રોમન બાદશાહ કૈસર પાસે જ્યારે ઇસ્લામી લશ્કરના સમાચાર પહોંચ્યા અને જ્યારે તેને ખબર પડી કે મુસલમાન સાચા ઈમાનના ઘરેણાથી અભિભૂત છે. પોતાની આસ્થામાં ખૂબજ ચુસ્ત અને પાકા છે અને અલ્લાહ તેમજ અલ્લાહના રસૂલ સલ્લ.ના માર્ગમાં પોતાના પ્રાણની કોઈ કિંમત જ નથી ગણતા. તો એક યુદ્ધમાં સફળ થયા પછી મુસલમાન કેદીઓમાંથી તેણે એક કેદીને જીવતો હાજર કરવાનો આદેશ આપ્યો અને અલ્લાહની મરજી એ હતી કે કેસરના દરબારમાં આ કેદી કોણ હોય તે ચિઠ્ઠી અલ્લાહના રસૂલ સલ્લ.ના એલચી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદી.ના નામની નીકળે. જેથી કૈસરના માણસો તેમને પકડીને લઈ આવ્યા. કૈસરના દરબારમાં પહોંચીને કૈસર અને અબ્દુલ્લાહ બિન હુઝાફા રદી.ના વચ્ચે જે જબરદસ્ત વાર્તાલાપ થયો. આવોે, જોઈએ આ વાર્તાલાપ શું હતો?
રોમના બાદશાહ કૈસરે કહ્યું, “હું તમને આમંત્રણ આપું છું કે તમે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લો. જો તમે મારી આ દાવત સ્વીકારી લેશો તો હું તમને મુક્ત કરી દઈશ અને તમને સન્માનપાત્ર સ્થાન અર્પણ કરીશ.”
કેદી (અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદી.)એ કહ્યું, “ના રે! મારા માટે તમારા ખ્રિશ્તીવાદના આમંત્રણ કરતાં મોત હજારઘણું વધારે પ્રિય છે.”
“તમે મને બહાદૂર માણસી લાગો છો, જો તમે મારી વાત માની લીધી તો હું તમને પોતાની સલ્તનતમાં ભાગીદાર બનાવી દઈશ.” કૈસરે કહ્યું.
કેદીએ કહ્યું, “ખુદાની કસમ જો તમે પોતાનું પુરૃં રાજ્ય પણ મારા હવાલે કરી દો અને અરબસ્તાનની સમગ્ર દૌલત પણ મને અર્પણ કરી દો, માત્ર એટલા માટે કે હું મુહમ્મદ સ.અ.વ.ના દીનથી જરાક પણ વેગળો થઈ જાઉં તો હું કદાપી તેવું નહીં જ કરૃં.”
કૈસરે કહ્યું, “તો પછી હું તમને કતલ કરી દઇશ.”
તેમણે કહ્યું, “તમારી જે ઇચ્છા હોય તે કરો.”
તે પછી કૈસરે તેમને ફાંસીના માંચડે ચડાવવાનો હુકમ કર્યો. પછી તેણે પોતાના તીરઅંદાઝોને કહ્યું કે તેમના હાથની બાજૂમાં તીર મારો. આ દરમ્યાન કૈસર તેમને ખ્રિસ્તીધર્મની દાવત પણ આપતો રહ્યો. પરંતુ અબ્દુલ્લાહ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનો ઇન્કાર જ કરતા રહ્યા. તેણે ફરી હુકમ કર્યો કે હવે કૈદીના પગ પાસેે તીર મારો. તે પછી તેણે અબ્દુલ્લાહ રદી.ને પોતાનો દીન છોડી દેવા સમજાવ્યા પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. પછી કૈસરે પોતાના માણસોને હુકમ આપ્યો કે તેમને માંચડા પરથી ઉતારી લો. હવે તેણે એક મોટી કઢાઈ મંગાવી અને તેમાં તેલ ભરીને આગ ઉપર મુકાવી દીધી. ત્યાં સુધી કે તેલ ઉકળવા લાગ્યું. પછી તેણે બે મુસલમાન કેદીઓને તેડાવ્યા અને તેમાંથી એક કેદીને ઉકળતા તેલમાં ફેંકી દીધો. તેલમાં પડતા જ આ કેદીનું માંસ ટુકડા ટુકડા થઈ ગયું અને હાડકાઓ દેખાવા લાગ્યા. આટલું ઘાતકી કૃત્ય કર્યા પછી તે હઝરત અબ્દુલ્લાહ રદી. તરફ વળ્યો અને તેમને ફરી વાર પોતાના દીનને છોડી દેવા આગ્રહ કર્યો. પરંતુ હવે અબ્દુલ્લાહ બિન હુઝાફા રદી. પોતાના ઇન્કારમાં વધારે સખત થઈ ગયા.
