(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૧૯)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. જ્યારે આકાશ ફાટી જશે,
૨. અને જ્યારે તારા વિખેરાઈ જશે,
૩. અને જ્યારે સમુદ્રો ફાડી નાખવામાં આવશે,
૪. અને જ્યારે કબરો ખોલી દેવામાં આવશે,
૫. ત્યારે દરેક વ્યક્તિને તેનું આગળ-પાછળનું બધું કર્યું-કરાવ્યું જણાઈ જશે.
૬. હે મનુષ્ય ! કઈ વસ્તુએ તને પોતાના તે કૃપાળુ રબ (પ્રભુ-પાલનહાર) વિષે ધોખામાં નાખી દીધો
૭. જેણે તને પેદા કર્યો, તને નખશિખથી દુરસ્ત બનાવ્યો, તને એક સંતુલન સાથે બનાવ્યો,
૮. અને જે રૃપમાં ઇચ્છ્યો તને જોડીને તૈયાર કર્યો ?
૯. કદાપિ નહીં, પરંતુ (સાચી વાત એ છે કે) તમે લોકો જઝા (ઈનામ) તથા સજાને ખોટા ઠેરવો છોે,
૧૦. જો કે તમારા પર નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવેલા છે,
૧૧. એવા પ્રતિષ્ઠિત લખનારાઓ
૧૨. જે તમારા પ્રત્યેક કાર્યને જાણે છે.
૧૩. નિશ્ચિતપણે સદાચારી લોકો આનંદમાં હશે
૧૪. અને દુરાચારી લોકો જહન્નમ (નર્ક)માં જશે.
૧૫. બદલાના દિવસે તેઓ તેમાં પ્રવેશ કરશે
૧૬. અને તેનાથી કદાપિ અદૃષ્ય નહીં થઈ શકે.
૧૭. અને તમે શું જાણો કે તે બદલાનો દિવસ શું છે ?
૧૮. હા, તમને શું ખબર કે તે બદલાનો દિવસ શું છે ?
૧૯. આ તે દિવસ છે જ્યારે કોઈ વ્યક્તિ માટે કંઈ કરવું કોઈના અધિકારમાં નહીં હોય, નિર્ણય તે દિવસે સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં હશે.