હઝરત આઈશા રદિ. ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું:(કયામતના દિવસે) હશ્ર થશે ત્યારે લોકો ઉઘાડા પગ, નગ્ન શરીર અને ખત્ના કર્યા વગરના હશે. હઝરત આઈશા રદિ.એ (આશ્ચર્ય પામી) પૂછ્યું: એવી હાલતમાં તો પુરુષો અને સ્ત્રીઓ એકબીજાને જોશે. ફરમાવ્યું: કયામતના આતંક એવો તીવ્ર હશે કે માણસને કોઈની તરફ જોવાનું ભાન નહીં હોય. (બુખારી, કિતાબુર્રિકાક)
સમજૂતી:
કયામતના દિવસે મનુષ્યને બીજીવાર પેદા કરવામાં આવશે. આ અંગે કુઆર્નેકરીમમાં ફરમાવવામાં આવ્યું છે કે, “તે દિવસે જ્યારે કે આકાશને અમે તે રીતે લપેટીને મૂકી દઈશું જે રીતે તુમારના પાનાં લપેટી દેવામાં આવે છે. જે રીતે અમે પહેલાં સર્જનનો આરંભ કર્યો હતો, તે જ રીતે અમે ફરી તેનું પુનરાવર્તન કરીશું. આ એક વાયદો છે અમારા શિરે અને આ કામ અમારે ચોક્કસપણે કરવાનું જ છે,” (સૂરઃઅંબિયા-૧૦૪)
અને હદીસ સ્પષ્ટતા કરે છે કે જેવી રીતે બાળક માતાના પેટમાંથી ઉઘાડા પગે, ઉઘાડા શરીરે અને ખત્ના કર્યા વગરનો પેદા થાય છે બરાબર એવી જ રીતે માનવીને કયામતના દિવસે પોતાના અસલ રૃપમાં બીજીવાર પેદા કરવામાં આવશે. એ દિવસે કયામતનો આતંક એવો ભયંકર હશે દરેકને પોતાની મુક્તિની ચિંતા લાગેલી હશે અને કોઈને ભાન નહીં હોય કે તે બીજાની નગ્નતા તરફ ધ્યાન આપે.
આ હદીસ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે માનવીનો એ બીજો જન્મ માનવીના રૃપમાં જ થશે. બીજી શબ્દોમાં ઇસ્લામનો હશ્રનો આ ખ્યાલ પુનર્જન્મતા ખ્યાલથી તદ્દન ભિન્ન છે, અને તેને ખોટો ઠરાવે છે. કારણ કે પુનર્જન્મનો ખ્યાલ એ છે કે માનવી પશુ, વૃક્ષ વિગેરેના રૃપમાં જન્મ પછી જન્મ લે છે.