આજે મુસ્લિમો શૈક્ષણિક ક્ષેત્રે ખુબ જ પાછળ છે. પરંતુ એક સમય હતો જ્યારે મુસ્લિમો આ ક્ષેત્રે દુનિયાનું નેતૃત્વ કરતા હતા. ગણિત હોય કે ચિકિત્સાશાસ્ત્ર (મેડીસીન) દરેક ક્ષેત્રે મુસ્લિમો આગળ હતા. યોરોપ અને અમેરીકામાં તે સમયે અજ્ઞાનતાનો અંધકાર ફેલાયેલ હતો. ઇસાઇ પાદરીઓ વૈજ્ઞાનિકોનો ખુલ્લો વિરોધ કરી રહ્યા હતા. તેમની વૈજ્ઞાનિક શોધોની ઠેકડી ઉડાવતા હતા. તે સમયે ઇબ્ને નફીસ, ઉમર ખય્યામ, ઇબ્નેરૃશ્દ, અલ હૈશમ જેવા વૈજ્ઞાનિકોનો જન્મ થયો જેમણે ગણિત,ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને મેડીસીન ક્ષેત્રે જે અવિસ્મરણીય યોગદાન આપ્યું તે આજે પણ દુનિયા માટે માર્ગદર્શન છે.
તેમના પુસ્તકો લેટીન, રોમન, અંગ્રેજી, ફ્રેન્ચ,જર્મન વગેરે ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. આનાથી યુરોપના વિદ્વાનોએ લાભ લીધો અને આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. પાછળના લોકોએ આ શોધોને યુરોપના વિદ્વાનોના નામ સાથે જોડી દીધું. મુસ્લિમ વૈજ્ઞાનિકોના નામોને એ રીતે લખવામાં આવ્યા કે તેઓ મુસ્લિમ નહીં પરંતુ યરોપિયન હોય!. આજના મુસ્લિમ નવયુવાનો અને વિદ્યાર્થીઓની પાસે પોતાના મહાન પુર્વજો વિશે જાણકારી નથી. મદ્રસાઓ અને દીની શિક્ષણ કેન્દ્રોના પાઠ્યક્રમોમાં પણ તેમના વિશે કોઇ ખાસ જાણકારી નથી. સાચુ જ છે કે પોતાના પુર્વજોની મહાન ગાથાના રટણથી કઇ પ્રાપ્ત થઇ શકે નહીં, છતા આપણે આપણા મહાન સોનેરી ઇતિહાસની જાણકારી તો રાખવી જ જોઇએ. નહીંતર મુસ્લિમ નવયુવાનો તો એ જ સમજશે કે મુસ્લિમો શરૃઆતથી એક અજ્ઞાન અને પછાત કોમ છે.
પછી એમ સમજશે કે ઇસ્લામ અંધકાર તરફ લઇ જાય છે જેમકે પશ્ચિમનો પ્રોપેગંડા છે. જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે પુર્વજોના કાર્યો બતાડીને આ સ્પષ્ટ કરી શકાય છે કે તેમની ઉન્નતિ કુઆર્ન અને હદીસના સાચા જ્ઞાન રાખવાના કારણે થઇ હતી. તેઓ કુઆર્નથી માર્ગદર્શન પ્રાપ્ત કરતા હતા. તેઓ ફકત વૈજ્ઞાનિક, ગણિતજ્ઞ કે ખગોળશાસ્ત્રી જ ન હતા, બલ્કે દીની મામલાઓના પણ તેઓ માહેર હતા. તેઓ ઇસ્લામના નિયમો પર ચાલનારા સાચા મુસ્લિમો હતા, સંક્ષિપ્તમાં આપણે મુસ્લિમ વિદ્વાનોની ચર્ચા કરીએ.
