(સારાંશ: એક વખતમાં એક તલાક ઇસ્લામની આશીર્વાદરૃપ સિસ્ટમનો ભાગ છે, અને એક વખતમાં ત્રણ તલાક એક ક્રૂર વર્તન છે. જેનો અંત લાવવો મુસલમાનો માટે ફરજિયાત છે.)
જેવી રીતે પહેલાના સમયમાં માણસને ગુલામ બનાવવા, દીકરીને જીવતી દફન કરી દેવી, પત્નીને પતિની ચિતા પર જીવતી સળગાવી દેવાનો રિવાજ જે રીતે ક્રૂર હતો, એજ રીતે એક વખતમાં ત્રણ તલાક આપવી એ ક્રૂરતા છે. આજના સમયમાં જ્યાં ક્રૂરતાની નવી નવી રીતો એ આકાર લીધો ત્યાં જુની રીતોનો અંત લાવવા માટેના પણ ગંભીર પ્રયત્નો થયા, જેથી કરીને ગુલામીનો અંત આવ્યો, સતીના રિવાજને ગેરકાયદેસર ઠેરવી, ગુનો ઠેરવવામાં આવ્યો. આમ ત્રણ તલાકના ક્રૂર રિવાજને ખતમ કરવા અત્યાર સુધી કોઈ ગંભીર અને ભરપૂર પ્રયાસો કોઈના પણ તરફથી નથી થયા.
હકીકત તો એ છે સમાજમાં વારંવાર ઘટતી ત્રણ તલાકોની આ દીલ દુભાવનારી ઘટનાઓ અને તેના આધારે બનતી “નિકાહ” જેવી ફિલ્મોમાં દેખાડવામાં આવતા દુઃખભર્યા દૃશ્યો જોઈ એક સાધારણ મુસલમાન ચિંતાતુર અને બેચેન થઈ જાય છે, આ ત્રણ તલાકોવાળો અત્યાચાર જે પુરૃષ એક સ્ત્રી પર કરે છે અલ્લાહની શરિઅતમાં કેવી રીતે માન્ય હોઈ શકે. અલ્લાહ તો અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
વાત તો એમ છે કે આખા જગતમાં અને ખાસ કરીને ભારતમાં ઈસ્લામને બદનામ કરવામાં ત્રણ તલાકનો બહુ મોટો ભાગ રહ્યો છે. મુસલમાનોના આંતરિક જુથોમાં થતી અથડામણને પણ ત્રણ તલાકથી ખૂબ ભરણપોષણ મળ્યુ છે. YouTube પર જોઈએ તો ત્રણ તલાકની સમસ્યા પર વિદ્વાનોના એક બીજા વિરૂદ્ધ અનેક પ્રવચનો છે. પુસ્તકો, લાયબ્રેરી, મેગેઝિનો પણ આ ત્રણ તલાકની લાંબી ચર્ચાથી ભરાઈ ચુક્યા છે. ન તો વિદ્વાનોમાં આ ચર્ચા રોકાવવાનું નામ લે છે કે ત્રણ તલાક એકી સાથે કહેવાથી એક થશે કે ત્રણ, અને ન તો આમ જનતામાં ત્રણ તલાકનો સિલસિલો અટકી રહ્યો છે.
મુસ્લિમ વિદ્વાનોની આ વાત પર સહમતી છે કે એક વખતમાં ત્રણ તલાક એ સુન્નતની વિરૂદ્ધ કાર્ય છે. એક હીન કાર્ય છે. અને આ કૃત્યને આચરનાર અલ્લાહના હુકમની અવગણના કરે છે. તેમ છતાં તેમણે ત્રણ તલાકની સમસ્યા પર એટલી ચર્ચાઓ કરી કે લોકોના મન મસ્તિષ્કમાં ત્રણ તલાકો જ બેસી ગઈ, પરિણામ એ આવ્યું કે જ્યારે પણ તલાકની વાત મોં માંથી નીકળે તો તલાક ત્રણ છે એવુ જ નિકળે. ત્યાં સુધી કે આપણા મુસ્લિમ વકિલો પણ જ્યારે તલાકનામુ લખતા હોય ત્યારે ત્રણ તલાકનું વર્ણન કરી તેના પર સહી લે છે. વિદ્વાનો વિષે તો હું કશુ નથી કહી શકતો પણ ઘણા બધા મૌલવીઓ પણ એવુ સમઝે છે અને સમજાવે છે કે જો તલાક સંપૂર્ણપણે આપવી હોય તો ત્રણજની સંખ્યા પૂર્ણ થવી જોઈએ.
અહલે હદિસ સાથે જોડાયેલા વિદ્વાનાએ આ અત્યાચારના અંત માટે એવો રસ્તો કાઢયો કે એક સમયની ત્રણ તલાકને એક જ માનવામાં આવે, પરંતુ આ રસ્તાની ખામી એ છે કે એવા ઘણા બધા લોકો કે જે ત્રણ તલાક ને ત્રણ જ માને છે એવા લોકોને સંતોષ ના આપી શકાયો અને ખાસ કરીને જ્યારે ફિકહના ચારે મસ્લકો આ જ કહેતા હોય કે ત્રણ તલાકો ત્રણ જ ગણવામાં આવશે.
