કિશોરાવસ્થામાં હતો ત્યારે એક વાર્તા ટીવીમાં જોઇ હતી “અલાદીનનો ચિરાગ” જેમાં એક જિનને દર્શાવવામાં આવ્યો હતો જે ચિરાગના માલિકની તમામ કહેલી ઇચ્છા આંખના પલકારામાં જ પુર્ણ કરી દેતો હતો. ક્ષણોમાં ઇચ્છા પુર્ણ થઇ જાય, કોઇ ચમત્કાર થઇ જાય, મનમાં દરીયાના મોજાની જેમ જોર મારતી ઇચ્છાઓ જબાન પર આવતા પહેલા જ પુર્ણ થઇ જાય. આ માનસિક્તા હંમેશાથી જોવા મળે છે. ધર્મ સાથે ચમત્કારનો પણ સંબંધ રહ્યો છે. અલ્લાહ તઆલાએ માનવના શરીરમાં વિવિધ પ્રકારની શક્તિનો સંચય કરેલ છે. કેટલાક તેને ઓળખી પોતાની અંદર વિકસાવી લે છે. એક વ્યક્તિ સેંકડો માઇલ ઉંચે દોરડા પર ચાલી શકે પરંતુ બધાના માટે એ શક્ય નથી. અને જરૂરી પણ નથી. જરૃર આ વાતની છે કે તે ધરતી પર ચાલતા શીખે. આવી રીતે એક વ્યક્તિ આધ્યાત્મિક્તાની ટોચે પહોંચીને કેટલાક અસામાન્ય કે સમજમાં ન આવે તેવા કાર્ય કરી શકે છે. જેને લોકો ચમત્કાર કહે છે. આવા ચમત્કાર સર્જવા બધાના માટે શક્ય નથી અને જરૂરી પણ નથી. જરૂરી એટલું જ છે કે વ્યક્તિ પોતાને એક સાચો માનવ બનાવે. ઇશ્વરીય ગુણોનું પોતાની અંતરમાં સિંચન કરી માનવતાના એવરેસ્ટ પર પહાંેચવાના પ્રયત્ન કરે. અને તેના પર કાયમ રહે. મારા માટે તો આ જ માટો ચમત્કાર છે. અને આ દરેક વ્યક્તિ માટે શક્ય પણ છે. જે રીતે દોરડા પર ચાલવાથી કોઇ શ્રેષ્ઠ મનુષ્યનો ખિતાબ મેળવી શક્તો નથી તે જ રીતે ચમત્કાર સર્જવાથી કોઇ ભગવાન થઇ જતો નથી. કોઇ વ્યક્તિ હવામાં ઉડી બતાવે તો તેને તે કળાનો નિષ્ણાંત કહી શકાય,કોઇ સુપરમેન નહીં, કેમકે નાની-નાની માખીઓ પણ હવામાં ઉડે છે. માનવી ઉડીને કોઇ કીલ્લા પર વિજય પ્રાપ્ત નથી કર્યા. ધર્મના ઇતિહાસ જોઇશું તો માલૂમ પડશે કે અંબિયાઓ અને અલ્લાહના ઘણા નેક બંદાઓ દ્વારા આવી અસામાન્ય ઘટનાઓ બની છે જે અલ્લાહના હુકમથી બને છે. તે માત્ર લોકોને અલ્લાહથી જોડવા અને એક ઇશ્વર તરફ બોલાવવા માટે હોય છે. પરંતુ તેમના પછી કમજોર શ્રધ્ધાળુઓ તે લોકોને જ ઇશ્વર અથવા એવી દિવ્ય શક્તિ માની લેતા હોય છે. જેમના થકી દુનિયાના કામ બની શક્તા નથી.