Sunday, December 22, 2024
Homeપયગામઆવો, શિક્ષણને પવિત્ર કરીએ

આવો, શિક્ષણને પવિત્ર કરીએ

લોર્ડ મેકોલેએ ૧૮૩૫માં બ્રિટીશ પાર્લામેન્ટમાં ભારત ઉપર કઈ રીતે આધિપત્ય મેળવવા તેના વિશે જણાવ્યું હતું કે મે ભારતભરમાં ફરી વળ્યો પરંતુ મને એકેય વ્યક્તિ ન મળી જે ચોર કે ભિખારી હોય. સંપત્તિ જે મે આ દેશમાં જોઈ, આવા ઉચ્ચ મૂલ્યોને, આવી ક્ષમતાના લોકો. મારો ખ્યાલ છે કે આપણે આ દેશ ઉપર પ્રભુત્વ મેળવી શકતા નથી જ્યાં સુધી તેના કરોડરજ્જુ સમા તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસોને ન ભાંગી ન દઈએ. જ્યારે તેઓ વિચારતા થશે કે વિદેશનું બધુ અને અંગ્રેજી આપણા કરતા સારો અને શ્રેષ્ઠ છે. તેઓ તેમનો આત્મસંમાન અને મૂળ સંસ્કૃતિને છોડી દેશે. અને તેવો તેવા બનશે જેવા આપણે તેમને ઇચ્છી છીએ. આ જ રાષ્ટ્ર પર સારો પ્રભુત્વ છે અને જે શિક્ષણ વ્યવસ્થા તેમણે ઘડેલી તેના થકી અંગ્રેજો માત્ર કલાર્કો, બાપુઓ કે માનસિક ગુલામો જ પૈદા કરવા માગતા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા. શિક્ષણ વ્યવસ્થા એક એવો સાંચો છે જેનાથી ઇચ્છા પ્રમાણેનું ઉત્પાદન મેળવી શકીએ. ભારતને સ્વતંત્ર થયાના ૬૭ વર્ષે વીતી ગયા પરંતુ લોર્ડ મેકોલેએ ઘડેલી શિક્ષણ વ્યવસ્થા ઉપર ચર્ચા, ટીકા-ટિપ્પણી સિવાય આપણે કશું વધારે કરી શકયા નથી. તેના ઉપર પુનઃદૃષ્ટિપાત કરવાની જરૃર તો છે જ. આ ભૌતિકવાદી અને મુલ્યરહિત શિક્ષણ વ્યવસ્થાના પરિણામો તો સ્વતંત્રતા પહેલાથી જ સામે આવવા લાગ્યા હતા. બાળકો પ્રત્યે ક્રોધ, વડીલોનો અનાદર, કુસંસ્કાર, દિશાહીનતા અને ધ્યેય રહિત જીવન વિશે આપણા તે સમયના ચિંતકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી આજે ૬ દાયકા પછી સ્થિતિ કેટલી હદે વણસી હશે તે આપને બતાવવાની કે સમજવાની જરૃર નથી. તમે તમારી નરી આંખે આજે સમાજની સ્થિતિ જોઈ શકો છો. જે શૈક્ષણિક સંકુલોમાં ભાવિ નાગરિક તૈયાર થાય છે. ત્યાંના વિદ્યાર્થીના જીવનમાં એક ડોકીયુ કરી જુઓ. અશ્લીલતામાં લિપ્ત છે, અભદ્ર શબ્દો અને નિમ્ન કક્ષાની ભાષા બોલે છે, વિવિધ પ્રકારના દુષણોમાં ફસાયેલા છે બલ્કે ફેશન સમજે છે, પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ઘેલા થયા છે. મારધાડ અને રેગિંગ, અપહરણ, હત્યા, છેડતી, વ્યભિચાર અને બળાત્કાર, વડીલોનું અપમાન, પ્રધ્યાપકો સાથે મારઝૂડ દુષણો અને બુરાઈઓની લાંબી શ્રૃંખલા છે.

