પેરીસના આતંકી હુમલાઓએ દુનિયાને ફરી એકવાર હચમચાવી દીધી. ફરીથી વિશ્વભરમાંથી અપેક્ષિત પ્રતિભાવની ગંગા વહેતી થઇ ગઇ.અસુરક્ષાની ભાવનાથી પીડાતા અને કથિત રીતે ઇસ્લામના નામે થતા આતંકવાદથી ચિડાયેલા મુસ્લિમ સમુદાયએ સોશ્યલ્ મિડીયા પર અને બીજા ઠેકાણે આ આતંકી હુમલાઓને સખત રીતે વખોડી કાઢયા . બીજી બાજુ એવા મુસલમાનો પણ મોટી સંખ્યામાં છે કે જેમણે સમગ્ર પ્રકરણને ઇસ્લામ વિરોધી તાકતોનુ કાવત્રુ ગણવાનું શરૃ કરી દીધું, તેમના મતે ઇસ્લામ ક્યારેય અસહિષ્ણુતાની અને નિર્દોષોના લોહી વહેવડાવવા શિક્ષણ આપતું નથી. આવી હરકતો માત્ર ઇસ્લામના દુશ્મનો જ કરી શકે. તેઓ ઇસ્લામની છબીને ખરડવા માંગે છે અને જો ઇસ્લામને લઈને અત્યારે રચનાત્મક અભિગમ અપનાવવામાં આવે તો આવી તાકતોને જીત મળે.
બીજા પ્રતિભાવમાં વિશ્વભરના રાષ્ટ્રો અને સોશ્યલ મીડીયા પર ક્રિયાશીલ નવી પેઢીએ પણ મોટી સંખ્યામાં પોતાની પ્રોફાઇલને ફ્રાન્સના ત્રિરંગાથી સજાવીને તેમના દુઃખમાં ભાગીદારી નોંધવવા ચેષ્ટા કરી. પરંતુ આ વર્ગને તે ટીકાઓનો પણ સામનો કરવો પડયો કે તેમની પીડા દરેક આતંકી હુમલાની ખુમારીના જોવા મળતી નથી. તેમની સંવેદનાનો પણ દોરી સંચાર કરવામાં આવે છે. તેમના હૃદયમાં ત્યારે પીડા નથી અનુભવાતી જ્યારે અફઘાનિસ્તાન, ઇરાક સીરીયા અને પેલેસ્ટાઇન જેવા રાષ્ટ્રોમાં લાખોની સંખ્યામાં નાગરીકોએ જાન ગુમાવવી પડી છે. આ સંવેદના ત્યારે ગાયબ થઇ જાય છે જ્યારે આરબ દેશોના નાના ભુલકાઓની લાશો, હાથમાં લઇને તેમના મા-બાપ ચીચીયારીઓ પાડતા હોય છે. આમ આવા દુખ ભર્યા સમયમાં દરેક લોકો પીડા તો અનુભવે છે. પરંતુ દરેક વ્યક્તિ પોતાની વિચારસરણી મુજબ ઘટનાઓનું વિષ્લેષણ કરે છે, દરેક વ્યક્તિ આ માનવસર્જિત તબાહીઓનું કારણ અલગ અલગ પરીબળોને ગણે છે, દરેક વ્યક્તિ આ સ્થિતીનો સામનો કરવા માટે પોતાની સમજ મુજબ ઉકેલો પણ રજૂ કરે છે.
