ઇસ્લામ એ પ્રાકૃતિક ધર્મ છે. ધર્મની અંકુચિત વ્યાખ્યા કરનારાઓ માટે ધર્મ એટલે રીત-રિવાજ પ્રસંગો કે તહેવારોની ઉજવણી કે અમલીકરણ કરવા માટે આપવામાં આવેલ માર્ગદર્શન હોય, તો ઇસ્લામ એ પ્રાકૃતિક જીવન-વ્યવસ્થા છે. જીવન વ્યવસ્થામાં વ્યક્તિગત, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાજકીય બાબતોનો સમાવેશ થાય છે, અને દરેક બાબતમાં ઇસ્લામનું માર્ગદર્શન પારદર્શી, સચોટ અને ન્યાયના તકાદા પર આધારિત છે. ઇસ્લામમાં કેટલીક બાબતો ફર્ઝ (Compulsory)ના દાયરામાં આવે છે, કેટલીક બાબતો સુન્નતના દાયરામાં આવે છે. અને કેટલીક બાબતો નફ્લ (Profitable) અને મુબાહ (Optional)ના દાયરામાં આવે છે. ઇસ્લામમાં ઈમાન, નમાઝ, રોઝા, ઝકાત અને હજ્જ ફર્ઝ કરવામાં આવ્યા છે. દરેક કર્મનું એક મહત્ત્વ છે.
ઝકાત એક એવું ફર્ઝ છે જે સામાજિક અને આર્થિક બંને બાબતો પર એક સમાન અસર કરે છે. કોઈ સમાજ ત્યાં સુધી વિકાસ નથી કરી શકતો જ્યાં સુધી તેના લોકોની અંદર એકબીજા માટે હમદર્દીના ભાવ ન હોય. હમદર્દી એકમાત્ર એવું ત¥વ છે જે સમાજના ગરીબ, વંચિત અને તરછોડાયેલા લોકોની મદદ માટે સમાજના સુખી અને સમૃદ્ધ લોકોને પ્રેરે છે. ઇસ્લામ સમાજના તમામ લોકોને જાત-પાત, રંગ, પ્રદેશ કે અમીર-ગરીબના વાડાઓથી ઉપર ઉઠાવી તમામને એક સરખો ગણે છે અને જે વ્યક્તિ સૌથી વધુ ઈશભય (ખૌફે ખુદા) રાખે છે તે જ અલ્લાહની સૌથી નજીક છે એવું શિક્ષણ આપે છે. આ ખ્યાલ લોકોનો અલ્લાહની નજીક જવા માટે પ્રબળ શક્તિ અને સમજ પ્રદાન કરે છે.
જ્યારે વ્યક્તિ પાસે ૫૨.૫ તોલા ચાંદી અથવા ૭.૫ તોલા સોનું કે તેની કિંમત જેટલી રોકડ રકમ હોય તો તેની ઉપર ઝકાત ફર્ઝ થઈ જાય છે. આમ વ્યક્તિની કુલ ઝકાત પાત્ર રકમનો ૪૦મો ભાગ (૨.૫ ટકા) તેના હકદારોને દર વર્ષે આપવાની હોય છે. આ ઝકાત પાત્ર રકમ પર એક વર્ષ વીતવો જરૂરી છે. તેના હકદારો વિષે સૂરઃ તૌબા આયત નંબર ૬૦માં આ રીતે વર્ણવામાં આવ્યું છે,
“આ સદ્કાનો માલ તો હકીકતમાં ‘ફકીરો’ (ગરીબો) અને ‘મિસ્કીનો’ (નિર્ધનો) માટે છે અને તે લોકો માટે જેઓ સદકા (દાન)ના કામ માટે નિયુક્ત છે, અને તેમના માટે જેમના હૃદય મોહી લેવાનો આશય હોય, ઉપરાંત આ ગરદનો છોડાવવા અને કરજદારોની સહાય કરવામાં અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરની મહેમાનગતિમાં ઉપયોગ કરવા માટે છે. આ એક અનિવાર્ય કર્તવ્ય છે અલ્લાહ તરફથી, અને અલ્લાહ સર્વજ્ઞ, તત્ત્વદર્શી અને જાનાર છે.”