જાબિર બિન હય્યાન(મૃત્યુ ૮૦૩ ઇ.)ને કેમેેસ્ટ્રીના પિતા કહેવામાં આવે છે. જાબિર બિન હય્યાનને Sublimation, Calcination જેમાં ખનીજોને ઓક્સિજનની અણુ સ્થિતિમાં વધારે તાપમાન પર ગરમ કરીને ધાતુઓની સફાઇ કરવામાં આવે છે વગેરે પધ્ધતિઓથી અવગત કરાવ્યું. વિવિધ ધાતુઓની મેટલ ઓક્સાઇડ બનાવવી, લોખંડને કાટ લાગવાથી સુરક્ષિત રાખવાની પધ્ધતિ, વેક્સ કોટીંગ, વાળને કાળા કરવાની મહેંદી, ગંધક અમ્લ,અક્વારેઝિયા એટલે સોનાને ગાળવાનો તેજાબ વગેરે જાબિર બિન હય્યાનની કેટલીક મહત્વપૂર્ણ શોધો છે.
મુહમ્મદ બિન અલખારીઝમી (મૃત્યુ ૮૪૦ ઇ.) એક મહાન ગણિતજ્ઞ હતા તેમણે શુન્યનો પ્રયોગ બતાવ્યો અને અલગોેરીધમથી અવગત કરાવ્યું. બીજ ગણિત પણ તેમની દેણ છે. બીજ ગણિત શબ્દ તેમની મહાન રચના “અલજબ્ર વલ મુકાબિલા”થી લેવામાં આવ્યો છે.
યાકુબ બિન ઇસ્હાક અલકન્દી (૮૦૦-૮૭૩ ઇ.) ગણિતજ્ઞ અને વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે મહાન ચિંતક પણ હતા. તેમણે જ્યોમેટરી ઓપ્ટીક્સમાં બહુ કામ કર્યું. જેમાં પાછળથ રોજર બેકનને પ્રેરણા મળી અને માર્ગદર્શન પણ. યાકુબ બિન ઇસ્હાકે ખગોળશાસ્ત્ર, અંકગણિત, જ્યોમેટરી, મેડીસીન, ભૌતિક દર્શનશાસ્ત્ર, તર્ક અને સંગીત પર કુલ મળીને ૨૪૦ પુસ્તકોની રચના કરી છે.
સાબિત બિન કુર્રાહ (૮૩૬-૯૦૧ ઇ.) એક મહાન વૈજ્ઞાનિક અને દાર્શનિક હતા. તેમણે પ્રમાણસર આંકડાઓના જોડોની તપાસ કરવાનો નિયમ બનાવ્યો. અને આંકડાઓના ફેક્ટર્સની શોધ કરી. તેમને સંખ્યાના જન્મદાતા ગણવામાં આવે છે. તેમણે Condition Of Equilibrium પણ બતાવ્યું.
અલી બિન રબ્બાન તબરી (૮૩૮ – ૮૭૦ ઇ.) મહાન ચિકિત્સક રાઝીના ગુરૃ હતા. અને તેઓ પોતે પણ મહાન ચિકિતસક હતા. “ફિરદોસુલ હિક્મત” તેમનું મહાન પુસ્તક છે. જેમાં સાત ભાગ છે. પહેલા ભાગમાં ચિકિત્સાશાસ્ત્રના વિચારો અને દૃષ્ટિકોણો પર પ્રકાશ નાખવામાં આવ્યો છે. બીજો ભાગ શરીરના વિવિધ અંગો અને સ્વસ્થ રહેવાના નિયમો પર આધારીત છે. ત્રીજો ભાગ રોગ અને સ્વાસ્થ્યની અવસ્થામાં કેવો ખોરાક લેવો જોઇએ તેની ચર્ચ કરવામાં આવી છે. ચોથો ભાગ સૌથી લાંબો છે જેમાં માથાથી લઇ પગ સુધીના તમામ રોગોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં બિમારી ફેલાવવાના કારણો, માથા અને મગજના રોગો, આંખ, કાન, નાક, મોં અને દાંતના રોગો, સ્નાયુની બિમારીઓ જેમાં લકવો પણ સામેલ છે. ગળુ,છાતિ અને ફેફસાના રોગો, કીડની, પિત્તો અને તિલ્લીના રોગો, આતંરડાઓના રોગો અને વિવિધ પ્રકારના તાવ પર આમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. પાંચમા ભાગમાં સ્વાદ , વાસ, અને રંગની ચર્ચા છે. છટ્ટા ભાગમાં દવાઓ અને ઝેરની ચર્ચા છે અને સાતમા ભાગમાં વિવિધ વિષયોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