આતંકની આ મહા સમસ્યાને સમજવા માટે સૌથી પ્રથમ જરૂરત છે સંપુર્ણ માહિતીની. આમ લોકો સમક્ષ અપુરતી માહિતી આવે છે, જેના કારણે તેઓ સમસ્યાને સંપુર્ણ રીતે સમજી પણ નથી શકતા અને તેના ઉકેલ માટે વિશેષ કઇં કરી પણ નથી શક્તા. હવે પેરીસની ઘટનાનો જ દાખલો લેવામાં આવે. ફ્રાન્સ એક વિકસીત રાષ્ટ્ર છે અને ત્યાંની કાયદા વ્યવસ્થાનું પાલન પણ અધુનિક ઢબે કરવામાં આવે છે. ત્યાંની પોલીસને શહેરમાં ફરતી મહિલા ક્યા પહેરવેશમાં ફરે છે તેની પણ માહિતી હોય છે. તેઓ ઉત્તર આફ્રીકાના દેશો જેમાં અલજિરીયા મુખ્ય છે ત્યાંથી આવનારા લોકોનું પ્રોફાઇલીંગ અને તેમની ગતીવિધિઓ પણ સંપૂર્ણ નજર રાખે છે. આવા રાષ્ટ્રમાં વિદેશમાંથી અમુક લબરમુછીયાઓ અત્યાધુનિક હથિયારો લઇને આવે પેરીસના સૌથી અગત્યના સ્થળો સુધી પહોંચી જાય અને બેફામ હુમલાઓ કરી પોતાની જાતને બોંબથી ઉડાડી દે ત્યાં સુધી ગુપ્તગર સંસ્થાઓ પાસે કોઇ માહિતી ન પહોંચે તે માનવું ઘણું કઠીન છે. આ ગુપ્તગર સંસ્થાઓની બહુ મોટી લાપરવાહી ગણી શકાય. આ ઉપરાંત થોડા સમય અગાઉ શાર્લી હેબ્દોની કચેરીમાં જે ઘટના બની તેમ આતંકીઓ અલ્લાહુઅકબરના નારા આપે પોતાનો પાસપોર્ટ છોડે, પોતાના હુમલાઓનું કારણ ગણાવે અને વળી પાછી એક વ્યક્તિ જીવિત રહી જાય આ સમગ્ર બનાવ એક સ્ટાન્ડર્ડ મોડસ ઓપરેન્ડી મુજબ થાય તે ચોક્કસપણે અચરજ ભર્યું છે. બ્લોગ લેખક ડો. સલીમ ખાન મુજબ તો આ ઘટના મુંબઇ હુમલાની ફોટો કોપી છે, અહીં પણ કોઇ એક સ્થળે નહીં પરંતુ અલગ અલગ અને પ્રચલિત સ્થળો પર હુમલા કરવામાં આવ્યા, અહીં પણ માત્ર એક જ જીવિત વ્યક્તિ પકડી શકાઇ, આઘટનાઓ કોઇ એકજ કારખાનાની ઉપજ હોય એમ લાગે છે. આંતકનો આ ખેલ ખલનારા લોકો કથિત રીતે ISISના સભ્યો છે, એવું પણ કહેવાય છે કે ISIS એટલું શક્તિશાળી નથી જેટલું તે પોતાને બતાવે છે. આથી કોઇ પણ આતંકી હુમલાની જવાબદારી પોતાના નામે લઇ લે છે જેથી કરીને તે પોતાના ટેકેદારો વચ્ચો મજબુતીથી ઉભી રહી શકે. એક વાર માની પર લઇએ કે જેમ ISIS કહે છે તેમ આ હુમલાઓ તેમના નિયંત્રણ હેઠળ જ થયા હતા તો ISISને આટલી મજબુતી ક્યાંથી મળે છે,ક્યાંથી તેમની પાસે જાન ન્યોછાવર કરવા માટે સૈનિકો આવે છે, ક્યાંથી તેમને ખાણી-પીણીના સાધનો મળે છે, તેમન વાહનો અને હથિયારો ક્યાંથી મળે છે, તેમને પાણી અને દવાઓ કોણ પહોંચાડે છે રશિયાના પ્રમુખ પુતિન મુજબ તો તેમને ચાલીસ રાષ્ટ્રોમાંથી નાણા પહોંચે છે, જેમાં જી-૨૦ સમુહના દેશો પણ શામેલ છે. ISIS જેવા દાનવને પછાડવા વિશ્વસત્તાઓને કેટલીવાર લાગે તેમ છે તેમને પહોંચતો પુરવઠો બંધ કરી દેવામાં આવે તો તે અમુક દિવસો પણ ચાલી શકે તેમ નથી.
આટલા બધા પ્રશ્નો અને સાવ ઉપરછલ્લી માહિતીને લઇને આતંકવાદ જેવી ગંભીર સમસ્યાને સરળતાથી ઉકેલી શકાય નહીં. તે લોકો ચોક્કસપણે અત્યંત ભોળા છે અથવા તો સત્ય સાથે નજર મેળવવા નથી માંગતા જેઓએ આતંકવાદને ઇસ્લામ સાથે જોડી દીધો છે. મહેંદીહુસેને અલજઝીરાના એક વિડીયોમાં વિસ્તૃત આંકડાકીય માહિતી આપી છે અને બતાવ્યું છે. ૨૦૦૧માં અમેરીકાએ જ્યારે આતંક સામે યુધ્ધનો આરંભ કરવા અફઘાનિસ્તાનની ઘોર ખોદી નાંખી ત્યાં સુધી ઇસ્લામી રાષ્ટ્રોમાં આત્મઘાતી હુમલાઓ અને બોંબ ધડાકાઓ વિશે કોઇ જાણતું પણ ન હતું. જે કંઇ આતંકવાદી ઘટનાઓ થઇ છે તે છેલ્લા ૧૪ વર્ષોમાં નોંધઇ છે.
