એક સમય આવશે જ્યારે દારૃ સામાન્ય થઇ જશે, નિર્લજ્જતા અને અશ્લીલતા વધી જશે. ઘરોમાંથી ગીતોનો અવાજ આવશે. ગાવા અને નાચવાવાળીઓ વધી જશે. છોકરાઓ માતાપિતાના અવજ્ઞાકારી બની જશે ….
આ શબ્દો મારા નથી. આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ઉચ્ચારેલી ભવિષ્યવાણી હતી. જે હુબહૂ નજર સમક્ષ થતી જોઇ શકાય છે. તેને સાર્થક કરવામાં ફિલ્મી જગતે પણ ભાગ ભજવ્યો છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજીએ માનવીય જીવનને લગતા જુદા જુદા ક્ષેત્રોમાં પ્રગતિ સાધી છે. માનવીય જીવનમાં આવતી સમસ્યાઓને પાર પાડવા અથવા જીવનને સુખ સગવડો પહોંચાડવાના આશયથી વિવિધ ક્ષેત્રોમાં સંશોધનો થતા રહ્યા છે અને થઇ રહ્યા છે. આ સંશોધનો થકી વિકસતી ટેક્નોલોજીના માનવીય જીવન પર જ્યાં સારા પ્રભાવ પડ્યા છે ત્યાં જ કેટલાક દૂષણો પણ ફેલાયા છે. ટેક્નોલોજી કે વિજ્ઞાન પોતે સારા કે ખોટા નથી. તેમનો ઉપયોગ કેવી રીતે થાય છે તે તેને સારો કે ખોટો બનાવે છે. દા.ત. ન્યુક્લિયયરનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે પણ કરાય છે અને ન્યુક્લિયરથી બોમ્બ પણ બનાવી શકાય છે. એક વસ્તુ માનવજીવનને પ્રકાશિત કરે છે જ્યારે બીજી માનવસૃષ્ટિનો વિનાશ કરી શકે છે. એવી જ રીતે હથિયારનો ઉપયોગ દુર્જનો અને વિદ્રોહીઓને કાબૂ કરવા માટે પણ કરી શકાય અને ખંડણી ઉઘરાવવા કે લૂંટ ચલાવવા માટે પણ કરી શકાય. એક વસ્તુ સમાજમાં શાંતિ પેદા કરવા માટે મહત્વની છે જ્યારે બીજી અશાંતિનું ઉદ્ભવ સ્થાન છે.
વિજ્ઞાને જે ક્ષેેત્રોમાં વિકાસ કર્યો છે તેમાંનું એક ‘મનોરંજન’નું ક્ષેત્ર છે. ગઇ કાલ સુધી મનોરંજન માટે જે મેદાની રમતો રમવામાં આવતી હતી આજે તેનું સ્થાન ફિલ્મ, મોબાઇલ અને ઇન્ટરનેટ ગેમ્સ એ લઇ લીધું છે. કાલે રંગમંચની બોલબાલા હતી. આજે ફિલ્મોના બોર વેચાય છે. ઓગણીસમી સદીના મધ્યમાં (૧૯૪૫) લુમેરે બ્રધર્સએ પ્રથમ ચલચિત્ર રજૂ કર્યું હતું. એક જમાનો હતો જ્યારે મુંગી ફિલ્મોનું નિર્માણ થતું હતું પરંતુ સમાજ માટે કોઇ સંદેશ આપતા દૃશ્ય ભજવતા હતા પરંતુ જ્યારે ફિલ્મોએ બોલવાનું શરૃ કર્યું તો પછી શું બોલવું એનું પણ ભાન રહ્યું નથી. આજકાલ ફિલ્મોમાં જેવી રીતે ગાળો અને બિભત્સ શબ્દોને છુટો દોર આપી દેવામાં આવ્યો છે. એ મારા મત મુજબ ક્યારેય થવું ન જોઇએ. (આવી ફિલ્મોના નામ જણાવી તેમની પબ્લિસીટી કરવા માગતો નથી.) એક સમય હતો જ્યારે પત્નિના પાત્ર ભજવવા અભિનેત્રીઓ નહોતી મળતી. આ તે સમયની નૈતિક શક્તિ હતી