શૈક્ષણિક સંકુલોની આવી દશા જોઈ હૃદય કંપન કરવા લાગે છે. ભારતનો ભવિષ્ય અંધકાર હોય તેવી અનુભૂતિ થવા લાગે છે. સામુહિક રીતે જોઈએ તો આપણી શિક્ષણ પ્રણાલી શું આપી રહી છે. આપણે પશ્ચિમની સેવા કરવા માટે ઉચ્ચ કક્ષાના પ્રોફેશનલ તૈયાર કરી રહ્યા છે. અને જેઓ આ ઉદ્યોગોથી ભણી ઘડીને બહાર આવી રહ્યા છે. તેમનામાં માનવતા પ્રત્યે કોઈ લાગણી જોવા મળતી નથી. મુલ્યરહિત શિક્ષણ વ્યવસ્થાનો આ સ્નાતક ભૌતિકવાદમાં ગળાડૂબ છે. મશીન બનીને કામ કરે છે. માતા-પિતા કે પત્નિ બાળકો પાસે બેસવાની એને ફુરસદ નથી. સગા વ્હાલા અને રિશ્તેદારો તો દૂર રહ્યા અને હવે તો સ્થિતિ એટલી ગંભીર બની છે કે તેને સ્વયં પોતાના માટે સમય નથી. અને આવી નરકરૃપી જીવનથી કંટાળીને કેટલી વાર આત્મહત્યા જેવું કાયરતાપૂર્ણ કદમ પણ ઉઠાવી લે છે. વ્યક્તિગત અને સામાજિક દિશાહીનતા તથા દેશ દુનિયામાં ફેલાતા દુષણોના ઘણા બધા કારણો હોઈ શકે પરંતુ મહત્વનું એક કારણ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા છે. ‘બોય પેડ બબૂલ કા તો આમ કહાંસે પાયેં’ લોર્ડ મેકોલેએ ભારતવાસીઓ ઉપર     પ્રભુત્વ મેળવવા માટે ઇઝરાયેલની જેમ નરસંહારની યોજના નહોતી ઘડી ન તેમને શારીરિક રીતે બંદી બનાવવાની સલાહ આપી, બલ્કે ધર્મ અને મુલ્યરહિત એવી શિક્ષણ વ્યવસ્થાની સ્થાપના કરી કે આવનારી પેઢીઓ માનસિક રીતે પશ્ચિમની ગુલામ હોય અને પશ્ચિમ પોતાનો નિર્ધારિત લાભ મેળવી શકે. આ વ્યવસ્થાના દુષિત પરિણામો જોઇને એક કવીએ કહ્યું હતું;

‘યુ કત્લ સે વો બચ્ચો કે બદનામ ન હોતા

અફસોસ કે ફિરઓન કો કોલેજ કી ન સુઝી’

આપણી શિક્ષણ વ્યવસ્થાને રટણપ્રણાલી કહેવું કદાચ વધારે યોગ્ય લખાશે, કેમકે ત્યાં વિવેકબુદ્ધીનું વિકાસ કરવામાં આવતું નથી. મને સારી રીતે યાદ છે મારા વર્ગમાં ઓર્ગેનીકનો લેકચર લેવા જ્યારે પ્રોફેસર સાહેબ આવ્યા તો તેમણે પહેલા જ દિવસે કહ્યું કે આ વિષય ગોખણપટ્ટીનો છે એટલે વધારે માથામારી કરવાને બદલે બધા સુત્રો ગોખી લેવાના.!!! પશ્ચિમ જે રીતે સંશોધનના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે આપણે કેમ કરી શકતા નથી? આપણી પાસે તેમનાથી વધારે માનવબળ છે. વાસ્તવમાં તો આપણે પશ્ચિમી શિક્ષણના પડછાયારૃપ છીએ. પ્રયોગાત્મક શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવતો નથી. ન શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્વતંત્ર વાતાવરણ ઊભુ કરવામાં આવે છે. ૨૦મી સદીના ઇસ્લામી વિદ્વાન એવા મોલાના સૈયદ અબુલ આ’લા મોદૂદી રહ. કહે છે કે “દરેક યુનિવર્સિટી કોઈ સંસ્કૃતિની સેવક હોય છે એવું નિષ્પક્ષ શિક્ષણ જે દરેક રંગ અને સ્વરૃપથી મુક્ત હોય દુનિયામાં આ જ સુધી કોઈ શિક્ષણ સંકુલમાં આપવામાં આવ્યું છે ન આજે આપવામાં આવી રહ્યું છે. દરેક સંકુલનો એક વિશેષ રંગ અને ખાસ પ્રકાર હોય છે, જેની પસંદગી ખૂબ વિચાર મનન કરીને એ વિશેષ સંસ્કૃતિના ધારામાં ઢાળવામાં આવે છે. જેની સેવા તે કરવા માગે છે.” (તાલીમાત – પા.૪૯)