અબુઅબ્દુલ્લાહ મુહમ્મદ બિન જાબિર (૮૬૮ – ૯૨૯ ઇ.)મહાન ખગોળ શાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેમણે સૌર વર્ષનો સમયકાળ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૬ મિનટ અને ૨૪ સિકંડ બતાવી જે લગભગ સાચો છે.તેમણ સુર્યના ઝુકાવને કોણ ૨૩ ડિગ્રી ૩૫ મિનટ બતાવ્યું, જ્યારે પહેલાના લોકો ૨૩૧/૨ ડિગ્રી સમજતા હતા. ધરતી અંડાકાર ધરી પર પ્રવાસ કરે છે નહીં કે ગોળધરી પર આ શોધ પણ તેમણે જ કરી હતી.
મુહમ્મદ બિન ઝકરીયા રાઝી (૮૬૪-૯૩૦ ઇ.સ.) મહાન મુફસ્સીરે કુઆર્ન હોવાની સાથે સાથે મેડીસીન, રસાયણશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પણ માહેર હતા. મેડીસીનશાસ્ત્રમાં રાઝીને ઇબ્ને સીનાની સમાન ગણવામાં આવે છે. રાઝીનો સૌથી મોટો કાર્ય અછબડા પર શોધ છે. તેમણે જ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પાયો નાંખ્યો.
અબુ નસર ફારાબી (૮૭૦-૯૫૦ ઇ.સ.) વિજ્ઞાન, દર્શન, તર્ક, સમાજશાસ્ત્ર, ગણિત અને સંગીતના માહેર હોવાની સાથે સાથે ૭૦ ભાષાઓના જાણકાર હતા. તેમને બીજા ગુરૃ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા ગુરૃ અરસ્તુ હતા.
અબુલકાસિમ ઝહરવી (૯૩૬-૧૦૨૩ ઇ.સ.) એક મહાન વિજ્ઞાનિક, ચિકિત્સાશાસ્ત્રી અને સર્જન હતા. ઝહરવીએ પિત્તાશયમાંથી પથરી કાઢવાનો ઓપરેશન, આંખ-કાન અને ગળાના ઓપરેશન અને પ્રસુતી ઓપરેશન સફળતાપૂર્વક કર્યા. તેમણે સર્જરીના ૨૦૦ થી વધુ ઉપકરણો અને યંત્રોની શોધ કરી. એન્ડોસ્કોપીના પ્રારંભિકરૃપની શોધ ઝહરવીએ કરી હતી. બનાવટી દાંત બનાવવાનો અને લગાડવાનો કામ પણ તેમણે જ કર્યો.
અબુ અલી હસન બિન હૈશમ (૯૬૫-૧૦૪૦ ઇ.સ.)એ આંખની બનાવટ અને જોવાની પ્રક્રિયાની વિજ્ઞાનિક વ્યાખ્યા કરી. અલહૈશમે આ શોધ કરી કે છબીથી પ્રતિબિંબિત થનારૃં પ્રકાશ જ્યારે આંખમાં પહોંચે છે ત્યારે તે દેખાય છે. આ પહેલા પશ્ચિમના વૈજ્ઞાનિકો આંખને પ્રકાશનો સ્ત્રોત માનતા હતા. અલહૈશમે પરિભ્રમણ પ્રતિબિંબનો નિયમ દુનિયાને બતાવ્યુ. તેમણે ગેલેલીયોથી ઘણા વર્ષો પુર્વે ગતીના નિયમની શોધ કરી.