જ્યારે આજે પ્રણય દૃશ્યો ભજવવામાં કોઇ સંકોચ થતો નથી. પ્રેમ કથાઓ તો એ યુગમાં પણ દર્શાવવામાં આવતી હતી પરંતુ આજની જેમ ચુંબન દૃશ્યોનો ક્રેઝ ન હતો. એ સમયમાં પતિ-પત્નિના એકાંતને સાંકેતિક રૃપે દર્શાવવામાં આવતા હતા જ્યારે આજની ફિલ્મોમાં લજ્જાને નેવે મૂકી શાનથી દર્શાવવામાં આવે છે. શરૃઆતના સમયમાં સ્ટોરી ફિલ્મોને હિટ કરતી હતી જ્યારે આજે અભિનેત્રીઓના અંગપ્રદર્શન ફિલ્મોને હિટ બનાવે છે. ‘પ્યાર કિયા કોઇ ચોરી નહી કી’ના નૃત્યની જગ્યા આજે ‘મુન્ની બદનામ હુઇ’ અને ‘શિલા કી જવાની’ વગેરે જેવા આઇટમ સોંગ્સ એ લઇ લીધી છે. પશ્ચિમી સંસ્કૃતિના તાબા હેઠળ બોલીવૂડ પણ હોલીવૂડના રવાડે ચડ્યુ છે. બલ્કે ટેલિવુડ પણ તેનાથી કદમ મેળવીને આગળ વધી રહ્યું છે. આજે ફિલ્મોમાં સેક્સ, રોમાન્સ, મર્ડર અને અંગ પ્રદર્શનનું નામ રહી ગયુ છે. બિપાસા કહે છે કે આજની હિરોઇન ડિમાન્ડ એન્ડ સપ્લાઇની વચ્ચે ઉભી છે. એટલું જ નહીં અભિનેત્રી આજે એમ પણ કહે છે કે ફિલ્મની જરૃર પ્રમાણે ‘ગમે તે’ પ્રકારના દૃશ્ય ભજવવા એ કાઇ ખોટુ નથી. નૈતિકતા અને અનૈતિકતાની વ્યાખ્યા બદલાઇ રહી છે. બાળ ફિલ્મો, ગેમ્સ અને કોમીક્સમાં પણ અશ્લીલતા, અનૈતિકતા અને નગ્નતા બતાવવામાં આવી રહી છે.
આમ કહેવાય છે કે સમાજમાં જે કંઇ થઇ રહ્યું છે ફિલ્મોમાં તે જ દર્શાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિક્તા આ છે કે ફિલ્મો સમાજને એક દિશા આપે છે. આજની નવયુવાન પેઢી ઉપર ફિલ્મોની જે અસર છે તે નરી આંખે જોઇ શકાય છે. યુવાનો રસ્તા ઉપર ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારે છે, ફેશનના નામે ડ્રેસીંગ સેન્સ ગુમાવી રહ્યા છે, સ્ટાઇલના નામે વાણીને વિકૃત કરી રહ્યા છે. વાતેવાતમાં ઝગડવું અને વડીલોનો અનાદર કરવો કોમન થઇ ગયું છે, બળાત્કાર અને છેડતીની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે. મારો પાંચ વર્ષનો દીકરો પોતાની બાજુઓ ઉપર કરીને કહે છે પાપા જુઓ મારી બોડી. આજની પેઢીને સ્વાસ્થ્યની ચિંતા નથી પરંતુ સલમાન જેવી બોડી બનાવવાની હોડ છે. સાભળેલી કરતા જોયેલી વસ્તુ વ્યક્તિના માનસ પર વધારે અસર નાંખે છે. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૃએ કહ્યું હતું કે, ભારતમાં ભેગા મળી સમાચાર પત્રો અને પુસ્તકો કરતા ફિલ્મોનો પ્રભાવ વધારે છે. આ વાત માત્ર ભારત માટે જ સત્ય નથી બલ્કે આખી દુનિયામાં તેનો પ્રભાવ જોઇ શકાય છે. અમેરિકામાં વધતા જતા બાળક્રાઇમનું એક કારણ આ ફિલ્મો જ છે.