વધુમાં જણાવે છે “પ્રગતિ, જ્ઞાન અને સભ્યતાનું કલ્યાણકારી કે વિનાશકારી હોવાનું બધું જ આધાર તે સંસ્કૃતિ ઉપર છે જેની છત્રછાયામાં જ્ઞાન, કળા અને સભ્યતા વગેરેનું વિકાસ થાય છે. વિકાસનો માર્ગ માનવીય પ્રયત્નોના હેતુ અને પ્રાપ્ત શક્તિઓનું ઉપભોગ નિર્ધારિત કરવાવાળી વસ્તુ મૂળ સંસ્કૃતિ છે.” (તંકિહાત – પા. ૯૩)

શિક્ષણનું ભારતીયકરણઃ

હવે મોદી સાહેબે સત્તાધારણ કરતા જ સો દિવસોની અંદર જે ‘સિદ્ધી’ પ્રાપ્ત કરી તે દીનાનાથ બત્રા દ્વારા રચિત સાત પુસ્તકો અને બીજી બે એમ નવ પુસ્તકોનો પુરક અભ્યાસ તરીકે શાળાઓમાં મોકલવા છે. તેની ચારેય કોર ખૂબ ચર્ચા થઈ. ટીકાઓ પણ થઈ રહી છે અને પ્રશંસા પણ થઈ રહી છે. બધાની પાસે પોતપોતાની દલીલ છે. અત્યારે એ દલીલોની સમીક્ષા કરવાનો સમય નથી. પરંતુ એટલું જ કહેવું રહ્યું જ કે શિક્ષણ પ્રણાલી પર પુનઃ વિચારણા કરવાની સખત જરૃર છે અને એવી પ્રણાલીની રચના સમયની તાતી જરૃર છે જે આપણા ધર્મ પ્રદાન દેશ અને બહુસાંસ્કૃતિક સમાજ માટે સ્વીકાર્ય અને લાભદાયક હોય. આ પ્રણાલી પર જો કોઈ એક સંસ્કૃતિ કે ધર્મનો પ્રભુત્વ રહેશે તો સમાજમાં અશાંતિ પેદા થશે અથવા ખેચતાણનો વાતાવરણ ઉત્પન્ન થશે. આ વ્યવસ્થા તૈયાર કરવા માટે શૈક્ષણિક નિષ્ણાંત અને વિવિધ ધર્મોના વડાઓની મદદ લઈ શકાય. ગત સરકાર દ્વારા શૈક્ષણિક નીતિ ઘડવામાં શિક્ષણવિદની જગ્યાએ બજારવિદો (ટાટા-અંબાણી)ને બોલાવવામાં આવ્યા હતા. જેની વિદ્વાનોએ ટીકા કરી હતી. એવી જ રીતે આ સરકાર જો કોઈ વિશેષ વિચારધારા ધરાવતા લોકોને આ કાર્ય માટે બોલાવશે તો તેને પણ જનસ્વિકૃતિ મળશે નહીં. દીનાનાથની પુસ્તકો જોતા એવા આભાસ થાય છે કે તેઓ શિક્ષણનું ભારતીયકરણ નહીં પરંતુ શિક્ષણનું ભગવાકરણ કરી રહ્યા છે (બલ્કે શિક્ષણનું સંઘીકરણ કહેવું વધારે ઉચિત કહેવાશે.) જેમાં ભૂતકાળના ગૌરવશાળી પરંતુ નિર્ધારિત ઇતિહાસ બાળકોને શિખાડવામાં આવશે કેમકે તેમાં મોહન જોદડો કે હડપ્પા સંસ્કૃતિનો વર્ણન નથી અને ન મોઘલ યુગનો ઉલ્લેખ છે અને ધાર્મિક રીતે જોઈએ તો બધા ધર્મોને સમાન મહત્વ આપવામાં આવ્યું હોય એવું દેખાતુ નથી કોઈ એક સંસ્કૃતિની ગૌરવગાથા લાગે છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ જે વિજ્ઞાન અને ટેકનોલોજીએ પ્રગતિ કરી છે તેના પ્રણેતા આપણા પુર્વજો હતા, તેમાં ભારતનો જે નકશો બતાવવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, મ્યાનમાન વગેરે શામેલ છે. તેઓ બાળકોને શું પિરસ્વા માગે છે.!!! કદાચ બાળકો પ્રાચીન અખંડ ભારતનો નિર્માણનો સ્વપ્ન જોતા થાય તેવી તેમની ઇચ્છા હશે અરે આનું સ્વપ્ન દેખાડવાની શી જરૃર છે? ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો તો ‘વસુદેવ કુટુંબકમ’ની વાત કરે છે. આપણે તો કોરા કાગડા જેવા નાના બાળકોના માનસમાં રાષ્ટ્રોની સીમાના નહીં પરંતુ માનવી ગરીમાના ચિત્રો ઉપસાવવા જોઈએ. તેમની એવી રીતે કેળવણી અને મુલ્યો આપવા જોઈએ કે તેઓ અખંડ વિશ્વનો નિર્માણ કરવાના સ્વપ્ન સેવે. માનવતાને કોઈ સીમા નથી નડતી જ્યારે રાષ્ટ્રને સીમા હોય છે અને આ રાષ્ટ્રવાદ આગળ જઈ ફાસીવાદનું રૃપ ધારણ કરી હિંસા અને યુદ્ધોનું કારણ બને છે.