અબુ રૈહાન અલ બૈરૃની (૯૩૭ – ૧૦૪૮ ઇ.સ.) એક મહાન વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી હોવાની સાથે સાથે ઇતિહાસકાર અને ચિંતક પણ હતા. તે ઘણી ભાષાઓ જાણતા હતા. તેમણે ભારત આવીને સંસ્કૃત પણ શીખી હતી. ભારતના ઇતિહાસ, ભુગોળ અને સામાજીક સમરચના તેમણે અલહિંદ નામના પુસ્તકમાં લખી છે. અલ બૈરૃનીએ દેશાંતર રેખાઓની જાણકારી આપી. તેમણે પૃથ્વીની ત્રિજ્યા અને તેના વ્યાસની શોધ કરી. અલ બૈરૃનીએ પહેલી વખત ચંદ્ર ગ્રહણનું સચિત્ર વર્ણન કર્યું. તેમણે ધાતુઓની સ્પેસીફિક ગ્રેવીટીની શોધ કરી.
બુ અલી સીના (૯૮૦ – ૧૦૩૭ ઇ.સ.) એક મહાન વૈજ્ઞાનિક અને ચિકિત્સક હતા. તેમણે ફેંફસાનું ટીબી તથા પાણી અને ધૂળ માટીથી ફેલાતા રોગોનું વર્ણન કર્યું. તેમના પુસ્તક અલ કાનૂનના વિશે વિલિયમ ઓસ્લર કહે છે કે આ મેડીસીન વિજ્ઞાનની બાઈબલ છે.
ઉમર ખૈયામ (૧૦૪૪ – ૧૧૨૩ ઇ.સ.) મહાન ફારસી કવિ હોવાની સાથે ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે એક સૌર વર્ષની અવધી ૩૬૫ દિવસ, પાંચ કલાક અને ૪૯ સેકન્ડ બતાવ્યો. જે નવી શોધથી માત્ર ૧૦ સેકન્ડ વધી છે. ઉમર ખૈયામે વર્ષના મહીનાઓના ૩૦ અને ૩૧ તારીખ રાખવાનો પરામર્શ આપ્યો કે જેથી કેટલાક વર્ષો પછી દિવસોની સંખ્યામાં આવનારા બદલાવને ઓછુ કરી શકાય. તેમણે જ લીપ યરની પરિકલ્પના કરી અને દરેક ચોથા વર્ષે એક દિવસ વધારી દેવાનું વિચાર પ્રસ્તુત કર્યું.
ઇબ્ને રુશ્દ (જન્મ ૧૨૨૮ ઇ.સ.) મહાન વૈજ્ઞાનિક અને ચિંતક હતા. તેમનું પુસ્તક અલ કુલ્લિયાત ફિલ તિબ્બ જેનું લેટીન અનુવાદ પોલેજીયટના નામથી પ્રકાશિત થઇ. જે આજે પણ મહત્ત્વપુર્ણ માનવામાં આવે છે. ખગોળશાસ્ત્ર પર તેમની રચના કિતાબ ફિલ હરકતુલ ફલક છે. તેમણે દવાઓ પર જ ૨૦ થી વધુ પુસ્તકો લખેલ છે.
આ મહાન વૈજ્ઞાનિકો અને ચિંતકો સિવાય ઇબ્ને નફીસ, અબુ મરવાન, ઇબ્ને ઝહર, અબ્દુલ્લાહ બિન ઇદ્રીસી, ઇબ્ને બૈતાર, ઇબ્ને ફરનાસ, અલ ઝરકૂલ, અબુ નસર મન્સૂર, જમશૈદ કાશાની, અબુલ કામિલ વગેરે વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ, ગણિતજ્ઞો અને ચિકિત્સકોના યોગદાનને પણ દુનિયા ક્યારેય ભુલી શકે નહીં.*