રસૂલલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું કે “મજલૂમના પોકારથી બચો, એટલા માટે કે તે અલ્લાહતઆલાથી પોતાનો હક્ક માગે છે અને અલ્લાહ કોઇ હક્કદારને તેના હક્કથી વંચિત નથી કરતો.” (મિશ્કાત)
સમજૂતી :
આ હદીસમાં મજલૂમની ‘આહ’ લેવાથી રોકવામાં આવ્યા છે. તે અલ્લાહતઆલા સમક્ષ તમારા જુલ્મની દાસ્તાન વર્ણવશે અને અલ્લાહતઆલા અદ્લ તથા ઇન્સાફ કરનાર છે. તે કોઇ પણ હક્કદારને તેના હક્કથી વંચિત નથી કરતો અને આ કારણે તે જાલિમ-જુલ્મીને વિવિધ પ્રકારની આફતો અને બેચેનીઓમાં સપડાવી દેશે આ જ ભાવાર્થની એક અન્ય હદીસ હઝરત અબૂહુરૈરહ રદિ.થી મુસ્લિમમાં વર્ણવાઇ છે. એ હદીસમાં પણ આને જ લાગતી એક વાત કહેવાઇ છે જેમાં રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું કે “મજલૂમોમાં જાલિમની નેકીઓ વહેંચી દેવામાં આવશે.” પછી જો તેની નેકીઓ ખતમ થઇ જશે અને મજલૂમોના હક્કો હજુ બાકી હશે તો તેમની (મજલૂમોની) ભૂલો (ગુનાહો) તેના (જાલિમના) હિસાબમાં નાખી દેવામાં આવશે અને પછી તેને જહન્નમમાં ફેંકી દેવામાં આવશે.”
ઉપરોક્ત બન્ને હદીસોમાં હુઝૂર સ.અ.વ.એ બંદાઓના હક્કોનું મહત્ત્વ વર્ણયું છે. આથી ખુદાના હક્કો અદા કરનારાઓએ બંદાઓના હક્કોનું હનન ન કરે, નહિંતર આ નમાઝ, રોઝા અને અન્ય નેક કાર્યો વિ. બધું ખતરામાં પડી જશે.