ફાસીવાદ શરૃઆતમાં રાષ્ટ્રવાદના નામે આગળ વધે છે. રાષ્ટ્રવાદ ઉભુ કરવા ઇતિહાસથી જરૂરી પ્રસંગો લઈ જનતામાં ‘રાષ્ટ્ર નિર્માણ’નું ઉન્માદ પેદા કરવામાં આવે છે અને તેના થકી દેશની વર્તમાન સમસ્યાઓ, ઉકેલી શકાશે તેવું વચન આપી સંગઠિત કરે છે અને જે શક્તિ કે પરિબળો આ ‘ઇચ્છિત રાષ્ટ્ર’ના નિર્માણમાં આડે આવે તેમને ‘શત્રુ’ તરીકે દર્શાવે છે અને પછી તેમની કોમ સિવાયના લોકોનું સામાજિક રાજનૈતિક, શૈક્ષણિક અને આર્થિક નિકંદન કાઢવાનું આયોજન કરે છે અને વિશેષ જુથ અને સમુદાયનું નરસંહાર કરે છે. ઉદાહરણ તરીકે ગત સદીમાં હિટલરનો દાખલો તમે લઈ શકો છો.

વાસ્તવમાં સંઘના ઇશારે ચાલતી સરકાર આ પૂરક પુસ્તિકાઓ અધ્યયન કરાવી જિજ્ઞાસુ બાળકો અને તેમના વાલીઓ સૌને મહાન ભારતના ગૌરવ કૂમળા ઘેનમાં એવાં ડૂબાડી દેવાં માગે છે કે તેઓ સંઘ પરિવાર અને તેના રાજકારણને ભારતીય ગૌરવના રક્ષણહાર માની બેસે અને સંઘની આંખે ઇતિહાસ તથા વર્તમાન જોતાં થઈ જાય.

