માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવી શિક્ષણ નીતિને નવેમ્બર ર૦૧પમાં બહાર પાડવાનો સંકેત આપ્યો છે. જો કે સમાજના વિવિધ વર્ગોએ સરકારને પોતાના સૂચનો તથા ભલામણો રજૂ કરી છે. પરંતુ આ સમજવું કે એ સૂચનો તથા ભલામણોને નવી શિક્ષણ નીતિનો ભાગ બનાવી દેવામાં આવશે, કદાચ ગેરસમજમાં રહેવા સમાન ગણાશે. તેનું કારણ આ છે કે તેમની સરકારનો પોતાનો એક ખાસ એજન્ડા છે જે કોઈનાથી પણ છૂપો નથી. તેમની કહેણી અને કરણીમાં જોવા મળતો અંતર ખૂબ જ સ્પષ્ટ અને જગજાહેર છે.
બન્યું એમ કે લોકોને એવા કાલ્પનિક જગતની યાત્રા કરાવવામાં આવી કે જેને ‘જોઈને’ એ કાલ્પનિક જગત ઉપર વિશ્વાસ કરનારાઓ આ સમજવા-માનવા માટે મજબૂર થઈ ગયા કે ભારત છેલ્લા ૬૦ વર્ષોમાં જે કાંઈ કરી નથી શકયું તે હવે આગામી થોડાક જ મહિનાઓ કે વર્ષોમાં કરી શકશે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જઈ રહ્યો છે, તેમ તેમ એ કાલ્પનિક જગતની વાસ્તવિકતા પણ લોકો સમક્ષ આવતી જઈ રહી છે. એ દેશ કે જ્યાં ૪ ટકા બાળકો શાળાએ જતા જ ન હોય, પ૮ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પણ પૂરૃં કરી શકતા ન હોય, ૯૦ ટકા બાળકો શાળા-શિક્ષણ સમીપ જ અટકી જતા હોય, અને માત્ર ને માત્ર ૧૦ ટકા બાળકો જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની દિશા પકડતા હોય, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં આપણી કોઈ પણ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટયૂશનની ગણના થતી ન હોય એ દેશમાં શિક્ષણ-કાર્ય પર ચર્ચાથી વધુ શિક્ષણના હેતુને સમજવો જરૂરી છે. એટલે કે શિક્ષણ શું છે ? શિક્ષણ શા માટે મેળવવું જોઈએ ? શિક્ષણ કેવી રીતે અને શિક્ષણ કેવું ? વિ. પ્રશ્નો છે અને જ્યાં સુધી આપણા માનસમાં આ તમામ પ્રશ્નોના ખરા ઉત્તરો દૃઢપણે અંકિત કરી લેવામાં નહીં આવે ત્યાં સુધી અંધકારમાં અથડાવવાનો સિલસિલો ચાલુ જ રહેશે. જેનાથી આઝાદીના ૬-૭ દાયકાઓ વીત્યા પછી પણ આપણું કંઈ ભલું થઈ શકયું નથી, અને હવે ખૂબ જ હા-ના પછી શાસકો આ સ્વીકારવા મજબૂર થયા છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા અનેક ખામીઓથી ભરેલી છે, જેના પરિણામે દર વર્ષે લગભગ બે લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ-પ્રાપ્તિના હેતુથી વિદેશ જાય છે. જ્યારે કે વિદેશથી આપણા ત્યાં શિક્ષણ મેળવવા આવનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ર૮-૩૦ હજાર જેટલી હોય છે. આના પરથી આ પણ જણાઈ આવે છે કે વિશ્વ આપણી શિક્ષણ વ્યવસ્થા વિશે શું અભિપ્રાય ધરાવે છે!
