહીં પણ પોતાના સિદ્ધાંતવાદી સ્વભાવના કારણે તે રહી-રહીને અમલદારોની નજરમાં ખટકવા લાગ્યા ઘણા દેશોની એલચી કચેરીઓનું પણ દબાણ હતું કે અફઘાનીને તેમના હવાલે કરવામાં આવે પરંતુ એના પહેલા કે તેમને તુર્કી છોડવા માટે કહેવામાં આવે ૯, માર્ચ ૧૮૯૭માં જડબાના કેન્સરથી ગ્રસ્ત થઇને દુનિયાને જ છોડી દીધી.

આચરણની મહાનતા અને વિચારોની બુલંદી:

જમાલુદ્દીન અફઘાની જબરદસ્ત લાયકાતો ધરાવતા હતા. તે ખુબ જ ઓછું ઊંઘતા હતા. અને દિવસના ૧૮-૧૮ કલાક કાર્ય કરતા હતા. જ્ઞાાન અને વિદ્વતામાં આપ એક હરતા કરતા સંગ્રહસ્થાન સમાન હતા તો કાર્યક્ષેત્રના મેદાનમાં પોતાની ચપળતા અને ઉત્તમ કાર્યશૈલીના કારણે કોઇ મશીન સમાન હતા. તેમને અરબી, ફારસી, તુર્કી, ફ્રેન્ચ,અગ્રેજી, રશિયન અને ન જાણે કેટલી ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત હતું. તે જ્યાં જ્યાં ગયા ત્યાં તેમના સમાચારપત્રો,લેખો, પ્રવચનો અને ચર્ચાઓના માધ્યમથી વિશ્વ ઉપર છવાઇ ગયા તેઓ વર્તમાન સમયથી લઇને ભવિષ્યનો વિચાર કરતા હતા અને દીર્ઘદૃષ્ટિ દ્વારા વર્તમાન સ્થિતિ અને ભવિષ્યનો સચોટ અંદાજ લગાવવાની આવડત ધરાવતા હતા. તેઓ ક્રાંતિકારી વિચારોના ધારક હતા. તે જ્યાં પણ રહ્યા ઇસ્લામી નીતિ-નિયમોને લાગુ કરવા માટે શક્ય એટલા પ્રયત્નો કરતા રહ્યા અને અમલદારોના જુલ્મ અને સિતમો વિરૃધ્ધ પોતાની વાણી અને કલમને ચલાવતા રહ્યા. ‘અમ્ર બિલ મઆરૃફ વ નહ્ય અનિલ મુન્કર’ની તિવ્રતા અને સિધ્ધાંતના અનુસરણના કારણે કોઇ હુકુમત તેમને પોતાના રાજ્યમાં જગા આપવા માટે ઉદારતા દાખવતી ન હતી. તેમને ન તોે જેલના સળીયાની પરવા હતી ન તો ઘર-બારની. ત્યાં વળી તેે દેશનિકાલને ક્યાંથી ગણકારવાના હતા? તે તો જિંદગીભર ‘મુસ્લિમ હૈં હમ-વતન હૈં, સારા જહાં હમારા’ની જીવંત તસ્વીર બનીને રહ્યા. પરંતુ કદાપી પોતાના ગૌરવ અને સન્માન તથા સિદ્ધાંતથી પોતાના ઇમાનનો સોદો ન કર્યો. પદવીઓ અને હોદ્દા ખુદ સામે ચાલીને તેમની પાસે આવતા હતા અને જ્યારે તેમને લાગે કે તેઓ આઝાદી પૂર્વક ઇસ્લામ અને મુસલમાનોની સેવા કરી શકશે તો જ તેઓ હોદ્દાનો સ્વીકાર કરતા નહીંતર ઉચ્ચમાં ઉચ્ચ હોદ્દાને પણ તેઓ ઠોકર મારી દેતા હતા.૧૮૮૭માં રશિયાના ઝારે તેમને સેન્ટ પિટર્સબર્ગમાં રશિયાના ‘શેખુલઇસ્લામ’ બનવા માટે પ્રસ્તાવ મુક્યો પરંતુ અફઘાનીએ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો.