તેજોમય ભારતમાં લખ્યું છે કે ‘રાઈટ બંધુઓ’એ વિમાન શોધ્યું તેવું ભણાવાય છે. યોગ્ય નથી કેમકે પરંતુ હજારો વર્ષે પહેલા મહર્ષિ ભરદ્વાજ પ્રણિત ‘બ્રહદ વિમાન સંહિતા’ નામનું ગ્રંથ વિમાન વિદ્યાનું પ્રમાણ છે. ન્યુટને ગુરૃત્વકર્ષણનો સિદ્ધાંત આપયો. તેનાથી ૫૨૫ વર્ષે પૂર્વે ઋષિ ભાસ્કારાચાર્યે એ ‘સિદ્ધાંત શિરોમણી’ નામના ગ્રંથમાં તેનું વર્ણન કર્યું હતું. આવું જ પરમાણુંની શોધનો યશ ભલે આધુનિક વિજ્ઞાનીઓને આપીએ. પણ ૨૬૦૦ વર્ષે પૂર્વે કણાદ ઋષિએ તેનું ઉલ્લેખ ‘વૈશોષિત દર્શન’માં કર્યું છે. વગેરે. આવી ઘણી વસ્તુઓનું ઉલ્લેખ છે. અહિં સવાલ એટલું જ કે તે ‘સિદ્ધિ’ કલ્પના આધારે ગણાય કે શોધના આધારે?! સામાન્ય બુદ્ધિનો માણસ પણ એ જ કહેશે કે જેમણે શોધ કરી ‘સિદ્ધી’ તેના નામે જ હોવી જોઈએ. કલ્પનાની કોઈ સીમા નથી. દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની કલ્પનાના ઘોડાઓ દોડાતો રહે છે અને બીજું આ શોધની પ્રેરણા તે ઋષિ-મુનિઓની કલ્પના વડે મળી. જે રીતે આધુનિક વિજ્ઞાન આરબ મુસ્લિમ વિજ્ઞઆનીઓનું ઋણ સ્વીકારે છે એવી રીતે આ વિજ્ઞાનિઓે એ ક્યાંય એવુ સ્વીકાર્યું નથી કે   અલીફલેલા, અલાઉદ્દીનનો ચિરાગ, હેરી પોર્ટર, સાઈન્સ ફિકશન ભોકાળ, નાગરાજ અને ચાચા ચોધરી સાબુ જેવી કોમીક્સ અને એવી ઘણી બધી ફિલ્મો અને સાહિત્ય છે જે કલ્પના આધારિત છે (રામાયણ અને મહાભારતને પણ કાલ્પનિક કહેનારો એક વર્ગ પણ ભારતમાં છે એ વાત જુદી) જ્ઞાન કલ્પનાનું નામ નથી સત્યનું નામ છે.

શિક્ષણનો સાચો સ્વરૃપ શું?

મારો ખ્યાલ છે કે શિક્ષણ વ્યવસ્થાને કોઈ ખાસ રંગ આપવાના બદલે સત્ય પ્રિય બનાવવું જોઈએ. મૂલ્યો આધારિત શિક્ષણ આપવા જોઈએ અને એવા વૈશ્વિક માનવીય મૂલ્યો શીખવાડવા જોઈએ; પ્રેમ, સમ્માન, આદરભાવના, બંધુત્વ, સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા, ત્યાગ બલિદાન, સત્યસાક્ષી, સહિષ્ણુંતા, વિનમ્રતા વગેરે જેવા પુષ્પોથી બાળકોનું જીવન શણગારવું જોઈએ. આડંબર, ભૌતિકવાદ, લાગણીહીનતા, નિર્દયતા, અશ્લીલતા, અનૈતિકતા, પશુતા વગેરે જેવા દુગુર્ણો દૂર થાય એવી વ્યવસ્થા ઘડવી જોઈએ અને આ મૂલ્યો ધર્મોમાં સારી રીતે વર્ણેલા છે તેથી બધા જ ધર્મોનું યોગ્ય અને વાસ્તવિક જ્ઞાન પણ રીતે આપવું જોઈએ અને બાળકની વિવેકબુદ્ધીને સ્વતંત્ર વાતાવરણ આપવું જોઈએ કે જેથી તે સત્ય-અસત્ય અને ખરા-ખોટાની આપ મેળે ઓળખ કરી શકે. પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા ‘કાર્ડિઓલિસ્ટ’ તૈયાર કરી શકે પરંતુ ‘હૃદય’ આપી શકતી નથી તે આઈ સ્પેશીલિસ્ટ તૈયાર કરી શકે પરંતુ વીઝન આપી શકતી સંસ્કાર અને વિજ્ઞાનનું સંગમથીં એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવી જોઈએ કે બાળકમાં ઇશપરાયણતા અને માનવતા પેદા થાય. નાગરિક જવાબદારીનું ભાન થાય, નૈતિક મૂલ્યોનું સીંચન થાય.