જો હજી પણ લોર્ડ મેકાલેની અને હવે આજના રાજકીય તથા ભૌતિકવાદી શિક્ષણને તેના ખરા હેતુઓ સાથે જોડવામાં નહીં આવે તો બિલકુલ શકય છે કે ૧૦-૧પ કે ર૦-રપ વર્ષ બાદ પણ આપણે આ જ વાતો દોહરાવવી પડે જે આજે કહેવી-સાંભળવી પડી રહી છે. આપણી અત્યાર સુધીની પરંપરા આ રહી છે કે આપણે શિક્ષણના મૂળ હેતુઓને મહત્ત્વ નથી આપતા, બલ્કે પોતાની તમામ શક્તિ શિક્ષણ-લક્ષ્યાંક ઉપર જ ખર્ચ કરીએ છીએ, કે શિક્ષણ પ્રાપ્તિ દ્વારા ફલાણું કે ફલાણું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે. બીજા શબ્દોમાં ‘બાળક શાળા કે કોલેજ શા માટે જાય ?’ એ વિચારવાના બદલે તે શાળા-કોલેજથી નીકળીને કયાં જશે અને શું અને કેવી રીતે કેટલું કમાશે ? વિ. જેવી બાબતો શરૃઆતથી જ વિચારવામાં આવે છે. માત્ર ને માત્ર આ ભૌતિક શિક્ષણ-લક્ષ્યાંકોની પાછળ આંધળી દોટ મૂકવાના પરિણામરૃપે તબક્કાવાર અધઃપતન થતું ગયું, અને હવે સ્થિતિ આ છે કે માતા-પિતા અને આગળ જતાં વિદ્યાર્થીઓ પોતે પણ પોતે કરી રહેલ શિક્ષણ-ખર્ચાઓને ધંધાદારી મૂડીરોકાણ સમજે છે અને પહેલાંથી જ ગણતરી કરી લે છે કે એનાથી કેટલો નફો થશે અને તે કેવી રીતે હાસલ કરવાનો છે ? આવી માનસિકતાથી કારોબારી કે વ્યાપારિક વિકાસની આશા તો રાખી શકાય છે, પરંતુ શિક્ષણની ભલાઈઓ અને નૈતિકતાની કોઈ આશા રાખવી વ્યર્થ હશે. જો વૈયક્તિક વિચારની સાથોસાથ સરકારની શિક્ષણ-નીતિ પણ આ જ દિશામાં કાર્યરત્ રહે તો વિકાસ પતન ભણી પલટી રહેલા પશ્ચિમી દેશોની હરોળમાં તો કદાચ આવી શકાય, પરંતુ માનવી પોતાના સર્જનહારે દ્વારા તેને દુનિયામાં મોકલવાનો મૂળ હેતુ કદાપિ પામી શકશે નહીં. જો સમાજ અને દેશ બધા જ આ દિશામાં વિચારી શિક્ષણને તેના મૂળ હેતુથી હાસલ કરવા પ્રયત્ન કરે અને વ્યક્તિગત, સામૂહિક અને સરકારી ધોરણે આ ગંભીર પ્રયત્નો કરવામાં આવે તો જ માનવ, સમાજ અને દેશ ખરા અર્થમાં વિકાસ કરી શકશે. નહિંતર આજનું શિક્ષણ, વર્તમાન શિક્ષણ પ્રણાલી અને હવે છેલ્લે છેલ્લે તેનું વ્યવસાયીકરણ આ સૃષ્ટિના સર્જનહારની શ્રેષ્ઠ મખ્લૂક માનવીને અનૈતિકતા, અને અધઃપતનની કેટલી ઊંડી ગર્તામાં લઈ જઈ ફેંકશે તે કહેવું મુશ્કેલ છે અને જ્યારે આવા જ માનવીઓથી સમાજ અને દેશની પણ હાલત શી થશે એ પણ માત્ર કલ્પના જ કરી શકાય છે. આજના શિક્ષણથી માનવી કહેવાતી ભૌતિકવાદી પ્રગતિના પંથે તો આગળ ને આગળ વધી શકે છે અને પરિણામે એ ક્યાં તો માનવ-યંત્ર બની જાય છે, ક્યાં તો અનૈતિકતાના માર્ગે ચાલી નીકળે છે. અને આ વસ્તુઓ માનવીના સર્જનના મૂળ હેતુથી તેને ઘણી દૂર લઈ જાય છે. આજના આ પશ્ચિમી શિક્ષણ અન તેની પ્રણાલીની નજીક માનવીય નૈતિકતા, માનવ-મૂલ્યો, હયા, ગેરત અને સ્નેહને કોઈ સ્થાન નથી. તેનું કહેવું છે કે માનવી પાસે રોટી, કપડા, મકાન હોય તો તે પોતાની રીતે ગમે તેમ રહી અને જીવી શકે છે. નિર્વસ્ત્ર બની જાહેરમાં હરવા-ફરવા અને આઝાદીના નામે સજાતીય સંબંધોની માગણી કરી તેના માટે ઝુંબેશ ચલાવવાને તે પોતાનો મૂળભૂત અધિકાર માને છે. પશ્ચિમી વિજ્ઞાાન અને ટેકનોલોજીએ માનવોના એશ-આરામ માટે તો ઘણું બધું આપ્યું હશે પરંતુ માનવતાને કશું નથી આપ્યું. તેણે કલમ (પેન)ના સ્થાને કોમ્પ્યુટર આપ્યું, અસંખ્ય મશીનો આપ્યા, પ્રવાસી માટે ઊંટ અને ઘોડાના સ્થાને ટ્રેન, વિમાનો વિ. આપ્યા, પરંતુ તેણે માનવ-માર્ગદર્શન માટે શું આપ્યું? વર્તમાન શિક્ષણે માત્ર માનવ-શરીર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ તેની રૃહને આમ જ ભુલાવી દીધી. નક્કર ભૌતિકવાદી શિક્ષણના બી થી કોમ-પરસ્તી, બુદ્ધિવાદ અને એશ-પરસ્તીના ઝેરી વૃક્ષો જ ઊગી શકે છે. આના જીવંત ઉદાહરણ આપણે પશ્ચિમી દેશોમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જો આપણે આના ઘાતક પરિણામોથી બચવું હોય તો વર્તમાન શિક્ષણ, તેની પ્રણાલી અને તેના હેતુ ઉપર ગંભીરતાથી પુનઃવિચાર કરવાની જરૂરત છે. *