હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “બંદાની દુઆ કબુલ થાય છે જ્યાં સુધી તેમાં ગુના અને સગાઓ સાથે સંબંધ તોડી નાંખવાની વાત ન હોય, અને ઉતાવળ કરવામાં ન આવે.” પૂછવામાં આવ્યું કે, ‘હે રસૂલુલ્લાહ! ઉતાવળ એટલે શું?’ ફરમાવ્યુંઃ “બંદો કહે છે કે, ‘હું દુઆ કરતો રહ્યો, કરતો રહ્યો પરંતુ દુઆ કબૂલ ન થઈ.’ એ પછી માણસ કંટાળી જાય છે અને દુઆ કરવાનું છોડી દે છે.” (મુસ્લિમ, મિશ્કાત-કુતાબુદ્દઅવાત)
હઝરત અબૂઐયબ રદી. ની રિવાયત છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) જ્યારે કંઇ ખાતા-પીતા તો કહેતા, “આભાર અલ્લાહ માટે છે જેણે ખવડાવ્યું, ખોરાકને સ્વાદિષ્ટ બનાવ્યો અને (બિનજરૂરી વસ્તુઓના) નિકાલની વ્યવસ્થા કરી.” (અબૂદાઊદ, મિશ્કાત – કુતાબુલઅત્અમહ પા. ૩૫૮)
હઝરત ઇબ્ને ઉમર રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ (સ.અ.વ.) જ્યારે મુસાફરીએ જવા માટે ઊંટ ઉપર સવાર થઈ જતા તો ત્રણ વખત તકબીર કહેતા અને પઢતા. ‘સુબ્હાનલલ્ઝી સખ્ખર લના હાઝા વમાકુન્ના લહુ મક્િરિનીન વ ઇન્ના ઇલા રબ્બિના લમુન્કલિબૂન’. ‘હે અલ્લાહ, અમારી આ મુસાફરીમાં તારી પાસેથી ભલાઈ અને સંયમ માગીએ છીએ અને એ કામ માગીએ છીએ જે તને રાજી કરે. હે અલ્લાહ, અમારી આ મુસાફરીને અમારા માટે સરળ બનાવ અને એનું અંતર ઘટાડ – હે અલ્લાહ, તું મુસાફરીમાં પણ અમારો સાથી છે અને અમારા ઘરોમાં પણ (અમારી પાછળ) અમારો ઉત્તરાધિકારી છે. હે અલ્લાહ, હું તારી પાસે મુસાફરીની સખતીથી રક્ષણ માગુ છું કે હું પોતાના બાળબચ્ચાં અને માલ-સામાનમાં ખરાબ હાલતમાં પાછો આવું અને કોઈ ભયાનક દૃશ્ય જોઉ.’ જ્યારે પાછા ફરતાં તો આ જ દુઆ ફરી વાર કહેતાં અને તેમાં આ શબ્દો ઉમેરતાંઃ ‘અમે તૌબહ કરતા કરતા આવ્યા, બંદગી કરતા અને પોતાના રબની હમ્દ કરતા.’ (મુસ્લિમ)
હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવતાંઃ “હે અલ્લાહ, મારા માટે દીનને બહેતર બનાવ જે મારા માટે બચાવ છે, અને મારા માટે મારી દુનિયા બહેતર બનાવ જેમાં મારા માટે જીવનસામગ્રી છે, અને મારા માટે મારી આખિરતને બહેતર બનાવ જ્યાં મારે પાછા જવાનું છે અને મારા માટે જીવનને દરેક ભલાઈની વૃદ્ધિનું કારણ બનાવ અને મોતને દરેક બૂરાઈથી સુરક્ષિત રહેવાનું કારણ બનાવ.” (મુસ્લિમ, મિસ્કાત – બાબે જામેઉદ્દૂઆ)
હઝરત ઇબ્ને અબ્બાસ રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “જો તમારામાંથી કોઈ પોતાની પત્ની પાસે જતી વખતે આ કહે, ‘બિસ્મિલ્લાહ, હે અલાહ, અમને શૈતાનથી દૂર રાખ અને જે (સંતાન) તું અમને એનાયત કરે તેને પણ શૈતાનથી દૂર રાખ.’ તો જો અલ્લાહતઆલા પતિ-પત્નીને બાળક એનાયત કરશે તો શૈતાન તેને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે.” (મુત્તફિક અલૈયહિ, મિશ્કાત – બાબુદદઅવાત)
હઝરત અબૂમાલિક અશ્અરી રદી. વર્ણવે છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “જ્યારે માણસ પોતાના ઘરમાં દાખલ થાય તો તેણે કહેવું જોઈએ કે, હે મારા અલ્લાહ, હું તારી પાસે સવાલ કરું છું કે મારું ઘરમાં દાખલ થવું અને નીકળવું ભલું નીવડે અમે અલ્લાહના નામથી દાખલ થયા અને અલ્લાહ ઉપર અમ ેભરોસો કર્યો. આ પછી ઘરવાળાઓને સલામ કરવી જોઈએ.” (અબૂદાઊદ, મિશ્કાત – બાબુદદઅવાત પા. ૩૦૭)