આમ સમાજનો સુખી અને સમૃદ્ધ વર્ગ પોતાની આવકનો ૪૦મો ભાગ ‘ઉપકાર’ તરીકે નહીં પરંતુ ‘હક્ક’ તરીકે તેના હક્કદારોને વહેંચે છે. આમ માલદાર લોકોનો ૪૦મો ભાગ આ રીતે ગરીબોમાં, મિસ્કીનોમાં, હાજતમંદોમાં વહેંચાઈ જાય છે. યાદ રહે આ ઝકાતની ફરજિયત અને હક્કદારો મુસ્લિમ હોવા અનિવાર્ય છે. રાજ્યમાં જા બીજા ધર્મના લોકો હોય તો તેમની ઉપર ઝકાત લાગુ પણ ન કરી શકાય, અને વહેંચી પણ ન શકાય. ઝકાતની આ વ્યવસ્થા લોકો વ્યક્તિગત રીતે કરે તે ઇચ્છનીય નથી એટલે કે તેનું કલેકશન અને વિતરણ સામૂહિક હોવું જાઈએ અને આ જવાબદારી મુસ્લિમ સત્તાધારીઓની છે. પણ જ્યાં મુસ્લિમો સત્તામાં નથી ત્યાં તેઓએ ઝકાતની વ્યવસ્થા સ્થાપિત કરવી જાઈએ કે જેથી ઝકાતની રકમ ખરેખર તેના હક્કદારો સુધી પહોંચે.
ઝકાતના વિતરણ બાબતે સ્પષ્ટ છે કે તે પહેલાં પોતાના નજીકના સંબંધીઓમાં, પછી દૂરના સંબંધીઓમાં અને પછી આડોશ-પાડોશમાં રહેતા જરૂરતમંદોને આપવી જાઈએ. આ રીતે ઇસ્લામ લોહી-સંબંધ (Blood Relation) ધરાવતા લોકોને એકબીજાથી જાડી દે છે. કુઆર્નમાં સૂરઃબકરહ આયત ૨૭૭માં છેઃ
“હા, જે લોકો ઈમાન લઈ આવે અને સદ્કાર્યો કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, તેમનો બદલો નિઃસંદેહ તેમના રબ પાસે છે અને તેમના માટે કોઈ ભય અને દુઃખની શકયતા નથી.”
ઝકાત સિવાય પણ ગરીબો અને જરૂરતમંદોને આપવાની ભલામણ કરવામાં આવી છે કે જેથી ગરીબી ઓછી કરી શકાય. સમાજમાં હંમેશાં ગરીબી રહેવાની, કારણ કે લોકોની બુદ્ધિમત્તા, કૌશલ્ય, રહેણી-કરણી, જીવનનું લક્ષ્ય વગેરે બાબતો લોકોની આવક અને બચત પર અસર કરે છે. તેથી સમાજમાં ક્યારેય એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય કે બધાની સંમત્તિ અને આવક એક સરખી થઈ જાય. ઝકાતની વ્યવસ્થાને કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારે નહીં હોય. જે લોકો ગરીબી મટાડવાની વાત કરે છે તેઓ પણ સારી રીતે જાણે છે કે ગરીબી મટાડવી અશક્ય છે પરંતુ સત્તા હાંસલ કરવા અને ગરીબનું તુષ્ટિકરણ અને શોષણ કરવા તેમની ભાવના સાથે રમત કરી વોટ પડાવે છે.
આજે દુનિયામાં જાઈએ તો ગરીબી નાબૂદ કરવાના અસંખ્ય પ્રયાસો થયા હોવા છતાં અમીરોની સંપત્તિમાં સતત વધારો થતો જાય છે પરંતુ ગરીબ ઓર ગરીબ થતો જાય છે તેના મૂળમાં લોકોની લાલચ, માલનો પ્રેમ, સરકારોની મૂડીવાદીઓ માટેની નીતિ અને સાંઠગાંઠ જવાબદાર છે. અને કેટલીક માનવતાવાદી સરકારો CSR (Corporate Social Responsibilty)ના નામે મૂડીપતિઓ પર ફરજિયાત ચોક્કસ રકમ ખર્ચવાનો બોજા નાંખ્યો છે પરંતુ ત્યાં ભ્રષ્ટાચાર એટલો છે કે ખરેખર જરૂરતમંદ વ્યક્તિ સુધી રાહત પહોંચતી જ નથી. બીજી તરફ મુસ્લિમો છે કે જેઓ ઈશભયના કારણે જરૂરતમંદોને તેમના હક્ક સમજીને તેમની મદદ કરે છે. આ રીતે અમીરોમાં ઘમંડ, લાલચ, ગરીબોને તુચ્છ સમજવું વગેરે માનસિક અને દિલની બીમારીથી બચી જાય છે અને પરસ્પર માન-સન્માન, મદદ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ઇચ્છાશક્તિ પેદા થાય છે. આ રીતે નાગરિકોમાં ખુશી, પ્રસન્નતા અને સંતોષની લાગણી જન્મે છે.
આમ દુનિયામાં કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો ખ્યાલ ત્યાં સુધી અમલી નથી બની શકતો જ્યાં સુધી ઝકાતની વ્યવસ્થા લાગુ કરી દેવામાં નથી આવતી.
•