મને વિશ્વાસ છે કે વિદ્વાનો ગમે તેટલી ચર્ચાઓ કરી નાખે, અને કેટલાયે પુરાવાઓ ભેગા કરી નાખે, આ ચર્ચાનો અંત નથી થઈ શકતો કે ત્રણ તલાકને ત્રણ માનવામાં આવે કે એક માનવામાં આવે, કારણ કે આના મૂળ એટલા ઊંડા અને એટલા મજબૂત છે કે એને ઉખાડી ફેંકવા લોકો માટે મુશ્કેલ છે. અને અહીં તો તલાકની વાત છે, જેથી ત્રણ તલાકને એક માની લીધા પછી પણ મનમાં આ પ્રશ્ન સતત થયા કરે છે કે ત્રણ તલાક એ વાસ્તવમાં ત્રણ તો નથી જ ને? અને આ ત્રણને એક માની લીધા પછી શું દામ્પત્ય જીવન હલાલ છે કે હરામ.
હું એક લાંબી ચર્ચા વિચારણા અને ચિંતન મનન પછી એ પરિણામ પર આવ્યો છું કે આ સ્થિતિ ને સુધારવા માટે એક માત્ર રસ્તો છે કે આ પરિસ્થિતિ જે કારણે બગડી છે તેના કારણોને દૂર કરવામાં આવે, એટલે કે તલાકની સાચી વિચારધારાને લોકો સમક્ષ મુકવામાં આવે.
લોકોનું એવું માનવું છે કે તલાકનું લક્ષ્ય મેળવવા માટે આપવામાં આવતી તલાક એ ત્રણ તલાક છે. આપણે લોકોને એ બતાવવું પડશે કે સંપૂર્ણ તલાક કે જેનાથી તલાકનું લક્ષ્ય મેળવી શકાય એ માત્ર એક તલાક છે. અર્થાત એક તલાક એ ત્રીજા ભાગની તલાક નહીં પરંતુ એ સંપૂર્ણ તલાક છે.
હું એવુ સમજુ છું કે દરેક જુદા જુદા સ્ટેન્ડ ધરાવતા વિદ્વાનો નિખાલસતાથી જનતાને આ બતાવવાની ચળવળ ચાલુ કરી દે કે એક મુસલમાનનો પંથ ત્રણ તલાક આપવુ છે જ નહીં, મુસલમાન તો જ્યારે જરૃર હોય ત્યારે એક જ તલાક આપે છે. અને તેમને એક તલાકના ફાયદા તથા બરકતોની જાણ કરાવવામાં આવે તો ત્રણ તલાકોના ક્રૂર રિવાજ નો અંત આવી જશે અને સાથે ત્રણ તલાક પર ચાલતી આ ચર્ચા વિચારણાઓ પણ બંધ થઈ જશે.
આ વાત પણ સાચી નથી કે લોકો માત્ર ગુસ્સામાં ત્રણ તલાક આપે છે, અને એ પણ સત્ય નથી કે માત્ર અજ્ઞાાની અને અભણ જ ત્રણ તલાક આપે છે. મારો અનુભવ તો એ છે કે ભણેલા ગણેલા લોકો પણ દરેક સ્થિતિમાં ત્રણ તલાક આપવા લાગ્યા છે. કારણકે એ લોકો એવું માને છે કે પત્નીથી અલગ થવા માટે ત્રણ તલાક જ આપવાની હોય છે. નવયુવાનો સાથે વાતચીત દરમ્યાન જ્યારે મે એમને એક તલાક વિષે વાત કરી તો તેમને આઘાત લાગ્યો, તેમને ખબર જ ન હતી કે શરીઅત (ઇસ્લામી કાનૂન)માં જે રીત બતાવવામાં આવી છે તે એક તલાક આપવાની જ છે. અને આ એક તલાકથી પતિ અને પત્ની અલગ થવાનો લક્ષ્ય મેળવી શકાય છે.
વાત કેટલી સામાન્ય અને સરળ છે. ઝૈદ અને તેની પત્નીના પરસ્પર સંબંધો વણસી થઈ ગયા છે, તે તેને એક તલાક આપે છે. ઈદ્દત દરમ્યાન ઝૈદને પોતાના નિર્ણય પર પછતાવો થાય તો તે નિયત સમયમાં પાછો ફરે છે. જો તેને પછતાવો ન થાય અને સંબંધ નથી જાળવતો તો ઈદ્દત પુરી થતા તેની પત્ની તેનું ઘર છોડી દે છે. એના પછી એના લગ્ન બીજે ક્યાંક થઈ જાય છે અને તે પોતાના નવા પતિ સાથે રહેવા લાગે છે. અને જો તેના લગ્ન બીજે ન થતા હોય અને એ બંને પતિ પત્ની બની રહેવા માંગતા હોય તો બંને માટે રસ્તો છે કે નિકાહ કરી ફરી પોતાનું દાંપત્ય જીવન શરૃ કરી શકે છે. તલાકની વાર્તા આટલી જ છે અને તેનું પુનરાવર્તન બે વખત જ છે. ત્રીજી વખત તલાક એટલે કાયમ માટે તેઓ અલગ થઈ જાય છે.