ફિલ્મને લોકો જુદા જુદા સ્વરૃપમાં જુએ છે. પ્રોડ્યુસર અને ફાઇનાન્સર માટે તે વ્યવસાય છે જ્યારે અભિનેતા અને અભિનેત્રી માટે તે નામ અને દામ કમાવવાનું માધ્યમ છે. જ્યારે સરકાર માટે તે નોકરી ઉભી કરવાનો ઉગતુ ક્ષેત્ર છે. સ્ટોરી રાઇટર, સોંગ રાઇટર અને સિનેમોટોગ્રાફર માટે તે એક કળા છે જ્યારે સામાન્ય માણસ તેને મનોરંજનનુું સાધન તરીકે જુએ છે. પ્રોડ્યુસર હોય કે અભિનેતા જો તેઓ નૈતિક બંધનને ત્યજી ફિલ્મો બનાવશે અને ભજવશે તોે આવનારી પેઢી માટે તો ગંભીર પ્રશ્નો ઉભા થશે. જે વ્યક્તિ સામે કોઇ જીવન ધ્યેય હોતો નથી તેના માટે આવા વિષયો ઉપર ચર્ચા અને વિચાર કરવું કદાચ નિમ્ન કક્ષાનું અથવા નિરર્થક હશે. પરંતુ જાગૃત અને જવાબદાર નાગરિકોને તો વિચારવું જ રહ્યું. ફિલ્મ વ્યવસાયિકોને સિદ્ધાંતો પાળવા જોઇએ, કળા મર્યાદાને બંધનકર્તા હોવી જોઇએ અને પાત્રો ભજવનારા નૈતિકતાના પાબંદ હોવા જોઇએ. ‘હે રીત જહાં કી પ્રીત સદા’ અથવા ‘મેરે દેશ કી ધરતી’ જેવા ચલિત સોંગ્સમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થતા હતા અને દેશપ્રેમની ભાવના પેદા થતી હતી. જ્યારે આજના ‘ઇસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ’ સોંગ્સ વાળી ફિલ્મોમાં કોર્પોરેટના દર્શન થાય છે. આજની ફિલ્મોમાં ભારતીય માટીની સોડમ નહી પશ્ચિમી જગતના પરફ્યુમની ગંધ આવે છે.
તમે કહી શકો છો, પરિવર્તન જીવનનો નિયમ છે. આ વાત સાચી છે પરંતુ પરિવર્તનની દિશા સાચી નથી. લોકોના આચરણથી તેમની માનસિક્તા છતિ થાય છે. જો આ માનસિક્તા દિશાહીન, બંધન-મર્યાદાથી સ્વતંત્ર અને વૈધ-અવૈધથી આઝાદ રહેશે તો સમાજને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આપણી યુવા પેઢી આપણું ભવિષ્ય છે તેની કેળવણી આપણા બધાની સહિયારી જવાબદારી છે.
એમાં શંકા નથી કે અંધવિશ્વાસ, સ્ત્રી-સશક્તિકરણ, જાતિવાદ, શિક્ષણ વ્યવસ્થા, સરકારના ષડયંત્રો, ભ્રષ્ટાચાર અને આંતકવાદના વિષયો પર ફિલ્મો બનાવી સમાજમાં જાગૃતિ લાવવાનંું કામ થયું છે. પરંતુ આ પ્રયત્નો સરાહનીય છતા બહુ જ જુજ છે અને કેટલીક જગ્યાએ ખાસ કોમ્યુનીટી વિશે ભ્રમણાઓ ઉત્પન્ન કરનારા છે. વ્યક્તિને તનાવરહિત અને હંસાવવા કોમેડી ફિલ્મો પણ બની છે. પરંતુ આ કોમેડી પણ નિર્દોષ રહી નથી તેમાં પણ અશ્લીલ, બિભત્સ અને દ્વિઅર્ર્થી શબ્દોનો ઉપયોગ વધી રહ્યો છે.