પરંતુ ઘણા તાંત્રિકો, ઢોંગી બાબાઓ, ચમત્કાર બતાવી પોતાની જાતને મહાન ચિતરવાનો કારસો કરતા હોય છે. સાચો વ્યક્તિ સત્ય તરફ આહ્વાન કરે છે. સત્યનો જ જયજયકાર કરે છે. તે દુનિયાભરની તક્લીફો વેઠીને પણ સત્ય પર અડગ રહે છે. વિચલિત થતો નથી. ન પોતાની જાતને ઇશ્વર તરીકે ચિતરે છે, ન સ્વામી કે સંકટ મોચન તરીકે. દુનિયામાં સૌથી પવીત્ર આત્મા પયગમ્બરોની હોય છે. જેઓ સંપુર્ણપણે માસુમ અને માનવતાના સર્વોપરી બિંદુએ બિરાજમાન હોય છે તેમની હૈસિયત અને સંદેશ બતાવતા કુઆર્ન કહે છે, “જ્યારે તે કેટલાક નવયુવાનોએ ગુફામાં આશ્રય મેળવ્યો અને તેમણે કહ્યું કે, ”હે પાલનહાર! અમને પોતાની વિશિષ્ટ કૃપા પ્રદાન કર અને અમારો મામલો સુધારી દે.” (૧૮ઃ ૧૦)
પયગમ્બરો અને સાચા સંતો માનવીને માનવીની ગુલામીમાંથી સ્વતંત્ર કરાવી માત્ર અલ્લાહ (એકેશ્વર)ની ગુલામીમાં લાવવાનો જીવનપર્યત પ્રયત્ન કરે છે.તેની પુજા અને ઉપાસના કરતા શીખવે છે તેનો જ આજ્ઞાકારી બનાવે છે. મનુષ્યનો ઇશ્વર સાથે સીધો સંપર્ક કરાવે છે. ક્યારે વ્યક્તિપુજાને પ્રોત્સાહન આપતા નથી. બલ્કે તેમના શિક્ષણમાં તેના માટે અવકાશ જ નથી હોતો.
વહે કે એવા પણ સંતોની કમી નથી. જેેઓ પોતાને ઇશ્વરનો પ્રિય હોવાનું બતાવી પોતાની જાતને પ્રોજેક્ટ કરે છે. વ્યક્તિ પૂજાને પ્રચલિત કરે છે. અને તેને સાચી સાબિત કરવા તાર્કિક ઉદાહરણો આપતા કહે છે કે જે રીતે પાણી લેવા માટે નળ પાસે જવું પડે છે તેજ રીતે ઇશ્વરને પ્રાપ્ત કરવું હોય તો તે ગુરૃ વગર શક્ય નથી. ગુરૃને માત્ર માર્ગદર્શક બની રહવું જોઇએ પુજ્ય કે ઉપાસ્ય નહીં. પોતાના સ્થાપિત હિતો સાધવા લોકોને ગુરૃનો મહત્વ સમજાવે છે. અને કહે છે કે ગુરૃ અને ભગવાન બંને સાથે હોય તો પહેલા ગુરૃને પગે લાગો કેમકે તેના થકી જ ભગવાનનો દર્શન થાય છે. આ બધુ એક પ્રકારનો પાખંડ જ છે. જેમ નદીના બે કીનારાને કોઇ બ્રીજ વડે જોડવામાં આવે બસ આટલું જ ગુરૃનો કાર્ય હોય છે. ઇશ્વર સુધી પહોંચવાનો માર્ગદર્શન ગુરૃ આપી શકે તે દરેક બાબતમાં માધ્યમ નથી. અને જો વ્યક્તિ આવા માધ્યમોને જ ઇશ્વર જેટલું મહત્વ આપવા લાગશે તો તે તેના મુલ્યવાન માથાને દરેક સ્થાને નમાવશે. માણસને સમજી લેવું જોઇએ કે નળ પાણી નથી આપતું પરંતુ ઇશ્વર આપે છે કેમકે પાણી પૃથ્વીમાંથી નિકળે છે અને પૃથ્વીના પેટાળમાં પાણી અલ્લાહે મુક્યો છે. મનુષ્ય એકેશ્વરવાદને સમજી જાય તો ઇજ્જતવાન અને પ્રતિષ્ઠાવાન થઇ જાય.