આ વાત પર કેટલાક નવયુવાનોએ આશ્ચર્યચકીત થઈને કહ્યું કે ત્રણ તલાક વગર પણ સ્ત્રી બીજા કોઈ પુરૃષ સાથે લગ્ન કરી શકે છે? કારણ કે તેમના મગજમાં એ હોય છે કે એક તલાક તો સંપૂર્ણ તલાક હોતી નથી કે જેથી સ્ત્રી બીજા કોઈ પુરૃષ સાથે લગ્ન કરી શકે. જ્યારે તેમને આ સમજાવવામાં આવે છે કે એક તલાક પત્નીથી છુટા થવા માટે પુરતી છે તો તેઓ વધુ આશ્ચર્ય પામે છે કે જો આવું હોય તો ત્રણ તલાકનો પાઠ આટલા ભાર દઈને કેમ ભણાવવામાં આવે છે.
તલાક, માનવતાનું હિત એવી ઈશ્વરીય વ્યવસ્થાને ત્રણ તલાકની વિચારધારા એ એટલી હદે નુકશાન પહોંચાડયું છે કે પોતાનાઓ સાથે લડવાના મૌકા ઊભા થઈ ગયા, લોકો પરસ્પર ખૂબજ લડયા. વિરોધીઓને ઇસ્લામની હાંસી ઉડાવવાનો મોકો મળ્યો અને તેમણે ખુબ મશ્કરી કરી.
જોકે એક વખતમાં એક તલાક આપવી એ જ સાચો રસ્તો હતો જેના પર મુસલમાનોએ ચાલવાની જરૃર હતી. આ રસ્તો સમાજ માટે જીવન આપનાર અને એક વ્યક્તિ માટે સંતોષકારક હતો. દરેક વિદ્વાનોએ મળીને રસ્તાની સાચી સમજ અને સાચું અર્થઘટન કરવા પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ વિદ્વાનો દરમ્યાન ત્રણ તલાક પર નકામી ચર્ચાઓ શરૃ થઈ ગઈ. અને આ ચર્ચા એટલા મોટા પ્રમાણમાં ચાલી કે લોકોના મગજમાં આ વાત બેસી ગઈ કે તલાક એક નહીં પણ ત્રણ હોય છે. આ ચર્ચાઓને નકામી કહેવા પાછળ કારણ એ છે કે થોડા ખાસ પુરાવા સિવાય બીજુ કશુ જ લોકો પાસે ન હતું. અને એને જ લઈને લોકો એક બીજા સાથે ધમાલ મસ્તી, અને એકબીજાનું અપમાન કરવામાં પડયા રહ્યા.
ઈસાઈઓને હઝરત ઈસા અલૈહિસ્સ્લામે એક ઈશ્વરની ઉપાસનાનો પાઠ ભણાવ્યો હતો,પરંતુ તેમણે તેની ચરમસીમા ઓળંગી સન્યાસના દંડમાં ઘેરાઈ ગયા. મુસલમાનોને એક તલાક એ ઇશ્વર તરફ થી રહેમત અને આશિર્વાદ રૃપે આપવામાં આવી હતી તો મુસલમાનોએ એક ને ત્રણ વડે ગુણાકાર કરી પોતાની જાત ને અલ્લાહની રહેમત થી વંચિત કરી લીધા. અને દંડનો શિકાર થઈ ગયા.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે સમાજનો હોંેશિયાર અને સમજુ વર્ગ એક થઈ મોટા પાયે ચળવળ ચલાવી ત્રણ તલાકના રિવાજનો અંત લાવી અને એક તલાક વિષે લોકોને સમજાવવામાં સફળ થઈ શકશે. અને જો આવુંુ થઈ જાય તો શરિઅત પ્રત્યે અસામાન્ય માન-સન્માન માત્ર મુસ્લિમોમાં જ નહીં પરંતુ બિન-મુસ્લિમ વર્ગના લોકોના હૃદયમાં પણ થઈ જાય.
મે કુઆર્નની એક તલાકની વ્યવસ્થા પર જેટલુ ચિંતન મનન કર્યું, અલ્લાહની કૃપાનો ભાસ એટલી નજીકથી થયો. અને ત્રણ તલાક વાળી તલાકના પરિણામો પર જેટલો વિચાર કર્યો તો તેને સમાજ માટે અત્યંત ક્રૂર અને સામાજીક શ્રાપ જ્વું લાગ્યું. –