મારું માનવું છે કે કોઇ સમાજને ખતમ કરવો હોય તો તેની સંસ્કૃતિ અને ભાષાને નાબૂદ કરી દો, કોમ આપ મેળે નાશવંત થઇ જશે. એવા પરિવર્તનની જરૃર નથી જે આપણને વિનાશ તથા બીજી કોમ અને દેશની માનસિક ગુલામી તરફ લઇ જાય. માતા પિતા અને વડીલોની આ જવાબદારી છે કે તેઓ પોતાના બાળકો પર ધ્યાન રાખે, તેમને સંસ્કાર શીખવે, તેમની કેળવણી કરે, તેમને સમય આપે, તેમની સમસ્યાઓ અને પ્રશ્નોને દૂર કરે. સારા-ખોટાનું મુલ્યાંકન કરતા શીખવે. વૈધ-અવૈધની સમજ પાડે.
સમલૈંગિક્તા, રોમાન્સ, પ્રિમેચ્યોર સેક્સ, ક્રિમીનલ પ્રવૃત્તિઓની સમસ્યાઓ પણ વધી રહી છે. નવયુવાન છોકરા-છોકરીઓ (ફિલ્મો મુજબના કાલ્પનિક) હિરો અને હિરોઈન જેવા દેખાવા ધન વેડફી રહ્યા છે. સમય અને શિક્ષણનો બગાડ કરી રહ્યા છે. નવયુવાન છોકરા કે છોકરીની કોઇ ગર્લ ફ્રેન્ડ/ બોય ફ્રેન્ડ ન હોય કે પૈસા-પાણી ન હોય તો તેમની પાસે કાંઇ નથી તેવી અસંતોષની લાગણી તેઓમાં ઉભી થઇ રહી છે. કહેવાય છે કે પ્રેમ આજની ફિલ્મોની ‘મેઇન થીમ’ છે. મારૃં માનવું છે કે પ્રેમ તો જીવનનો મર્મ છે. આજની ફિલ્મો પ્રેમ નહી લસ્ટ (વાસના)ને પીઠબળ આપી રહી છે. સ્ટાર નહી હવે તો પોર્ન સ્ટારની બોલીવૂડમાં બોલબાલા છે. સોંગ નહી આઇટમ સોંગની માગ છે.
આજકાલ ફિલ્મોમાં જે કંઇ બતાવવામાં આવે છે હું તેનો સખત વિરોધી છું. પરંતુ એ વાતથી સંમત નથી કે આ સાધનો જ ખોટા અને હરામ છે. આ સાધનોનો સારો ઉપયોગ કરવામાં આવે તો સમાજ પર સારો પ્રભાવ પાડી શકાય. તેના માટે પોતાની અંદર કૌશલ્ય અને આવડત પેદા કરો અને આ પ્રતિભાને ઇશ સિદ્ધાંતોના તાબા હેઠળ લાવો. નૈતિકતાને બંધનકર્તા રહો. સમાજની મૂળ સમસ્યાઓ જેમકે વ્યાજ, ભુખમરો, અન્યાય, ગરીબો અને વંચિત સમુદાયની દુર્દશા, ધર્મો વિશેની ખોટી માન્યતા, કોમો વચ્ચે શંકા-કુશંકા, ભ્રુણ હત્યા, દારૃ અને દહેજ પ્રથા, ગ્લોબલ વોર્મિંગ, છુત-છાત ભેદભાવ, શિક્ષણ, નૈતિકસિંચન, સંસ્કાર અને કેળવણી, જવાબદારી અને ઉત્તરદાયિત્વ વગેરે વિષયો પર ફિલ્માંકન કરી જાગૃતિ લાવો. www.moralvision.tv જેવી વેબસાઇટોએ આ દિશામાં ભરેલુ પગથીયુ પ્રોત્સાહનને લાયક છે. આવા પ્રયત્નોને વધુ મજબૂત કરવાની જરૃર છે.