તે ઇસ્લામી એક્તાના પ્રખર હિમાયતી અને પ્રચારક હતા.તેમનું દિલ મુસ્લિમ રાજ્યો વચ્ચે પરસ્પર વેર-ઝેર લડાઇઓ અને એકતા તથા સંપના અભાવના કારણે લોહીના આંસુએ રડતું હતું. તેમણે તમામ ઇસ્લામી રાજ્યોને યુરોપના હાથા બનવાના બદલે ઇસ્લામી રાજ્યોનું એક યુનિયન બનાવવાની સલાહ આપી હતી. યુરોપિયન રાષ્ટ્રવાદના દૃષ્ટિકોણનો તેમણે નવરચનાની સ્થિતિમાં જ જોરદાર વિરોધ કર્યો હતો. અને મુસલમાનોને ખબરદાર કર્યા કે તેઓ અલગ અલગ કોમો નથી પરંતુ એક મિલ્લત છો. તે દરેક પ્રકારની સરમુખ્તયારશાહીના વિરોધી હતા અને ઇસ્લામી રાજ્યોમાં ખિલાફત ‘અલમિન્હાજુન્નબવીયહ’ વાળા શુરાઇ નિઝામ ‘શરઇ કાનુન વ્યવસ્થાને’ જીવંત કરવા માટે ઉત્સુક હતા સ્વાતંત્ર્ય અને સમાનતા જેવા મોડર્ન પરંતુ ઇસ્લામી સિધ્ધાંતની જોશભેર વકીલાત કરતા હતા. તેમણે મુસલમાનોના શૈક્ષણિક પછાતપણાની પણ સખત ટીકા કરી. સમકાલીન મુસ્લિમ રાજ્યોના ઉપર પ્રાચીન રોમન અને ઇરાની મહાસત્તાઓની પ્રણાલીનુ અનુસરણ કરવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે અલ્લાહની રાજસત્તાની સ્થાપના કરવાના સંકલ્પને જાહેર કર્યો. અને પશ્ચિમિ રાષ્ટ્રોની ખરાબીઓને ખુલ્લી પાડીને જાહેરમાં તિરસકૃત કરી. બંગાળના અખાતથી લઇને આટલાંટીક મહાસાગર સુધી તેમણે ઇસ્લાને જીવંત બનાવવા માટે જે અતિકિંમતિ બીજ રોપ્યા હતા તે આવનાર દિવસોમાં હષ્ટ-પુષ્ટ વૃક્ષ બનીને ઉભા થઇ ગયા. તેમના રૃંવેરૃવામાં સાચા અર્થમાં ઇસ્લામની પ્રસ્થાપનાની તમન્ના એટલી તીવ્ર હતી કે તેમણે મૃત્યુની અંતિમ ક્ષણે પણ આ આખરી મહેચ્છાને આ શબ્દોમાં પ્રગટ કરી ઃ કરતા રહેજો પ્રયત્ન મારા મિત્રો, મુકદ્મા જેલ અને કતલથી કદાપી ગભરાશો નહીં, મુશ્કેલીઓ સામે ક્યારેય નમશો નહીં અને જાલિમ બાદશાહો અને સરમુખ્તયારોના વિરોધમાં પોતાની લડાઇ ચાલુ રાખજો”.

જમાલુદ્દીન અફઘાનીની વિચારધારાએ ઉમ્મતના ભાવિ આલિમો અને લીડરોમાં રાજકીય સૂઝ-બૂઝ અને હોંશીયારી પૈદા કરી અને તેમના વિચારોથી લાભાન્વિત થનારા સેંકડો એવા પ્રાણ ન્યોછાવર કરનારા ઉભા થયા, જેઓએ આવનાર સદીમાં ઇસ્લામાી દુનિયાનો નક્શો જ બદલી નાખ્યો અને એક નવોે ઇતિહાસ રચી દીધો. અલ્લાહતઆલા એમને અજ્રે જલીલથી નવાજે. આમીન…*

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments