હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ વર્ણવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શહેરના એક ભાગમાંથી પધારી રહ્યા હતાં. એ વખતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બજારમાંથી પસાર થયાં. થોડા લોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતાં. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બકરીના એક મુડદાલ બચ્ચા પાસેથી પસાર થયા જેના કાન નાના હતા. તેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાન પકડીને ઉપાડયું અને પોતાના સાથીઓને પૂછ્યું : તમારામાંથી કોણ આને એક દિરહમમાં લેવાનું પસંદ કરશે? તેમણે જવાબમાં કહ્યું ઃ અમે કોઈ પણ લેવાનું પસંદ નહીં કરીએ. આને લઈને અમે શું કરીશું?
ફરમાવ્યું : તમે આને મફત લેવાનું પસંદ કરશો? તેમણે કહ્યું : અલ્લાહના સોગંદ! જો આ જીવતું હોત તો પણ એના કાન નાના હોવાના લીધે ખામીયુક્ત હતુ અને હવે તો આ મુડદાલ છે!
ફરમાવ્યું : અલ્લાહના સોગંદ! દુનિયા અલ્લાહની નજરમાં એના કરતાં પણ વધારે તુચ્છ છે જેટલું આ મુડદાલ બચ્ચું તમારી નજરમાં છે. (બુખારી, કિતાબુઝ્ઝુહદ)
સમજૂતી :
આ હદીસમાં બકરીના બચ્ચાના દૃષ્ટાંત દ્વારા દુનિયાની મુલ્યહીનતા સ્પષ્ટ કરવામાં આવી છે. દુનિયાનું મૂલ્યહીન અને તુચ્છ હોવું તેના આ લાભના સંદર્ભમાં છે જે આખેરત (પરલોક)ની સરખામણીમાં રહેલો છે. કહેવાનો મુદ્દો આ છે કે જે લોકો આખેરતની અવગણના કરી દુનિયાને ધ્યેય બનાવી લે છે અને તેના લાભો માટે મરવા પડે છે તેઓ કીંમતી વસ્તુના મુકાબલે એક મૂલ્યહીન વસ્તુ પ્રાપ્ત કરે છે અને મોટો ફાયદો છોડીને તુચ્છ ફાયદાઓ પાછળ દોડે છે.