છેવટે જ્યારે કૈસર તેમનાથી તદ્દન નિરાશ થઈ ગયો તો તેણે આજ્ઞા આપી કે તેમને પણ ઉકળતા તેલમાં નાંખી દેવામાં આવે. આ સાંભળીને હઝરત અબ્દુલ્લાહ રદી.ની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ રડવા લાગ્યા. કૈસર સમજાવ્યો કે તેઓ ડરી ગયા છે. એટલે તેણે પોતાના સેવકોને કહ્યું કે, “તેને પાછો લાવો” અને જ્યારે તેણે તેમને ફરીથી ખ્રિસ્તીવાદનું આમંત્રણ આપ્યું તો તેમણે ઇન્કાર કરી દીધો. તેથી કૈસરે આશ્ચર્ય સાથે કહ્યું, “પછી રડી કેમ રહ્યા હતાં?” હઝરત અબ્દુલ્લાહ રદી. કહ્યું, “હું વિચારી રહ્યો હતો કે જો કદાચ મારા શરીર ઉપર જેટલા વાળ છે તેટલીવાર મને જીવન મળતા અને હું દર વખતે અલ્લાહના માર્ગમાં આ રીતે ઉકળતી કઢાઈમાં નાંખવામાં આવતો” આ સાંભળીને દિગ્મુઢ થઈ ગયેલા કૈસરે કહ્યું, “શું તમને એ મંજૂર છે કે તમે મારા કપાળને ચૂમી લો અને હું તમને મુક્ત કરી દઉં?” હઝરત અબ્દુલ્લાહે પૂછ્યું, “અને બાકીના મુસલમાનોને પણ મુક્ત કરી દેશો?” તેણે કહ્યું, “હા, બાકીના મુસલમાનોને પણ મુક્ત કરી દઈશ.”
હઝરત અબ્દુલ્લાહ કહે છે કે ત્યારે મેં વિચાર્યું કે, આ અલ્લાહનો શત્રુ છે તેના કપાળને ચૂમી લઊં અને તેના બદલામાં તે મને તથા તમામ મુસલમાનોને મુક્ત કરી દેતો હોય તો તેમાં કંઇ જ ખોટું નથી… તે પછી તેઓ કૈસરના સમીપ ગયા અને તેના કપાળને ચૂમી લીધું, ત્યારે તેણે હુકમ કર્યો કે તમામ મુસલમાન કેદીઓને મુક્ત કરી દેવામાં આવે.
અબ્દુલ્લાહ બિન હુઝાફા રદી. મુસલમાનોના ખલીફા હઝરત ઉમર રદી.ની સેવામાં હાજર થયા અને તેમણે આ કિસ્સો તેમને સંભાળ્યો. આ વાત સાંભળીને હઝરત ઉમર ફારૃક રદી.એ કહ્યું, “દરેક મુસલમાન ઉપર અબ્દુલ્લાહ રદી.નો આ હક છે કે તેમના કપાળને ચૂમવામાં આવે. અને સૌથી પહેલાં હું તેમના કપાળને ચૂમું છું.” પછી હઝરત ઉમર રદી. ઊભા થયા અને તેમના કપાળને વ્હાલપૂર્વક ચૂમી લીધું.
અંતિમવાદી લોકો કહી શકે કે એક સહાબી હઝરત અબ્દુલ્લાહ રદી.એ આવું કેવી રીતે કરી નાંખ્યું કે અલ્લાહનો વિદ્રોહી બાદશાહના કપાળને ચૂમી લીધું. પરંતુ અબ્દુલ્લાહ રદી.ને અલ્લાહના રસૂલ સલ્લ.નું એ કથન યાદ હતું કે, “દીનના મામલામાં અંતિમવાદ અને અતિશ્યોક્તિ કરનારાઓ માર્યા ગયા.” એટલા માટે તેમણે તે કામ કર્યું જ્યાં મુસલમાનોનો ફાયદો અને ડહાપણ હતું.
અલ્લાહના રસૂલ સલ્લ.એ પોતાના સાથીઓનું પ્રશિક્ષણ એવી રીતે કર્યું હતું કે તેમણે પોતાના દીન અને આસ્થાને બળપૂર્વક પકડી રાખ્યા હતા અને તેમાં જરાપણ ચલિત થવા તૈયાર ન હતા. ભલે તેની તુલનામાં ગમે તે પ્રદેશની બાદશાહત જ કેમ ન મળી જતી હોય. પરંતુ ક્યારેક તેમણે એવા પણ ડહાપણયુક્ત કામો કર્યા કે તેમની આસ્થા ઉપર જરાપણ આંચ ન આવતી હોય અને પ્રત્યક્ષરૃપે શત્રુ પ્રસન્ન થઈ જાય. પરંતુ આ પ્રકારના કામ તેમણે માત્ર તમામ મુસલમાનોના લાભ અને ફાયદા માટે તેમજ તેમને સંકટથી બચાવવા માટે કર્યા. પોતાના ઈમાન-આસ્થાને રજમાત્ર નુકશાન પહોંચાડ્યા વગર …*