શિક્ષણ અને લિટ્રેસી :

શિક્ષણ અને ભણતરમાં પણ ફરક સમજવાની જરૂરી છે. ભણતર એ અક્ષર જ્ઞાન/માહિતી સંગ્રહ કરવાનું અને નામ છે. શિક્ષણ એ જ્ઞાન છે. ભણતર એવું છે જેમ કોઈ આધળાને દૃષ્ટિ આપવી પરંતુ શિક્ષણ આંતરદૃષ્ટિ આપે છે. ભણતર જોતા શીખવાડી શકે પરંતુ શિક્ષણ શંુ જોવુ. શું ન જોવું એ શીખવાડે ભણતર એટેમીક એનર્જીનું ઉત્પાદન શીખવાડે પરંતુ શિક્ષણ તેનો ઉપયોગ કરતા શીખવાડે. ભણતર કમાવતા શીખવાડી શકે પરંતુ શિક્ષણ તેનો સદ્ઉપયોગ કરતા શીખવાડે. ભણતર બ્રહમાંડનું દર્શન કરાવે પરંતુ શિક્ષણ ‘સ્વાધ્યાય’ શિખવાડે. આધુનિક શિક્ષણ ઉપર ટકોર કરતા અલ્લામા ઇકબાલ રહ. કહે છે;

વો જિસને સૂરજકી શુઆકો ગિરફતાર કિયા

વો અપની અફકાર કી દુનિયામે સફર કર ન સકા

એક ઉદાહરણ : સમાચાર પત્રોમાં તમે વાચ્યું હશે ગત વર્ષે એક આઈ.એ.એસ.ને ત્યાં રેડ પડતા તેના ઘરમાંથી ૫૦૦ કરોડ રૃપિયા મળી આવ્યા હતા. સ્પષ્ટ છે આ બધુ તેમણે ભ્રષ્ટાચાર અને વિવિધ પ્રપંચો કરી ભેગા કર્યા હશે. તેના માટે કેટલા નિર્ધનો અને નાદાર લોકો પર અત્યાચાર કર્યું હશે. આ ભણેલા વ્યક્તિનું પાત્ર છે. અશિક્ષિત ચોરોના મુકાબલામાં ભણેલા ચોરો વધુ નુકસાનકર્તા છે. તેઓ રાષ્ટ્રના વિકાસની વાત કરે છે પરંતુ પોતાના કૃત્યથી રાષ્ટ્રની ઘોર ખોદે છે. આ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાની પ્રડક્ટ છે. આવી વ્યક્તિને શિક્ષિત કહી શકાય નહીં.

બીજું : જમ્મુ કાશ્મીરની આપદામાં મદદ કરવા ‘રીલીફ ફંડ’માં ફાળો જમા કરતા જમાઅતે ઇસ્લામી હિંદના એક કાર્યકરે એ વાત કરી કે તેઓ જુમ્આના દિવસે મસ્જિદ બહાર ફંડ જમા કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક સ્ત્રી પણ હતી જે ભીખ માગી રહી હતી. તેને જે પૈસા મળ્યા તે તેમણે ‘રીલિફ ફંડ’માં આપી દીધી. જ્યારે કે તેમને તે પૈસાની સખત જરૃર હતી. આવી ત્યાગ ભાગના જોઈ મન પ્રફુલિત થઈ ગયું. તે સ્ત્રી નિરક્ષર હતી પરંતુ અશિક્ષિત ન હતી. આ છે સંસ્કાર, કદાચ એવા મૂલ્ય આપણે આવનારી પેઢીને પરોસી શકીએ.