વો એક સજદા જીસે તુ ગિરા સમજતા હૈ
હજાર સજદે સે આદમી કો દેતા હૈ નિજાત
જે બાબાઓ, સંતો, ફકીરો કે તાંત્રિકો અને સાધુઓની બોલબાલા સમાજમાં દેખાય છે તેમની શક્તિથી તેઓ બધા મળીને પણ એક માખી પેદા કરી શક્તા નથી પછી તેમને પુજ્ય માનવાનો શું મતલબ! વ્યક્તિપુજાએ ન્યાયના માપદંડ ઉપર સાચી ઉતરતી નથી. પુજ્ય અને ઉપાસ્ય એ જ છે જે સમગ્ર જગતનો સર્જનહાર છે, પાલનહાર છે, ભાગ્યવિધાતા અને સ્વામી છે. જે અજન્મયા છે અને જેને મૃત્યુ નથી. સમયના બંધનથી મુક્ત છે તે દરેક દિશાઓમાં મૌજુદ છે, તે દરેક સમયે બધાજ માનવોની પ્રાર્થના સાંભળવા સક્ષમ છેે. “આ તે લોકો છે, જેમણે આખિરત વેચીને દુનિયાનું જીવન ખરીદી લીધું છે, એટલા માટે ન તેમની સજામાં કોઈ ઘટાડો થશે અને ન તેમને કોઈ મદદ મળી શકશે.” (સૂરબકરહ-૮૬)
જે માણસ ચમત્કારને નમસ્કાર કરતો હોય તે જ વધારે અંધશ્રધ્ધાળુ હોય છે. કોઇ વ્યક્તિ અસાધારણ કાર્ય થતું જોઇ લે તો તેને તેમાં ઇશ્વરીય ગુણો દેખાવા લાગે છે. હવે જે લોકા ક્રિકેટ જગતમાં અભુતપુર્વ સિધ્ધીઓના લીધે સચિનને ભગવાન કહી શક્તા હોય, અમીતાભના મંદિર બનાવવની વાતો કરતા હોય, રજનીકાંતને એક પ્રકારની સુપર નેચરલ વ્યક્તિ તરીકે જોતા હોય તે લોકો આ ભૌતિક વિશ્વમાં ચમત્કાર સર્જતી વ્યક્તિને ભગવાન ન સમજે તો જ આશ્ચાર્ય થાય. ઓશો હોય કે આશા, કબીર હોય કે સાંઇ, નાનક હોય કે બીજી કોઇ તે બધા આવા જ અનુયાયીઓના બનાવેલા ભગવાન કે વ્યક્તિ પુજાના દાખલા છે.ઘણા ખરા તો માતા-પિતાના ઉપકારો જોઇ તેમને જ ભગવાન તરીકે માની લે છે.
હાલમાં શંકરાચાર્ય જે વિવાદ છેડયો છે કે સાંઇ કોઇ ભગવાન ન હતા બલ્કે એક વ્યક્તિ હતા. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે શ્રીરામ અને કૃષ્ણજી ભગવાન હતા. વિષ્ણુના જે ૨૪ અવતાર છે તેમાં કલીયુગના માત્ર બે અવતાર છે. બૌદ્ધ અને કલકી. તેની પાછળ જે રાજનીતિ છુપાયલી છે તેની ચર્ચામાં ન ઉતરતા તેમના કથનને જોઇએ તો તેમાં કોઇ ખોટું નથી બલ્કે જે અવતારોને લોકો ભગવાન ગણે છે, વાસ્તવમાં તેઓ પણ ભગવાન ન હોઇ શકે તેઓ દૂત હોઇ શકે. કેમકે જેનો જન્મ થાય તે ઇશ્વર ન હોઇ શકે. જે ખાતો હોય, પત્ની અને બાળકો રાખતો હોય, જેની મૃત્યું થઇ હોય તે કઇ રીતે ઇશ્વર હોઇ શકે. ઇશ્વર એકલો અને એક જ છે. બીજા ભગવાનો, બાબાઓની જેમ સાંઇબાબા વિશે પણ ઘણી બધી ચમત્કારીક વાર્તાઓ પ્રચલિત છે. તેની ચર્ચામાં ન ઉતરતા સત્યને પામવાનો પ્રયત્ન કરવો જોઇએ. ઇસ્લામ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે અહીં બહુદેવવાદની બોલબાલ હતી. ઇસ્લામના એકેશ્વર (તૌહીદ)ના સંદેશા એ નીચલા તબકાથી લઇ ઉપલા વર્ગ સુધીના લોકોને પ્રભાવિત કર્યો. સમાજમાં જે અસ્પૃશ્યતા અને વર્ણભેદ હતો, તેનાથી ધાર્મિક લોકો વ્યથિત હતા. ઘણા બધા લોકોએ તો ઇસ્લામ અંગીકાર કર્યો પરંતુ કેટલાક એવા પણ હતા જેમણે અંગીકાર કરવાને બદલે ઇસ્લામી તૌહીદનો પ્રચાર કર્યા. અને તેમના સેવાકીય કાર્યો, આધ્યાત્મિક્તા અને સાદગીથી પ્રભાવિત થઇ તેમના અનુયાયીઓએ નવા પંથના પાયા નાંખ્યા. કબીરનો સંદેશ કે ”પત્થર પુજે હરી મિલે તો મેં પુજું પહાડ” મુર્તિ પુજાના વિરોધમાં જ હતું. અને સાંઇનો ઉદગાર કે ”સબકા માલિક એક” એકેશ્વરવાદનો જ સંદેશ હતોે.
વાસ્તવમાં અચાર-વિચાર આ બાબતે કરવો જોઇતો હતો કે તેમણે જે એકેશ્વરનો સંદેશ આપ્યો છે તેનું શુંદ્ધ સ્વરૃપ શું છે? તે આસ્થા પર આધારીત સમાજની રચના કઇ રીતે થઈ શકે. તેના તકાદાઓ શું છે? તેના બદલે તેમના અનુયાયીઓ આ લોકો ને જ ભગવાન તરીકે ચિતરવા લાગ્યા. ચિંતા એ વાતની નથી કે લોકો એકેશ્વર વિશે નથી વિચારતા પરંતુ ચિંતા એ વાતની છે કે લોકો એકેશ્વરવાદને સ્વિકારતા હોવા છતાં તેને સમજતા નથી. કોઇ વ્યક્તિ બીમાર થાય એ જરૃર ચિંતાનો વિષય હોઇ શકે પરંતુ મોટી ચિંતા આ વાતની છે કે તે બિમારીનું નિરાકરણ થતું નથી.
હવે સાંઇ મુસ્લિમ હતો કે હિંદુ એ વિવાદ નિરર્થક છે. સામાન્ય વાત છે ‘હિંદુ’ ની કોઇ પરીભાષા નથી તે એક સાંસ્કૃતિક વિચારધારાનું સંપાદન છે. જ્યારે મુસ્લિમની એક વ્યાખ્યા છે. માત્ર એકેશ્વરના સંદેશ આપવાથી કે કહેવાતા મુસ્લિમોના અનુયાયી સમુહ ધરાવતા હોવાથી કે મસ્જિદમાં રહેવાથી કોઇ વ્યક્તિ મુસ્લિમ થતી નથી. મુસ્લિમ થવા માટે એક અલ્લાહ પર ઇમાન, અંતિમ પયગમ્બર હ. મુહમ્મદ સ.અ.વ. સહિત બીજા પયગમ્બરો અને ગ્રંથો પર ઇમાન અને પુનઃજીવન (આખરત)ના દિવસ પર હૃદયપુર્વક ઇમાન લાવવું જરૂરી છે. એક જન્મ કે ૭ જન્મ. ૮૪ યોની કે પુનર્જન્મમાં માનતો હોય, સ્વર્ગ નર્કને માનતો હોય કે ન માનતો હોય પણ તે હિંદુ હોઇ શકે પરંતુ જ્યાં સુધી મુસ્લિમ થવા માટેની શરતો પુર્ણ ન કરે ત્યાં સુધી વ્યક્તિ મુસ્લિમ બની શક્તી નથી.