સમાજની નૈતિક દુર્દશા વિશે મુહમ્મદ (સ.અ.વ.)એ જે ભવિષ્યવાણી કરી હતી તે આપણે નજર સમક્ષ જોઇ રહ્યા છીએ. તેને સાબિત કરવા માટે કોઇ દલીલની જરૃર નથી પરંતુ તેનો અર્થ એ નથી કે આ દશા હંમેશા બાકી રહેશે. બલ્કે તેનો અર્થ આ છે કે કયામત આવતા પહેલા આ સ્થિતિનો સામનો કરવો પડશે. આપણે બધા જાણીએ છીએ કે કયામત પહેલા ખિલાફત (ઇશવરીય સિદ્ધાંતો પ્રમાણે)નો યુગ આવશે.અથવા હિંદુશાસ્ત્રો મુજબ કલિયુગ પછી સત્ય યુગ આવશે. અર્થાત્ સમાજની આ સ્થિતિ સુધરશે અને ઇશ્પરાયણતા અને નૈતિકતાનો યુગ પાછો આવશે. તો ચાલો, આપણે આ યુગના આવાહક બનીએ. મને આશા જ નહિં પુર્ણ વિશ્વાસ છે કે મારા વાચક મિત્રો સમાજને સારી દિશા તરફ લઇ જવા તેમજ સુપરિવર્તન લાવવા આગળ આવશે. ખોટી વસ્તુથી પાલવ બચાવો અને સારી વસ્તુને પ્રસ્થાપિત કરવા સંઘર્ષ કરો. શ્રદ્ધાળુ વ્યક્તિ આ વિષય ઉપર ધ્યાન આપશે કેમ કે તે તો તેના પરલોકના જીવનને સફળ બનાવવા માગે છે. પરંતુ ઘણા ગાફેલ અને બેદરકાર લોકો પણ છે. તેમણે પણ આ વિશે પોઝીટીવ વિચારવવું પડશે. કુઆર્નમાં આપણો પાલનહાર ચેતવતા કહે છે,
“હકીકત એ છે કે જે લોકો અમારા સાથે મુલાકાતની આશા રાખતા નથી અને દુનિયાની જિંદગી પર જ ખુશ અને સંતુષ્ટ થઈ ગયા છે અને જે લોકો અમારી નિશાનીઓ પ્રત્યે ગાફેલ છે, તેમનું અંતિમ ઠેકાણું જહન્નમ (નર્ક) હશે, તે બૂરાઈઓના બદલા રૃપે જેની કમાણી તેઓ (પોતાની આ ખોટી માન્યતા અને ખોટી વર્તણૂકના કારણે) કરતા રહ્યા.” (સૂરઃ યુનૂસ-૧૦ – ૭,૮).
“તેઓ કહે છે કે, ક્યારે પૂરી થશે આ ધમકી, જો તમે સાચા છો ? કહો, શું નવાઈ કે જે યાતના માટે તમે ઉતાવળ કરી રહ્યા છો તેનો એક ભાગ તમારા નિકટ આવી પહોંચ્યો હોય. હકીકત એ છે કે તારો રબ (પ્રભુ) તો લોકો પર ખૂબ મહેરબાની કરવાવાળો છે, પરંતુ મોટા ભાગના લોકો આભાર દર્શાવતા નથી. નિઃશંક તારો રબ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ તેમની છાતીઓએ પોતાના અંદર છુપાવી રાખ્યું છે અને જે કંઈ તેઓે જાહેર કરે છે. આકાશ અને ધરતીની કોઈ છૂપી વસ્તુ એવી નથી જે એક સ્પષ્ટ પુસ્તકમાં લખેલી ન હોય.” (સૂરઃ નમ્લ-૨૭ –૭૧ થી ૭૫).