આ ઉપરાંત આતંકને ઉદ્યોગની જેમ ઘડવામાં આવ્યો છે. આતંકીઓનો ઉપયોગ પોતાના રાજકીય હેતુઓ માટે વિવિધ રાષ્ટ્રો કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે આંખે ઉડીને વળગી રહ્યું છે.
મધ્યપૂર્વ (Middle East) જગતને બીજા વિશ્વયુધ્ધ પછી યુરોપીયન સામ્રાજ્યાવાદીઓએ જે રીતે પોતાના ખેલની સામગ્રી બનાવી દિધી અને પછી પોતાન પિટ્વુ શાસકોને બેસાડી દીધા તે પછી સમસ્યા સતત વિકરાળ બનતી ગઇ છે. તેમણે ક્યારેક શિયાસુન્નીના મુદ્દે ક્યારેક અરબ રાષ્ટ્રવાદના મુદ્દે તો ક્યારેક તેલ પર નિયંત્રણના મુદ્દે અરબ દેશોમાં તારાજી ફેલાવી દીધી છે. સમસ્યાનું સમાધાન દૂર સુધી દેખાતું નથી. ચારેકોર ભોગ બને છે તો સામાન્ય માણસ. છેલ્લા ચાર વર્ષોમાં માત્ર સીરીયામાં ત્રણ લાખથી વધુ લોકોએ જાન ગુમાવી અને ત્યાંની અડધી વસ્તિ દેશ છોડીને પલાયન થવા મજબુર થઇ ગઇ. આશ્રિતો બનવા વલખા મારતી પ્રજા ક્યારેક દરિયામાં ડુબતી હોડીઓને કારણે ગરકાવ થઇ જાય છે અને જો કદાચ સદ્નસીબે બચી જાય તો તેમને આશરો આપી રહેલા રાષ્ટ્રોની પ્રજાની નફરતનો શિકાર બને છે. પેરીસ હુમલાને ૨૪ કલાક થયા ન હતા કે ફ્રાન્સે સિરીયામાં જઇ ISISના કહેવાતા મથકો ઉપર અંધાધુંધ બોંબવર્ષા કરી નાંખી. આ હુમલા કરવા માટે તેમને કોઇની પરવાનગી નથી લેવી પડતી. તેમની નૈતિકતા માટે નિર્દોષ માણસોનું લોહી બાધક બનતું નથી . તેઓ આતંકનો ખાતમો બોલાવવા ગયા છે કે આતંકનું ઉત્થાન કરવા ગયા છે તે સમજાતું નથી. આતંકના આ મહાખેલમાં સૌથી વધુ વેઠવાનું મુસલમાનો અને ઇસ્લામના ભાગે જ આવે છે. ચારે તરફ જાણે હતાશા જ હતાશા હોય તેવું વર્તાઇ રહ્યું છે.
પરંતુ અલ્લાહે જેમ વાયદો કર્યો છે કે બેશક તંગી પછી આસાની છે તેમ આતંકના આ મહાકૂંભના કારણે ઘણા લોકો વિચારતા થયા છે. તેઓ મધ્યપુર્વમાં જે અગનખેલ ખેલાઇ રહ્યો છે તેનો જવાબ અમેરીકા અને યુરોપના રાષ્ટ્રોથી માંગતા થયા છે. લોકો પર જોર કરીને બની બેઠેલા અરબ રાજાઓ સામે પણ પોતાનું માથું ઉંચકી રહી છે. મીડીયાના એહવાલોને કોઇ પણ પ્રશ્ન વગર સ્વીકાર કરી લેવાની સામાન્ય પ્રજાની ચેષ્ટાઓ પણ બદલાઇ રહી છે. આતંકનોે ઉદ્યોગ ચલાવતા પરીબળો માટે આવનારા દિવસો સાવ સરળ નથી. ઇસ્લામના નામે દુનિયાને ગમે તેવા પાઠ ભણાવનારા લોકોની સંખ્યા સાવ જુજ થતી જાય છે અને જિહાદનો સાચો અર્થ પણ લોકો સમક્ષ ખૂલી રહ્યો છે.
આ સમય છે કે માણસ બીજા માણસ પર વિશ્વાસ ઓછો ન કરે. પોતાના કાન એક-બીજા સામે ઉઘાડા રાખે. પોતાની આસ્થાઓ અને માનવ મૂલ્યો પર કાયમ રહે આવું થશે તો ISISનોે દાનવ પણ ઠેકાણે પડશે. ખરું જ કહ્યું છે સાહિર લુધીયાનવીએ,
“ઝુલ્મ ફીર ઝુલ્મ હૈ બઢતા હૈ તો મિટ જાતા હૈ
ખુન ફિર ખુન હૈ ટપકેગા તો જમ જાયેગા”