શિક્ષણ વગર ભણતર નિરર્થક છે બલ્કે હાનિકારક બની શકે છે તેથી શિક્ષણ ઉપર ભાર આપવાની જરૃર છે. માત્ર બુદ્ધિના વિકાસ પર ધ્યાન નહિ બલ્કે બાળકના શારિરીક, માનસિક અને આધ્યાત્મિક એટલે સર્વાંગી વિકાસ પર ધ્યાનકેન્દ્રિત કરવું જોઈએ. કેમકે શિક્ષણનું સંબંધ રોજિંદા જીવનથી છે. સંયમ, સત્યસ્વિકૃતિ, સમાજ સેવા, ઉચ્ચ નૈતિકતા, ફરજ પ્રત્યે ઉદાસીનતા અને જાગૃતતા, જીવનના અંધકારને નાબૂદ કરી શકે છે. કેમકે ભણતર વ્યવસાય કરતા શીખવાડી શકે પરંતુ શિક્ષણ વ્યવસાય કેમ કરવું, કઈ રીતે કરવું, શું મર્યાદા છે તે શીખવાડે છે. ભણતર આર્થિક વૃદ્ધિ કરતા શીખવાડે પરંતુ ભણતર ન્યાય સાથે વિકાસ કરવાનો ગુણ કેળવે, શિક્ષણ સર્જનાત્મક, ઇનોવેશનની પ્રેરણા આપે અને વિચારોમાં ક્રાંતિ લાવે છે પરંતુ ભણતર માત્ર તેને મેનટેન કરી શકે છે.

ઇસ્લામનું દૃષ્ટિકોણ :

ઇસ્લામી શિક્ષણનો આધારબિંદુ એક એવી વસ્તુ છે જે બધા જ ધર્મોના લોકો માટે સ્વીકાર્ય હોઈ શકે તે છે એકેશ્વરવાદ. કુઆર્ન કહે છે કે “જ્ઞાન ધરાવનારા લોકો જ ઇશ્વરથી ડરે છે.” અલ્લાહની નારાજગીનું ભય જ માનવને સંયમી બનાવે છે. ઉત્તરદાયિત્વની ભાવના તેને સત્યપ્રિય, ન્યાયી અને સત્યનિષ્ઠ બનાવે છે. આ જ ગુણ વ્યક્તિમાં માનવી મૂલ્યોનું સીંચન કરે છે અને આ જ ગુણ વ્યક્તિને અત્યાચાર, જુલ્મ અને હિંસાથી અટકાવે છે. મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું કે “દરેક વ્યક્તિને શિક્ષણ પ્રાપ્ત કરવી ફરજ છે.” આપે કહ્યું “શિક્ષણ મેળવો ગોદ (ખોળા)થી ગોર (કબર) સુધી.” અને આપે કહ્યું “જ્ઞાન મોમિનનો ખોવાયેલા વારસો છે જ્યાં મળે તેને પ્રાપ્ત કરી લેવો.”

અંતે :

લોર્ડ મેકોલેએ ઘડેલી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન થયું જોઈએ એ વિચારથી મોટા ભાગે લોકો સંમત છે. અને શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યો, નૈતિકતા અને સર્વાંગી વિકાસ ઉપર ભાર આપવું જોઈએ. આ મતથી પણ કોઈને વાંધો નથી. ગાંધીજી અને વિવેકાનંદ જેવી વિભૂતિઓએ પણ તેનું ઉલ્લેખ કર્યું છે. ભણતર અને શિક્ષણ એટલે આધુનિક વિજ્ઞાન અને સંસ્કારોના સંગમનો પણ કદાચ કોઈ વિરોધ ન કરે. તો પછી વાંધો ક્યાં આવે છે, વિરોધ ક્યાં થાય છે? અડચણ શી છે? નિષ્પક્ષ રીતે અને તટસ્થ મને જુઓ તો ખ્યાલ આવશે. આ નવી વ્યવસ્થાને કોઈ ખાસ સંસ્કૃતિ કે ધર્મ કે રાજકારણ સાથે જોડવામાં આવશે ત્યાં લોકોની સ્વીકૃતિ મળશે નહીં. બજારવિદો અને સંઘી વિચારોને ત્યજી શિક્ષણવિદો, ધાર્મિક અને સામાજીક આગેવાનોના સલાહ સૂચનો તથા આપણા પૂર્વજો (કોઈપણ ધર્મ અને દેશના હોય)ની સારી શીખામણો સામે રાખીને એવી વ્યવસ્થા બનાવી શકીએ કે આવનારા સમયમાં ફરી ભારતમાં કોઈ ચોર, ભ્રષ્ટાચારી, દુરાચારી લાગણીહીન કે ભિખારી જોવા ન મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments